ભાસ્કર ઇન્ટરવ્યૂહું ગેનીબહેન ઠાકોર:'આડોડાઈ કરે તેને ક્યારેય ના છોડું, 'આ ત્રણ કૃપાથી હું ફરી જીતીશ', લમ્પીમાં રાખેલી બાધા વિશે પણ ફોડ પાડ્યો

10 દિવસ પહેલાલેખક: મૌલિક ઉપાધ્યાય

"જો પોલીસ કોઈપણ મહિલાને પકડે તો હું તેમને પડકારી રહી છું. વાવ, થરાદની કોઈપણ મહિલા પર જો પોલીસે આંગળી પણ ઉઠાવી છે તે હું તમામની આંગળીઓ કાપી નાંખીશ. ન્યાય અને હક માટે લડનારને કોઈ હેરાન ન કરી શકે. પોલીસ સ્ટાફ કાયદાકીય વ્યવસ્થાને જાળવવા માટે કાર્યરત છે. કોઈને મુશ્કેલીમાં મુકવા માટે નહીં...'. ગત સપ્ટેબર મહિનામાં આ નિવેદન સામે આવ્યું હતું. ને આવું વિવાદાસ્પદ નિવેદન આપનાર પણ બીજું કોઈ નહીં કોંગ્રેસનાં મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોર હતાં. આવાં અનેક વિવાદાસ્પદ અને બેધડક નિવેદનો આપવાના કારણે ગેનીબેન ઠાકોરનું નામ આજે બનાસકાંઠા જ નહીં પણ આખા ગુજરાતમાં જાણીતું છે.

દિવ્ય ભાસ્કરની ટીમ બનાસકાંઠાની અલગ અલગ બેઠકો પર જઈને મતદારોનો મૂડ જાણી રહી છે ત્યારે વાવનાં ધારાસભ્ય ગેનીબહેન ઠાકોર સાથે મુલાકાત કરવા માટે ભાભર ખાતે આવેલા તેમના નિવાસસ્થાને પહોંચી. માધવ સિટીમાં આવેલા તેમના બંગલોની બહાર અમે પહોંચ્યા તો એક સામાન્ય વ્યક્તિનું ઘર હોય તેવો અનુભવ થયો. આ બંગલોની અંદર જતાં રોકવા માટે તમને કોઈ સિક્યૉરિટી ગાર્ડ નહીં દેખાય. તેમના નિવાસસ્થાનનો ગેટ ખોલીને કોઈપણ સામાન્ય વ્યક્તિ તેમની સુધી પહોંચી શકે તેવી વ્યવસ્થા છે. અમે જ્યારે અંદર પ્રવેશ્યા તો કેટલાક લોકોની વચ્ચે બેસીને ગેનીબહેન ચર્ચા કરતાં દેખાયાં. સવારના સાડા સાત વાગે તો ગેનીબહેન કાર્યકરોની સાથે બેસીને દિવસભરના પ્રચારનું શિડ્યૂલ નક્કી કરતાં હોય તેવું લાગ્યું. વાદળી રંગની સાડી અને માથે દૂપટ્ટો નાખીને બેઠેલાં ગેનીબહેન એ પણ સારી રીતે સમજે છે કે પ્રજાના પ્રતિનિધિ હોવાની સાથોસાથ તેઓ અહીં બહુમતી ધરાવતા ઠાકોર સમાજનાં વહુ પણ છે. અને એટલે જ કદાચ માથું દૂપટ્ટાથી ઢાંક્યું હતું. અમારી ઉપર નજર પડતાં જ અમે તેમને અમારી ઓળખ આપી. એક ગુજરાતી જેમ મહેમાનની આગતા સ્વાગતા કરે તેવો જ ભાવ તેમના શબ્દોમાં અને અમારા પ્રત્યેના વર્તનમાં દેખાયાં. સામાન્ય રીતે ચૂંટણી પ્રચારમાં આકરાં વેણ બોલતાં ગેનીબહેન સાથેની વાતચીતમાં ક્યાંય પણ એ પ્રકારના આખાબોલા સ્વભાવનો અનુભવ થયો નહીં. ગેનીબહેને તેમના કાર્યકરોને રજા આપીને અમારી સાથે વાતચીત કરવાનું શરૂ કરતાં અમે પણ તેમની પોલિટિકલ કરિયર વિશે જાણકારી મેળવવાનું શરૂ કર્યું. આ વાતચીતમાં તેમના બાળપણના સંઘર્ષથી લઈને ધારાસભ્ય બનવા સુધીની કહાની તેમજ ઠાકોર સમાજ વિશે કરેલા સવાલોના જવાબ પણ તેમણે એક પણ શબ્દ ચોર્યા વિના આપ્યા.

મત વિસ્તારના કાર્યકરો સાથે પ્રચારનું આયોજન કરતાં ગેનીબેન
મત વિસ્તારના કાર્યકરો સાથે પ્રચારનું આયોજન કરતાં ગેનીબેન

દિવ્ય ભાસ્કર: તમારું બાળપણ કેવું વીત્યું છે? એ સમયે પણ સંઘર્ષ કરવો પડ્યો હતો?
વાવના ધારાસભ્ય ગેનીબહેન ઠાકોરે કહ્યું કે લોકશાહીમાં સંઘર્ષ જરૂરી છે. હું મધ્યમ અને ગરીબ વર્ગમાંથી આવું છું. રૂઢિચૂસ્ત સમાજમાં મને અનેક તકલીફો પડી છે. જો કે, તેમ છતાં તમામ પડાવો પાર પડીને છેલ્લા 28 વર્ષથી હું રાજકારણમાં છું. અત્યાર સુધીમાં આઠ વખત અલગ અલગ ચૂંટણી લડી છું. જીવનમાં ઉતાર ચડાવવા આવે છે. જો કે, ઉતાર-ચડાવ આવે ત્યારે આપણે નાસીપાસ કે ખુશખુશાલ થઈ જવાની જરૂર નથી હોતી.

ભાભર ખાતે આવેલું ગેનીબહેનનું નિવાસસ્થાન
ભાભર ખાતે આવેલું ગેનીબહેનનું નિવાસસ્થાન

દિવ્ય ભાસ્કર: રાજકારણમાં આવવાનું કેવી રીતે બન્યું?

ગેનીબહેન ઠાકોર: રાજકારણ તો મારા લોહીમાં છે એવું કહું તો પણ અતિશયોક્તિ નથી. મને રાજકારણમાં આવવાનો મોકો આપવાનો શ્રેય મારા પિતાને જાય છે. મારા પિતાની ઈચ્છા હતી કે હંુ પણ તેમના પગલે પગલે ચાલીને રાજકારણમાં જઉં. મારા જન્મ સમયે મારા પિતા જિલ્લા પંચાયતના સભ્ય હતા. વર્ષ 1995માં હું જ્યારે 18 વર્ષની થઈ ત્યારે હું તાલુકા પંચાયતની ચૂંટણી લડી હતી. મારું બાળપણ સંઘર્ષમય હતું પણ એના કારણે મારા વ્યક્તિત્વમાં અલગ જ પ્રકારની લીડરશિપ લેવાના ગુણો વિકસ્યા. શાળામાં ભણતી હતી ત્યારથી હું લીડરશીપના પાઠ ભણવા લાગી હતી.

વડીલોની વચ્ચે જઈને આશીર્વાદ લેતાં ગેનીબહેન
વડીલોની વચ્ચે જઈને આશીર્વાદ લેતાં ગેનીબહેન

દિવ્ય ભાસ્કર: પરિવારનો સહકાર કેટલો મળે છે?
ગેનીબહેન ઠાકોર: પરિવારના સહયોગ બાબતે હું નસીબદાર છું. મારો પરિવાર મને સમાજસેવા માટે ઘરની જવાબદારીઓમાંથી મુક્ત રાખે છે. સામાજિક કાર્યો મારો ભાઈ કે બહેન ઉપાડી લે છે. મારી બહેન તો ઘરનું પણ દરેક કાર્ય કરીને મને રસોડાની જવાબદારીમાંથી પણ ફ્રી રાખે છે. એ લોકોના સહકારના કારણે જ હું લોકોની વચ્ચે જઈને તેમની સમસ્યાઓ વિશે જાણીને ઉકેલ લાવી શકું છું. મારી અઢાર વર્ષની ઉંમરે શરૂ થયેલી રાજકિય કારકિર્દીની સફળતા પાછળ પણ મારા પરિવારનો હાથ છે એવું કહું તો પણ અતિશયોક્તિ નહીં કહેવાય.

દિવ્ય ભાસ્કર: તમારા પતિ પ્રચારમાં મદદ કરે છે?
ગેનીબહેન ઠાકોર: ચૂંટણીના સમયમાં તેમના પતિનો ફાળો અમૂલ્ય હોય છે. અત્યારના સમયે અલગ અલગ પ્રકારની વ્યવસ્થા અને આયોજન કરવામાં તેઓ બહુ જ મદદગાર સાબિત થાય છે. તેઓ ઓફિસ મેનેજમેન્ટથી લઈને નાના મોટા પ્રચારની જવાબદારી પણ ઉપાડી લે છે.

પતિ શકરસિંહ ઠાકોર (ડાર્ક મરૂણ શર્ટમાં) પણ પ્રચારાર્થે મદદ કરે
પતિ શકરસિંહ ઠાકોર (ડાર્ક મરૂણ શર્ટમાં) પણ પ્રચારાર્થે મદદ કરે

દિવ્ય ભાસ્કર: થોડા સમય પહેલાં તમે એવું કહ્યું હતું કે મહિલાઓ પર આંગળી ઉઠાવશો તો આંગળી કાપી નાખીશ
ગેનીબહેન ઠાકોર: હા, મેં કહ્યું હતું. પોલીસ પબ્લિકના ટેક્સમાંથી જ પગાર લે છે. માત્ર પોલીસ જ નહીં દરેક સરકારી અધિકારી પ્રજાના ટેક્સમાંથી જ પગાર લે છે. એ લોકો પ્રજાના સેવક છે એમની જવાબદારી પ્રજાનું રક્ષણ કે મદદ કરવાની હોય છે. ડિપાર્ટમેન્ટ કોઈ પણ હોય જનતાની સામે આડોડાઈ દાખવીને ખોટી રીતે હેરાન કરશે એ હું સાંખી લઈશ નહીં. કાયદો વ્યવસ્થા જાળવવાની જવાબદારીમાંથી છટકનારાઓને આ વિવાદાસ્પદદ નિવેદન લાગે તો ભલે. પણ એક વાત સ્પષ્ટ છે કે પ્રજાના હિતની વાત હશે અને એમાં જે કોઈ પણ રોડાં નાખવાનો પ્રયત્ન કરશે તો હું ગેની બહેન ઠાકોર અવાજ ઉઠાવતી જ રહીશ.

દિવ્ય ભાસ્કર: ગુજરાતના મુખ્યમંત્રી ઠાકોર સમાજમાંથી હોવા જોઈએ?
ગેનીબહેન: એ બધું તો બહુમતી આવે કોંગ્રેસની પછીની વાત છે. કોણ સીએમ બનશે એ નિર્ણય પણ મોવડી મંડળ કરે છે. ઠાકોર સમાજનો મુખ્યમંત્રી બનાવવો કે નહીં એ પણ મોવડી મંડળ જ નક્કી કરશે. ચૂંટણીમાં કોઈપણ પક્ષ વિચારધારા સાથે ઉતરે છે. અમારી પાર્ટીની વિચારધારા એ છે કે દરેક સમાજનો અવાજ બનીએ અને દરેકને પ્રતિનિધિત્વ આપીએ. કોંગ્રેસ દરેક સમાજને સાથે લઈને ચાલનાર પાર્ટી છે.

દિવ્ય ભાસ્કર: અત્યારે ચૂંટણીમાં કઈ રીતે પ્રચાર કરો છો ?
ગેનીબહેન: હું દરરોજ સવારના આઠ વાગ્યાથી મોડે રાત સુધી 20 જેટલા ગામોમાં પ્રચાર માટે જાઉં છું. અત્યારે હાલ ચૂંટણી પ્રચારના કારણે થાક પણ વધુ લાગે છે. બનાસકાંઠામાં વાવ વિધાનસભા બહુ મોટી છે. મારી સામે લડી રહેલા વિધાનસભાના ઉમેદવારને અલગ અલગ ગામો અને સમાજ સાથે કોઈ જ લોકસંપર્ક ન હોવાથી તેનો મને ચોક્કસ લાભ થશે. રાત-દિવસ પ્રવાસો થાય છે. જો કે, સમાજ સેવા માટે આવી છું તો લોકોની તકલીફો સામે મારો આ થાક ઓછો છે એવું મને લાગે છે.

દિવ્ય ભાસ્કર: શું લાગે છે આ ચૂંટણીમાં? તમને કેટલો વિશ્વાસ છે તમારી જીત પર
ગેનીબહેન: 100 ટકા વિશ્વાસ છે. ધરણીધર, મા નડેશ્વરી અને પાંચ વર્ષ સુધી જનતાની વચ્ચે જઈને જે સેવા કરી છે એની કૃપાથી હું ચોક્કસ જીતીશ. ધારાસભ્ય નહોતી ત્યારે પણ હું લોકોની વચ્ચે જતી હતી. જ્યારે ધારાસભ્ય બની ત્યારે પણ લોકોની વચ્ચે જ રહી છું. વાવ, ભાભર અને સૂઈગામ એમ ત્રણેય તાલુકાના અઢારેય આલમના મને આશીર્વાદ હતા, છે અને કાયમ માટે રહેશે.

વાવ પંથકના અલગ અલગ ગામોમાં ગેનીબહેનને પ્રચંડ સમર્થન મળે છે
વાવ પંથકના અલગ અલગ ગામોમાં ગેનીબહેનને પ્રચંડ સમર્થન મળે છે
અન્ય સમાચારો પણ છે...