ભાસ્કર એક્સપ્લેનરEVMમાં ઉમેદવારનો ક્રમ કેવી રીતે નક્કી થાય?:મોટી પાર્ટીઓનું નામ જ સૌથી ઉપર કેમ હોય છે? AAPને પહેલું સ્થાન કેમ ન મળ્યું? 6 મુદ્દામાં જાણો રોચક વાત

2 મહિનો પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કુલ 1621 ઉમેદવારોએ પોતાનું નસીબ અજમાવ્યો છે. જેમાં 1482 પુરૂષ ઉમેદવારો અને 139 મહિલા ઉમેદવારો છે. જેમાંથી 182 ઉમેદવારો જીતીને વિધાનસભામાં પહોંચશે. આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં કુલ 70 રાજકીય પક્ષો સક્રિય થયા છે, ત્યારે સૌથી મોટો સવાલ કોઈના પણ મનમાં એ ઉઠે કે EVMમાં ઉમેદવારોના ક્રમ કેવી રીતે નક્કી થાય છે, ચૂંટણીપંચ કયા નિયમના આધારે કોઈ ઉમેદવારને પહેલા, બીજા કે ત્રીજા ક્રમે મૂકે છે? તો આવા તમામ સવાલોનો જવાબ આ રહ્યો.

ત્રણ કેટેગરીમાં ઉમેદવારનું વર્ગીકરણ
દેશભરમાં કેન્દ્રીય કે રાજ્ય ચૂંટણીપંચ અંતર્ગત યોજાતી ચૂંટણી માટે ચૂંટણીપંચે ખાસ નિયમ નક્કી કર્યા છે. જે મુજબ ચૂંટણીમાં ઉભા રહેતા ઉમેદવારને કુલ ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે.

પહેલી કેટેગરી
ચૂંટણીપંચ EVMમાં નામનો ક્રમ આપવાની પહેલી કેટેગરીમાં રિકગ્નાઈઝ નેશનલ પાર્ટી અને રાજ્ય સ્તરની નોંધાયેલી પાર્ટીના ઉમેદવારોને રાખે છે. રિકગ્નાઈઝ નેશનલ પાર્ટીમાં કોંગ્રેસ, ભાજપ, એનસીપી જેવા વિવિધ પક્ષોનો સમાવેશ થાય છે. રિકગ્નાઈઝ નેશનલ પાર્ટી કોને ગણવી તે માટે પણ ચૂંટણીપંચે અલગથી ધારાધોરણ બનાવેલા છે. રાજ્ય સ્તરની પાર્ટી એટલે એવો રાજકીય પક્ષ, જેની નોંધણી જ્યાં ચૂંટણી હોય તે રાજ્યમાં થયેલી હોય.

બીજી કેટેગરી
ચૂંટણીમાં ઉમેદવારોની બીજી કેટેગરીમાં એવા પક્ષના ઉમેદવારોને રાખવામાં આવે છે, જે પક્ષની નોંધણી રાજ્ય સ્તરે થયેલી છે. એટલે એવો પક્ષ જે કોઈ એક રાજ્યમાં નોંધાયેલો છે, અને નવા રાજ્યમાં જઈને ચૂંટણી લડી રહ્યો છે, હજુ તેણે રાષ્ટ્રીય પક્ષ તરીકેના ધારાધોરણ પાર કર્યા ન હોય. જેમ કે આમ આદમી પાર્ટી.

ત્રીજી કેટેગરી
ચૂંટણીપંચ અપક્ષ ઉમેદવારોને EVMમાં ક્રમ આપવાની ત્રીજી કેટેગરીમાં રાખે છે. અપક્ષ ઉમેદવારોને રાષ્ટ્રીય પક્ષ કરતા અલગ નિશાન આપવામાં આવે છે.

કેટેગરીના આધારે કેવી રીતે ક્રમ નક્કી થાય

લોકસભાની ચૂંટણીમાં EVMમાં ઉમેદવારોના ક્રમ નક્કી કરતી વખતે ચૂંટણીપંચ હિન્દીની વર્ણમાલા એટલે અ-થી-જ્ઞના અક્ષરને ધ્યાને લે છે. જ્યારે વિધાનસભાની ચૂંટણીમાં અલગ-અલગ ત્રણેય કેટેગરીમાં રાજ્ય ભાષાની વર્ણમાલા મુજબ ઉમેદવારને ક્રમ મળે છે.

બે ઉમેદવારનું નામ સરખું હોય તો શું થાય?

ચૂંટણીપંચ પહેલી કેટેગરીના ઉમેદવારોના નામના મૂળાક્ષર મુજબ તેમને ક્રમ આપે છે. જેમકે કોઈ ઉમેદવારનું નામ અ અક્ષરથી શરૂ થતું હોય તેનું નામ સૌથી પહેલા આવશે. પરંતુ જો બે ઉમેદવારનું નામ એકસરખું હોય તો તેમના પિતાનું નામ, અટક, સરનામું જેવા મુદ્દાને ધ્યાને લઈને ક્રમ નક્કી કરવામાં આવે છે.

કેટલાક ઉદાહરણથી સમજો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કામાં વરાછા બેઠક પર અ અક્ષર પરથી નામ હોવા છતાં અલ્પેશ કથીરિયાનું નામ EVMમાં ચોથા ક્રમે હતું, કારણ કે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી નથી. જ્યારે ભાજપના કુમાર કાનાણીને EVMમાં પહેલું સ્થાન મળ્યું હતું. આવી જ રીતે બીજા તબક્કાની ચૂંટણીમાં પાટણમાં કોંગ્રેસના કિરીટ પટેલને ક અક્ષરના કારણે EVMમાં પહેલોક્રમ મળ્યો, જ્યારે એમના પ્રતિદ્વંધી રાજુલબેન દેસાઈને બીજો ક્રમ મળ્યો.

અન્ય સમાચારો પણ છે...