મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની ઘાટલોડિયા બેઠકથી વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે. ત્યારે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તેમની સાથે જોડાયા હતા. ઘાટલોડિયા બેઠક ભાજપ અને એમાં પણ અમિત શાહનો ગઢ માનવામાં આવે છે. છેલ્લા અઢી દાયકાથી ધારાસભ્ય અને ત્યાર બાદ સાંસદ સભ્ય તરીકે અમિત શાહનું રાજકીય પ્રતિનિધિત્વ રહ્યું છે. અમિત શાહે ભૂપેન્દ્ર પટેલના સમર્થનમાં કરેલી સભામાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. જેમાં કોંગ્રેસના સૂત્ર 'કોંગ્રેસનું કામ બોલે છે' પર રીતસરની મોજ લીધી હતી.
શાહે ફરી ભૂપેન્દ્ર પટેલના નામ પર મહોર મારી
અમિત શાહે તેમના ભાષણની શરૂઆતમાં જ ભૂપેન્દ્ર પટેલને વર્તમાન મુખ્યમંત્રી અને ભાવિ મુખ્યમંત્રી કહીને સંબોધ્યા, તો સભામાં ઘણી મિનિટો સુધી ભાજપના સમર્થનમાં નારેબાજી જ થઈ રહી. આ પહેલા પણ અમિત શાહ સ્પષ્ટ કરી ચુક્યા છે કે ભાજપને બહુમત મળશે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ હશે.
અમદાવાદમાં સભા બાદ પ્રભાતચોકથી લઈને સોલા સુધી અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલે રોડ શો યોજ્યો હતો. ત્યારબાદ સોલા ખાતે અમિત શાહે મધ્યસ્થ કાર્યાલય ખુલ્લુ મૂક્યું હતું. આ પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રિમંદિર દાદા ભગવાનના દર્શન કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.