ELECTION રાઉન્ડ અપ:ગુજરાતમાં 'આદિવાસી' પોલિટિક્સ, PMના કોંગ્રેસને ચાબખાં તો રાહુલના વળતાં પ્રહાર,જુઓ ચૂંટણીના 6 સૌથી મોટા સમાચાર

9 દિવસ પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગતિવિધિઓ પણ તેજ થઈ રહી છે.સત્તાનાં સંગ્રામમાં તમામ પક્ષોના આગેવાનોએ ગુજરાતમાં ધામા નાખ્યા છે.એક બીજા પર આરોપ પ્રત્યારોપનો દૌર ચાલી રહ્યો છે.રોજ રોજ સભાઓ થઈ રહી છે.ઉમેદવારોના નામોની જાહેરાતો થઈ ગઈ છે. કોઈ નેતા નામ જાહેર થતાં ખુશ છે તો કોઈ નેતા રોષે ભરાયા છે. ત્યારે દિવસભરની તામામ રાજકીય અપડેટ માટે દિવ્ય ભાસ્કર લઈને આવ્યુ છે ઈલેક્શન રાઉન્ડ અપ ન્યુઝ બુલેટિન.જેમાં દિવસભરની તમામ મહત્વની રાજકીય ખબરોનો ચિતાર મળશે સંક્ષિપ્તમાં. બુલેટિન જોવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો

ગુજરાતમાં 'આદિવાસી' રાજનીતિ
ત્યારે ભાજપ, કૉંગ્રેસ અને આપ સહિતની પાર્ટીઓએ પોતાના સ્ટારપ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. વડાપ્રધાન મોદીએ પણ ગુજરાતમાં પ્રચારની કમાન સંભાળી છે.આજે વડાપ્રધાને સુરેન્દ્રનગર, ભરૂચના જંબુસર અને નવસારીમાં જાહેર સભાને સંબોધી હતી.તો રાહુલ ગાંધીએ સુરતના મહુવામાં સભા યોજી. જેમાં કહ્યું કે આદિવાસીઓની સાથે મારો અને મારા પરિવારનો જૂનો સબંધ છે.હું નાનો હતો ત્યારે મારા દાદી ઈન્દીરાએ એક ચોપડી આપી હતી. જે મને સૌથી વધુ પ્રિય હતી. જેમાં ફોટો હતો. મને આદિવાસી વિષે વધુ ખબર નહોતી. એક આદિવાસી બાળક પુસ્તકમાં બધા ફોટો જંગલ વિષે અને એ બાળકના જીવવા વિષે હતી. હું દાદી સાથે આ પુસ્તક વાંચતો.દાદી મને સમજાવતી હતી. એક દિવસ મેં પૂછ્યું દાદી, આ પુસ્તક બહુ ગમે છે. તેણીએ કહ્યું આ પુસ્તક આપણા આદિવાસી વિષે છે. આ હિન્દુસ્તાનના પહેલા અને અસલી માલિક છે. આદિવાસીઓ દેશ માટે લડ્યા છે, જેમને હજુપણ લડવું પડશે.તો બીજી બાજુ PM મોદીએ પ્રહાક કરતા કહ્યું કે કોંગ્રેસ સરકાર વાર-તહેવારે આદિવાસીઓની અને તેમના પહેરવેશ પર મજાક ઉડાવતી હતી, હું આદિવાસીઓની પાઘડી પહેરૂ તો પણ મારી મજાક ઉડાવતા, હવે આદિવાલીઓનું કલ્યાણ થઇ રહ્યું છે. હવે આદિવાસીઓનું સમન્માન થઇ રહ્યું છે. આદિવાસીઓ માટે વાજપેયીજીએ અલગ મંત્રાલય બનાવ્યું

'કોંગ્રેસીઓ મારી ઓકાત બતાવવાની વાત કરે છે'
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરેન્દ્રનગરના દૂધરેજમાં સભા સંબોધતી વખતે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ચૂંટણીમાં વિકાસની ચર્ચા થવી જોઈએ, પરંતુ કોંગ્રેસીઓ વિકાસની ચર્ચા કરવાના બદલે મને મારી ઓકાત બતાવવાની વાત કરે છે. અરે, તમે તો બધા રાજપરિવારના છો, હું તો એક સામાન્ય પરિવારનો છું, મારી કોઈ ઓકાત નથી. હું તો સેવક છું અને સેવક કે સેવાદારની ઓકાત થોડી હોય. અરે, તમે મને નીચ કહ્યો, નીચી જાતિનો કહ્યો, તમે મને મોતનો સોદાગર પણ કહ્યો, તમે મને ગંદી નાળીનો કીડો પણ કહ્યો અને હવે તમે ઓકાત બતાવવાનું કહો છો... અરે, અમારી કોઈ ઓકાત નથી, વિકાસના મુદ્દાની ચર્ચા કરો અને ગુજરાતને વિકસિત બનાવવા મેદાનમાં આવો. આ ઓકાત બતાવવાના ખેલ રહેવા દો.

મોરબી દુર્ઘટનાને લઈ રાહુલના પ્રહાર
સુરત બાદ રાહુલ ગાંધી રાજકોટ સભા સંબોધવા પહોંચી હતા. રાહુલ ગાંધી સભાસ્થળ શાસ્ત્રી મેદાન ખાતે આવતા લોકોને અભિવાદન કર્યું હતું. સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને મોરબીમાં બનેલી ઝૂલતા પુલની દુર્ઘટના અંગે મૌન પાળીને દિવંગતોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. બાદમાં આપમાં આંટો મારી આવેલા અને રાજકોટ પૂર્વ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ જાહેરમાં રાહુલ ગાંધીની માફી માગી હતી. રાહુલ ગાંધીએ સભામાં જણાવ્યું હતું કે, અહીં મોરબીમાં દુર્ઘટના બની તે સમયે પત્રકારોએ મને કહ્યું કે તમે શું વિચારો છો. તો મેં કહ્યું 150 લોકોના મૃત્યુ થયા તેમાં રાજનીતિ નહીં કરું. મોરબી દુર્ઘટનામાં ચોકીદારોને પકડી અંદર કરી દીધા, પણ જવાબદારો સામે કાંઈ નહીં, પણ આજે સવાલ જરૂર થાય છે. ભાજપ સાથે સારો સંબંધ છે એટલે કંઈ નહીં થાય

​​​​​​​

કોંગ્રેસ-NCPને ફટકો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. આવતીકાલથી ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.કોંગ્રેસ અને NCP વચ્ચે ત્રણ બેઠકો પર ગઠબંધન થયું છે. જેમાં નરોડા, દેવગઢ બારીયા અને ઉમરેઠ બેઠક પર NCPના ઉમેદવાર ચૂંટણી લડવાનાં છે. ત્યારે અગાઉ અમદાવાદની નરોડા બેઠક પરથી NCPના ઉમેદવારે ફોર્મ પાછુ ખેંચી લીધુ હતું. ત્યારે નવા ઉમેદવારને ચૂંટણી લડવા તૈયાર કરી દેવાયા હતાં.હવે સૌથી મોટો ઉલટફેર દેવગઢબારિયા બેઠક પર જોવા મળ્યો છે. આ બેઠક પરથી છેલ્લી ઘડીએ NCPના ઉમેદવાર ગોપસિંહ લવારે ફોર્મ પાછું ખેંચી લીધું છે. હવે આ બેઠક પર ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જંગ જામશે.

'કોઈનાં બાપથી બીવાનું નથી હો'
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. તમામ પક્ષોએ જીત મેળવવા માટે એડિચોટીનું જોર લગાવી રહ્યા છે. ઉમેદવારોએ પણ પ્રચાર પ્રસાર તેજ કરી દીધો છે. જોકે, આ પ્રચાર-પ્રસાર દરમિયાન કેટલાક ઉમેદવારોના વિવાદાસ્પદ વીડિયો પણ વાઇરલ થઈ રહ્યા છે. ત્યારે અમરેલી જિલ્લાની રાજુલા બેઠકના ભાજપના ઉમેદવાર હીરા સોલંકીનો પણ ખુલ્લેઆમ ચેતવણી આપતો વીડિયો વાઇરલ થયો છે. તેઓ વીડિયોમાં કાર્યકર્તાઓને કહી રહ્યા છે કે કોઈના બાપથી બીતા નહીં, હીરા સોલંકી અહીં બેઠો છે, ધાકધમકી દેવાવાળાના હું ડબ્બા ગુલ કરી નાખીશ.

ચૂંટણી પ્રચારમાં ઉતર્યો કમો
ગુજરાતમાં થતા લોકડાયરાઓમાં છેલ્લા કેટલાક સમયથી કમાનું નામ જાણીતું બન્યું છે. હવે જ્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો રંગ જામ્યો છે ત્યારે ચૂંટણી પ્રચારના મેદાનમાં પણ કમાની એન્ટ્રી થઈ છે. ભાવનગરમાં ભાજપ માટે કમાએ ચૂંટણી પ્રચાર કર્યો હતો.ભાવનગરની શેરીઓમાં ચૂંટણી પ્રચારમાં કમાની એન્ટ્રી જોવા મળી. કારમાં સવાર થઈ કમો ભાજપના ઝંડા સાથે પ્રચાર કર્યો હતો

અન્ય સમાચારો પણ છે...