ગુજરાતનું પોરબંદર શહેર સુદામા નગરી અને મહાત્મા ગાંધીની જન્મભૂમિ તરીકે વિશ્વ પ્રસિદ્ધ છે. આ વખતની ચૂંટણીમાં પોરબંદર જિલ્લાની બે વિધાનસભા બેઠકો પર જંગ જામશે. અહીંની બે બેઠકો પૈકી કુતિયાણા વિધાનસભા બેઠક કાંધલ જાડેજાના કારણે ચર્ચામાં રહી છે. તો પોરબંદર વિધાનસભા બેઠક પર ભાજપ કોંગ્રેસના બે નેતાઓ વચ્ચેની ટક્કર ચર્ચામાં રહે છે. આ વિધાનસભા બેઠકના મત ક્ષેત્રમાં મેર અને કોળી સમાજનું પ્રભુત્વ વધુ જોવા મળે છે. કોઈપણ નેતા ત્રણ ટર્મ સુધી નથી ચૂંટાતા તેવો પોરબંદરની બેઠકનો ઈતિહાસ રહ્યો છે. છેલ્લી બે ટર્મથી અહીં બાબુભાઈ બોખીરિયા બેઠક કબ્જે કરી બેઠા છે. જ્યારે કોંગ્રેસના અનુભવી અને દિગ્ગજ નેતાની ઓળખ ધરાવતા અર્જુન મોઢવાડિયા બે વર્ષથી હારતા આવ્યા છે. આ વખતે પણ કોંગ્રેસે અર્જુન મોઢવાડિયાને મેદાને ઉતાર્યા છે. જ્યારે ભાજપે પણ અર્જુનભાઈને ટક્કર આપવા બાબુભાઈને જ ટિકિટ આપી છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં બોખીરિયાએ મોઢવાડિયાને 1,855 મતોથી હરાવ્યા હતા. આ વખતની ચૂંટણીમાં પોરબંદર વિધાનસભા બેઠક પર કેવો જંગ જામશે તે જાણવા દિવ્ય ભાસ્કરની ટીમ સુદામા નગરી પહોંચી હતી.
પોરબંદરવાસીઓનો મિજાજ
પોરબંદરમાં વર્ષોથી શહેરના માર્ગો સિમેન્ટના બનેલા છે. જોકે કેટલાક વિસ્તારમાં નવા રોડ બન્યા છે જેને મતદારોએ ડિસ્કો રોડ નામ આપી દીધું. આ શહેરમાં સૌથી વધુ માછીમારો વસવાટ કરતા હોવાથી તે લોકોની સમસ્યા પણ એટલી જ છે. છેલ્લા બે દાયકામાં અહીં એક પણ ઈન્ડસ્ટ્રી નથી આવી અને જે ધંધા વ્યાપાર હતા તે ઠપ થઈ ગયા હોવાનો સ્થાનિકો દાવો કરી રહ્યા છે. કેટલાક સ્થાનિકોના મતે વિકાસની પીચ આખી ઉડી ગઈ છે અને માત્ર કાગળિયા પર કામ થયા હોવાનું જણાવી રહ્યા છે. આ ઉપરાંત શહેરમાં ગટર, પાણી જેવી સમસ્યાઓ પણ મુખ્ય છે તેવું લોકોનું કહેવું છે.
બે દિગ્ગજ નેતાઓ વચ્ચે જંગ
2017 વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંનેએ મેદાનમાં ઉતારેલા ઉમેદવાર સ્થાનિક પ્રભુત્વ ધરાવતી મેર કોમ્યુનિટીના બાહુબલી નેતાઓ હતા. અનેક વખત એકબીજાની વિરુદ્ધ ચૂંટણીમાં ઉતરેલા પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડીયા અને રાજ્યના પાણી સંશાધન અને ખેતીવાડી પ્રધાન બાબુભાઈ બોખિરિયા ફરી એકવાર ચૂંટણીના મેદાનમાં આમને સામને આવ્યા હતા. અને ફરી એક વખત આ વખતની ચૂંટણીમાં એકબીજાની સામે છે. બાબુભાઈ બોખીરિયા 1998 અને 2012માં ચૂંટણી જીત્યા હતા. જ્યારે અર્જુન મોઢવાડિયા 2002માં તેમની જ સામે ચૂંટણી જીત્યા હતા. 2007માં ભાજપ તરફી મહિલા ઉમેદવાર શાંતાબેન ઓડેદરાને ઉતાર્યા હતા જે ચૂંટણીમાં મોઢવાડિયાએ જીત મેળવી હતી.
બાબુભાઈ બોખીરિયા અને અર્જુન મોઢવાડિયા કોણ છે?
અર્જુન મોઢવાડિયા કોંગ્રેસના કદાવર નેતા કે જેમણે મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. 2004-2007 સુધી તેમણે વિધાનસભામાં વિપક્ષી નેતા તરીકેની જવાબદારી નિભાવી હતી. તો 2012ના ચૂંટણી પરીણામો સુધી તેઓ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદે પણ હતા. જેમાં કોંગ્રેસની કારમી હાર બાદ તેમણે રાજીનામું આપ્યું હતું. તો B.Sc કેમિસ્ટ્રીમાં ગ્રેજ્યુએટ ભાજપના ઉમેદવાર બાબુ બોખીરિયા કેશુભાઈ પટેલની સરકારથી લઈને મોદી સરકાર સુધી મંત્રી પદે રહ્યા છે.
આ વખતની ચૂંટણીમાં બેઠકનું મહત્વ
પોરબંદર બેઠક પર મોટા ભાગે પાટીદારો અને ખારવા સમાજના મતદારોનું આગવું પ્રતિનિધિત્વ છે. તેથી આ બંને સમાજને સાથે રાખી અહીં ચૂંટણી જંગ ખેલવો દરેક પક્ષ માટે લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. તેમાં પણ ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે આ બેઠક પર ખરાખરીના જંગની ખબરો વચ્ચે AIMIMના રાષ્ટ્રીય પ્રમુખ અસદુદ્દીન ઔવેસીના પોરબંદરમાં નિવેદનથી રાજકીય ઉથલપાથલ મચી છે. ઓવૈસીએ 2022ની વિધાનસભાની ચૂંટણી મુદ્દે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, “વિધાનસભાની ચૂંટણીમાં AIMIM પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડશે.” તેથી અહીંનો ચૂંટણી જંગ ઘણો રસપ્રદ બની રહેશે તેના કોઇ શંકાને સ્થાન નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.