'મોદી ફાકા મારશે તોય લોકો મત દેશે':ડાલામથ્થા સિંહ, બિચારા બકરાં અને દિલનાં દર્દની વાત, ગુજરાતની હાઈ પ્રોફાઇલ બેઠક પર રીતસર તોપગોળા ફુટ્યા

3 મહિનો પહેલાલેખક: રક્ષિત પંડ્યા

ગુજરાતની વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ વાગી ગયુ છે ત્યારે હંમેશા શાંત રહેલી ભાજપની સિક્યોર બેઠક ગોંડલમાં આ વખતે બે ક્ષત્રિય જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા વચ્ચે આંતરિક વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે દિવ્ય ભાસ્કરની ટીમ ગોંડલમાં ચૂંટણીનો માહોલ કેવો છે તે જાણવા માટે ગ્રાઉન્ડ પર પહોંચી હતી. ગોંડલના મતદારોએ દિવ્ય ભાસ્કર સામે હાલની સરકારને લઈ હૈયાવરાળ ઠાલવી હતી. એક મતદારે તો ત્યાં સુધી કહી દીધું કે, આના કરતા તો રાજાશાહી સારી, 25 વર્ષથી હિટલરશાહી જેવું વાતાવરણ જોવા મળે છે. મોરબીનો પૂલ તૂટ્યો એમ અહીં દર વર્ષે રસ્તા તૂટે છે. પહેલા જેમ લોહિયાળ જંગ થતો તે આ ચૂંટણીમાં નહીં થાય

પ્રવીણભાઈ ખુંટ નામના નાગરિકે જણાવ્યું હતું કે, મોંઘવારી, બેરોજગારી અને વારંવાર થતી પેપરલીક જેવી ઘટના આજે સામાન્ય વર્ગની પ્રજા સહન કરી શકતી નથી. સ્થાનિક ગોંડલની વાત કરીએ તો અનેક મુદ્દા છે. ભ્રષ્ટાચારની હારમાળા ગોંડલમાં થાય છે. મોરબીનો પુલનો તૂટ્યો તેમ ગોંડલના રસ્તા તૂટે છે. એક વર્ષ પણ રસ્તા ટકી શકતા નથી. વારંવાર અલગ અલગ જાતના ટેક્સ વસૂલી જનતાની કમર તોડી નાખી છે.

દિપક પટેલે જણાવ્યું હતું કે, આ સરકાર કરતા તો રાજાશાહી સારી હતી. છેલ્લા 25 વર્ષથી હિટલરશાહી જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગોંડલમાં ત્રિ-પાંખિયા જંગની કોઈ અસર જોવા મળશે નહીં. ત્રીજો પક્ષ છે કે નહીં એ અમને ખબર નથી. મગનભાઈ સખિયાએ જણાવ્યું હતું કે, શિક્ષિત અને પ્રજાના કામ કરે તેવા ઉમેદવારની જરૂર છે. રોડ-રસ્તા તૂટી જાય છે અને ભૂગર્ભ ગટર છલકાવા લાગે છે અને સરકાર વિકાસની વાતો કરે છે. ગોંડલનો કોઈ વિકાસ જ નથી. આમ આદમી પાર્ટી મફત વીજળીની વાતો કરે છે પણ લાગતું નથી કે તેઓ કઈ આપી શકે, કારણ કે ચૂંટણી સમયે બધા લોકો વચન આપે છે પણ કોઈ નિભાવતું નથી.

યુવાન કેતન ગોહિલે જણાવ્યું હતું કે, ગોંડલનું માર્કેટ યાર્ડ અગ્રગણ્ય છે. ખેડૂતોના પ્રશ્નો ઘણા બધા છે. ગોંડલમાં સ્થાનિક રોજગારીની કોઈ તક નથી. રોજગારીના નામે ગોંડલ શૂન્ય છે. નગરપાલિકા કે મામલતદાર કચેરીમાં કોઈ ભરતી કરવામાં આવતી ન હોય તે મુખ્ય પ્રશ્ન ગોંડલનો છે. વિકાસના નામે અંડરબ્રિજ બનાવ્યા પણ વગર ચોમાસે આ અંડરબ્રિજમાં પાણી ભરાયા છે. ગોંડલમાં ગુંડાગીરીનું શાસન છે જેની સામે પ્રજામાં આક્રોશ છે. પણ પ્રજા તેનો વિરોધ કરી શકતી નથી.

સિનિયર સિટીઝન હિતેશભાઈ દવેએ જણાવ્યું હતું કે, ગોંડલમાં ટ્રાફિકની સમસ્યા આજે વધતી જોવા મળી રહી છે. ગોંડલમાં સરકારી હોસ્પિટલ આવેલી છે પણ ત્યાં પૂરતા ડોક્ટરો નથી. આસપાસના 100 ગામોનું પ્રતિનિધિત્વ કરે છે પણ આરોગ્યની પૂરતી સુવિધા નથી. લોકો રજૂઆત કરતા પણ અચકાઇ રહ્યા છે જેનું નિરાકરણ આવવું જોઈએ. પ્રજા પોતાનો પરિવાર માનીને ચાલે તેવા નેતાની જરૂર છે. ભૂતકાળની અંદર અમે આવા નેતા પણ જોયા છે. જેમાં જનસંઘના ગોવિંદ દેસાઈનો સમાવેશ થાય છે. રાજકારણીઓ પોતાના ટોળા દેખાડવા માટે મફત બસોની સુવિધા કરાવી શકે, મફત જમવાનું આપી શકે તો પ્રજા માટે પ્રજાને શું કામ ન આપી શકે તે સૌથી મોટો સવાલ છે.

સિનિયર સિટીઝન અને નિવૃત્ત ઓફિસર આર.ડી. મહેતાએ જણાવ્યું હતું કે, ભાજપની ટોચની નેતાગીરી ખૂબ સારી છે, ડાલામથ્થા સિંહ સામે આ બધા બકરી જેવા છે. ટોચની નેતાગીરી જોતા એવું લાગે છે કે, ભાજપ જ ગોંડલમાં જીતશે. ગુજરાતમાં અને દેશમાં જ્યારે કોંગ્રેસનું રાજ હતું ત્યારે ગોંડલમાં જનસંઘનું રાજ હતું. રખડતા ઢોરના પ્રશ્નનું નિરાકરણ લાવે તેવી આશા છે. ચૂંટણી પહેલા વાણીવિલાસ થાય તે મોટી વાત નથી પણ પહેલા જેમ લોહિયાળ જંગ થતો તે આ ચૂંટણીમાં નહીં થાય. નરેન્દ્ર મોદી એવા ફાકા મારતા હોય એટલે એવું જ થાય કે એને હવે કઈ બોલાવનું નહીં થાય. ફાકા ફોજદારી કરે તેની જ બહુમતિ છે. ભાજપ કામ તો કરે જ છે જેવું તેવું તો જેવું તેવું કામ કરે છે. સુધારાને અવકાશ એવી આપણે આશા રાખીએ છીએ.

ગોંડલના ભાજપના ઉમેદવાર ગીતાબા જાડેજાએ જણાવ્યું હતું કે, અમારા પરિવારને છઠ્ઠી વખત ટિકિટ આપવામાં આવી છે. ગોંડલની હું પ્રથમ મહિલા ધારાસભ્ય છું. માટે ગોંડલની બહેનો માટે શાંતિ, સલામતિ અને સુરક્ષા એ મારી મુખ્ય ફરજ અને જવાબદારી રહેશે. એક સમય એવો હતો કે, ગોંડલમાં દિવસે પણ બહેનોને બહાર નિકળવામાં અચકાટ થતો હતો. બહાર ભણવા જવું હોય તો પણ દીકરીઓને કેમ મોકલવી એ સવાલ થતો હતો. ત્યારે હવે આ કચવાટ દૂર થઈ ગયો છે અને અભ્યાસ કરતી દીકરીઓ માટે સારું શિક્ષણ એ મારી પ્રાથમિકતા રહેશે. બહેનોની માગ હતી કે, તેમને પૂરતું પાણી મળી રહે તે માટે સૌની યોજના મારફત છેલ્લા ત્રણ વર્ષથી ગોંડલને પાણી ખૂટવા દીધું નથી. હવે ફિલ્ટર પ્લાન્ટની માગણી કરાઈ છે અને તેમાં પણ 80 ટકા કામ પૂર્ણ થયું છે. બાકીનું 20 ટકા કામ મારી આ ટર્મમાં હું પ્રથમ પૂર્ણ કરીશ.

ગીતાબાએ વધુમાં જણાવ્યું હતું કે, દર વખતે ગોંડલનો માહોલ ચર્ચિત જ હોય છે. આખા દેશની ગોંડલની અને ગોંડલની ચૂંટણીની ચર્ચાઓ થતી જ હોય છે. ચાર ઉમેદવારો વચ્ચે આ વખતે હું અને મારા કાર્યકર્તાઓ નિશ્ચિત છીએ, જીત પાક્કી છે. માહોલ પણ બદલાઈ ગયો છે. જંગ ગમે તેવો હોય પણ ગોંડલમાં તો કમળ જ ખિલશે. ગાંધીનગરથી લઈ દિલ્હી સુધી કમળ ગોંડલ ખિલવશે.

કોંગ્રેસના ઉમેદવાર યતિશ દેસાઈએ જણાવ્યું હતું કે, આ વખતે પ્રજા વચ્ચે મોંઘવારી, બેરોજગારીના મુદ્દાને લઈ પ્રજા સમક્ષ મત માગવા જઈશું. હું બહુ નાનો ઉમેદવાર છું એવું હું પણ જાણું છું. આજે આખા સૌરાષ્ટ્રની નજર ગોંડલ પર છે. ગોંડલના ભાજપના બે બાહુબલિને આખું ગુજરાત ઓળખે છે. કઈ હદના બાહુબલિ છે તે પણ ઓળખે છે. તેમ છતાં ચૂંટણીપંચના આંખે પાટા બંધાયા હોય તેવું લાગી રહ્યું છે. ગોંડલના 30-40 નહીં પણ શહેર અને તાલુકાના તમામ બૂથને સંવેદનશીલ જાહેર કરવા જોઈએ. આખો વિસ્તાર સીઆરપીએફને સોંપવો જોઈએ. આમ આદમી પાર્ટી લોકોને ગુમરાહ કરે છે.

જ્ઞાતિનું સમીકરણ
ગોંડલ વિધાનસભા બેઠકનું જ્ઞાતિનું સમિકરણ જોઇએ તો,સૌથી વધુ પાટીદાર મતદારો આ બેઠક પર છે. આ બેઠક પર કુલ 2,28,438 મતદારો છે. જેમાં 1,18,218 પુરુષ અને 1,10,212 મહિલા મતદારો છે. આ બેઠક પર લેઉવા પટેલ, કડવા પટેલ, કોળી, આહિર, ક્ષત્રીય, માલધારી, દલિત અને લઘુમતિ સમાજનું પ્રભુત્વ છે. જેમાં 40 ટકા મતદારો લેઉવા પટેલ છે. 10 ટકા ક્ષત્રીય, 10 ટકા દલિત અને 10 ટકા લઘુમતી મતદારો છે. 5 ટકા કોળી અને 20 ટકા અન્ય સમાજના મતદારો છે.

ગોંડલમાં ચૂંટણી સમયે લોહી રેડાય છે
જ્યારથી આ બેઠક પર ચૂંટણી લડવાની શરૂઆત થઈ છે ત્યારથી આ બેઠકને સૌરાષ્ટ્રની સૌથી હાઈપ્રોફાઈલ બેઠક માનવામાં આવે છે અને આ બેઠક પરથી ચૂંટાયેલા ધારાસભ્યો પણ મોટા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પોપટભાઈ સોરઠીયા ગોંડલ બેઠકમાં ત્રણ ટર્મ કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન પણ હતા. 1998માં પોપટ સોરઠીયાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બીજી તરફ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ નિલેશ રૈયાણીની હત્યાના આરોપી હતા. તેમની પહેલાના ધારાસભ્ય મહિપતસિંહ જાડેજા સામે પણ અનેક ગુના નોંધાયા હતા અને પૂર્વ ધારાસભ્ય ચંદુ વઘાસિયા પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા. 2017ની ચૂંટણી સમયે જયરાજસિંહ જાડેજાને રાજ્ય બહાર રહેવાની શરતે જામીન મળ્યા હતા. જેના કારણે ટિકિટ તેમના પત્ની ગીતાબાને આપવામાં આવી હતી અને આ ચૂંટણી દરમિયાન સંપૂર્ણ જવાબદારી રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાએ નિભાવી હતી.

1998ની ચૂંટણીથી રાજકીય યુદ્ધ ચાલ્યું આવે છે
જયરાજસિંહ જાડેજાને 2004માં નિલેશ રૈયાણી હત્યા કેસમાં અને અનિરુદ્ધસિંહ જાડેજાને 1998માં કોંગ્રેસના પોપટલાલ સોરઠિયાની હત્યા કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ બન્ને પરિવાર વચ્ચે 1998ની ચૂંટણીથી રાજકીય યુદ્ધ છેડાયું હતું. 1998ની વિધાનસભાની ચૂંટણીમાં જયરાજસિંહે અનિરુદ્ધ સિંહના પિતા મહિપતસિંહ જાડેજાને હરાવ્યા હતા અને બન્ને પરિવાર વચ્ચે વિખવાદ શરુ થયો હતો. જયરાજસિંહ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા જ્યારે મહિપતસિંહ અપક્ષ ઉમેદવાર હતા. મહિપતસિંહ જાડેજા આ બેઠક પરથી 1990 અને 1995માં સ્વતંત્ર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જ્યારે જયરાજસિંહ 1998, 2002 અને 2012માં આ બેઠક પરથી ચૂંટાયા હતા. 2017માં જયરાજસિંહના પત્ની ગીતાબાને ભાજપે ટિકિટ આપી હતી અને તેઓ ચૂંટણી જીત્યા હતા.

2017ની ચૂંટણીના સંવેદનશીલ બૂથ મથકો
સૌરાષ્ટ્રની વિધાનસભાની બેઠકમાં સૌથી વધુ સંવેદનશીલ બૂથ મથકો ગોંડલ વિધાનસભા બેઠકમાં છે. 2017ની ચૂંટણીમાં અધિકારીઓ દ્વારા વિધાનસભા બેઠકના 235 મતદાન મથકો પૈકી 44 મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં મુંગા વાવડી, રીબડા, પીપળીયા, સિંધાવદર, ભૂણાવા, પતીયાળી, બેટાવડ, લુણીવાવ, નાગડકા, ત્રાકુડા, ડેયા, વાછરા, ખાંડાધાર, ગુંદાળા, ઘોઘાવદર, મોવિયા સહિતના બુથનો સમાવેશ થાય છે.

કેશુભાઈ પટેલ આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા
પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ તેમની રાજકીય કારકિર્દી દરમિયાન પાંચ ચૂંટણી અલગ-અલગ વિધાનસભા બેઠક પરથી લડ્યા હતા અને જીત્યા હતા. જેમાં ગોંડલ વિધાનસભા બેઠક પણ હતી. ગોંડલ વિધાનસભા બેઠક પર વર્ષ 1980માં કેશુભાઈ પટેલ ભાજપમાંથી ચૂંટણી લડ્યા હતા અને તેમનો વિજય થયો હતો. વર્ષ 1990માં આ વિધાનસભા બેઠક પરથી એનસીપીના ઉમેદવાર ચંદુભાઈ વઘાસિયા ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા

1962થી અત્યારસુધીનું પરિણામ

1962થી હારજીતનાં લેખાજોખા
1962થી હારજીતનાં લેખાજોખા
અન્ય સમાચારો પણ છે...