ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગતિવિધિઓ પણ તેજ થઈ રહી છે.સત્તાનાં સંગ્રામમાં તમામ પક્ષોના આગેવાનોએ ગુજરાતમાં ધામા નાખ્યા છે.એક બીજા પર આરોપ પ્રત્યારોપનો દૌર ચાલી રહ્યો છે.રોજ રોજ સભાઓ થઈ રહી છે.ઉમેદવારોપ પ્રચારમાં જતાં ક્યાંક જનતા આવકારે છે તોક્યાંક જનતામાં ભારે રોષ છે. ત્યારે દિવસભરની તામામ રાજકીય અપડેટ માટે દિવ્ય ભાસ્કર લઈને આવ્યુ છે ઈલેક્શન રાઉન્ડ અપ ન્યુઝ બુલેટિન.જેમાં દિવસભરની તમામ મહત્વની રાજકીય ખબરોનો ચિતાર મળશે સંક્ષિપ્તમાં. બુલેટિન જોવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો
કેજરીવાલના રોડ-શો પર પથ્થર પડ્યો
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજે સુરતની મુલાકાતે આવ્યા છે. સુરતના મીની બજાર ચોકસી બજાર ખાતે હીરા વેપારી સાથે સંવાદનો કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં હીરા વેપારી અને કારીગરોને અગવડ પડતા વર્ષો જૂના પ્રશ્નોનું કેજરીવાલે ચુટકીમાં નિરાકરણ લાવી દીધું હતું. હીરા વેપારીઓએ કરેલી 8થી 10 માંગો કેજરીવાલે સ્ટેજ ઉપરથી સ્વીકારી લઈ તમામ હીરા વેપારીઓને ખુશ કરી દીધા હતાં.જો કે, લોકો સ્વયંભૂ કેજરીવાલને સાંભળવા ઉમટી પડતાં જગ્યા ટૂંકી પડી હતી.ત્યારબાદ કતારગામ વિસ્તારમાં રોડ શો યોજાયો હતો. જેમાં અરવિંદ કેજરીવાલની ગાડી પર પથ્થર મારો થયો હતો.
PMના પ્રહારો, પબ્લિકને મજા
ગુજરાતમાં પોતાની સરકાર બનાવવા તમામ રાજકીય પાર્ટીઓ ગામડે ગામડે સભાઓ ગજવી રહી છે. ત્યારે વડાપ્રધાન ગઈકાલથી ફરી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. ગઈકાલે તેમણે નેત્રંગ, ખેડા અને સુરતમાં જનમેદનીને સંબોધન કર્યું હતું. વડાપ્રધાને આજે પાલીતાણામાં સભાને સંબોધન કર્યું હતું. જ્યાંથી તેઓ અંજાર ગયા અને બાદમાં રાજકોટ અને જામનગરમાં પણ સભા સંબોધી. જ્યાં કોંગ્રેસ પર તેમના જ અંદાજમાં પ્રહારો કર્યા તેમણે કહ્યું કે વર મરો, કન્યા મરો પણ ગોરમહારજનું તરભાણું ભરો આ કોંગ્રેસની વિચારધારા છે.
જગદીશ ઠાકોરે ભાજપને લલકાર્યુ
અમીરગઢ તાલુકાના ઇકબાલગઢમાં કોંગ્રેસની સભા યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે ભાજપે લલકાર્યા હતા. જગદીશ ઠાકોરે કહ્યું કે, તમારી માએ સવા શેર સૂંઠ ખાધુ હોય તો એક કોંગ્રેસનો મત વેચાંતો લે, અમે ગરીબ છીએ પણ ખુમારીવાળા છીએ. તેમજ સભા સંબોધતા પોતાના પરિવારની વ્યથા કહેતા કહેતા ચાલું સભામાં જ ભાવુક થયા હતા અને રડી પડ્યા હતા.
'કોંગ્રસ અને અક્કલ વચ્ચે 300 માઈલનું અંતર'
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પણ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. આજે તેઓ ખેરાલુમાં સભા કર્યાં બાદ તેઓ વડોદરા જિલ્લાના સાવલી ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ સાવલી બેઠકના ઉમેદવાર કેતન ઇનામદારના પ્રચાર માટે સભા સંબોધી હતી. જેમાં અમિત શાહે જણાવ્યું હતું કે, કેતનભાઈ તું બહુ મોટો થઈ ગયો છે. કેતન અહી જોરથી બોલે છે, તેમ સચિવાલયમાં પણ જોરથી બોલે છે. બધાને બીવડાવે. એટલું જ નહીં કોંગ્રેસ પર પ્રહારો કરતા કહ્યું કે કોંગ્રસ અને અક્કલ વચ્ચે 300 માઈલનું અંતર છે.
અરવિંદ કેજરીવાલે લેખિતમાં ભવિષ્યવાણી કરી
સુરતમાં રાત્રિ રોકાણના બીજા દિવસે આપના સુપ્રીમો અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાઅલે મીડિયાને સંબોધિત કર્યાં હતાં. જેમાં અરવિંદ કેજરીવાલે સતત બીજા દિવસે લેખિતમાં ભવિષ્યવાણી કરતાં કહ્યું હતું કે, સુરતની આઠ જેટલી બેઠકો પર આપ જીતે છે. કથીરિયા અને ગોપાલ ઈટાલિયા સહિત ઈસુદાન ગઢવી પણ જંગી બહુમતીથી જીતશે તેવું લેખિતમાં મીડિયા સામે રજૂ કર્યું હતું. મહત્વપૂર્ણ છે કે, ગતરોજ કેજરીવાલે આપની સરકાર બનતી હોવાનું લેખિતમાં ભવિષ્યવાણી કરતાં આપ્યું હતું.
'ભાજપમાં જાઉં તો મારી માનું ધાવણ લાજે'
ઉપલેટા-ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા ભાજપમાં જોડાશે... ભાજપમાં જોડાશેની ચર્ચા જોરશોરથી ચાલતી હતી. પરંતુ આ ચર્ચા ખોટી સાબિત થઈ અને હવે ફરી ચૂંટણી જીત્યા બાદ જોડાશેની ચર્ચા શરૂ થતા લલિત વસોયાએ ખુલાસો કરતા જાહેરમાં હુંકાર ફેંક્યો હતો. તેમણે ધોરાજીમાં જાહેર સભામાં જનતાને કહ્યું હતું કે, ભાજપમાં જાવ તો મારી માનું ધાવણ લાજે, કદાચ કોંગ્રેસ સાથે નહીં ભળે ને તે દિવસે ખેતી કરવા મંડીશ, પણ ભાજપ ભેગો તો નહીં જ જાવ, કોંગ્રેસ સાથે અણબનાવ થશે તો ખેતી કરીશ બાકી આવા લોકો ભેગો નહીં જોડાવ.
ખડગેએ જયનારાયણ વ્યાસને ખેસ પહેરાવ્યો
ગુજરાતના ભૂતપૂર્વ આરોગ્ય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસ ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ આજે કોંગ્રેસમાં જોડાયા છે. ગઈ 4 નવેમ્બરે ભાજપને રામ રામ કર્યા હતા. આજે તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં વિધિવત જોડાયા છે. તેઓ તેમના સમર્થકો સાથે કોંગ્રેસ ભવન પહોંચ્યા હતા.તેમને ખેસ પહેરાવ્યો હતો અને સ્વાગત કર્યું હતું.
ઈન્દ્રનીલ સામે ભાજપની આચારસંહિતા ભંગની ફરિયાદ
રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુએ એક સભાના સંબોધનમાં બોલેલું વાક્ય હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ઇન્દ્રનીલ રાજ્યગુરુ પોતાની પ્રચાર સભા દરમિયાન અલ્લા-હુ-અકબર બોલે છે એ સમયે સામે લોકો મહાદેવ હર બોલે છે. જેની સામે હવે ભાજપે વાંધો ઉઠાવ્યો છે અને ચૂંટણીપંચને ફરિયાદ કરી જણાવ્યું છે કે, આ આદર્શ આચાર સંહિતાની જોગવાઈઓ અને આરપી એક્ટ 1951ની કલમ 123 (3A)નું ઉલ્લંઘન છે. કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરૂ સામે તાત્કાલિક કાર્યવાહી કરવા માગ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.