ભાસ્કર ઇન્ટરવ્યૂનણંદ V/s ભાભીનો જંગ જામ્યો:નણંદ નયનાબાએ કહ્યું-ભાભી રિવાબા નબળા ઉમેદવાર, રિવાબાએ નણંદને આપ્યો આ જવાબ

જામનગરએક મહિનો પહેલાલેખક: જીગ્નેશ કોટેચા

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં અમૂક બેઠકો એવી છે જ્યાં ખરાખરીનો જંગ જામવાનો છે. જેમાં વરાછા, ગોંડલ, કતારગામનો સમાવેશ થાય છે. જો કે આ યાદીમાં હવે જામનગર ઉત્તર સીટ પણ આવી ગઈ છે. આ સીટ પર ભાજપમાંથી ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રિવાબાની ઉમેદવારીથી રાજકીય માહોલ ગરમાયો છે. તેમાં પણ રિવાબા સામે તેમના નણંદ અને રવીન્દ્ર જાડેજાનાં મોટા બહેન અને કોંગ્રેસ પ્રદેશ મહિલા મોરચાના મંત્રી નયનાબા જાડેજાએ કોંગ્રેસમાંથી પ્રચારની કમાન સંભાળી છે. આમ રિવાબા સામે નયનાબા પ્રચાર જંગમાં ઊતર્યા છે. ગુજરાતભરની આ બેઠક પર ભાભી અને નણંદ પ્રચાર જંગ અને પાર્ટીમાં સામસામે આવી ગયાં છે.

નણંદ-ભાભી સામસામે કરી રહ્યાં છે પ્રચાર
જામનગરમાં ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં બહેન નયનાબાએ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણીની તૈયારીઓ ત્રણ મહિના પહેલાં જ શરૂ કરી દીધી હતી અને જામનગર ઉત્તરમાંથી ટિકિટ માટે દાવેદારી પણ કરી હતી. જો કે કોંગ્રેસે નયનાબાને બદલે બિપેન્દ્રસિંહ જાડેજાની ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. જેથી નયનાબાએ કોંગ્રેસના ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજાના સમર્થનમાં જોરશોરથી પ્રચાર પણ શરૂ કરી દીધો છે. તો બીજી તરફ રિવાબા પોતાના મત વિસ્તારમાં પ્રચાર કરી રહ્યાં છે. જ્યારે તેમના પતિ રવીન્દ્ર જાડેજા પણ પત્ની સાથે પ્રચારમાં જોડાશે અને સતત પત્નીને સાથ આપશે.

ઉમેદવાર જાહેર થતા પહેલાં શું કહ્યું હતું નયનાબાએ?
નયનાબાએ ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કર્યાં પહેલાં રિવાબાનું નામ વહેતું થતાં હકુભાની ટિકિટ કાપી રિવાબાને ટિકિટ આપવા અંગે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ કોંગ્રેસમાં હતા ત્યારે પણ તેમણે જીત મેળવી છે અને ભાજપમાં ગયા ત્યારે પણ વિજય મેળવ્યો હતો. તેમણે કામ કર્યું છે અને સતત કાર્યશીલ રહ્યા છે. જો તેમની સામે કોઈ નબળી વ્યક્તિને ટિકિટ આપે તો અમે તેને પછાડી દઈશું. જો કોઈ નબળી વ્યક્તિ સામે આવશે તો ભાજપ ચોક્કસ એ સીટ ગુમાવશે.

‘મને એમજ છે કે બિપેન્દ્રસિંહ નહીં પણ હું જ ચૂંટણી લડું છું’
નયનાબાના આ જવાબ બાદ ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી હતી અને રિવાબાને ટિકિટ આપી દીધી છે. જેને પગલે દિવ્ય ભાસ્કરે ફરી નયનાબાનો સંપર્ક કરતા તેમને પૂછ્યું હતું કે, રિવાબા નબળા ઉમેદવાર છે કે સબળા? જેના જવાબમાં નયનાબાએ જણાવ્યું કે, નબળા ઉમેદવાર છે. બિપેન્દ્રસિંહ જાડેજા (જામનગર ઉત્તરના કોંગ્રેસના ઉમેદવાર) કરતાં પણ નબળા છે. મને નહીં કોઈ સામાન્ય માણસને પણ પૂછજો. મને એવું નથી લાગતું કે બિપેન્દ્રસિંહ લડે છે, મને એમ જ લાગે કે હું પોતે જ ચૂંટણી લડી રહી છું.

‘એ તો ફ્લોમાં ને ફ્લોમાં બોલાઈ ગયું હોય’
જ્યારે રિવાબાને દિવ્ય ભાસ્કર પૂછ્યું કે, હકુભાને બદલે બીજા કોઈને ટિકિટ મળે તો જીતવા નહીં દઇએ એ અંગે આપનું શું કહેવું છે? જેના જવાબમાં રિવાબાએ કહ્યું હતું કે, મારાં નણંદ છે એટલે મને ખબર છે એ કેટલું બોલી શકે, એ તો ફ્લોમાં ને ફ્લોમાં બોલાઈ ગયું હોય, એ મારા વડીલ છે, મારી મા ઠેકાણે કહેવાય. પરિવારમાં હું સૌથી નાની છું. આપણા હાથની પાંચેય આંગણી પણ સરખી નથી. એ અલગ પાર્ટી અને વિચાર સાથે જોડાયેલાં છે અને હું અલગ પાર્ટી સાથે જોડાયેલી છું. એટલે એમને જે બોલવું હોય એ બોલી શકે. હું તેમને નિયંત્રિત ન કરી શકું.

ઉમેદવારી ફોર્મ ભરતી વખતે રવીન્દ્ર મારી સાથે જ હશેઃ રિવાબા
જ્યારે તમારા પતિ રવીન્દ્ર જાડેજા પ્રચારમાં ક્યારે જોડાશે? તે સવાલના જવાબમાં રિવાબાએ કહ્યું કે, એ આવી જશે, ફોર્મ ભરતી વખતે સાથે જ રહેશે અને પ્રચાર પણ કરશે.

રિવાબાને ચૂંટણીમાં પતિનો ભરપૂર સાથે મળશે.
રિવાબાને ચૂંટણીમાં પતિનો ભરપૂર સાથે મળશે.

કોંગ્રેસમાંથી આવેલા હકુભાનું પત્તું કપાયું, હવે અપક્ષમાંથી ચૂંટણી લડશે? સીમાંકન બાદ 2012માં અસ્તિત્વમાં આવેલી જામનગર ઉત્તર સીટની વાત કરીએ તો આ સીટ પર ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) સીટિંગ ધારાસભ્ય છે. કોંગ્રેસમાંથી આવેલા ધર્મેન્દ્રસિંહે 2012માં આ સીટ પરથી ભાજપના પૂર્વ મંત્રી મૂળુ બેરાને પરાજિત કર્યા હતા. ત્યાર બાદ ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કોંગ્રેસને રામ રામ કરી ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો હતો અને 2017માં તેમણે કોંગ્રેસના જીવણ કુંભારવાડિયાને હરાવ્યા હતા. આ સીટ પરથી સીટિંગ ધારાસભ્ય એવા ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પણ દાવેદારી નોંધાવી હતી. જો કે ભાજપે ધર્મેન્દ્રસિંહને બદલે રિવાબાને ઉમેદવાર જાહેર કર્યા હતા. જેને પગલે ચર્ચાઓ ચાલી છે કે ધર્મેન્દ્રસિંહ જાડેજા પાછા જઈ શકે છે. જો કોંગ્રેસમાં ઘરવાપસી ન કરે તો અપક્ષ ચૂંટણી લડવાની પણ વાતો ચર્ચાઈ રહી છે.

રિવાબા સામે કોંગ્રેસે આ ક્ષત્રિયને ઉતાર્યા છે ચૂંટણી જંગમાં
ક્ષત્રિયોનું વર્ચસ્વ ધરાવતી આ સીટ પર આ વખતે કોંગ્રેસે ઉમેદવાર જાહેર કરી દીધા છે. કોંગ્રેસે જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને પ્રદેશ કોંગ્રેસ સંગઠન મહામંત્રી તથા ક્ષત્રિય એવા બિપેન્દ્રસિંહ જાડેજાને ટિકિટ આપી છે. જો આ સીટ પર ભાજપ ક્ષત્રિયને ચૂંટણીજંગમાં ઉતારે તો બે ક્ષત્રિય વચ્ચે ખરાખરીનો ચૂંટણી જંગ જામશે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ નણંદ-ભાભીએ સામસામે કર્યો હતો પ્રચાર
ફેબ્રુઆરી 2021માં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર દરમિયાન પણ નણંદ-ભાભીએ સામસામે પ્રચાર કર્યો હતો.છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં રિવાબાએ ભાજપમાંથી પ્રચારની ધુરા સંભાળી હતી. તો બીજી તરફ તેમનાં નણંદ નયનાબા જાડેજા સામાન્ય લોકો વચ્ચે શેરી-ગલીઓમાં પ્રચાર કરતાં જોવા મળ્યાં હતાં.

‘નયનાબા ન હોત તો રવીન્દ્ર પણ ક્રિકેટર ન હોત’
એક વર્ષ પહેલાં નયનાબાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રવીન્દ્ર માત્ર 17 વર્ષનો હતો અને તેની માતા લતાબા એટલે કે મારા માતા અકસ્માતમાં ગુજરી ગયાં હતાં. તે ક્ષણે તો અમારા માથે જાણે આભ જ તૂટી પડ્યું હતું. કારણ કે અમારાં ત્રણ ભાઈ-બહેનમાં રવીન્દ્ર સૌથી નાનો હતો. ભાઈની આંખોમાં તો કંઈક સપનાં હતાં. જેને સાકાર કરવાનાં હતાં. આમ છતાં મેં લતાબાની જગ્યા લઈને આર્મી ઓફિસરની પરીક્ષા પાસ કરવા છતાં રવિને ક્રિકેટર બનાવ્યો. આનું કારણ એટલું જ કે મમ્મીનું સપનું હતું કે રવિ ક્રિકેટર બને, જેને સાકાર કરવામાં મારાથી બનતું બધું જ કર્યું અને સફળતા મળી. આ વાતનું મને ખૂબ જ ગૌરવ છે. નાનપણથી જ માતાનો પ્રેમ આપી રવીન્દ્રને ઉછેર્યો છે.

કોણ છે રાજકારણની પિચ પર ઊતરેલા રિવાબા
જામનગર ઉત્તરથી ભાજપે રવીન્દ્ર જાડેજાનાં પત્ની રિવાબાને ટિકિટ આપી છે. સોશિયલ મીડિયા અને મહિલા વિસ્તારમાં સતત એક્ટિવ રહે છે. તેની સાથે સાથે મહિલાઓને પગભર કરવા માટે પણ ખૂબ કામ કરે છે. રિવાબા મિકેનિકલ એન્જિનિયર છે અને લગ્ન પહેલાં UPSCની તૈયારી કરતાં હતાં. લગ્ન પહેલાં ક્રિકેટ પણ જોતાં નહોતાં પરંતુ લગ્ન બાદ તેમને ક્રિકેટ ગમવા લાગ્યું છે. તેઓ પિતા હરદેવસિંહ સોલંકી અને માતા પ્રફૂલ્લાબાના એકમાત્ર સંતાન છે. તેમના પિતા હરદેવસિંહ સોલંકી મૂળ કેશોદ પાસેના બાલાગામના વતની છે. વર્ષોથી રાજકોટના કોઠી કમ્પાઉન્ડમાં રહે છે. તેમને ખેતીવાડી ઉપરાંત ખાંભા અને રાજસમઢિયાળામાં બે સ્કૂલ છે. સાસણમાં ફાર્મહાઉસ અને નવલખી બંદર પર વે-બ્રિજ છે.

કોંગ્રેસના ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજા (ડાબેથી ત્રીજા) સાથે પ્રચાર સમયે નયનાબા (ડાબેથી ચોથા)
કોંગ્રેસના ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજા (ડાબેથી ત્રીજા) સાથે પ્રચાર સમયે નયનાબા (ડાબેથી ચોથા)

રિવાબા ઘોડેસવારીના છે શોખીન
રવીન્દ્ર જાડેજા અને રિવાબાનાં લગ્ન 17 એપ્રિલ 2016ના રોજ રાજકોટમાં થયાં હતાં. રિવાબા અને રવીન્દ્ર જાડેજાને સંતાનમાં એક પુત્રી છે, જેનું નામ નિધ્યાનાબા છે. રિવાબાએ 7 જૂન 2017ના રોજ નિધ્યાનાબાને સ્ટર્લિંગ હોસ્પિટલમાં જન્મ આપ્યો હતો. તેઓ પતિ રવીન્દ્રની જેમ ઘોડેસવારી કરવાનાં શોખીન છે. 10 મહિના પહેલાં જ તેઓ ઘોડેસવારી કરવાનું શીખ્યાં હતાં.

(ઇનપુટઃ હિરેન હિરપરા, જામનગર)

અન્ય સમાચારો પણ છે...