ભાસ્કર ઇન્ટરવ્યૂ10 વર્ષ જૂની ક્લિપ પર મોટો ખુલાસો:ઈટાલિયાએ કહ્યું, 'હું સટ્ટાનું કામ નથી કરતો', હસતા હસતા બોલ્યા, 'એ જૂની ભૂલને આ વખતે સુધારવી છે'

21 દિવસ પહેલાલેખક: હર્ષ પટેલ

ગુજરાતભરમાં આ વખતે આમ આદમી પાર્ટી ઝંઝાવાતી પ્રચાર કરીને સત્તામાં આવવા માટે મથામણ કરી રહી છે. આમ આદમી પાર્ટીના ગુજરાતમાં ઈસુદાન ગઢવીને મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર કર્યા, તો ગોપાલ ઈટાલિયા પ્રદેશ પ્રમુખે રહીને જીત માટેની રણનીતિ ઘડી રહ્યા છે. ઈટાલિયા પોતે પણ સુરતના કતારગામથી વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે, જ્યાં તેમની ટક્કર ભાજપના નેતા વિનુ મોરડિયા સામે છે. ત્યારે દિવ્ય ભાસ્કરે ગોપાલ ઈટાલિયા સાથે તેમની રણનીતિ, હિન્દુ ધર્મ અંગે ભૂતકાળમાં કરેલી ટિપ્પણી તેમજ ટિકિટ વહેંચણીમાં ઉઠી રહેલા વિવાદ અંગે સવાલ કર્યા હતા.

દિવ્ય ભાસ્કર- ગોપાલ ઈટાલિયા પોતાના વતનના બદલે સુરતથી કેમ ચૂંટણી લડી રહ્યા છે?
ગોપાલ ઈટાલિયા- મારા વતનની સીટ SC માટે અનામત છે, એટલે હું ત્યાંથી ચૂંટણી ન લડી શકું. સુરતમાં હું ઘણા સમયથી રહું છું. અહિંયા લોકો સાથે પર્સનલ ટચ છે. ઘણા મિત્રો અને પરિચિતોથી મદદ મળી રહે તેમ છે. એટલે કતારગામ બેઠક મારા માટે યોગ્ય છે.

દિવ્ય ભાસ્કર- કતારગામ બેઠક પર ભાજપના ઉમેદવારને 2017માં 80 હજારની લીડ મળી હતી, કઈ સ્ટ્રેટેજીથી એ તોડી શકશો?
ગોપાલ ઈટાલિયા- સ્ટ્રેટેજી તો જનતાએ ભાજપને હરાવવાની બનાવી લીધી છે. એકવાર જનતા નક્કી કરી લે પછી બીજુ કાંઈ જ કામમાં આવતું નથી.

દિવ્ય ભાસ્કર- તમારા મિત્ર હાર્દિક પટેલના વિરોધમાં વિરમગામ પ્રચાર માટે જશો?
ગોપાલ ઈટાલિયા- એટલે અહીં જઈશ...ને ત્યાં જઈશ... એ બધુ સમય સંજોગ પર આધાર રાખે છે.

દિવ્ય ભાસ્કર- તમારા જૂના વીડિયો વાયરલ થયા અને હિંદુ વિરોધી હોવાના આરોપ લાગી રહ્યા છે, શું કહેશો?
ગોપાલ ઈટાલિયા- ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ધારાસભ્યોને ચૂંટવાના છે. 6 કરોડ લોકોના ભવિષ્યનો પ્રશ્ન છે. શું 6 કરોડ લોકોનું ભવિષ્ય મારા 10 વર્ષ જૂના વીડિયો પર આધારિત છે? મારા વીડિયો અંગે હવે જનતા નક્કી કરી લેશે.

દિવ્ય ભાસ્કર- ગયા વખતે પણ તમારી સભામાં ઘણી ભીડ ભેગી થતી હતી પણ જીત ન મળી, આ વખતે શું અલગ લાગી રહ્યું છે?
ગોપાલ ઈટાલિયા- આ વખતે ભાજપવાળાના મોઢા પર નિરાશા દેખાય છે, એ અલગ લાગી રહી છે.

દિવ્ય ભાસ્કર- તમારા એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લીધું, એ અંગે તમારો શું મત છે?
ગોપાલ ઈટાલિયા- અમારા ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યુ નથી, ભાજપના લોકોએ એમનું અપહરણ કરીને ફોર્મ પાછું ખેંચાવડાવી લીધું. ગન પોઈન્ટ ઉપર તેમની પાસે બોલાવવામાં આવ્યું કે મારે ચૂંટણી નથી લડવી. ભાજપના લોકો જ અમારા ઉમેદવારને ઘેરીને ઓફિસે ફોર્મ પાછું ખેંચાવવા લાવ્યા હતા. જેના વીડિયો પણ સામે આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર- શું તમારે ઉમેદવાર પસંદ કરવામાં ભૂલચૂક થઈ ગઈ હતી?
ગોપાલ ઈટાલિયા- ઉમેદવાર નહીં, સરકાર પસંદ કરવામાં જ ભૂલ થઈ ગઈ છે. જેને આ વખતે સુધારી લઈશું.

કતારગામ બેઠક પર કાંટાની ટક્કર
કતારગામ વિધાનસભા બેઠક પર પાટીદારોનું પ્રભુત્વ છે. આ બેઠક પર વિનુ મોરડિયા ફરીથી રિપીટ થયા છે, તો આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા પણ મેદાનમાં ઊતરતાં હવે એનાપર જબરજસ્ત ટકરાવ થાય એવાં દૃશ્યો જોવા મળશે. આમ આદમી પાર્ટી દ્વારા સતત રાજ્ય સરકાર પર આક્ષેપો કરવામાં આવતા હતા અને કામગીરીને લઈને તેમને આડા હાથે લેવામાં આવતા હતા. શહેરી વિકાસમંત્રી તરીકે વિનુ મોરડિયાને ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો, હવે આક્ષેપો કરવાનો નહીં, પરંતુ મતદારોને પોતાના તરફેણમાં મતદાન કરવાનો સમય આવી ગયો છે. આમ આદમી પાર્ટી કતારગામ વિધાનસભા બેઠક પરથી કેટલી સફળ થાય છે એ જોવું મહત્ત્વનું છે.

કયું ફેક્ટર રહેશે મહત્વનું?

આ બેઠક પરથી આમ આદમી પાર્ટી અને ભાજપ દ્વારા પાટીદારો ઉમેદવારને ઉતારવામાં આવ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા આવી બેઠક પરથી અલ્પેશ વરિયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. કોંગ્રેસનો ઉમેદવાર ઓબીસીમાંથી આવે છે. પ્રજાપતિ સમાજના છે અને યુવા ચહેરો છે. પાટીદારોમાં સૌથી વધારે મતદારો ઓબીસી સમાજના છે. વિનુ મરડિયા અને ગોપાલ ઇટાલિયા પાટીદાર છે. ત્યારે જાતિગત સમીકરણ પ્રમાણે આ બેઠક પર કોણ કોને માત કરશે એ અંગે કહેવું મુશ્કેલ છે. ઓબીસી મતદારો પર હાર-જીતનો આધાર રહેશે.

અન્ય સમાચારો પણ છે...