ભાજપના પ્રચારમાં કમાનો જલવો, VIDEO:લક્ઝુરિયસ ગાડી અને ડીજેનો તાલ, ભાવનગરમાં રોલો પાડ્યો, ગલીઓમાં રીતસર જામ

16 દિવસ પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ છે. દરેક પક્ષ મતદારોને પોતાના પક્ષે લેવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારકો ગુજરાતના ખૂણે ખૂણે જંગી રેલીઓ કરીને મતદારોને રીઝવી રહ્યા છે. ત્યારે હવે ભાવનગરમાં તો ભાજપનો અલગ જ પ્રકારનો પ્રચાર જોવા મળ્યો. પશ્ચિમ વિધાનસભામાં યોજાયેલા આ રોડ શોમાં કમો આગેવાની કરતો જોવા મળ્યો. પાનવાડી વિસ્તારથી નીકળેલા રોડ શોમાં કીર્તિદાનનો કમો અસ્સલ રાજકારણીની જેમ વર્તતો દેખાયો. મોંઘીદાટ ગાડીમાં નીકળેલા કમાએ હાથમાં ભાજપનો ફ્લેગ પણ જોરદાર અદાથી લહેરાવીને લોકોને કમળ ખીલવવા માટે આહવાન કર્યું હતું. ભાવનગર પશ્ચિમમાં ભાજપના સ્ટાર પ્રચારકો પણ રેલીઓ અને જાહેરસભાઓ ગજવશે. તેવામાં ભાજપે કીર્તિદાનના કમાને પણ પ્રચાર માટે ભાવેણાવાસીઓ સમક્ષ ઉતાર્યો છે. મોંઘીદાટ કારમાં નીકળેલા આ રોડમાં કમાનો ક્રેઝ પણ જોવા મળ્યો. ભાજપના કાર્યકરોએ કમાને સનરુફ કારમાં બેસાડીને અલગ અલગ વિસ્તારોમાં ફેરવીને કમળના બટનને દબાવવા માટે અપીલ કરાવી. ડાયરામાં રંગ જમાવ્યા બાદ હવે કમો પણ રાજકારણના રંગે રંગાયેલો જોવા મળ્યો.