ઉત્તર અને મધ્ય-પૂર્વ ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકો પર એકંદરે શાતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે. આ સાથે જ ગુજરાત ચૂંટણીના બન્ને તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.જેમાં સૌથી વધુ સાબરકાંઠામાં જિલ્લામાં 65.84 ટકા અને સૌથી ઓછું અમદાવાદ જિલ્લામાં 53.57 ટકા મતદાન થયું છે. 5 વાગ્યા સુધીમાં સરેરાશ 58.80 ટકા મતદાન થયું છે.
ઉત્તર ગુજરાતની 32 બેઠક પર અંદાજે 61.45 ટકા મતદાન થયું છે. મતદાન પૂર્ણ થવાના થોડા સમય પહેલાં જ કલોલમાં ફરી હોબાળો થયો હતો. કલોલના પૂર્વ વિસ્તારના એક બુથમાં ભાજપના કાર્યકરો ઘૂસી જતા કોંગ્રેસના કાર્યકરોએ હોબાળો મચાવી વિરોધ કર્યો હતો. જેને લઈને ભાજપના કાર્યકરોએ કોંગ્રેસના ઉમેદવાર બળદેવજી ઠાકોરના કાર્યાલય ઉપર ધસી જઈ ખુરશીઓ તોડી હતી. હોબાળો થતાં પોલીસ અને સલામતી રક્ષકોનો કાફલો મોટા પ્રમાણમાં કોંગ્રેસ કાર્યાલય દોડી આવ્યો હતો. જ્યાં એકઠા થયેલા લોકોને વિખેરી મતદાનનો સમય માત્ર એક કલાક હોવાથી મતદાન કરવા લોકોને સમજાવ્યા હતા.
આ તરફ મધ્ય ગુજરાતની 61 બેઠકો પર પણ મતદાન પૂર્ણ થઈ ગયું છે. સાંજે 5 વાગ્યા સુધીમાં મધ્ય ગુજરાતમાં સૌથી વધુ છોટાઉદેપુરમાં 62.04 % અને અમદાવાદમાં સૌથી ઓછુ 53.16 % મતદાન નોંધાયું છે. આ ઉપરાંત દાહોદમાં 55.80 %, ખેડામાં 62.65 %, મહીસાગરમાં 54.26 %, પંચમહાલમાં 62.03 % અને વડોદરામાં 58 % જેટલુ મતદાન નોંધાયું છે.
આ તરફ અમદાવાદ શહેર અને જિલ્લાની કુલ 21 બેઠકના ઉમેદવારોના ભાવી ઈવીએમમાં સીલ થયા છે. સાંજે પાંચ વાગ્યા સુધીમાં જિલ્લામાં સરેરાશ 53.57 ટકા નોંધાયું છે. જેમાં સૌથી વધુ સૌથી વધુ 64.44 ટકા મતદાન દસક્રાઈ તાલુકામાં નોંધાયું છે. જ્યારે સૌથી ઓછું 45.40 ટકા અસારવામાં નોંધાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.