'મધુભાઈ લુખ્ખી ધમકી આપે છે':'લારીવાળાને ટિકિટ આપો, પણ હવે આ માણસ બદલાવો', વાઘોડિયાના લોકોએ ખૌફ સાથે દબંગની વાતો કહી

એક મહિનો પહેલાલેખક: હર્ષ પટેલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે. તમામ રાજકીય પક્ષોએ પણ તૈયારીઓ કરી લીધી છે. ભાજપ અને કોંગ્રેસ અને આપ ગ્રાઉન્ડ લેવલે કામગીરી કરી રહી છે. ત્યારે ભાજપે 160 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. વાઘોડિયા વિધાનસભા બેઠકમાંથી છેલ્લાં 30 વર્ષથી ધારાસભ્ય એવા મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપવામાં આવી છે અને તેઓએ અપક્ષ ઉમેદવારી કરવાની તૈયારી દર્શાવી છે. બીજી તરફ કોંગ્રેસમાંથી સત્યજીત ગાયકવાડને ટિકિટ મળે તેવી સંભાવના છે જ્યારે બીજી તરફ સ્થાનિક ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ અપક્ષમાં મજબૂત ઉમેદવાર છે ત્યારે આ વર્ષે વાઘોડિયાની ચૂંટણી રસપ્રદ બની રહેશે ત્યારે ભાસ્કર વાઘોડિયા પહોંચ્યું હતું અને ત્યાંના મતદારોનો મૂડ જાણવાનો પ્રયાસ કર્યો હતો અને લોકોએ અનેક પ્રકારની પ્રતિક્રિયા આપી હતી.

મધુ શ્રીવાસ્તવ
મધુ શ્રીવાસ્તવ

વાઘોડિયા વિધાનસભા બેઠક હેઠળના વિસ્તાર

વાઘોડિયા તાલુકો અને સોખડા, પદ્માલા, અનાગઢ, અજોદ, આસોજ, વિરોદ, સિસવા, દશરથ, ધનોરા, કોટના, કોયલી, દુમાડ, દેના, સુખલીપુર, અમલિયારા, કોટાલી, વેમાલી, ગોરવા, અંકોડિયા, શેરખી, નંદેસરી (સિટી), નંદેસરી (આઈએનએ), રણોલી (સિટી), પેટ્રો-કેમિકલ કોમ્પ્લેક્સ (આઈએનએ), કરાચીયા (સિટી), જીએસએફસી કોમ્પ્લેક્સ (આઈએનએ), બાજવા (સિટી), જવાહરનગર (ગુજરાત રિફાઇનરી) સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.

વાઘોડિયા વિધાનસભા બેઠક વડોદરા જિલ્લામાં આવેલી છે અને વડોદરા લોકસભા બેઠક હેઠળ આવે છે. જેમાં વાઘોડિયા ઉપરાંત સાવલી, વડોદરા શહેર, સયાજીગંજ, અકોટા, રાવપુરા અને માંજલપુરનો સમાવેશ થાય છે.

મતદારોની સંખ્યા

2011ની વસતી ગણતરીના અંદાજ મુજબ કુલ આ ક્ષેત્રમાં કુલ 357883 વસ્તી છે. જેમાંથી 55.27 ટકા વસ્તી ગ્રામીણ છે અને 44.73 ટકા શહેરમાં વસવાટ કરે છે. કુલ વસ્તીમાંથી અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી)નો ગુણોત્તર અનુક્રમે 5.86 અને 14.96 છે.

2019ની મતદાર યાદી મુજબ આ મતવિસ્તારમાં 228946 મતદાર છે અને 288 મતદાન મથકો છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં 73.06 ટકા મતદાન થયું હતું. બીજી તરફ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 76.9 ટકા મતદાન થયું હતું.

2019ની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને અનુક્રમે 70.12 ટકા અને 23.97 ટકા મત મળ્યા હતા. વડોદરા લોકસભા બેઠક પર વર્તમાન સમયે ભાજપનાં રંજનબેન ભટ્ટ સાંસદ તરીકે જવાબદારી સંભાળી રહ્યાં છે. જ્યારે વાઘોડિયા વિધાનસભા બેઠકના વર્તમાન ધારાસભ્ય તરીકે ભાજપના શ્રીવાસ્તવ મધુભાઈ બાબુભાઈ છે.

ભૂતકાળની ચૂંટણીઓ

વાઘોડિયા વિધાનસભા બેઠક પર વર્ષ 1962થી અત્યાર સુધીમાં કુલ 13 વખત ચૂંટણીઓ લડાઈ ચૂકી છે. જેમાં ભાજપ અને કોંગ્રેસને લગભગ સરખા પ્રમાણમાં જ બેઠકો મળી છે. અલબત્ત, ભાજપ આ બેઠક પર 1998થી પ્રભુત્વ ધરાવે છે. ભાજપના ધારાસભ્ય શ્રીવાસ્તવ મધુભાઈ આ બેઠક પર સતત પાંચ ટર્મથી ચૂંટાઇ આવે છે. 1995માં તેઓ અપક્ષ લડ્યા હતા, ત્યારે પણ ચૂંટાયા હતા.

ગત 2017ની ચૂંટણીની વાત કરીએ તો ભાજપના ઉમેદવાર શ્રીનિવાસ મધુભાઈને 63049 મત મળ્યા હતા. આ ચૂંટણીમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષ ઊભા રહ્યા હતા. તેઓને 52734 મત મળ્યા હતા.

ધર્મેન્દ્રસિંહ વાઘેલા
ધર્મેન્દ્રસિંહ વાઘેલા

મધુભાઈ આ ચૂંટણીમાં વિજય થયા હતા. 2012ની ચૂંટણીમાં પણ શ્રીનિવાસ મધુભાઈ ભાજપના ઉમેદવાર હતા. જ્યારે કોંગ્રેસ દ્વારા પટેલ જયેશભાઇને ટિકિટ આપવામાં આવી હતી. આ ચૂંટણીમાં શ્રીનિવાસ મધુભાઈને 65851 મત મળ્યા હતા. જ્યારે જયેશભાઇને 60063 મત મળ્યા હતા.

અગાઉનાં પરિણામો
અગાઉનાં પરિણામો

ભાજપ અને કોંગ્રેસ સામેના પડકાર

ગત વિધાનસભા ચૂંટણી સમયે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ દ્વારા વાઘોડિયા વિધાનસભા મત વિસ્તારમાં ઉમેદવારોની પસંદગી થયા બાદ અમુક કાર્યકરો અને કેટલાક આગેવાનોમાં રોષ જોવા મળ્યો હતો.

કેટલાક આગેવાનો પક્ષપલટો કર્યો હતો, તો કેટલાક આગેવાનો અપક્ષ લડ્યા હતા. તે સમયે કોંગ્રેસના રાજુ અલવા, દિલીપ ભટ્ટ, ઉપેન્દ્રસિંહ ગોહિલ સહિતના આગેવાનોએ વિરોધ નોંધાવ્યો હતો.

બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ બાહુબલી નેતા મધુ શ્રીવાસ્તવને ટિકિટ ફાળવી દેતા વાઘોડિયા ભાજપ સંગઠનમાં અનેક લોકો નારાજ થયા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ દિલુભા ચુડાસમાના ભાણેજ અને ભાજપના આગેવાન ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ બળવો કરી અપક્ષમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

સત્યજીત ગાયકવાડ (કોંગ્રેસના સંભવિત ઉમેદવાર)
સત્યજીત ગાયકવાડ (કોંગ્રેસના સંભવિત ઉમેદવાર)

મોદી પર બંગડી ફેંકનાર આશાવર્કરે નોંધાવી હતી ઉમેદવારી

એક સમયે મોદી પર બંગડી ફેંકનાર આશાવર્કર મહિલા ચંદ્રિકાબેન સોલંકીએ 2017ની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. તેમને કોંગ્રેસે ટિકિટ આપી નહોતી. જેથી તેમણે અપક્ષ ઉમેદવારી કરીને ભાજપ સામે મોરચો ખોલ્યો છે.

ભાજપના બાહુબલી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ

વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીનિવાસને બાહુબલી નેતા માનવામાં આવે છે. તેઓ અવારનવાર વિવાદથી ઘેરાયેલા રહે છે. આમ તો ભાજપમાં શિસ્તના નામે ઘણાં પગલાં લેવાય છે, પણ મધુ શ્રીવાસ્તવ તેમાં બાકાત હોય છે અને આ વખતે ભાજપે તેમની ટિકિટ કાપી છે અને તેમને અપક્ષ ઉમેદવારી કરવાની તૈયારી દર્શાવી છે

મધુ શ્રીવાસ્તવનાં પત્ની તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખ પદે રહી ચૂક્યાં છે. આ ઉપરાંત તેમના પુત્રી પણ રાજકારણમાં સક્રિય હોવાનું જાણવા મળે છે. થોડા સમય પહેલાં તેમના પુત્રને કોર્પોરેશનની ટિકિટ અપાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બે સંતાનના નિયમના કારણે તેની ઉમેદવારી રદ કરવામાં આવી હતી. અગાઉ બેસ્ટ બેકરીકાંડ બાબતે કેટલાક લોકોએ તેમના પર આક્ષેપો કર્યા હતા.

મતદારોની સમસ્યાઓ

આ પંથકમાં પીવાના પાણીનો પ્રશ્ન લોકોને સતાવી રહ્યો છે. ઘણાં સ્થળોએ પૂરતું પાણી ન હોવાની બૂમ ઊઠી છે. આ ઉપરાંત ગંદકીના કારણે અમુક જગ્યાએ મચ્છરનો ખૂબ જ ત્રાસ હોવાનું પણ જાણવા મળે છે. કેટલાંક સ્થળોએ રોડ-રસ્તાની હાલત બિસ્માર છે.

અન્ય સમાચારો પણ છે...