ભાસ્કર એક્સક્લૂસિવઆજનું પોલિટિકલ પિક્ચર:આવી ગઈ છે ‘કાંતારા’ મૂવીની સુપરહિટ સિક્વલ, કોને તેના કાંટા વાગશે? ક્લિક કરો ને જાણી લો!

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

દોઢેક મહિના પહેલાં વધુ એક કન્નડ ફિલ્મ આવેલી. નામ હતું ‘કાંતારા’. માત્ર 16 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ લોકોને એવી ગમી ગઈ કે બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ્સ તોડી નાખ્યા. 400 કરોડથી પણ વધારેની કમાણી કરી લીધી. મજાની વાત એ છે કે આ ફિલ્મે માત્ર કન્નડમાં જ નહીં, બલકે હિન્દી ભાષા બોલતાં રાજ્યોમાં પણ એવી ધૂમ મચાવી કે અત્યારે પણ તે થિયેટરોમાં ચાલી રહી છે. કન્નડ ભાષાનો શબ્દ ‘કાંતારા’નો અર્થ થાય રહસ્યમયી જંગલ.

કાંતારા ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી એના એક્ઝેક્ટ એક મહિના પછી ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત થઈ. અને ‘ચૂંટણીનો પથ છે કાંટાળો, નહીં સુંવાળું કામ જોને’ એવું ડેમોક્રેટિક દેશમાં સાબિત થયેલું છે. એમાંય જે નેતાઓ સત્તાની સામે પડેલા છે, પક્ષપલટા કરીને સત્તાની સોડમાં સમાયા છે અથવા તો એવા મતવિસ્તારમાંથી લડી રહ્યા છે, જ્યાંનો માહોલ એકદમ સેન્સિટિવ છે, તે ઉમેદવારોને આ ચૂંટણીમાં ભારે કાંટાળા પથ પરથી પસાર થવાનું આવી રહ્યું છે.

સોમવારે બીજા તબક્કાની ચૂંટણીમાં આવા અમુક નેતાઓ અમારી નજરે ચડ્યા છે. જેમ કે, ‘વાયા વિરમગામ’ના હાર્દિક પટેલ. આ ગુજરાત વિધાનસભા ચૂંટણીના સૌથી યુવા અને વારેઘડીએ નાના પાટેકરની જેમ ગુસ્સે થઇ જતા નવોદિત ઉમેદવાર. એમની ઊગું ઊગું થઈ રહેલી રાજકીય કારકિર્દીનો આધાર જ આ ચૂંટણીમાં જીત પર ટકેલો છે. બીજા છે અલ્પેશ ઠાકોર. તેઓ કોંગ્રેસમાંથી વંડી ઠેકીને ભાજપની પંગતમાં બેસી ગયેલા નેતા છે. એમની રાજકીય કારકિર્દી પણ કાંટાળા પથ પરથી પસાર થઈ રહી છે. ત્રીજા છે વધુ એક એન્ગ્રી યંગ મેન જિજ્ઞેશ મેવાણી. ગયા વખતે કોંગ્રેસના ટેકાથી અપક્ષ જીતેલા વડગામના ધારાસભ્ય માટે આ વખતે કપરાં ચડાણ છે એવું ભાદરવા મહિનાથી ઊગી નીકળેલા રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. જ્યારે ચોથા છે, મોરબી દુર્ઘટના વખતે મચ્છુમાં કૂદીને વિધાનસભાની ટિકિટ સિક્યોર કરી લેનારા કાંતિ અમૃતિયા. આ વખતે સ્થાનિક મતદારો મતદાન કરતી વખતે આ ટ્રેજેડીને કેવીક યાદ રાખે છે તે આઠમીએ રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડશે.

આમ તો બીજા ઘણા બધા ઉમેદવારો માટે બીજો તબક્કો કાંટાળો પથ છે. પરંતુ ખાસ કરીને ત્રણ યુવા અને એક નોટ સો યુવા નેતા માટે કાંટાળા રાહ પર ચાલવાનું છે એ નક્કી છે. એમને મતદારો શાંત ચિત્તે મત આપે છે કે પછી ‘કાંતારા’ ફિલ્મની જેમ ‘વારાહ રૂપમ’ બતાવે છે એ તો રિઝલ્ટના દિવસે ખબર પડી જ જવાની છે.

તમને અમારું આજનું આ ઇલેક્શન પોસ્ટર ગમ્યું હોય તો તેને શૅર કરવાનું ચૂકશો નહીં.

***

હવે આ અન્ય રસપ્રદ સમાચારો પણ તમારી ખિદમતમાં પેશ છે... ***

ઓવૈસી પ્રચારમાં ભાવુક: ગોધરા બાદ અમદાવાદમાં પણ મુસ્લિમ વોટર્સનો વિરોધ, જમાલપુર રેલીમાં ઓવૈસી રડી પડ્યા

***

ચૂંટણીમાં મનોરંજનનો રંગ: બોરસદમાં મતદારોને રીઝવવા કોંગી ઉમેદવારની ચૂંટણીસભામાં લેડી ડાન્સરને બોલાવી, સોજીત્રામાં અભિનેત્રી આરતી પટેલે ભાજપ માટે મત માગ્યા

***

ELECTION રાઉન્ડ-અપ@7 PM: ભાજપે રૂપાલાને શું બોલવાની ના પાડી? વોટ માટે હાથ ફેલાવવાથી લઈને બેલી ડાન્સ સુધી, જુઓ પ્રચારના છેલ્લા દિવસના 7 રંગ

અન્ય સમાચારો પણ છે...