'શંકરભાઈ ફોન ઉપાડતા જ નથી':'ગેનીબેન પણ માત્ર ફોટો જ પડાવે છે', ચૂંટણી ટાણે નેતાઓ સક્રિય થતાં બનાસકાંઠાના મતદારોએ ધડબડાટી બોલાવી

22 દિવસ પહેલા

ગુજરાતના સરહદી જિલ્લા બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક. અહીં ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ આરોગ્યમંત્રી પર કોંગ્રેસનાં મહિલા ધારાસભ્ય ભારે પડી રહ્યાં છે. આ બેઠક પર ભાજપ કરતાં કોંગ્રેસનું પલડું ભારે રહ્યું છે. અહીંનો ઠાકોર અને ચૌધરી સમાજ જે તરફ ઝૂકે ત્યાં જીત લગભગ નક્કી હોય છે.

વાવ બેઠકનો ચિતાર
બનાસકાંઠા જિલ્લામાં અતિમહત્ત્વની ગણાતી વાવ બેઠક નવા સીમાંકન બાદ બે ભાગમાં વિભાજિત થઈ છે. જેમાં વાવ તાલુકો, ભાભર તાલુકો, સાંતલપુર તાલુકો (પાટણના કેસરગઢ) અને સુઈગામ તાલુકાનો સમાવેશ થાય છે. વાવ બેઠકમાં રાધનપુરનાં 32 ગામનો પણ સમાવેશ થાય છે. કોંગ્રેસનો ગઢ ગણાતી આ બેઠક પર ચૌધરી, ક્ષત્રિય, બ્રાહ્મણ અને દલિત મતદારો પ્રભુત્વ ધરાવે છે. 1967થી 2017 સુધીમાં યોજાયેલી 12 વિધાનસભા ચૂંટણીમાં 7વાર કોંગ્રેસનો, 2વાર ભાજપનો, જ્યારે અપક્ષ, સ્વતંત્ર પક્ષ અને જનતાદળનો એક-એકવાર વિજય થયો છે.

ઠાકોર અને ચૌધરી સમાજનું પ્રભુત્વ
વાવ બેઠક પર ઠાકોર અને ચૌધરી સમાજના મતદારોનું પ્રભુત્વ છે, જેમાં ચૌધરી સમાજ મોટા ભાગે ભાજપતરફી, જ્યારે ઠાકોર વોટ બેંક પર કોંગ્રેસ પક્કડ ધરાવે છે. આ બે મોટા સમુદાય જે બાજુ ઢળે એ બાજુ જીતનું પલડું નમે છે. જોકે અહીં એક અનોખી વાત એ પણ જોવા મળી રહી છે કે લોકસભા અને વિધાનસભામાં પરિણામ એકબીજાથી વિપરીત હોય છે.

આયાતી ઉમેદવાર સામે વિરોધનો સૂર
દિવ્ય ભાસ્કરની ટીમે વાવ ખાતે કેટલાક લોકો સાથે વાતચીત કરી તેમના મત જાણવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોતપોતાના મત રજૂ કરતી વખતે કોઈ મતદાર એમ કહે છે કે સ્થાનિક ધારાસભ્ય પ્રજાના કામ નથી કરતા તો કોઈ મતદાર કહે છે કે પરિવર્તન જોઈએ છે. કેટલાક લોકો કહે છે કે, કૉંગ્રેસનું પલડું ભારે છે તો કેટલાક કહે છે કે, આ વખતે ભાજપ બાજી મારી જશે. આમ, પ્રજાનો મિશ્ર પ્રતિસાદ છે. ત્યારે મતદાન બાદ જ મતદારોનો સાચો મિજાજ ખ્યાલ આવી શકશે કે આખરે લોકો શું ઇચ્છે છે.

વિરોધ કરતાં સરકારે પાણી છોડવું પડ્યું હતું: આપના ઉમેદવાર
વાવ વિધાનસભા બેઠકના આપના ઉમેદવાર ભીમ પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીત દરમિયાન દાવો કર્યો હતો કે અત્યારસુધીમાં આમ આદમી પાર્ટી દ્વારા ગેરંટી કાર્ડ આપવામાં આવ્યા છે. વાવ વિધાનસભા તાબા હેઠળ આવતાં તમામ ગામોમાં અંદાજે 25 હજાર કરતાં વધારે ગેરંટી કાર્ડ વહેંચ્યાં છે. આ ઉપરાંત થોડા સમય અગાઉ વાવણી સમયે જ કેનાલમાંથી પાણી બંધ કરી દેવાતાં ખેડૂતોનો ઊભો પાક સુકાઈ રહ્યો હતો. આ સમયે આપના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા અને પાંચ દિવસ સુધી વિરોધ કરતાં અંતે સરકાર દ્વારા પાણી છોડાયું હતું. આમ, પ્રજાની પડખે આમ આદમી પાર્ટી ઊભી રહે છે.

વાવ બેઠક પરના પક્ષપલટાનો ઇતિહાસ
પરબત પટેલે વાવ તાલુકાનો જાણીતો ચહેરો છે. વર્ષ 1985થી 2002 દરમિયાન 2 વખત પક્ષપલટો કર્યો. વર્ષ 1990ની હાર બાદ કોંગ્રેસ છોડી અપક્ષ ચૂંટણી લડ્યા અને અંતે 2002માં ભાજપમાં જોડાયા. ભાભરના ખારા ખાતે ગત વર્ષે યોજાયેલા એક સ્નેહમિલન કાર્યક્રમમાં પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત 20થી વધુ સરપંચ અને ઉપસરપંચ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા. આ સિવાય 500 જેટલા કાર્યકરો એકસાથે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાતાં રાજકીય ભૂકંપ સર્જાયો હતો.

વાવ બેઠકની સમસ્યા
સૂકો વિસ્તાર હોવાથી અહીં પીવાનાં પાણીની સૌથી મોટી સમસ્યા છે. આ ઉપરાંત રોજગારી, સારું શિક્ષણ, સરકારી હોસ્પિટલનો અભાવ ઉપરાંત યુનિવર્સિટી કે કોલેજનો પણ અભાવ છે.