ELECTION રાઉન્ડ-અપ@9PM:મતદારો આ રીતે બન્યા ભાજપની ઢાલ, ગુજરાતમાં AAPને રોકવા ખાસ પેટર્નથી કર્યું મતદાન, પોલિટિકલ એક્સપર્ટ વિચારતાં થઈ ગયા

2 મહિનો પહેલા

ફરી ખીલશે કમળ

ગુજરાતમાં સતત સાતમી વખત ભાજપની સ્પષ્ટ બહુમતની સરકાર બની રહી છે. અમદાવાદની ઘાટલોડિયા સીટ પરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જીતી ગયા છે. આ સિવાય રાજકોટ પશ્ચિમની બેઠક, જે સીટ પરથી નરેન્દ્ર મોદી જીતીને મુખ્યમંત્રી બન્યા હતા, વિજય રૂપાણી પણ એ જ સીટ પરથી મુખ્યમંત્રી બન્યા હતા એ સીટનાં ઉમેદવાર ડૉ. દર્શિતા શાહ જીતી ગયાં છે. દર્શિતા શાહે વિજય રૂપાણીનો રેકોર્ડ તોડીને 54,000 માર્જિન સાથે જીત મેળવી લીધી છે, જ્યારે ભૂપેન્દ્ર પટેલે 1 લા 92 હજાર મતના માર્જિનથી જીત મેળવી છે. જીતની ઉજવણી ગાંધીનગર કમલમમાં શરૂ થઈ ગઈ છે. જ્યારે આજે સાંજે મોદી પણ દિલ્હી કાર્યાલયમાં આ જીત વધાવવા માટે આવશે અને કાર્યકરોને સંબોધન કરવાના છે. કમલમમાં ઉજવણી દરમિયાન સી.આર. પાટીલે જણાવ્યું છે કે, 12 ડિસેમ્બરે ગાંધીનગર વિધાનસભાની પાછળ હેલિપેડ, ગ્રાઉન્ડ ખાતે બપોરે 2 વાગે શપથવિધિ યોજવામાં આવશે. ભૂપેન્દ્ર પટેલ જ મુખ્યમંત્રી પદના શપથ લેશે.

સૌરાષ્ટ્રના પરિણામનું ચિત્ર
ખંભાળિયા બેઠક પર આપનો મુખ્યમંત્રીના ચહેરા ઈસુદાન ગઢવીની હાર થઈ છે. દ્વારકામાં પબુભા માણેકની જીત થઈ છે. રાજકોટમાં ઈન્દ્રનીલ રાજ્યગુરૂની હાર થઈ છે તો પોરબંદરમાં અર્જુન મોઢવાડિયાએ બાજી મારી છે, રાજકોટમાં દર્શિતા શાહની જીત થઈ છે, જસદણમાં કુંવરજી બાવળિયાની જીત થઈ છે અને કુતિયાણા બેઠક પર સપાના ઉમેદવાર કાંધલ જાડેજાએ જીત નોંધાવી છે. તો જામનગરમાં રીવાબાએ પણ જીત મેળવી છે.

દક્ષિણ ગુજરાતમાં પુનરાવર્તન

આ વખતે પણ દક્ષિણ ગુજરાતમાં પરિવર્તન નહીં પરંતુ પુનરાવર્તન જોવા મળ્યું છે. દક્ષિણ ગુજરાતની 35 બેઠકો પરથી 33 બેઠકો ભાજપની જીત નિશ્ચિત હોય એમ લાગી રહ્યું છે. જોકે, આ વખતની ચૂંટણીમાં દક્ષિણ ગુજરાતના આદિવાસી મતદારોને રિઝવવા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા એડિચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું. તમામ પક્ષો દ્વારા આ વિસ્તારમાં પોતાની બેઠક વધારવા માટે મહેનત કરવામાં આવી હતી. પરંતુ આખરે મતદારોએ ભાજપ તરફી મતદાન કરી દક્ષિણ ગુજરાતમાંથી કોંગ્રેસ અને આપ બંને બહારનો રસ્તો દેખાડ્યો છે.

વાવમાં ગેનીબેન, વડગામમાં જીગ્નેશ મેવાણીની જીત

વાવમાં ગેનીબેન ઠાકોરની ભાજપના સ્વરુપજી ઠાકોર સામે જીત થઇ છે. તો વડગામમાં જીગ્નેશ મેવાણીએ મેદાન માર્યું છે. ચૂંટણી પ્રચાર દરમિયાન સતત ચર્ચામાં રહેતા કલોલના કોંગી ઉમેદવાર બળદેવજી ઠાકોર સહિત ગાંધીનગર જિલ્લાની પાંચેય બેઠક પર કોંગ્રેસની હાર થઇ છે. ગાંધીનગરની કલોલ બેઠક અગાઉ કોંગ્રેસનો ગઢ ગણાતી હતી, પણ આ બેઠક આ વખતે કોંગ્રેસે ગુમાવી છે. તો દાંતામાં કાંતિ ખરાજીની જીત થઇ છે. ગાંધીનગર દક્ષિણ બેઠક પર અલ્પેશ ઠાકોરની જીત થઇ છે.માણસામાં જયંતિ પટેલનો વિજય થયો છે. ભિલોડામાં પી.સી બરંડા 15 હજાર કરતા વધુ મતે જીત્યા છે. તો બાયડના અપક્ષ ઉમેદવાર ધવલસિંહ ઝાલા સરેરાશ 4 હજાર મતોની લીડથી જીત્યા છે. બનાસકાંઠાની નવ પૈકી ચાર ભાજપને, ચાર કોંગ્રેસને અને એક અપક્ષના ઉમેદવારનો વિજય થયો છે.

હાર્દિક પટેલે પણ બાજી મારી

મધ્ય ગુજરાતની 61 બેઠકો પૈકી 56 બેઠક પર ભાજપ આગળ છે. 5 બેઠક પર કોંગ્રેસ આગળ છે. અને 1 બેઠક પર અપક્ષ આગળ છે. અમદાવાદમાં 19 બેઠક પર ભાજપ, 2 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. વડોદરા જિલ્લામાં ભાજપના બળવાખોરો હારી ગયા છે. વાઘોડિયામાં દબંગ નેતા અને અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ અને પાદરામાં અપક્ષ ઉમેદવાર દિનુ મામાની કારમી હાર થઈ છે. વિરમગામ બેઠક પર ભાજપના ઉમેદવાર અને યુવા નેતા હાર્દિક પટેલની 51,555 મતથી વિરાટ જીત થઈ છે. વડોદરા શહેર અને જિલ્લાની 9 બેઠક પર ભાજપની જીત થઈ છે અને એક બેઠક પર અપક્ષની જીત થઈ છે. ભાજપના વાવાઝોડા સામે આંકલાવમાં કોંગ્રેસના અમિત ચાવડાનો વિજય થયો છે

અન્ય સમાચારો પણ છે...