Editor's View: મોદી-શાહનો ગુજરાત જીતવાનો પ્લાન જાણો:એક સ્ટ્રેટેજી-ત્રણ કામ, મુશ્કેલ બેઠક પર આ રીતે આસાનીથી મત મળશે, કૉંગ્રેસ-AAPને આવો વિચાર પણ નહીં આવ્યો હોય

3 મહિનો પહેલા

આજે તમને પ્રચારનાં ડબલ એન્જિનની એક જોડી નહિ, પણ ત્રણ જોડી ડબલ એન્જિનની વાત કરવી છે.

ભાજપનાં ડબલ એન્જિન છે નરેન્દ્ર મોદી-અમિત શાહ.

કોંગ્રેસનાં ડબલ એન્જિન છે રાહુલ ગાંધી-અશોક ગેહલોત.

AAPનાં ડબલ એન્જિન છે અરવિંદ કેજરીવાલ-ભગવંત માન.

ત્રણ દિવસ આ ડબલ એન્જિન ગુજરાતમાં ફુલ સ્પીડે ફરવાનાં છે.

આપણે આજે ચૂંટણીના કોઈ વિધાનની વાત નથી કરવી, પણ થોડી રણનીતિની વાત કરવી છે.

મોદી-શાહની રણનીતિ બહુ સ્પષ્ટ છે એક જ્યાં ગયા વખતે કૉંગ્રેસે કાઠું કાઢ્યું અને ભાજપને હાર મળી એ બેઠક પર ફરી વળવું. બીજું કૉંગ્રેસનો આદિવાસી ગઢ ધ્વસ્ત કરવો. મોહનસિંહ રાઠવા જેવા દિગ્ગજને લીધા પછી પ્રચારમાં પણ આદિવાસી મતને અંકે કરવા પૂરું જોર લગાવવું. ત્રીજું એ કે વાંસદા, વ્યારા, ડેડિયાપાડા અને નિઝરમાં મોદી-શાહની જોડીએ સભા કરી કે કરશે. અહીંની રસપ્રદ વાત એ છે કે આ તમામ જગ્યાએ મહિલા મતદારોની સંખ્યા પુરુષો કરતાં વધુ છે. ભાજપ છેલ્લા ઘણા સમયથી એ વાતનો પ્રચાર કરે છે કે મહિલા મતદારો હંમેશાં નરેન્દ્ર મોદીને વધુ મત આપે છે. કદાચ આ રણનીતિ હોઈ શકે.

મોદી અને શાહ કૉંગ્રેસના પ્રભુત્વવાળા વિસ્તારમાં સભા કરી રહ્યા છે તો રાહુલ ગાંધી ભાજપના ગઢ એવા રાજકોટમાં સભા કરશે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં મેધા પાટકર જોડાયાં હતાં. મેધાબહેને નર્મદા ડેમ વખતે વિરોધ કર્યો હતો એ સૌ જાણે છે. હવે આ મેધાબહેન રાહુલ સાથે યાત્રામાં જોડાયાં તો સ્વાભાવિક છે કે નરેન્દ્રભાઈ આવો મોકો ન ચૂકે.

રાહુલ બાબા હવે પ્રચારમાં શું બોલે છે એ જોવાનું રહે છે. જો નો બોલ કે ફૂલટોસ મળી જશે તો ભાજપને ફ્રી હીટ મળશે.

હવે વાત ગુજરાતના દબંગ નેતાની. એ દબંગ નેતા, જેમની ટિકિટ કપાતાં તેમણે અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી. હા-હા, વાઘોડિયાવાળા એ જ મધુ શ્રીવાસ્તવ. કાર્યકરોનો કોલર પકડનારને ગોળી મારી દેશે, એવું બોલનાર આ જ મધુ શ્રીવાસ્તવની બે દિવસમાં જ હવા નીકળી ગઈ. ચૂંટણીપંચની વાત આવી તો આ દબંગ નેતાને દવાની ગોળી કે પછી ચગળવાની ગોળી યાદ આવી ગઈ.

છેલ્લે, એક વાત આખો દિવસ સતત પ્રવાસ અને પ્રચાર કર્યા પછી પણ મોદી કમલમમાં ક્લાસ લેવા પહોંચ્યા હતા. ભાજપે બળવો કરીને અપક્ષ લડી રહેલા 7ને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. આ બધા ચૂંટણી લડી રહ્યા છે એટલે ખેલ અને ગણિત બગાડે એવી શક્યતા છે.

જોકે નરેન્દ્રભાઇ કોઈ ખેલ બગડવા દે એમ નથી. તેમણે કમલમના ચોકમાં જઈને કાર્યકરો સાથે મળીને વાત કરી. ઘર-પરિવાર વિશે પણ પૂછ્યું. વડાપ્રધાન થયા પછી પણ છેક સામાન્ય કાર્યકર્તા સાથે કેવી રીતે વાત કરીને દોડતો કરી શકાય એ તેમનાથી વધુ કોઈ સારી રીતે નથી જાણતું.

નરેન્દ્રભાઈનું દરેક કદમ કંઈક વિચારીને જ હોય. કાર્યકર્તા સાથે હળવુંમળવું એ કમલમના અને પ્રદેશના નેતાઓ માટે પણ આ એક શીખ હતી કે કાર્યકર્તાને સાચવવો કેટલો મહત્ત્વનો છે.

આવા જ ઇન્ટરેસ્ટિંગ વીડિયો એનાલિસિસ માટે વાંચો દિવ્ય ભાસ્કર એપ અને જુઓ ગેમ ઓફ ગુજરાત 2022.

આવતીકાલે ફરી મળીએ... ધન્યવાદ.

અન્ય સમાચારો પણ છે...