સુરતમાં AAPને કેટલી સીટ આવશે?:માવો ખાતાં ખાતાં કાકાએ ભવિષ્ય ભાખ્યું, પાટીદાર મહિલાઓએ તો નેતાઓને બરાબર ઝાટક્યા

3 મહિનો પહેલા

સુરતમાં આ વખતે વરાછા વિધાનસભા બેઠક પર કાંટાની ટક્કર થવા જઈ રહી છે. પાટીદાર આંદોલનનું એપી સેન્ટર રહેલા વરાછામાં આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પાટીદાર ઉમેદાવાર ઉતાર્યા છે. ભાજપ તરફથી કુમાર કાનાણી, કોંગ્રેસ તરફથી પ્રફુલ તોગડિયા જ્યારે આમ આદમી પાર્ટી તરફથી અલ્પેશ કથીરિયા ઉમેદવાર છે. વરાછામાં આજકાલ અલ્પેશ કથીરિયા ડોર ટુ ડોર પ્રચાર કરીને કેજરીવાલે કરેલા વાયદા જનતા સુધી પહોંચાડી રહ્યા છે. ત્યારે વરાછામાં કોનું પલડુ ભારે છે તે જાણવાનો દિવ્ય ભાસ્કરે પ્રયાસ કર્યો.

કથીરિયા-કાનાણી વચ્ચે સીધી ટક્કર
વરાછા વિસ્તારના રહિશોએ જણાવ્યું કે આ વખતે અલ્પેશ કથીરિયા કુમાર કાનાણીને મજબૂત ટક્કર આપશે. એક કાકાએ તો આમ આદમી પાર્ટી અંગે ભવિષ્યવાણી કરતા કહ્યું, 'આ વખતે સુરતમાં જ AAPની 6થી 7 સીટો આવશે'. અલ્પેશ કથીરિયા જે સોસાયટીમાંથી પ્રચાર કરીને આગળ વધ્યા તો, ત્યાં ઉભેલા એક ગૃહિણીએ કહ્યું, આમ આદમી પાર્ટીએ આપેલ વાયદાપત્ર બાળકોને રમવા માટે કામ આવશે.

વરાછા બેઠકનો રાજકીય ઈતિહાસ અને ગણિત
વર્ષ 2010માં જ્યારે વસ્તી ગણતરી થયા બાદ વિધાનસભા બેઠકો માટે સીમાંકન કરવામાં આવ્યું હતું. ત્યારે ચોર્યાસી બેઠકમાંથી છૂટી પડીને આ બેઠક વર્ષ 2012માં અસ્તિત્વમાં આવી હતી. વરાછા વિધાનસભા બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો પ્રભાવ સૌથી વધુ જોવા મળી રહ્યો છે. આ બેઠક ઉપર પાટીદાર મતદારોનું પ્રભુત્વ સૌથી વધુ છે. આ મત વિસ્તારમાં ભાવનગર, અમરેલી સહિતના સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાના લોકો અહીં વસે છે.

વર્ષ 2012માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કુમાર કાનાણી હતા અને તેમની સામે કોંગ્રેસે ધીરુભાઈ ગજેરાને ટિકિટ આપી હતી. જેમાં કુમાર કાનાણીને 68529 જ્યારે ધીરુ ગજેરાને 48170 મત મળ્યા હતા. વર્ષ 2017માં ફરીથી કુમાર કાનાણી અને ધીરુ ગજેરા આમને-સામને આવ્યા. જેના પરિણામોમાં કુમાર કાનાણીને 68529 મત જ્યારે ધીરુ ગજેરાને માત્ર 48170 મત મળ્યા હતા.

આ વખતે શું સમીકરણ બદલાયા?
વરાછા બેઠક ઉપરથી છેલ્લા બે વખતે વિધાનસભાની ચૂંટણીમાં માત્ર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર હતી પરંતુ આ વખતે સ્થિતિ એકદમ અલગ દેખાઈ રહી છે આ વખતે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટક્કર થવા જઈ રહી છે. આશ્ચર્યજનક વાત એ છે કે સીધી ટક્કર આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે દેખાઈ રહી છે કોંગ્રેસનો કોઈ ઉલ્લેખ ક્યાંય દેખાતું નથી. આવી સ્થિતિમાં કોંગ્રેસને કેટલા મત મળશે એ કહેવું પણ મુશ્કેલ છે પરંતુ સાથે સાથે ભાજપ અને આમ આદમી પાર્ટીની વચ્ચે પાટીદારો હવે કોને મત આપશે તેના ઉપર સૌ કોઈની મીટ મંડાયેલી છે.

ભાજપમાં પાટીદારો ભરોસો રાખશે?
સતત બે ટર્મથી 68,000 કરતાં પણ વધારે મતો ભારતીય જનતા પાર્ટીને પાટીદારોએ આપીને વિજય બનાવ્યા છે. આ વખતે તેમની પાસે અન્ય વધુ એક વિકલ્પ આપનો પણ રહેશે. કોર્પોરેશનની ચૂંટણીમાં વરાછા વિધાનસભા બેઠક ના ભાજપના કોર્પોરેટરોને આમ આદમી પાર્ટીએ હરાવ્યા હતા. તેથી વિધાનસભાની ચૂંટણીમાં પરિણામ શું આવી શકે તેને લઈને કોઈ ચોક્કસ દાવેદારી કરી શકે તેમ નથી.

ભાજપ માટે મુશ્કેલી કેમ થઈ શકે?
સુરત શહેરમાં લોકસભા, વિધાનસભા અને કોર્પોરેશનમાં મતદાનની પેટન મતદારો બદલતા હોય છે.વિધાનસભાની પેટન માં જે પ્રકારનું મતદાન થાય છે એ પ્રકારે મતદાન થાય તો ભારતીય જનતા પાર્ટી માટે કોઈ મોટી મુશ્કેલી આવે તેમ નથી. પરંતુ કોર્પોરેશનની ચૂંટણીમાં જે પ્રકારે વરાછા વિધાનસભા મતવિસ્તારમાં મતદારોએ આમ આદમી પાર્ટીને ભવ્ય વિજય અપાવ્યો છે તેનાથી ભાજપ માટે પણ ચિંતા વધે છે. જો કોર્પોરેશન ની પેટર્નની જેમ મતદારો મતદાન કરી આવે તો ભાજપને જીતવું અહીં મુશ્કેલ બની બની જશે.

ભાજપના વિરોધમાં કયા ફેક્ટર?
સમગ્ર વિસ્તારમાં સરકારી કોલેજનો અભાવ
સરકારી શાળાઓ નથી
મેડિકલ કોલેજ યોગ્ય રીતે ચાલુ થઈ નથી
રોડ, ડ્રેનેજ જેવા પ્રાથમિક કામોને લઈને પણ લોકોમાં રોષ
પાટીદાર આંદોલનમાં થયેલા હુમલા અને વહીવટી તંત્ર ઉપર હજી પણ રોષ

પાસની પ્રથમ રાજકીય સફર
અત્યાર સુધી પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા પરોક્ષ રીતે જ રાજકીય પાર્ટીને મદદ કરતા હોવાનું જોવા મળતું હતું. પરંતુ અલ્પેશ કથીરિયાની ઉમેદવાર તરીકેની જાહેરાત થતાંની સાથે જ વરાછા બેઠક ઉપર નવો જ પવન ફૂંકાયો છે. જો આ વિસ્તારમાં યુવાનો અલ્પેશ કથીરિયા અને ઝાડુના સિમ્બોલને પસંદ કરી ગયા તો સમજવાનું કે અત્યાર સુધી જે પરિણામ આ બેઠક ઉપર જોવા મળતું હતું, તેના કરતાં વિપરીત જોવા મળી શકે છે. રાજકીય નેતા તરીકેની પાસના ચહેરાઓની રાજકીય સફર પણ ધમાકેદાર બની શકે છે.

અન્ય સમાચારો પણ છે...