શું લાગે છે?:આ ટુકડીને જોતા જ ભાજપ, AAP-કોંગ્રેસના નેતાઓ ફફડે છે, આ બેઠકે ભાજપના નેતાઓના ધબકારા વધારી દીધા

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

કાનાફૂસી, કાવાદાવાથી માંડીને ગુસપુસ, ગોસિપ અને હાંક્યે રાખો! ગપગોળામાંથી કેટલું ગાળવું ને કેટલું છાનુંછપનું ઉઘાડું કરવું એનાં લેખાં-જોખાં લઈને તમારી સમક્ષ મૂકીશું. દિવ્ય ભાસ્કર પર ચૂંટણીને લઈ સૌના મનમાં ઊઠતો એક જ સવાલ 'શું લાગે છે' તમને દરરોજ વાંચવા મળશે, જેમાં ગુજરાતના રાજકારણની અજાણી અને રસપ્રદ વાતો. ચટાકેદાર ચૂંટણીની અંદરની વાતો જાણવા માટે વાંચતા રહો દિવ્ય ભાસ્કર એપ...

ઠાગાઠૈયા કરું છું, જાબ કાબરબાઈ કાલ સવારે આવું છે... આવી બાળકથા આપણે વાંચેલી છે. ચૂંટણીમાં તો કેટલી દોડધામ હોય ત્યારે કંઈ ઠાગાઠૈયા કરવા રોકવાનું હોય? હા, જો વાત કૉંગ્રેસની હોય તો. આ વખતે આમ પણ પ્રચારમાં ક્યાંય કૉંગ્રેસ જણાતી નથી. જીતનારા ધારાસભ્યો પોતાની રીતે કામે લાગી ગયા છે, પણ મોટા નેતાઓ જાણે હજીય મહાલી રહ્યા છે. રાજ્ય કક્ષાએ ચૂંટણી પ્રચારના પડઘમ જાણે કૉંગ્રેસમાં વાગ્યા જ નથી. બીજી બાજુ હવે ટિકિટનો વિરોધ લગભગ પતી ગયો છે અને ઉમેદવારો પોતાની રીતે કાર્યાલયોનાં ઉદઘાટનોમાં લાગ્યા છે, પણ મુખ્ય કાર્યાલયે જાણે હજી સંચાર થયો નથી. હમણાં જ એક મોટા નેતા મુખ્ય કાર્યાલય પર પહોંચ્યા ત્યારે જાણે ભારે નિરાંત હોય તેમ સમય પસાર કરી રહ્યા હતા. કોઈકે પૂછ્યું ત્યારે કહ્યું કે હજી ક્યાં ચૂંટણી આવી છે... આપણે હજી થોડા દિવસ પછી બજારમાં ઊતરવાના છીએ, ચિંતા ના કરો. કદાચ કાર્યકરોને એવું જ સંભળાયું હશે કે ઠાગાઠૈયા કરું છું, જાવ કાર્યકરો કાલ સવારે પ્રચારમાં આવું છું!

નેતા નહીં પણ અધિકારીએ પરિણામોનું પાક્કું ગણિત ગણી લીધું
કોઈ નેતા કે નેતાના સાથીએ પાકો ડેટાબેઝ તૈયાર કર્યો હશે એમ તમને લાગશે. પણ વાત જુદી છે. નેતા નહીં, પણ ગુજરાતના એક આઈપીએસ ઓફિસર જાણે ઘરનો પ્રસંગ હોય તેમ એકેએક બૂથની મતદાર યાદીની રજેરજની વિગતો ભેગી કરીને બેઠા છે. કેટલા લોકો બીજા વિસ્તારમાં ગયા છે, કેટલા નવા ઉમેરાયા છે, કેટલાએ છેલ્લી બે ચૂંટણીથી મતદાન નથી કર્યું. આવી માઇક્રો ડિટેલ પણ આ આઈપીએસ અધિકારી લઈને બેઠા છે. પછી આવી બધી માહિતીને તારવીને, ક્રોસ ચેક કરીને તાળો પણ મેળવી રહ્યા છે કે કયા પક્ષનો કેટલો ચાન્સ, કયા ઉમેદવાર ફાવશે અને કેટલાનો ગરબો ઘરે આવવાનો. કેટલા માર્જિનથી હાર-જીત થાય તેના લેખાંજોખાં પણ લઈ લીધા છે. કાયદો અને વ્યવસ્થાનું કામ પડતું મૂકીને આ પોલીસ અધિકારી ચૂંટણીના ચકરાવે કેમ ચડ્યા એની ચર્ચા પોલીસ બેડામાં બરાબરની જામી છે.

આ બાબતે તો આપ, કોંગ્રેસ અને ભાજપમાં ગજબની એકતા હોય ભાઈ
સ્થાયી દેખરેખ ટુકડી એટલે સ્ટેટિક વિજિલન્સ ટીમ ... આ દર વખતે ગુજરાતીનું ગુજરાતી કરવાનું ભઈ. થોડુંક તો સમજી લેતા હો... ઠીક ત્યારે. વાત એમ છે કે ચૂંટણીપંચના આદેશ પ્રમાણે રોકડની હેરફેર રોકવા માટે ટીમ બનાવાઈ છે તે હરતીફરતી નથી. એક જગ્યાએ, મુખ્ય રસ્તાને બદલે કોઈ શોર્ટ કટ હોય કે ખાંચામાં થઈને નીકળી જવાતું હોય તેવા રસ્તે ઊભી રહી જાય છે આવી ટુકડી. પણ આ તો પાછી મોટા ભાગે એક જ જગ્યાએ ઊભી હોય છે એટલે ફટાફટ મેસેજ વાઇરલ થઈ જાય કે કઈ જગ્યાએ ટુકડી ઊભી છે. ઈ બાજુ ફરકતાં જ નહીં, નહિ તો કાર કે વાહન તપાસીને અંદરથી રોકડ હશે તો કબજે કરી લેશે. રાજકોટમાં એવી જ રીતે મોટી રકમ પકડાઈ પણ ગઈ. હવે આ બાબતમાં સૌ સમદુખિયા છે. ચૂંટણીટાણે રોકડ વિના કાર્યકરોના ખર્ચા કાઢવા કેવી રીતે. એટલે ચર્ચા એવી છે કે ઘણી બધી જગ્યાએ ત્રણેય પક્ષોનાં કાર્યાલયો અને હિસાબ સંભાળતા લોકોએ પણ સંતલસ કરી નાખવાનું કર્યું છે. કોઈ જગ્યાએ સ્થાયી દેખરેખ ટુકડી દેખાય એટલે તેની માહિતી શેર કરવામાં આવે છે, જેથી બીજા રસ્તે વળી શકાય. જાહેરમાં ઝઘડતા નેતાઓ વચ્ચે ભારે એકતા કહેવાય હો ભાઈ!

આ પોસ્ટું લખીને કોઈ સમ ખવરાવે તો કરવું શું!
ખા મારા સમ... એવું વાતવાતમાં કોઈ કહે એટલે આપણે પછી ટાળમટોળ કરી નાખીએ. હોતા હશે, ના ના એવા સમ નો ખવાય હોં... પણ હવે આ સોશિયલ મીડિયામાં કોઈ પોસ્ટ મેલી દ્યે અને પછી કહે કે સોગંદ છે જો ફલાણા સિવાય કોઈને મત આપ્યો તો... તો કરવું શું? આવું ખરેખર થયું છે બોલો. રાજકોટમાં આ વખતે એક પણ લોહાણા ઉમેદવારને મોટા પક્ષોએ ટિકિટ આપી નથી એટલે મેહુલ નથવાણીએ અપક્ષ તરીકે ઝંપલાવ્યું છે. તેમને સમર્થન આપવા માટે ઘણાએ પોસ્ટું લખવા માંડી છે, પણ તેમાં હદ થઈ કે એક જણે કૈંક એવું લખ્યું કે...જલારામ બાપાના સમ છે! લોહાણા સમાજના ઉમેદવાર સિવાય કોઈને મત આપ્યો... પૂ. જલારામ બાપા અને વીર દાદા જશરાજની વીરતાના સોગંદ છે વગેરે. રઘુવંશી સમાજમાં માત્ર વાંકાનેરમાં એક ટિકિટ મળી છે, પણ રાજકોટ રહી ગયું ત્યાં આમ સોશિયલ મીડિયામાં સમ ખવરાવામાં આવે ત્યારે વાંચનારે હવે કરવું શું? સમ માનવાના કે નહીં માનવાના?

ભાજપે તો ગઢમાં જ મનામણાં કરવાં પડે છે
આ વખતે ભાજપમાં ટિકિટ વહેંચણી પછી આંતરિક અસંતોષ વધી ગયો છે. તેને ઠારવા માટે રાષ્ટ્રીય નેતાઓએ સતત દોડધામ કરવી પડી રહી છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુક જે. પી. નડ્ડાએ આ મુદ્દે જ રાજકોટમાં રોકાણ કર્યું અને સૌરાષ્ટ્ર લેવલની બેઠકો લેવી પડી. જોકે ગઢસમા રાજકોટની પ્રતિષ્ઠિત બેઠકો રાજકોટ દક્ષિણ અને પૂર્વ માટે વધારે મનામણાં કરવાં પડી રહ્યાં છે. આ બેઠકોમાં ફેરફાર થયા છે એટલે નારાજગી દેખાય છે. કદાચ તેના ભાગ રૂપે જ અહીં પ્રચારની ઝાકઝમાળ પાથરી દેવાનો પણ વ્યૂહ છે. સ્ટાર પ્રચારકોની એક પછી એક સભાઓ અહીં કરવામાં આવી અને કરાશે. રાજકોટના મિની કમલમ્ ખાતે નડ્ડાએ પૂર્વ અને દક્ષિણ બેઠકના નેતાઓ, કાર્યકરો અને હોદ્દેદારો સાથે મુલાકાતો કરી અને આંતરિક જૂથવાદ ભૂલી જઈ કમળ ખીલવો ના આદેશો પણ આપ્યા છે.

ભાજપના સ્ટાર પ્રચારક સભામાં ભીડને શોધતા જ રહી ગયા
સુરત પૂર્વ વિધાનસભા બેઠક ભાજપ માટે ગઢ જ ગણાય. આ વિસ્તારમાં અને કોર્ટ સફિલ રોડ ઉપર ભાજપની સભા જ્યારે પણ હોય, મોટી મેદની એકઠી થઈ જતી. જાણે કીડિયારું ઉભરાયું હોય એમ જગ્યા ખૂટી પડતી. આ વખતે કૈંક જુદું જ જોવા મળી રહ્યું છે. જૂના અને જાણીતા આ સ્થળે સ્થાનિક ઉમેદવાર અરવિંદ રાણા માટે સભા યોજાઈ. તેમાં સ્ટાર પ્રચારકોમાંથી રાષ્ટ્રીય યુવા મોરચાના પ્રમુખ તેજસ્વી સૂર્યાને બોલાવાયા હતા. પણ તેજસ્વી ભાષણ કરવા માટે જાણીતા સૂર્યાને સાંભળવા માટે માંડ દોઢસો લોકો આવ્યા. હરીફ પક્ષોએ તો બરોબર નોંધ લીધી, પણ ભાજપમાં આંતરિક રીતે પણ ખાલીખમ સભાની જ સનસનાટી છે. રાષ્ટ્રીય યુવા મોરચાના પ્રમુખ આવ્યા હોય ત્યારે મેદની એકઠી ના થાય તો પછી સ્થાનિક સંગઠને કામગીરી શું કરી એવો દોષારોપણ થવા લાગ્યો છે. સંગઠનમાં વિવાદ ઊભો થયો છે. આ જ બેઠક પર કંચન જરીવાલાને બેસાડી ના દેવાયા હોત તો શું થાત તેનીય ગુસપુસ ચાલે છે, પણ તેમને બેસાડી દીધા પછીય આ હાલત હોય તો પછી...

આ આ બેઠકે તો નેતાઓના ધબકારા વધારી દીધા
કતારગામ કાયમ સમાચારમાં હોય કેમ કે ધબકતો વિસ્તાર છે. ને આ વખતે તો આપમાંથી પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા આવ્યા એટલે માહોલ જામી ગયો છે. સામે ભાજપમાંથી પાટીદાર છે, પણ કૉંગ્રેસે ઓબીસીમાંથી પ્રજાપતિને ટિકિટ આપી છે. પ્રજાપતિ, આહીર, રબારી વગેરે ઓબીસી મતો જો તેમને જાય તો પછી સ્થિતિ પલટાઈ જાય. આવી સ્થિતિમાં ભાજપના સ્થાનિક હોદ્દેદાર અને શહેર પ્રમુખના ધબકારા વધી ગયા છે. તેઓ પોતે પ્રજાપતિમાંથી આવે છે એટલે તેના મતો ભાજપ માટે લાવવા ભારે દબાણમાં છે. શહેર પ્રમુખ તરીકે બધી જ બેઠકોનું સંકલન કરવું પડે, પણ કતારગામમાં કસોકસની સ્પર્ધા વચ્ચે અહીં તેમણે ડબલ દોડધામ કરવાનું થયું છે.

અન્ય સમાચારો પણ છે...