ભાસ્કર ઇનડેપ્થઇતિહાસમાં પહેલીવાર વાલ્મીકિ સમાજની મહિલાને ટિકિટ:22 વર્ષે પિતા ગુમાવ્યા ને ગત વર્ષે દીકરો, પાર્ટટાઇમ નોકરી કરી પ્રિન્સિપાલ બન્યાં, હવે વિધાનસભાના દ્વારે પહોંચ્યા

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: ચેતન પુરોહિત

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વાલ્મીકિ સમાજના ઉમેદવાર હોય એવું ભાગ્યે જ બન્યું છે. દલિતોની પેટા જ્ઞાતિ એવો વાલ્મીકિ સમાજ સફાઈકામ સાથે સંકળાયેલો છે અને અલગ અલગ વિસ્તારોમાં વિખેરાયેલો હોવાથી તેમને નેતૃત્વ મળતું નથી. તેમાં પણ જો કોઈ વાલ્મીકિ સમાજની મહિલાને જ વિધાનસભાની ટિકિટ મળે તો? બસ, ભાજપે આ વખતે ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર વાલ્મીકિ સમાજને ટિકિટ આપી છે. આ ટિકિટ માટે મંત્રીની ટિકિટ પણ કાપી નાંખવામાં આવી છે.

નાના-નાનીના ઘરે રહી ભણી
અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારમાં એક બાળકી તેમના નાના-નાનીના ઘરે રહીને ભણી રહી છે. તે વિચારે છે કે જો શિક્ષણ આવશે તો જિંદગીમાં કંઈક બની શકીશું અને આભડછેટથી લઈ આર્થિક સ્થિતિને કારણે વારંવાર થતા અપમાનને બદલે સમાજમાં સ્વમાનભેર જિંદગી જીવી શકીશું. આ બાળકી ખૂબ મન લગાવીને ભણવા લાગી. તેમણે 1988માં SSC પાસ કર્યું અને 1990માં ધોરણ 12 પણ સફળતા પૂર્વક પાસ કરી લીધું. પરંતુ આગળના અભ્યાસ માટે પૈસાની પણ જરૂર પડવા લાગી.

પીટીસી કરવા સાથે સાથે પાર્ટટાઇમ જોબ કરતી
તે સમયે પીટીસીનો જમાનો હતો એટલે વિચાર્યું કે, જો પીટીસી કરી લઈએ તો આર્થિક મુશ્કેલીઓમાંથી વહેલા બહાર આવી શકાય. પરંતુ પીટીસી કરવા માટે પણ પૈસાની તો જરૂર પડવાની જ હતી, એટલે એમણે મનોમન નક્કી કર્યું કે, ભલે તનતોડ મહેનત કરવી પડે પણ એકવાર કંઈક કરી દેખાડવું છે. આથી તેમણે પીટીસીની સાથે સાથે નોકરી પણ શરૂ કરી દીધી, એટલે ઘર પર આવતો આર્થિક ભાર પણ હળવો થયો. તે સવારે પીટીસી કરવા જતી અને બપોર પછી પાર્ટ ટાઇમ જોબ કરતી. પીટીસી પૂર્ણ કરી લીધા બાદ તેને તુરંત શિક્ષિકા તરીકે સરકારી નોકરી પણ મળી ગઈ. નોકરીની સાથે સાથે તેઓ ભાજપ માટે નાનું મોટું કામ પણ કરવા લાગ્યા હતા. જેનું ફળ તેમને ભવિષ્યમાં મળવાનું હતું. પરંતુ હજુ એક ખુશી આવી ત્યાં કુદરતી બીજી ખુશી આંચકી લેવા તત્પર હોય એમ તેમના પરથી પિતાની છત્રછાયા ઉઠી ગઈ. 22 વર્ષની ઉંમરમાં જ આ યુવતીએ પિતા ગુમાવ્યા. પિતાના અવસાનથી યુવતી ભાંગી તો પડી પણ હિંમત રાખીને આગળ વધી.

હવે યુવતીનો સમય પલટાવાનો શરૂ થયો. શિક્ષિકામાંથી આ યુવતી પ્રિન્સિપાલ બની ગઈ. નોકરીની સાથે સાથે તેમણે અભ્યાસ પણ ચાલુ રાખ્યો અને 1997માં બી.કોમની ડિગ્રી હાંસલ કરી. ત્યાર બાદ તેમણે મુકેશ વાઘેલા નામના યુવક સાથે લગ્ન કરી લીધા.

મોદીને એક વિચાર આવ્યો ને જિંદગી બદલાઈ ગઈ
આમ કરતા કરતા વર્ષ 2005 આવ્યું. આ સમયે ગુજરાતની ગાદી પર મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા. તેમને એક વિચાર આવ્યો અને આ યુવતીનું તો જીવન જ પલટાઈ ગયું. 2005માં નરેન્દ્ર મોદીએ નક્કી કર્યું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં મહિલાઓને ચૂંટણી લડાવવી છે અને દુધેશ્વર વોર્ડમાં તેમણે દર્શના વાઘેલાને ચૂંટણી જંગમાં ઉતાર્યા. તે સમયે જ તેમણે કદાચ ત્યારે જ નક્કી કરી લીધું હશે કે, આજના કોર્પોરેટર આવતીકાલના ધારાસભ્ય છે. સતત સંઘર્ષમાં જિંદગી વિતાવનારી એ બાળકી એટલે બીજું કોઈ નહીં પણ દર્શના વાઘેલા છે. આ ચૂંટણીમાં જીત મેળવી અને AMCમાં હેલ્થ કમિટીના ડેપ્યુટી ચેરમેન પણ બન્યા. ત્યાર બાદ દુધેશ્વર વોર્ડની સીટ અનામતમાંથી જનરલ થઈ ગઈ. પરંતુ નરેન્દ્ર મોદીએ તેમને જનરલ સીટ પરથી જ ચૂંટણી લડાવી અને ફરી ચૂંટાઈ આવ્યા.

કોંગ્રેસના પડકારનો જડબાંતોડ જવાબ આપી દીધો
ત્યાર બાદ મ્યુનિ.ના ડે.મેયરની ચૂંટણી માટે બોલાવાયેલી સામાન્ય સભામાં ભાજપના ર્કોપોરેટર નરેશ નાંદોલિયાએ દર્શનાબેન વાઘેલાના નામની દરખાસ્ત મૂકી, જેને એક મહિ‌લા ર્કોપોરેટરે ટેકો આપ્યો હતો. ત્યાર બાદ વિપક્ષ તરફથી બદરૂદ્દીન શેખે કોંગ્રેસની મહિ‌લા ર્કોપોરેટર કપિલાબેન જાદવનું નામ ડે.મેયરના પદ માટે રજૂ કર્યુ હતુ. બન્ને પક્ષ તરફથી પોતાના ઉમેદવારના વખાણ કરી પોતાના જ ઉમેદવારને ડે.મેયર તરીકે પસંદ કરવા અનુરોધ કરાયો હતો. તત્કાલીન મેયર આસિત વોરાએ દરખાસ્ત અને સમર્થનની પ્રક્રિયા બાદ ચૂંટણીની કાર્યવાહી હાથ ધરી બહુમતીથી ભાજપના ઉમેદવાર દર્શનાબેન વાઘેલાને ડે.મેયર તરીકે ચૂંટાયેલા જાહેર કરી દીધા. પરંતુ વિપક્ષી નેતા બદ્દરુદ્દીન શેખે ભાજપના કોર્પોરેટર સાથે તડાફડી બોલાવી દીધી. તેમણે કહ્યું કે, દર્શનાબેન બે વર્ષમાં આગવી છાપ ઊભી કરી શકયાં નથી અને તેની સાથે સાથે ભાજપને પડકાર ફેંક્યો કે, દર્શનાબેન સારા જ હોય તો અસારવા બેઠક ઉપરથી ચૂંટણી લડાવો. બસ, હવે આ દિવસ આવી ગયો છે. આ દિવસ જોવા બદ્દરુદ્દીન શેખ તો આપણી વચ્ચે નથી રહ્યા પણ દર્શનાબેનને બદ્દરુદ્દીનનો એ પડકાર જરૂર યાદ આવી રહ્યો હશે.

ઇતિહાસ રચવા મંત્રીની ટિકિટ કાપી
ભાજપને 2010માં ફેંકવામાં આવેલો પડકાર ઉપાડી લઈ અસારવામાંથી મંત્રી પ્રદિપ પરમારની ટિકિટ કાપીને દર્શના વાઘેલાને ટિકિટ આપી છે. દર્શનાબેન વાઘેલા ગુજરાતના ઇતિહાસમાં ભાજપ કે કોંગ્રેસમાંથી ટિકિટ મેળવનારા વાલ્મિકી સમાજના પહેલા મહિલા ઉમેદવાર છે. આ અંગે અસારવાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી પ્રદીપ પરમારે જણાવ્યું હતું કે ભાજપે પ્રથમ વખત વાલ્મિકી સમાજની મહિલા ને ટિકિટ આપી છે.

યુવાનીમાં પિતા અને ગત વર્ષે પુત્ર ગુમાવ્યો
દર્શનાબેને પોતાના જીવન વિષે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, મારો ઉછેર, ગોમતીપુરમાં નાના-નાની સાથે રહીને અભ્યાસ પૂરો કર્યો છે. હું 22 વર્ષની હતી ત્યારે જ મારા પિતાનું અવસાન થઈ ગયું હતું. હું ભણતી હતી ત્યારે પીટીસીની ખૂબ ડિમાન્ડ હતી અને સવારે ભણતી હતી અને પછી નોકરી કરતી હતી. પીટીસી કર્યા બાદ હું શિક્ષિકા બની હતી. ત્યાર બાદ હું સ્કૂલ પ્રિન્સિપાલ બની હતી. જ્યારે મારા પતિ LICમાં ક્લાસ-1 ઓફિસર છે. મારા દીકરાનું ગત નવેમ્બરમાં જ અવસાન થઈ ગયું છે અને એક દીકરી છે. હું નોકરીની સાથે સાથે પાર્ટી માટે નાનું મોટું કામ કરતી હતી.

જનરલ સીટ પરથી ચૂંટાઇને ડેપ્યુટી મેયર બન્યા
2005માં નરેન્દ્રભાઈએ નક્કી કર્યું કે, બધી મહિલાઓને ચૂંટણી લડાવવી છે. મને દુધેશ્વર વોર્ડમાંથી ટિકિટ મળી અને હું જીતી ગઈ હતી. તેમજ કોર્પોરેશનમાં હેલ્થ કમિટીની ડેપ્યુટી ચેરમેન બની હતી. પરંતુ સેકન્ડ ટર્મમાં મારી સીટ જનરલ થઈ ગઈ હતી, પરંતુ મોદી સાહેબે મને જનરલ સીટ પર લડાવી હતી, ત્યારે તેઓ અહીં હતા.જનરલ સીટ પર લડાવી અને તેમણે મને ડેપ્યુટી મેયર પણ બનાવી. ડેપ્યુટી મેયર તરીકે મેડિકલ કેમ્પ કર્યા અને ખૂબ વિકાસના કામ કર્યા હતા. આ દરમિયાન બધી આંગણવાડીઓને કાર્યરત કરી અને બાળકોને જે પૌષ્ટિક આહાર મળે છે એ બધું આયોજન અમારા વખતે કર્યું હતું.

અસારવામાં જીતની સ્ટ્રેટેજી અંગે જણાવ્યું કે, અસારવા વિધાનસભા ખૂબ સારી વિધાનસભા છે, મને કોઈ ચેલેન્જ લાગતી નથી. અમારી પાર્ટીની ડિઝાઈન નક્કી જ હોય છે અને એ ડિઝાઈન પ્રમાણે જ હું ઇલેક્શન લડી રહી છું.

‘હું કોઈ સમાજમાં બંધાઈને રહી નથી’
વાલ્મિકી સમાજમાંથી ઇતિહાસમાં પહેલીવાર ટિકિટ મળી છે તો અન્ય સમાજ આપને સપોર્ટ કરશે? જેના જવાબમાં કહ્યું કે, મારું વ્યક્તિત્વ એવું છે, કે મને સર્વ સમાજે સ્વીકારેલી છે અને મેં સર્વ સમાજ માટે કામ પણ કર્યા છે. અમદાવાદની ડેપ્યુટી મેયર હોવ એટલે બધા જ મને ઓળખતા હોય છે. હું ક્યારેય કોઈ સમાજમાં બંધાઈને રહી નથી. મારી પાર્ટીનો હું આભાર માનીશ કે આ સમાજમાંથી કોઈ મહિલાની પસંદગી કરી અને ગુજરાતમાં પહેલીવાર કોઈ વાલ્મિકી સમાજની પસંદગી થઈ છે જેનો મને ખૂબ આનંદ છે.

આ છે ચૂંટણી જીતવાની સ્ટ્રેટેજી
સિટીંગ મંત્રી(પ્રદિપ પરમાર)ને કાપીને તમને ટિકિટ આપી છે તેને લઈને વિરોધ થશે તો? તે અંગે દર્શનાબેને કહ્યું કે, મારી ટિકિટ જાહેર થઈ તેના કલાકમાં તો હું વિસ્તારમાં આવી ગઈ હતી. પ્રદિપભાઈ તો મારી સાથે જ છે. અમે સવારે રાઉન્ડ શરૂ કરીએ છીએ, અને મહિલાઓને ભેગા કરીને કમલ મહેંદી મૂકીએ છીએ. તેમજ રાત્રે ગ્રૂપ મિટિંગો પણ હોય છે.

પતિ મુકેશ વાઘેલા સાથે દર્શનાબેન.
પતિ મુકેશ વાઘેલા સાથે દર્શનાબેન.

આટલી સંપત્તિના માલિક છે દર્શનાબેન
ભાજપમાંથી અસારવા સીટ પર ઉમેદવારી ફોર્મ ભરતી દર્શનાબેન વાઘેલાએ રજૂ કરેલા સોંગદનામા મુજબ, તેમણે કુલ સંપત્તિ રૂ. 2.76 કરોડની દર્શાવી છે. જેમાં તેમની પાસે રૂ. 80 લાખની મિલકત અને પતિ પાસે રૂ. 1.95 કરોડની મિલકત છે. આ ઉપરાંત તેમની પાસે રોકડ, બેંક થાપણો ઝવેરાત રૂ. 17.36 લાખ અને પતિ પાસે રૂ. 20.36 લાખ દર્શાવ્યા છે. તેમણે બી.કોમ. સુધીનો અભ્યાસ કર્યો છે.

આ પહેલા વાલ્મિકી સમાજમાંથી ભાજપમાંથી ચૂંટાઈ આવ્યા હતા પહેલા ધારાસભ્ય
આ પહેલા ભાજપે મનહર ઝાલાને જામનગરથી ટિકિટ આપી હતી અને તેઓ ધારાસભ્યપદે ચૂંટાઈ આવ્યા હતા. મનહર ઝાલા 1991થી ભાજપ સાથે સંકળાયેલા છે. માત્ર એટલું જ નહીં, 2005થી 2008 દરમિયાન તેઓ જામનગરના મેયર પણ રહી ચૂક્યા છે.

ચૂંટણી પ્રચાર દરમિયાન દર્શનાબેન વાઘેલા.
ચૂંટણી પ્રચાર દરમિયાન દર્શનાબેન વાઘેલા.

કેજરીવાલની સોગઠી સામે ભાજપ હુકમનું પત્તુ ઉતર્યો
બે મહિના પહેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે એક દિવસની અમદાવાદની ટૂંકી મુલાકાતે આવ્યા હતા. જેમાં તેઓએ યુવાનો અને આઉટસોર્સિંગના કર્મચારીઓ સાથે સંવાદ કર્યો હતો. આ સંવાદ દરમિયાન સફાઈ કર્મી એવા હર્ષ સોલંકી નામના યુવાને અરવિંદ કેજરીવાલને જેમ રીક્ષા ચાલકના ઘરે જમવા ગયા હતા તેમ તેના ઘરે જમવા માટે આમંત્રણ આપ્યું હતું. અરવિંદ જરીવાલને તેના ઘરે જમવા આવવા માટે કહ્યું હતું પરંતુ તે પહેલાં અરવિંદ કેજરીવાલે તેમના ઘરે જમવા મટે આમંત્રણ આપ્યું હતું. તેથી આજે હર્ષ સોલંકી તેના પરિવાર સાથે પ્લેનમાં દિલ્હી પહોંચ્યો હતો. જ્યાં કેજરીવાલના ઘરે હર્ષ સોલંકી અને એમના પરિવારે ભોજન લીધું હતું.

આમ ભાજપે અરવિંદ કેજરીવાલની વાલ્મિકી સમાજને રિઝવવાની સોગઠી પર સામી સોગઠી મારી વાલ્મિકી સમાજના મહિલાને વિધાનસભા ચૂંટણીની ટિકિટ આપી દીધી છે. આ નિર્ણયથી ભાજપે એક કાંકરે બે પક્ષી પાડ્યા એમ કહી શકાય.

અન્ય સમાચારો પણ છે...