ભાસ્કર એક્સક્લૂસિવ'તમારાં સરનામાં હું વીખી ન નાખું તો જયરાજસિંહ નહીં':જાડેજાએ કહ્યું, રાઈ ભરાઈ હોય તો કાઢી નાખજો, જીવું છું ત્યાં સુધી મારા પરિવાર સિવાય કોઈને ટિકિટ નહીં મળે

અમદાવાદ2 મહિનો પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ માહોલ ગરમી પકડી રહ્યો છે. અનેક જગ્યાએ ઉમેદવારો વચ્ચે તણખા ઝરી રહ્યા છે. દરમિયાન ગુજરાતની એક સીટ તો ધગધગી ગઈ છે. વાત થઈ રહી છે હાઈપ્રોફાઈલ એવી ગોંડલ સીટની. ભાજપે ફરી અહીં જયરાસિંહ જાડેજાના પત્ની ગીતાબાને ટિકિટ આપી છે. પણ આ વખતે ગોંડલની હવામાં તંગદીલી ભળી રહી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. આ બધાની વચ્ચે જયરાજસિંહ જાડેજાનો એક નવો વીડિયો સામે આવ્યો છે. જેમાં તેમણે વિરોધીઓને ખુલ્લી ચેલેન્જ આપી છે કે કોઈના મગજમાં રાય ભરાઈ ગઈ હોય તો કાઢી નાખે. જયરાજસિંહ જીવે છે ત્યાં સુધી તેના પરિવાર સિવાય કોઈને ટિકિટ નહીં મળે.

જયરાજસિંહે હાલમાં ચૂંટણી પ્રચાર અંતર્ગત ગોંડલ મતવિસ્તારમાં આવતાં ભુણાવા ગામની મુલાકાત લીધી હતી. રાત્રે ગામના ચોકમાં તેમણે ગામના લોકોને સંબોધ્યા હતા. જેમાં જયરાજસિંહે આક્રમક ભાષણ આપ્યું હતું. આ સભામાં જયરાજસિંહે ક્ષત્રિય સમાજના આગેવાનોને આડેહાથ લીધા હતા. તેમજ રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન સહદેવસિંહ જાડેજાને ખુલ્લી ચેલેન્જ આપી હતી. આ સિવાય તેમણે જયંતી ઢોલ અને અનિરુદ્ધસિંહ જાડેજાનું પણ નામ લીધું હતું.

જયરાજસિંહ જાડેજા પત્ની ગીતાબા સાથે.
જયરાજસિંહ જાડેજા પત્ની ગીતાબા સાથે.

ક્યાંય આડા આવશે તો સારાવટ રહેવા દઉં તો મારા બાપનો નહીં
જયરાજસિંહે કહ્યું, મારાથી વધારે બોલાઈ જશે પણ અને કહી દેજો કે મગજમાંથી રાય હોય તો કાઢી નાખે. રેકોર્ડિંગ કરીને સંભળાવજો. એની દેડકા જેવી આંખો, કાલે ઉંઘાડા પગે આંટા મારતો હતો. મોરબીમાં ધંધે મેં બેસાડ્યો. ગામના ચોકમાં આવીને બાપુજી એમ કહેતો હતો. મે સહકાર આપ્યો. બે પગે મેં ચાલતો કર્યો અને જયરાજસિંહ સામે પડ્યો? તમારી જે કાંઈ પણ હેસિયત છે ને એ તમારી પૂરતી રાખજો. ગામના ચોકમાં સોગંધ ખાય ને કહું છું કે મારે તેનો (સહદેવસિંહ જાડેજા) ટેકો નથી જોઈતો. મતદાનમાં ક્યાંય આડા આવશે તો સારાવટ રહેવા દઉં તો મારા બાપનો નહીં. ચકલુંય જો ફરક્યું ને તો મારા બાપનો નહીં. મતદાનના દિવસે હું આ વિસ્તારમાં રહેવાનો છું. રીબડા સહિત મને જો કંઈ એમાં કંઈ ચૂક દેખાણી, અને ઓછું ઉતર્યું તો એવું માનતા નહીં કે 1998 પછી મારી વય 25 વર્ષ વધી ગઈ છે. વધી નથી પણ ઘટી ગઈ છે.

જે દિવસે દીવા બળતા હતા ને તે દિવસે મેં એ દિવા ઓલવી નાખ્યા છે
જયરાજસિંહે ઉમેર્યું હતું કે તમને ભરી દેવાની વાત ઠીક છે તમારા એડ્રેસ ન જડવા દઉં. આ રેકોર્ડિંગ કરી લેજો રેકોર્ડિંગ. મારા બેટાવ તમે ક્યાં જઈને બેઠા અને ક્યાં જઈને ઉભા રહ્યા. તમારી હેસિયત શું છે? મને એટલી બધી ખીજ ચડી છે એટલી બધી ખીજ ચડી છે. ગામના વડીલો પર પણ મને ખીજ ચડી છે. આ તમે શું કરવા નીકળ્યા છો. પહેલી ફરજ ક્ષત્રિય સમાજના આગેવાનોની છે. પટેલ સમાજના આગેવાનોએ મને સમજાવાની કોશિષ કરી છે. તો ગરાસિયા ક્યાં ગયા હતા. તમે આ કરો છો કોની સામે? આ તમને મોટા કોણે કર્યા? આગેવાન તરીકે ક્ષત્રિય સમાજના વડીલ તરીકે જો જયરાજસિંહ ખોટું કરતો હોય તોય તમારે મને કહેવું જોઈએ કે તમે આ ખોટું કરો છો. મૂંગા બેઠા છે બધા. જયરાજસિંહ જાડેજાને ઈશ્વરે શક્તિ આપી છે. આતો કાંય નથી. જે દિવસે દીવા બળતા હતા ને તે દિવસે મેં એ દિવા ઓલવી નાખ્યા છે.

જયરાજસિંહ જાડેજા પત્ની ગીતાબા અને પુત્ર જ્યોતિરાદિત્યસિંહ સાથે.
જયરાજસિંહ જાડેજા પત્ની ગીતાબા અને પુત્ર જ્યોતિરાદિત્યસિંહ સાથે.

તૂટેલા બૂટ પહેરીને આંટા મારતો હતા, ભૂલી ગયા?
જયરાજસિંહે ઉમેર્યું કે, તમારા સરનામા મેં બનાવ્યાને? ઈ સરનામા હું વિખી ન નાખું તો હું જયરાજસિંહ જાડેજા નહીં. કહી દેજો એને. શરમ થવી જોઈએ શરમ. એ કહે છે કે મારે ટિકિટ જોઈએ છે. અરે કાલ તૂટેલા બૂટ પહેરીને આંટા મારતો હતો. ભૂલી ગયા? હું વ્યક્તિગત વાત કરું છું. તમે કોઈ મારો થપ્પો માથે ન લઈ લેતા. હું બે નામજોગ વ્યક્તિ સાથે વાત કરું છું. તમે હાથા બની ગયા છો. કોના હાથા બન્યા છો એ નિરાંતે વિચારજો. એક નંબર જયંતી ઢોલ. બે નંબર અનિરુદ્ધ. તમે આના હાથા બન્યા છો. એ હાથા અને કુહાડા બધું ભેગું કરી તમે તમારા પગ કાપ્યા છે. જયરાજસિંહ જાડેજાને નુકસાન કરવાની તમારી હેસિયત નથી.

લેઉવા પટેલ સમાજનો આભાર માનું છું
જયરાજસિંહે વધુમાં કહ્યું કે, આ લેઉવા પટેલ સમાજને સલામ કરું છું. જે દિવસે મહિપતસિંહનો દસકો હતો ને ત્યારે આ ગામે મને લીડ કાઢીને આપી હતી. અને એનો ફરીથી આભાર માનું છું. આ સીટ પર એક લાખની વસ્તીનો લઉવા પટેલ સમાજ છે એમાં ભારતીય જનતા પાર્ટીએ ખાનગીમાં પૂછાવ્યું કે આ જયરાજસિંહ જાડેજા સામે લેઉવા પટેલમાંથી કોઈને ટિકિટ જોઈએ છે. પણ બધાએ એક અવાજે કહ્યું અમારે નથી જોઈતી પણ જયરાજસિંહ જાડેજાને આપો. અમારે માટે ભગવાન કોણ? આ ગરાસિયા આમતેમ આંટામારે છે અને મારી સામે ટિકિટ માંગે છે? હમારી બિલ્લી હમકો મ્યાઉં?

જયરાજસિંહ જાડેજા (ફાઈલ તસવીર)
જયરાજસિંહ જાડેજા (ફાઈલ તસવીર)

તમે ગદ્દારી કોઈ સાથે નહીં અને મારી સાથે કરી?
તમારા ગામનો કાલ સવારનો છોકરો સહદેવ એને ઉપાડીને હું જિલ્લા પંચાયતમાં લઈ ગયો. એને મેં કારોબારીનો ચેરમેન બનાવ્યો. જ્યારથી પંચાયતી રાજ આવ્યું છે ત્યારથી જિલ્લા પંચાયતમાં ગરાસિયાનો દીકરો પહેલીવાર ચેરમેન બન્યો છે. એ ભૂલાઈ ગયું બધું? પહેલા તો વડીલોને મારો ઠપકો છે. તમારા ગામમાં આવી સ્થિતિનું નિર્માણ થયું તો તમે વડીલોએ શું ભૂમિકા નિભાવી. ગામના ક્ષત્રિય આગેવાનોએ મારી પાસે આવવું જોઈએ કે અમારા છોકરાની ભૂલ છે. કેમ કોઈ બોલ્યું નહીં? કેમ બધા છાનામાના બેઠા છો? તેને ભુણાવાની પાદરની બહારનો રસ્તો મેં બતાવ્યો છે. શું એની તાકાત ઉપર એ ટિકિટ લઈ આવ્યો હતો? દરબાર તરીકે, ક્ષત્રિય તરીકે ઋણ કે અહેસાન હોવો જોઈએ. શું મારે અહીં એટલા બધા બૈરા (સ્ત્રીઓ) બેઠાં છે અને મારે બોલવું. તમે ગદ્દારી કોઈ સાથે નહીં અને મારી સાથે કરી?

કોઈને કાંઈ હવા કે વહેમ હોય તો કાઢી નાખે
તેમણે આક્રમક અંદાજમાં કહ્યું હતું કે, જયરાજસિંહ જાડેજા જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી તેના પરિવાર સિવાય કોઈને ટિકિટ નથી મળવાની. જ્યાં લખવું હોય એ ત્યાં લખી લો. જયરાજસિંહ જાડેજા ભાજપમાં ઘરડો થઈ ગયો છે હવે. આ લોકોએ મારામાં વિશ્વાસ રાખ્યો છે. જો કોઈને કાંઈ હવા કે વહેમ હોય કે આ ગામમાં હું આમ કરી નાખું તેમ કરી નાખું. તો એ ભૂલી જાય હો. આ જયરાજસિંહ જાડેજા 98ની સાલમાં હતો ને ઈનો ઈ જ છે. એમાં જરાય કોઈ શંકા રાખતા નહીં. હવે ગરાસિયા તરીકે મારે ભરોસો કોનો કરવો વિચાર તો કરો.

ડાબી બાજુ રાજકોટ જિલ્લા કારોબારી સમિતિના ચેરમેન સહદેવસિંહ જાડેજા અને જમણી બાજુ જયરાજસિંહ જાડેજા.
ડાબી બાજુ રાજકોટ જિલ્લા કારોબારી સમિતિના ચેરમેન સહદેવસિંહ જાડેજા અને જમણી બાજુ જયરાજસિંહ જાડેજા.

ગામમાં વિકાસમાં ક્યાંય અન્યાય નહીં થવા દઉં
આ ભુણાવા ગામમાં વિકાસના કામો કરવામાં મેં કંઈ ઘટવા નથી દીધું એ હકીકત છેને? સામે બેઠેલા બધાના ઘરે એક એક ટીપ (પાણી ભરવાનું મોટું વાસણ) હતી. મહેમાન આવે તો તાત્કાલિક ટીપ ભરવા વાડીએ જવું પડતું. પણ હવે કેટલા વર્ષથી પાણીનું સુખ આવી ગયું? 25 વર્ષથીને? આ ગામમાં ક્યાંય એવી જગ્યા બાકી છે જ્યાં રોડ ન બન્યો હોય? તમારા ગામમાં વિકાસમાં ક્યાંય અન્યાય નહીં થવા દઉં એની ખાતરી આપું છું. મતદાન મથક પર કોઈ જાતનો કાંકરીચાળો નહીં થાય એની પણ ખાતરી આપું છું. તમે મને છઠ્ઠી વાર મત આપવાના છો એનો સંપૂર્ણ વિશ્વાસ સાથે આભાર માનું છું. કાળી રાત્રે જયરાજસિંહ કામ હોય તો તમારી સાથે છે.

અંદાજે ત્રણ મહિના પહેલાં સાંસદ ધડૂક સાથે સહદેવસિંહ જાડેજા ગૃહમંત્રી અમિત શાહને મળવા ગયા હતા.
અંદાજે ત્રણ મહિના પહેલાં સાંસદ ધડૂક સાથે સહદેવસિંહ જાડેજા ગૃહમંત્રી અમિત શાહને મળવા ગયા હતા.

સહદેવસિંહ જાડેજાના સંબંધો જયરાજસિંહ સાથે કેમ વણસ્યા?
અંદાજેથી આજથી ચાર મહિના પહેલા રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન સહદેવસિંહ જાડેજા પોરબંદરના સાંસદ રમેશ ધડુકની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. અમિત શાહ સાથેની મુલાકાતના ફોટો તેમણે પોતાના ફેસબૂક એકાઉન્ટ ઉપર પણ શેર કર્યા હતા. આ ફોટો વાઈરલ થતાં જ સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. એવી વાત ચર્ચાવા લાગી હતી કે સહદેવસિંહ જાડેજા ગોંડલ વિધાનસભાની ટિકિટ માટે લોબિંગ કરવા પહોંચ્યા હતા. આ વાત જયરાજસિંહને ખબર પડતાં તેઓ નારાજ થઈ ગયા હતા. તેમણે સહદેવસિંહ જાડેજાને પડકાર ફેંકી કારોબારી સમિતિના ચેરમેનપદ ખાલી કરવાની ચેલેન્જ આપી હતી. જેના થોડાક દિવસ બાદ અચાનક કારોબારી સમિતિના ચેરમેન સહદેવસિંહે રાજીનામું આપી દીધું હતું. સહદેવસિંહે ડીડીઓને નહીં પરંતુ રાજકોટ જિલ્લા પ્રમુખના કાર્યાલય ખાતે પોતાનું રાજીનામું મોકલી આપ્યું હતું. જોકે જિલ્લાપ પ્રમુખે તેમના રાજીનામાનો સ્વીકાર કર્યો નહોતો. આ વાતથી જયરાજસિંહ જાડેજા સહદેવસિંહથી નારાજ ચાલી છે.

ડાબી બાજુ અનિરુદ્ઘસિંહ જાડેજા પુત્ર રાજદિપસિંહ સાથે તેમજ જમણી બાજુ જયરાજસિંહ જાડેજા પુત્ર જ્યોતિરાદિત્યસિંહ સાથે.
ડાબી બાજુ અનિરુદ્ઘસિંહ જાડેજા પુત્ર રાજદિપસિંહ સાથે તેમજ જમણી બાજુ જયરાજસિંહ જાડેજા પુત્ર જ્યોતિરાદિત્યસિંહ સાથે.

કેમ દુશ્મન બન્યા જયરાજસિંહ-અનિરુદ્ધસિંહ?
ભાજપનો ગઢ અને હંમેશાં શાંત ગણાતી ગોંડલ બેઠક પર આ વખતે જ્વાળામુખી ફાટ્યા જેવી સ્થિતિ છે. આનું કારણ એક સમયના પાક્કા મિત્રો જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા વચ્ચેનો ચરમસીમાએ પહોંચેલો જૂથવાદ છે. બંને જૂથ પોતાને ટિકિટ મળે એ માટે ખૂબ પ્રયાસ કર્યા હતા. થોડા સમય પહેલાં ગોંડલના મોવિયા ગામમાં જયરાજસિંહે એક કડવા પાટીદાર સમાજની સભાને સંબોધન કરી હતી, જેમાં અનિરુદ્ધસિંહ સામે આકરા પ્રહારો કર્યા હતા. જયરાજસિંહે માર્કેટિંગ યાર્ડમાં સુરક્ષાની ખાતરી આપીને રીબડામાં જમીનોના સોદા બારોબાર થતા હોવાનો ગંભીર આક્ષેપ અનિરુદ્ધસિંહ પર કર્યો હતો. જોકે ભાજપ મોવડી મંડળે અંતે જયરાજસિંહના પત્ની ગીતાબાને ટિકિટ આપી હતી.

ડાબી બાજુ અનિરુદ્ઘસિંહ જાડેજા પુત્ર રાજદિપસિંહ સાથે તેમજ જમણી બાજુ જયંતીભાઈ ઢોલ.
ડાબી બાજુ અનિરુદ્ઘસિંહ જાડેજા પુત્ર રાજદિપસિંહ સાથે તેમજ જમણી બાજુ જયંતીભાઈ ઢોલ.

જયંતી ઢોલે કહ્યું હતું- જયરાજસિંહ પરિવાર સિવાય બીજાને જીતાડી ન શકું તો આપતાઘ કરી લઈશ
જયરાજસિંહે લગાવેલા આક્ષેપોના થોડાક દિવસ બાદ રીબડા જૂથના ભાજપના સહકારી આગેવાન જયંતી ઢોલે મીડિયાને જણાવ્યું હતું કે 'જયરાજસિંહ પરિવાર સિવાય કોઈ ચૂંટણી લડશે તો હું જિતાડી દઈશ અને જિતાડી ન શકું તો અંબાજી મંદિરે આપઘાત કરી લઈશ. ગોંડલ વિધાનસભા બેઠક પર રીબડા પંથકના મતને કારણે ભાજપને જીત મળે છે, જેથી પાર્ટી આ બાબતે વિચાર કરે એ જરૂરી છે. હું છેલ્લાં 40 વર્ષથી ભાજપ માટે કામ કરું છું. જ્યાં ભાજપને પોતાના ગામમાં કોઈ ઘૂસવા નહોતું દેતું ત્યાં જઈને મેં ભાજપનો પ્રચાર-પ્રસાર કર્યો છે. માર્કેટિંગ યાર્ડની ચૂંટણી વખતે પણ મેં જયરાજસિંહની જીત માટે મતની ભીખ માગી હતી છતાં તેમણે એ વાતને યાદ ન રાખી એટલે જ હવે હું મીડિયાની સાક્ષીમાં કહું છું કે જો હું ઉમેદવારને જિતાડું નહીં શકું તો માંડવી ચોકમાં આવેલા માતાજીના મંદિરે અંતિમ પગલું ભરી લઈશ.'

લોહીયાળ રહ્યો છે ગોંડલ સીટનો રાજકીય ઇતિહાસ
ગોંડલ સીટનો રાજકીય ઇતિહાસ લોહીયાળ રહ્યો છે. ગોંડલમાં ધારાસભ્યથી લઈ નગરપાલિકાના સભ્ય તથા રાજકોટ જિલ્લા યુવા ભાજપ પ્રમુખની હત્યા થઈ ચૂકી છે. સૌથી પહેલા વાત પોપટ લાખા સોરઠીયા હત્યા કેસની. 15મી ઓગસ્ટ, 1988ની સવારે ગોંડલની સંગ્રામજી હાઇસ્કૂલમાં ધ્વજ વંદન કાર્યક્રમ દરમિયાન ગોળી મારી ગોંડલના તત્કાલીન ધારાસભ્ય પોપટ લાખા સોરઠીયાની હત્યા કરવામાં આવી હતી. આ હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી.

પોપટ લાખા સોરઠીયાની હત્યા બાદ 15 માર્ચ 1995ના રોજ ગોંડલ નગરપાલિકાના સભ્ય અને ગોંડલ નાગરિક સહકારી બેંકના ડિરેક્ટર જયંતિ મોહનલાલ વાડોદરિયા(ઉ.વ.32)ની આશાપુરા ડેમ પાસે હત્યા કરવામાં આવી હતી. ત્યાર બાદ 19 માર્ચ 2004ના રોજ રાજકોટના સત્ય સાંઇ હોસ્પિટલ રોડ પર રહેતા રાજકોટ જિલ્લા યુવા ભાજપના તત્કાલીન પ્રમુખ વિનુ શિંગાળાની તેના બંગલામાં જ માથામાં ગોળી ધરબી હત્યા કરવામાં આવી હતી.

પોપટ લાખા સોરઠીયાની હત્યા થયા બાદ ગોંડલ વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં મહિપતસિંહ જાડેજાનો વિજય થયો હતો. ત્યાર બાદ 1990, 1995માં પણ મહિપતસિંહ જાડેજા અપક્ષમાંથી ધારાસભ્ય પદે ચૂંટાઈ આવ્યા હતા. પરંતુ 1998માં ભાજપે આ સીટ પરથી જયરાજસિંહ જાડેજાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. જેમાં તેમનો અપક્ષ ચૂંટણી લડનારા મહિપતસિંહ સામે વિજય થયો હતો ત્યાર બાદ 2002માં પણ ભાજપમાંથી જયરાજસિંહની NCPના ઉમેદવાર મહિપતસિંહ જાડેજા સામે જીત થઈ હતી. જોકે 2007માં NCPના ઉમેદવાર ચંદુ વઘાસિયા સામે જયરાજસિંહનો પરાજય થયો હતો. પરંતુ 2012 જયરાજસિંહનો GPPના ઉમેદવાર ગોરધન ઝડફિયા સામે વિજય થયો અને 2017માં જયરાજસિંહના પત્ની ગીતાબા જાડેજાનો કોંગ્રેસના અર્જુન ખાટરીયા સામે વિજય થયો હતો. આમ આ સીટ પરથી જયરાજસિંહ ત્રણ ટર્મ અને તેમના પત્ની 1 ટર્મ ધારાસભ્ય રહી ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...