‘એમેઝોન પ્રાઇમ વીડિયો’ની સુપરહિટ વેબ સિરીઝ છે ‘ધ ફેમિલી મેન’. તેમાં એક સિક્રેટ એજન્ટનું પાત્ર ભજવતા એક્ટર મનોજ બાજપાયીની સ્ટોરી છે. મનોજ એમાં વર્લ્ડ ક્લાસ સ્પાય એટલે કે જાસૂસ બન્યો છે, પરંતુ માણસ મૂળે મિડલ ક્લાસ બચરવાળ છે. પોતાની ફરજ અને ફેમિલી વચ્ચે સતત સેન્ડવિચ થતો રહે છે. બેમાંથી એકેયને સંપૂર્ણપણે છોડી શકે તેમ નથી. એટલે બિચારો સતત બંને વચ્ચે લોલકની જેમ ઝૂલ્યા કરે છે.
આપણા કાઠિયાવાડી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પણ આ ચૂંટણીમાં કંઇક એવી જ હાલત થઈ છે. જડ્ડુજી સેન્સેશનલ ઓલરાઉન્ડર ક્રિકેટર છે. પરંતુ હવે તેઓ ‘એક્સિડેન્ટલ કેમ્પેનર’ બની ગયા છે. ‘દિવ્ય ભાસ્કર’ એપના વાચકો જાણે જ છે કે જડ્ડુજીનાં ધર્મપત્ની રીવાબા જાડેજા ભાજપની ટિકિટ પર જામનગર નોર્થ સીટ પરથી વિધાનસભાની ચૂંટણી લડી રહ્યાં છે. પરંતુ રીવાબાનાં નણંદબા એટલે કે રવિન્દ્ર જાડેજાનાં બહેન નયનાબા જાડેજા હાડોહાડ કોંગ્રેસી છે. અલબત્ત, તેઓ આ ચૂંટણીમાં લડી નથી રહ્યાં, પરંતુ પોતાનાં ભાભી રીવાબા પર પ્રહારો કરવાની એકેય તક ચૂકતાં નથી. રવિન્દ્ર જાડેજાને એક તરફ રાખડીનું બંધન છે તો બીજી તરફ સપ્તપદીમાં આપેલાં વચન છે. અધૂરામાં પૂરું રવિન્દ્રના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાએ પણ પુત્રી અને પુત્રવધૂમાંથી પુત્રીની પસંદગી કરી છે. એમણે તાજેતરના એક વીડિયોમાં પુત્રવધૂને બદલે તેની સામે ઊભેલા કોંગ્રેસના ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજાને જિતાડવાની અપીલ કરી છે.
હાલ તો સપ્તપદીનું પલ્લું નમી ગયું છે અને રવિન્દ્ર જાડેજાએ એક આદર્શ ભારતીય પતિને છાજે એમ પોતાની પત્ની પર પસંદગી ઉતારી છે અને ભાજપ વતી પ્રચારમાં ઊતરી પડ્યા છે. એમણે પત્નીની ઉમેદવારી નોંધાવવામાં (કેસરી કુર્તામાં) હાજરી આપવાથી લઇને જામનગરના રાજમાર્ગો પર રોડ શો કરવા જેવું ઓલરાઉન્ડ પરફોર્મન્સ બતાવી દીધું છે. જોકે પ્રેમ અને સ્નેહ, બીવી અને બહેનમાંથી એકની પસંદગી કરીને બીજાની વિરુદ્ધમાં જવાનો ભાર રવિન્દ્ર જાડેજાના ચહેરા પર સ્પષ્ટ દેખાય છે.
આ જાડેજા ‘ધ ફેમિલી મેન’ સિરીઝના મુખ્ય દિગ્દર્શકો ભાજપ અને કોંગ્રેસ છે અને આ સિરીઝનો રોજેરોજ એક નવો હપ્તો રિલીઝ થઈ રહ્યો છે. તેનો ‘ગ્રાન્ડ ફિનાલે એપિસોડ’ 8 ડિસેમ્બરે રિલીઝ થશે, જેમાં ખબર પડશે કે જામનગરની જનતા કોના પર પસંદગીનો કળશ ઢોળે છે!
રોજની જેમ તમને અમારું આજનું આ ‘પોલિટિકલ પિક્ચર’ ગમ્યું હોય તો તેને શૅર કરવાનું ચૂકશો નહીં.
***
આ સ્ટોરીઝ પણ વાંચો...
***
***
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.