156 સીટ અને NRIનું યોગદાન:અલગ અલગ દેશોમાંથી માત્ર ભાજપનો પ્રચાર કરવા માટે આવ્યા, ઉમેદવારની જગ્યાએ તેમણે સભાઓ પણ ગજવી

3 મહિનો પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ રેકોર્ડબ્રેક 156 બેઠક પર જીત મેળવી છે. પૂર્વ મુખ્યમંત્રી સ્વ. માધવસિંહ સોલંકીનો પણ રેકોર્ડ તોડ્યા બાદ જો સૌથી વધુ કોઈ ચર્ચા હોય તો ભાજપના કાર્યકરોના ડેડિકેશનની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમની રેલી અને જાહેરસભામાં નરેન્દ્રનો રેકોર્ડ ભૂપેન્દ્ર તોડે તેવું આહવાન કરતા રહ્યા હતા. પીએમ મોદીના આ શબ્દોને ભાજપના કાર્યકરોએ વધાવી લઈને અલગ અલગ મોરચે યોગદાન આપીને ગુજરાતના રાજકારણમાં એક નવો જ ઈતિહાસ રચ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના સ્થાનિક નેતાઓ કે કાર્યકરોની સાથોસાથ સૌની નજર NRI પણ મંડાઈ હતી. અલગ અલગ વિધાનસભા બેઠકો પર એનઆરઆઈ પણ ભાજપના વિકાસ મોડલની સાથોસાથ યોજનાઓનો પ્રચાર કરતા જોવા મળ્યા હતા.

ત્યારે દિવ્ય ભાસ્કરે ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપીના સંગઠન મહામંત્રી વાસુદેવ પટેલ સાથે આ અંગે ખાસ વાતચીત કરીને પહેલો સવાલ એ કર્યો કે શું તમે કલ્પના કરી હતી કે ભારતીય જનતા પાર્ટી આવી પ્રચંડ જીત મેળવશે? વાસુદેવ પટેલ સહેજ પણ ખચકાયા વગર જવાબ આપે છે કે ચોક્કસ, આ પરિણામ તો અમે ધાર્યું હતું એટલી બેઠકો કરતાં તો ઓછું જ છે. 28 ઓક્ટોબરથી ગુજરાતમાં ભાજપનો પ્રચાર કરી રહ્યો છું. 18 વિધાનસભા બેઠકો પર ડોર ટૂ ડોર પ્રચાર પણ કર્યો ને જ્યાં ઉમેદવારો કોઈ કારણોસર નહોતા જઈ શકતા ત્યાં અમે જઈને સભાઓ કરતા ને ભાજપની યોજના પણ લોકો સુધી પહોંચાડતા. અમારા પ્રચાર સમયે જે જૂવાળ જોવા મળતો હતો એ જોઈને અમને પણ એવું લાગતું હતું કે 2022ની ચૂંટણીમાં ભાજપ 170 કરતાં પણ વધુ બેઠકોથી જીતશે.156 સીટો જીતીને નવો રેકોર્ડ સ્થાપ્યો છે એની ખુશી તો છે જ પણ સાથોસાથ એ અફસોસ પણ છે કે મારી 170 સીટની આશા પૂરી ન થઈ. જો કે, નરેન્દ્રભાઈએ આપેલું સ્લોગન નરેન્દ્રનો રેકોર્ડ ભૂપેન્દ્ર તોડશે એ સાર્થક થયું એનો આનંદ પણ છે.

નરેન્દ્ર મોદીના વિદેશમાં વસતા ચાહકોની વાત કરતાં વાસુદેવભાઈ ઉમેરે છે કે, ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી સાથે સંકળાયેલા 80 કરતાં પણ વધુ એનઆરઆઈ ગુજરાતની ચૂંટણીમાં એક્ટિવ થયા હતા. માત્ર ને માત્ર ભાજપનો પ્રચાર કરવા માટે જ આ એનઆરઆઈ સમર્થકો ગુજરાત આવ્યા છે. તો 2 હજાર કરતાં પણ વધુ ગ્રીન કાર્ડ હોલ્ડર્સ ખાસ વોટ કરવા માટે ગુજરાત આવ્યા છે. તો પ્રમુખ સ્વામી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવના કારણે 25 હજાર કરતાં પણ અનુયાયીઓએ પણ વહેલા આવીને ચૂંટણી પ્રચાર કે મતદાનમાં ભાગ લીધો છે. આમ ગુજરાતની ચૂંટણીમાં એનઆરઆઈનું યોગદાન ગણીએ તો અંદાજે ત્રીસેક હજાર લોકોએ વિદેશમાંથી આવીને મતાધિકારનો પણ ઉપયોગ કર્યો છે.

ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપીના હોદ્દેદારો અને કાર્યકરો કોઈ પણ પ્રકારની આશા કે અપેક્ષા વગર માત્ર ને માત્ર ભાજપ પ્રત્યેની નિષ્ઠાના કારણે જ ગુજરાત આવ્યા છે. વિદેશમાં રહેતા પોતાના સ્વજનો અને ધંધો પણ થોડા દિવસ માટે છોડીને સ્વખર્ચે ગુજરાતના ગામડે ગામડે પ્રચાર માટે ફર્યા છે. વાસુદેવભાઈએ તો ત્યાં સુધી કહ્યું કે, જ્યારે ગામડાના લોકોને જાણ થાય છે કે અમે વિદેશમાંથી માત્ર ને માત્ર ભાજપનો પ્રચાર કરવા આવ્યા છીએ ત્યારે તેમને પણ અમારા પ્રત્યે અલગ જ પ્રકારનો અહોભાવ થાય છે. એનઆરઆઈ સમર્થકો પણ ઉમેદવારની સાથે સાથે શક્ય હોય એટલી રેલી અને સભામાં જોડાયા છે.ત્રણ લેયરમાં પ્રચાર કરતી આ ટીમમાં ડોક્ટર્સ, એન્જિનિયર અને આઈટીના નિષ્ણાતો છે. પહેલા લેયરમાં કામ કરતી એક ટીમ વિદેશમાંથી ફોન કોલ્સ કરીને ભાજપને મત આપવા માટે અંગત લોકો અને સ્વજનોને અપીલ કરે છે. બીજા લેયરમાં એક ડેડિકેટેડ ટીમ સોશિયલ મીડિયા સંભાળી લે છે. આ ટીમ અલગ અલગ વીડિયોઝ અને ફોટોઝના માધ્યમથી ભાજપનો પ્રચાર પ્રસાર કરે છે. અંદાજે 2 હજાર કરતાં પણ વધુ વીડિયોઝ અમારી ટીમે બનાવ્યા છે જે ભારતીય જનતા પાર્ટીના મીડિયા સેલે પણ સર્ક્યૂલેટ કર્યા છે. ને છેલ્લે ત્રીજા લેયરમાં અમે અંતિમ ઘડીનું ગ્રાઉન્ડ કેમ્પેઈનિંગ પણ કરીએ જ છીએ. આમ આ ત્રણ લેયરમાં અમે વિદેશમાં રહીને પણ ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરીને તેને મજબૂત જનાધાર અપાવવા સતત કાર્ય કરીએ છીએ. ને આ કામ અમારી ટીમ છેલ્લા 25 વર્ષથી કરે છે.

તો વાસુદેવભાઈ સાથે ગાઈડની જેમ ફરતા સ્થાનિક યુવા કાર્યકર દક્ષ પટેલ પણ તેમના જેવા યુવાનોને ભાજપની વિચારધારા સાથે જોડવાનું કામ કરી રહ્યા છે. શહેરની અલગ અલગ કોલેજમાં અભ્યાસ કરતા કોલેજિયનથી લઈને ફર્સ્ટ ટાઈમ વોટર્સ એવા યુવા મતદારોને તેમણે મતાધિકારનો ઉપયોગ કરવા માટે પણ અવગત કર્યા છે. નરેન્દ્ર મોદીના સપનાને સાર્થક કરવા તનતોડ મહેનત કરતા અનેક યુવા કાર્યકરોમાંથી એક દક્ષ પટેલ પણ છે. દક્ષના જણાવ્યા મુજબ ભાજપના યુવા કાર્યકરોનું આગામી લક્ષ્ય હવે લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 400 પ્લસ બેઠકો જીતાડવી.

અન્ય સમાચારો પણ છે...