કોંગ્રેસ માટે પડ્યા પર પાટું જેવી સ્થિતિ!:ગુજરાત કોંગ્રેસે શરમના માર્યા નુકસાનીનો સોદો કર્યો અને દાવ થઈ ગયો, 1 બેઠક પર તો પંજો જ ગાયબ!

અમદાવાદ11 દિવસ પહેલાલેખક: નિર્મલ દવે

ગુજરાત કોંગ્રેસ માટે આફતો રોકાવાનું નામ નથી લઈ રહી. આમ તો દરેક મોટા રાજકીય પક્ષ ગુજરાતની તમામ વિધાનસભા બેઠક પર એટલે કે 182 સીટ પર પોતાના ઉમેદવાર ઊભા રાખી અને ચૂંટણી લડી રહી છે. પરંતુ કોંગ્રેસ માટે પડ્યા પર પાટું જેવી સ્થિતિ ઊભી થઈ છે. કોંગ્રેસ પક્ષ હવે ગુજરાતમાં 182 નહીં પરંતુ 181 બેઠક પર જ ચૂંટણી લડી શકશે. આ બધા વચ્ચે એનસીપીમાં જ બે ફાંટા પડી ગયા છે. અનસીપીની ઉમરેઠના ઉમેદવાર જયંત બોસ્કીએ ઉમેદવાર રૂપિયા લઈ ફુટી ગયો હોવાનું જણાવ્યું હતું. જ્યારે એનસીપીના રાષ્ટ્રીય મહામંત્રી વિદ્યાર્થી પાંખના વિજય યાદવે જંયત બોસ્કી પર આક્ષેપ કર્યો હતો કે, બોસ્કી અને ભાજપ વચ્ચે સાંઠગાંઠથી જ ફોર્મ પાછું ખેંચી લેનાર ઉમેદવારને ટિકિટ આપી હતી.

કોંગ્રેસ માટે આફત આવી પડી
ત્રણ સીટ પર કોંગ્રેસ એનસીપી સાથે ગઠબંધન કરી બેઠી હતી કે જે સીટ પર કોંગ્રેસની જીત થઈ પણ શકે અને ના પણ મળી શકે. આમ, જો અને તો ભરેલી સ્થિતિ વચ્ચે કોંગ્રેસે એનસીપી સાથે ગઠબંધન કરી અને આણંદ જિલ્લાના ઉમરેઠ, અમદાવાદ શહેરની નરોડા અને પંચમહાલની દેવગઢબારિયા બેઠક પર ગઠબંધન કર્યું હતું. ગઠબંધન મુજબ એનસીપીએ દેવગઢબારિયા બેઠક પર ગોપસિંહ લવારને ટિકિટ આપી હતી. જ્યારે નરોડા બેઠક પર નિકુલ સિંહ તોમરનું નામ નક્કી (જાહેર નહોતું કરવામાં આવ્યું) કરવામાં આવ્યું હતું. જ્યારે ઉમરેઠ બેઠક પર જયંત પટેલ (બોસ્કી) કે જેઓ એનસીપીના ગુજરાત પ્રમુખ છે તે ઉમેદવારી કરવાના હતા. જોકે અંતિમ સમયે કોંગ્રેસ સાથે છેતરપિંડી થઈ હોય તેવી ઘટના બની જેમાં ગોપસિંહ લવારે ફોર્મ પરત ખેંચી લેતા કોંગ્રેસ માટે આફત આવી પડી છે.

એનસીપીના રાષ્ટ્રીય મહામંત્રી વિદ્યાર્થી પાંખના વિજય યાદવે જયંત બોસ્કી પર આક્ષેપ કર્યા.
એનસીપીના રાષ્ટ્રીય મહામંત્રી વિદ્યાર્થી પાંખના વિજય યાદવે જયંત બોસ્કી પર આક્ષેપ કર્યા.

દેવગઢ બારિયામાં જયંત બોસ્કી અને ભાજપ વચ્ચે સેટિંગ થયું- વિજય યાદવ
એનસીપીના રાષ્ટ્રીય મહામંત્રી વિદ્યાર્થી પાંખના વિજય યાદવે દિવ્યભાસ્કર સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, ગોપસિંહ લવાર મુળ ભાજપનો કાર્યકર છે અને હાલના ભાજપના ઉમેદવાર બચુ ખાબડના નજીકના વ્યક્તિ હોવાના કારણોસર જયંત બોસ્કીએ ભાજપના ઉમેદવાર સાથે સાંઠગાંઠ કરી અને ગોપસિંહ લવારને ટિકિટ આપી હતી. ટિકિટ આપ્યા બાદ ગોપસિંહ લવારે છેલ્લા દિવસે ફોર્મ પરત ખેંચી લીધું હતું. આમ, એનસીપીના ઉમેદવાર છેલ્લી ઘડીએ વેચાઇ જતા જયંત બોસ્કીને આર્થિક ફાયદો થયો છે.

નરોડા બેઠક પર નિકુલ સિંહ તોમર કરતાં સારા ઉમેદવાર - જયંત પટેલ (બોસ્કી)
આ અંગે એનસીપી પ્રમુખ જયંત બોસ્કીએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, ઉમેદવાર નાણાંકીય લેવડ દેવડ કરી અને ફુટી ગયો હોય તેમ લાગે છે. જ્યારે નરોડા બેઠક પર અમારા એનસીપીના નેતા નિકુલસિંહ તોમર કરતાં પણ સક્ષમ ઉમેદવાર મેઘરાજ ડોડવાણીને ટિકિટ આપવામાં આવી છે. તેમણે એ પણ આશા વ્યક્ત કરી હતી કે મેઘરાજ ડોડવાણી જીત મેળવશે. વધુમાં જણાવે છે કે, ઉમરેઠ બેઠક પર તેમના તરફથી ચિત્ર સ્પષ્ટ થઈ ગયા છે. જયંત બોસ્કી દાવો કરતાં કહે છે કે ઉમરેઠ બેઠક પર 25 હજાર કરતાં વધુ માર્જીનથી જીત મેળવશે.

એનસીપીના ઉમરેઠના ઉમેદવાર જયંત બોસ્કી.
એનસીપીના ઉમરેઠના ઉમેદવાર જયંત બોસ્કી.

નરોડામાં કોંગ્રેસના કાર્યકરો હોવા છતાં એનસીપીને મેન્ડેટ આપ્યું
કોંગ્રેસમાંથી નરોડા બેઠક પર અનેક દાવેદારોએ ટિકિટ માગી હતી તેમ છતાં પણ કોંગ્રેસે ગઠબંધન કરીને એનસીપીને મેન્ડેટ આપ્યું હતું. એનસીપી તરફથી નિકુલસિંહ તોમર પોતે ઉમેદવારી કરવાના હોય તેમ પોતાના બેનર અને હોર્ડિંગ છપાવી પ્રચાર તો શરૂ કરી દીધો હતો. જોકે છેલ્લી ઘડીએ તેને ધ્યાન આવ્યું કે તેઓ પોતે તો કોંગ્રેસના મેન્ડેટ પર કોર્પોરેટર બન્યા છે અને હવે જો ઉમેદવારી એનસીપીમાંથી કરશે તો તેમણે કોર્પોરેટર પદેથી રાજીનામું આપવું પડશે. અંતે આ ટિકિટ મેઘરાજ ડોડવાણીને આપવામાં આવી હતી. આમ, કાર્યકર હોવા છતાં કોંગ્રેસે એનસીપી સાથે ગઠબંધન કર્યું.

એનસીપીને કારણે નરોડામાં કોંગ્રેસ વિશ્વસનીયતા ગુમાવશે
નરોડા બેઠક પર એનસીપીના નિશાન પર હવે કોંગ્રેસના સક્રિય કાર્યકર મેઘરાજ ડોડવાણી ચૂંટણી લડી રહ્યા છે પરંતુ સ્થિતિ એ છે કે કોંગ્રેસનું નિશાન નરોડા વિધાનસભા બેઠકમાં ચાલુ ચૂંટણી દરમિયાન જોવા નહીં મળે. એટલે કે કોંગ્રેસના કાર્યકરો હાલ ઘડિયાળ (એનસીપી) નિશાન માટે પ્રચાર કરશે અને આ જ કોંગ્રેસના કાર્યકરો આગામી મનપાની ચૂંટણીમાં ફરીથી પંજા માટે પ્રચાર કરશે. આમ, કોંગ્રેસ પોતાની વિશ્વસનીયતા ગુમાવશે.

નરોડાના ઉમેદવાર તરીકે ચર્ચામાં આવેલા નિકુલસિંહ તોમર.
નરોડાના ઉમેદવાર તરીકે ચર્ચામાં આવેલા નિકુલસિંહ તોમર.

નિકુલસિંહ તોમરે અન્ય પાર્ટીના સ્થાનિક ઉમેદવાર સાથે ગઠબંધન કરી લીધું?
એનસીપીના નરોડાના નેતા નિકુલસિંહ તોમરે પોતે ઉમેદવાર હોવાના નાટક કરી અને પ્રચાર શરૂ કર્યા બાદ અંતે બ્રહ્મજ્ઞાન આવતાં તેમણે પોતે ઉમેદવાર ના હોવાની જાહેરાત કરી અને અંતે મેઘરાજ ડોડવાણીને ઉમેદવાર જાહેર કર્યા. આ બધી વાત વચ્ચે મળતી માહિતી પ્રમાણે નિકુલસિંહ તોમરે અન્ય પાર્ટીના સ્થાનિક ઉમેદવાર સાથે સાંઠગાંઠ કેળવી લીધી છે અને તેની અસર પ્રચાર દરમિયાન પણ જોવા મળશે. આમ, નિકુલસિંહ તોમરે બંને પક્ષે ફાયદો મેળવ્યો હોવાનો આક્ષેપ એનસીપીના નેતા કરી રહ્યા છે.

રેશ્મા પટેલ નારાજ થઈ અને આપમાં જોડાયા
એનસીપી ચહેરા તરીકે સૌરાષ્ટ્ર વિસ્તારમાં જાણીતા બનેલા રેશ્મા પટેલને અગાઉ ગોંડલ બેઠક પરથી ટિકિટ આપવામાં આવશે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું. રેશ્મા પટેલે પણ ઉમેદવારી નોંધાવી હતી પરંતુ આખરે તેણીને મેન્ડેટ ન મળવાને કારણે નારાજગી વ્યક્ત કરી અને એનસીપીમાંથી રાજીનામું આપ્યા બાદ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધન થયું છે.
કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધન થયું છે.

અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં પણ અન્યાય થયો હતો
અમદાવાદ કોર્પોરેશનની અગાઉ યોજાયેલી ચૂંટણીમાં એનસીપીએ 20 કરતાં વધુ સીટ પર પોતાના ઉમેદવાર ઉભા રાખવા માટે માગણી કરી હતી. જોકે છેલ્લી ઘડીએ ફરીથી એનસીપીએ માત્ર કુબેરનગર વોર્ડ પર પોતાનો એક જ ઉમેદવાર ઊભો રાખતાં એનસીપીના અન્ય કાર્યકરો સાથે અન્યાય થયો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.

જયંત બોસ્કીનું રાજીનામું લેવા પ્રફુલ પટેલને રજૂઆત
એનસીપીના નેતા વિજય યાદવે વધુમાં જણાવ્યું હતું કે, અમારી સાથે વારંવાર અન્યાય થાય છે અને ફાયદો જયંત બોસ્કી મેળવી લે છે. ત્યારે અમારા દ્વારા એનસીપીના રાષ્ટ્રીય નેતા પ્રફુલ પટેલને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે જયંત બોસ્કીનું રાજીનામુ એટલા માટે લેવામાં આવે કેમ કે તેના કારણે ગુજરાતમાં એનસીપીની છબી ખરડાય છે.

દેવગઢ બારિયામાં ફોર્મ પરત ખેંચી લેનાર ઉમેદવાર.
દેવગઢ બારિયામાં ફોર્મ પરત ખેંચી લેનાર ઉમેદવાર.

એનસીપી નેતાને 2017ની ચૂંટણીમાં 174 મત જ મળ્યા હતા
એમ નથી કે એનસીપીના નિકુલસિંહ તોમર પહેલી વાર ચૂંટણી લડી રહ્યા હતા. વર્ષ 2017ની ચૂંટણીમાં પણ તેમણે એનસીપીના મેન્ડેટ પર નરોડા બેઠક પરથી ચૂંટણી લડી હતી. જે તે સમયે પણ તેમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. વર્ષ 2017ની ચૂંટણીમાં નિકુલસિંહ તોમરને માત્ર 174 મત જ મળ્યા હતા ત્યારે જે તે સમયે પણ તેમની સામે આક્ષેપ થયા હતા કે જાણીજોઈને તેમણે પ્રચાર જ કર્યો નથી.

કોંગ્રેસે શાન વાપરીને ત્રણ સીટ પર મેન્ડેટ આપ્યું
એનસીપી દ્વારા અગાઉ કોંગ્રેસ પાસે 10થી વધુ સીટ માટે મેન્ડેટની માંગણી કરવામાં આવી હતી. જોકે કોંગ્રેસે પહેલા 7 અને પછી 5 અને બાદમાં 3 સીટ પર જ ગઠબંધન અંગે તૈયારી દર્શાવતા ત્રણ સીટ માટે એનસીપીને મેન્ડેટ ફાળવ્યું હતું. આમ, જો કોંગ્રેસે શાન વાપરી ન હોત તો વધારે નુકશાન વેઠવાનો વારો આવ્યો હોત.

ગોપસિંહ લવાર મુળ ભાજપનો કાર્યકર છેઃ એનસીપી નેતા વિજય યાદવ.
ગોપસિંહ લવાર મુળ ભાજપનો કાર્યકર છેઃ એનસીપી નેતા વિજય યાદવ.

ગુજરાતમાં ગઠબંધન સાથે કોંગ્રેસ 181 બેઠક પર ચૂંટણી લડશે
ગુજરાતમાં આમ તો વિધાનસભા ચૂંટણી 182 બેઠક માટે થાય છે જેમાં મોટા રાજકીય પક્ષો દરેક સીટ પર પોતાના ઉમેદવાર ઉભા રાખે છે. પરંતુ કોંગ્રેસ માટે આ ચૂંટણીમાં સ્થિતિ એવી ઊભી થઈ છે કે ગઠબંધન સાથે કોંગ્રેસ 181 બેઠક પર જ ચૂંટણી લડી શકશે.

અન્ય સમાચારો પણ છે...