શું લાગે છે?:...ને અચાનક જ કમલમમાં હેલિકોપ્ટર ઊતર્યું, ભાજપની આ સીટ પર શું તોફાન પહેલાંની શાંતિ છે? તો પૂર્વ મંત્રી અપક્ષ ચૂંટણી લડી શકે

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

કાનાફૂસી, કાવાદાવાથી માંડીને ગુસપુસ, ગોસિપ અને હાંક્યે રાખો! ગપગોળામાંથી કેટલું ગાળવું ને કેટલું છાનુંછપનું ઉઘાડું કરવું એનાં લેખાંજોખાં લઈને તમારી સમક્ષ મૂકીશું. દિવ્ય ભાસ્કર પર ચૂંટણીને લઈ સૌના મનમાં ઊઠતો એક જ સવાલ 'શું લાગે છે' તમને દરરોજ વાંચવા મળશે, જેમાં ગુજરાતના રાજકારણની અજાણી અને રસપ્રદ વાતો. ચટાકેદાર ચૂંટણીની અંદરની વાતો જાણવા માટે વાંચતા રહો દિવ્ય ભાસ્કર એપ..

મોરબીના લોકોને અંદાજ હતો જ કે કાનાભાઈ મચ્છુમાં કુદી પડ્યા એટલે કદાચ રાજકારણમાં તરી જશે. બ્રિજેશ મેરજા અંગ્રેજીમાં ફાડફાડ કરવા ગયા તો કાંઠે જ રહી ગયા અને તેમની રાજકીય કારકિર્દી ડૂબી ગઈ. ઝૂલતો પુલ ભ્રષ્ટાચારના ભારથી તૂટ્યો તે વખતે કાંતિ અમૃતિયા ઝડપથી ત્યાં પહોંચ્યા અને તેમના પાણીમાં ઊતરતા વીડિયો વાઇરલ થયા હતા. આ મુદ્દો મોરબી પંથકમાં ખૂબ ચાલ્યો અને ટિકિટ દેવાનો સમય આવ્યો ત્યારે કાનાભાઈ તરીકે ઓળખતા અમૃતિયા ફાવી ગયા. સ્થાનિકો કટાક્ષ કરે છે કે નદીમાં કૂદ્યા એટલે તરી ગયા, બ્રિજેશ મેરજા કાંઠે રહીને ડૂબી ગયા. જોકે એવીય ચર્ચા હતી જ કે મેરજાને ફરી ટિકિટ મળી હોત તો કાનાભાઈ જાહેરમાં વિરોધ કરવાના જ હતા.

ટિકિટ તો કાપી નાખી હવે પૂર્વ મંત્રી કરશે શું?

રિવાબાની દાવેદારી મજબૂત બનતા જેમની ટિકિટ કપાઈ ગઈ એ હકુભા જાડેજા શું કરશે - કૉંગ્રેસમાં પાછા કંકુના કરશે કે અપક્ષ તરીકે ઊભા રહેશે તેની જ ચર્ચા છે. ગયા વખતે 45,000 જેટલી બહુમતીથી જીતેલા ધર્મેન્દ્રસિંહ એટલે કે હકુભા જાડેજા અનેક નેતાઓની જેમ કૉંગ્રેસ છોડીને ભાજપમાં ગયા હતા. ભાજપે તેમને ટિકિટ પણ આપી અને 2017માં પણ તેઓ જીત્યા. આ વખતે આયાતી નેતાઓમાં ઓછા કપાયા છે, ભાજપના પોતાના વધારે વધેરાઈ ગયા છે. પણ હકુભા માટે એવું ના થયું એટલે હવે સૌની નજર છે કે પાછા કૉંગ્રેસમાં જશે કે શું? સત્તા વિના ચાલે નહીં એટલે કૉંગ્રેસ પરત સ્વીકારે તો ઠીક, નહિ તો પછી આ વખતે ઘણા ભાજપી અસંતુષ્ટો અપક્ષ બનવાની વાત કરી રહ્યા છે એ રસ્તો પણ તેમની પાસે છે.

ઉદ્ધાટન સમારોહના આમંત્રણમાંથી નામ કાઢી નાખ્યું તો ટિકિટ કપાવી નાખી?
થોડા મહિના પહેલાં જસદણમાં હોસ્પિટલના ઉદ્ધાટન માટે વડાપ્રધાન મોદી આવ્યા ત્યારે ડૉ. ભરત બોઘરાની વાહવાહી થઈ હતી. તે વખતે આમંત્રણ પત્રિકા અને સાહિત્યમાં ખોડલધામના નરેશ પટેલનું નામ હતું નહીં અને તેઓ હાજર રહ્યા નહોતા. પટેલ પાવરનું પ્રદર્શન પણ હોસ્પિટલના બહાને થયું હતું તેમાં ખોડલ-નરેશનું નામ કઢાવી નાખ્યું તો ઉમેદવારની યાદીમાંથી બોઘરાનું નામ કઢાવી નખાયું એવા રાજકીય કટાક્ષો થઈ રહ્યા છે. કેમ કે રાજકોટ દક્ષિણની બેઠકમાં બોઘરાનું નામ નક્કી જેવું હતું, પરંતુ ખોડલધામના ટ્રસ્ટીઓ દિલ્હી પીએમને મળી આવ્યા અને એક બેઠક માટેનું પાકું કરી આવ્યા. હવે આ બેઠક ગોંડલમાં મળશે એવું લાગતું હતું, પણ ખેલ પાડી દેવાયો અને બોઘરાની જગ્યાએ જ ટિલાળાનું નામ લખાવી દેવાયું. નામ કઢાવી નાખવાનો હિસાબ થયો સરભર. દિલ્હીમાં કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક હતી ત્યારે ચાર્ટર પ્લેન લઈને નરેશ પટેલ અને રમેશ ટિલાળા પહોંચ્યા હતા અને મનસુખ માંડવિયા મારફતે મત્તું મરાવ્યું. જાણકારો કહે છે કે બોઘરા બેસી રહે તેવા નથી અને નરેશ પટેલનો દાવ લેવાનું ચૂકશે નહીં.

લોટરી લાગી હોય તે રીતે જીત પહેલાં જ જશ્ન
અમદાવાદ શહેરમાં માત્ર મુખ્યપ્રધાન અને જગદીશ પંચાલ બે જ જણની ટિકિટ બચી, બાકી બધા ઉમેદવાર બદલાઈ ગયા. તેના કારણે ઘણા બધા નવા નેતાઓને અમદાવાદ જેવા પક્ષના ગઢમાંથી જીતવાની જાણે લોટરી લાગી ગઈ છે. અણધારી રીતે એક ડઝન જેટલા નવા નેતાને ટિકિટ મળી છે એટલે તેમના ટેકેદારો પણ ઉત્સાહમાં આવી ગયા છે. ખાસ કરીને પૂર્વ અમદાવાદમાં જાણે જ જીતી જ ગયા છીએ એવો આનંદ કાર્યકરોમાં છવાઈ ગયો હતો. ઉમેદવાર તરીકે નામ જાહેર થયા પછી ફૂલહાર અને મીઠાઈઓ વહેંચીને અત્યારથી જ જાણે જીતની ઉજવણી કરી નાખી એવો માહોલ છવાયો હતો.

પૂર્વ મંત્રીની ગેરહાજરીમાં મત વિસ્તારમાં સન્નાટો છવાયો
વટવામાંથી જીતેલા અને રથયાત્રાને પ્રોટોકલ પ્રમાણે કાઢી શકનારા પ્રદીપસિંહ જાડેજાની ટિકિટ કપાઈ ગઈ ત્યારે તેમના કાર્યકરો એકઠા થઈ ગયા હતા. જોકે સૌને શાંતિ રાખવા માટે પ્રદીપસિંહે જણાવ્યું હતું. પરંતુ તેના કારણે એવું થયું છે કે વટવામાં ભાજપનો પ્રચાર પણ જાણે શાંત થઈ ગયો છે. આખરી યાદી આવી જાય અને ઉમેદવારી પત્રકો ભરાઈ જાય તે પછી કદાચ સંગઠન દ્વારા પ્રચારની ઝુંબેશ ઉપાડી લેવાશે, પરંતુ અત્યારે વટવામાં ચૂંટણીના ઢોલ વાગતા સંભળાતા નથી. તેનું બીજું કારણ એ પણ છે કે કૉંગ્રેસ તરફથી પણ નામ જાહેર થયું નથી. માત્ર આમ આદમી પાર્ટીના ઉમેદવારનું નામ જાહેર થયેલું છે, તેમના તરફથી થોડો ઘણો પ્રચાર થઈ રહ્યો છે. શું તોફાન પહેલાંની આ શાંતિ છે?

કમલમ્ ખાતે હેલિકોપ્ટર ઊતર્યું, પણ કયું?
અરે ભઈ આ અસલી હેલિકોપ્ટરની જ વાત છે, કોઈ સ્કાયલેબ કે રાજકીય હેલિકોપ્ટરની વાત નથી. ભાજપના પ્રચંડ પ્રચારની તૈયારીઓ થઈ ગઈ છે. 40 જેટલા સ્ટાર પ્રચારકોની યાદી પણ જાહેર કરી દેવાઈ છે. હિમાચલ પ્રદેશનું મતદાન શનિવારે પૂરું થાય એટલે રવિવારની રજા પણ આડે આવશે નહીં અને હેલિકોપ્ટરો અને ચાર્ટર પ્લેનો ગુજરાતના આકાશમાં ઊડવા લાગશે. સ્ટાર પ્રચારકોને રાજ્યના વિવિધ વિસ્તારોમાં ફટાફટ પહોંચાડી દેવા મોટી સંખ્યામાં હેલિકોપ્ટર ભાડે રખાયાની વાત છે. કમલમ્ કાર્યાલયથી સીધા જ સભા સ્થળે વીઆઈપીને પહોંચાડવા નજીકમાં હેલિપેડ પણ બનેલું છે. ત્યાં શનિવારે એક હેલિકોપ્ટર ઊતર્યું અને પાર્ક થયું એટલે કેટલાક માટે તે જોણું પણ થયું હતું.

નામોની જાહેરાત શુભ મૂહુર્તમાં કરી દેવાથી કંઈ જીતી જવાય!
યાદ છેને 12.39નો સમય. આ સયમ વિજય મુહૂર્ત કહેવાય એટલે મહત્ત્વનાં કાર્યો આ ઘડીએ ગુજરાતમાં કરાતાં રહ્યાં છે. ઉમેદવારોનાં નામ જાહેર કરવાનાં હોય, ફોર્મ ભરવાનું હોય, કાર્યાલયનો શુભારંભ કરવાનો હોય, રોડ શો કે રેલીનો શરૂ કરવાની હોય - 12.39નું ચોઘડિયું પાકું. એવી ચર્ચા છે કે આમ આદમી પાર્ટીએ એક પછી એક યાદી બહાર પાડી ત્યારે દર વખતે શુકન જોઈને, ચોઘડિયા પ્રમાણે નામો જાહેર કર્યાં હતાં. ગુજરાતમાં મેજિક કરવાની વાત વચ્ચે શુકન અને અપશુકનની વાત કંઈ જામતી નથી. કેમ કે શુભારંભ માટે શુભ મૂહુર્ત બરાબર પણ પછી સતત પરિશ્રમ કરવાનો હોય. આપમાં છેલ્લે છેલ્લે કોઈ જાતનું કૉઓર્ડિનેશન ના રહ્યું હોય તેવું ચિત્ર ઊભું થયું છે. મોટા નેતાઓ પોતાના મતવિસ્તારમાં ગયા પછી પાછળ જાણે મેદાન થયું છે મોકળ.

અન્ય સમાચારો પણ છે...