ELECTION રાઉન્ડ અપ:રૂપાણી-નીતિન પટેલ સહિત આ 9 દિગ્ગજ ચૂંટણી નહીં લડે, લિસ્ટ પહેલાં ટપોટપ જાહેરાત કરી, જાણો દિવસના 7 સૌથી મોટા ચૂંટણી સમાચાર

17 દિવસ પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગતિવિધિઓ પણ તેજ થઈ રહી છે.સત્તાનાં સંગ્રામમાં તમામ પક્ષોના આગેવાનોએ ગુજરાતમાં ધામા નાખ્યા છે.એક બીજા પર આરોપ પ્રત્યારોપનો દૌર ચાલી રહ્યો છે.રોજ રોજ સભાઓ થઈ રહી છે.ઉમેદવારોના નામોની જાહેરાતો થઈ રહી છે. કોઈ નેતા નામ જાહેર થતાં ખુશ છે તો કોઈ નેતા રોષે ભરાયા છે. ત્યારે દિવસભરની તામામ રાજકીય અપડેટ માટે દિવ્ય ભાસ્કર લઈને આવ્યુ છે ઈલેક્શન રાઉન્ડ અપ ન્યુઝ બુલેટિન.જેમાં દિવસભરની તમામ મહત્વની રાજકીય ખબરોનો ચિતાર મળશે સંક્ષિપ્તમાં. બુલેટિન જોવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો

રૂપાણી, નીતિન પટેલ સહિત દિગ્ગજો ઘરભેગા!

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, પ્રદીપસિંહ વાઘેલા અને આર. સી. ફળદુ સહિતના દિગ્ગજો ચૂંટણી નહીં લડે. લગભગ નવા જેટલા મોટા માથાઓની ટિકિટ કપાઈ ગઈ છે. આ નેતાઓ સાંજ પડતાં એક પછી એક ટપોટપ કેમેરા સામે આવવા લાગ્યા અહીં ચૂંટણી નહીં લડે તેવી સામેથી જ જાહેરાત કરવા લાગ્યા. 9 નવેમ્બરના રોજ સવારે ભાજપ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ટિકીટ કપાઈ હોવાનું દિવ્યભાસ્કરે લખ્યું હતું. જોકે, ત્યારબાદ પૂર્વ નેતાઓ દ્વારા કોઈ નિવેદન આવ્યું ન હતું. હવે અંતિમ ઘડીએ ભલભલા દિગ્ગજોના સૂર બદલાઈ ગયા છે.

તલાલાના ધારાસભ્ય ભગા બારડ ભાજપમા જોડાયા
કોંગ્રેસમાં મોહન રાઠવા બાદ હવે વધુ એક ધારાસભ્ય ભગાભાઈ બારડ ભાજપમાં જોડાઈ ગયાં છે. તલાલાના ધારાસભ્ય ભગાબારડે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે.તેઓ આજે કમલમ ખાતે કેસરીયો ખેસ ધારણ કર્યો છે.ભગા બારડ 2007માં કોંગ્રેસમાંથી ચૂંટણી લડી વિજેતા બન્યા હતા. 2017માં પણ તેઓ તલાલા સીટ પરથી ચૂંટણી લડ્યા અને વિજેતા બન્યા હતા.ભાજપ એવું કહે છે કે અમે કોઈને નિમંત્રણ નથી આપતાં તોય રોજ અમારે ત્યાં મહેમાન આવે છે. ગુજરાત કોંગ્રેસ હવે કોંગ્રેસ છોડો અભિયાન ચલાવે છે.

પૂર્વ CM રૂપાણી અને નીતિન પટેલ સાઈડલાઈન?
ભાજપે આ બંને નેતાઓને મોટી જવાબદારી આપીને વિધાનસભાની ચૂંટણીમાંથી સાઈડ કર્યા હોય તેમ લાગ છે. અગાઉ વિજય રૂપાણીને પંજાબની જવાબદારી સોંપી દેવામાં આવી હતી. હવે નીતિન પટેલને પણ બીજા રાજ્યમાં મોટી જવાબદારી આપીને ગુજરાતની ચૂંટણીમાંથી દુર રાખવામાં આવશે.સુત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે, ભાજપના નેતા બી. એલ. સંતોષ પણ ગાંધીનગરની મુલાકાતે છે. ત્યારે ભાજપ કોર કમિટીની બેઠકમાં ફેરફાર કરાયો છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને કોર કમિટીમાં સ્થાન અપાયું છે. આર.સી.ફળદુ, ભૂપેન્દ્રસિંહ સહિત છ સભ્યો ઉમેરાયા છે.

કોંગ્રેસનો ભાજપ પર 'રાજકીય' આરોપ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષોએ પ્રચાર શરૂ કરી દીધો છે. ત્યારે નેતાઓમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપો પણ શરૂ થઈ ગયા છે. ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય રઘુ દેસાઈ પર હપતાખોરીનો આક્ષેપ કર્યો છે. ત્યારે કોંગ્રેસે પણ એક લેટર દ્વારા ભાજપ પર મોટો આક્ષેપ કર્યો છે. ભાજપે અમદાવાદમાં ચૂંટણી વ્યવસ્થા માટે ઉપયોગી એક લેટરમાં 13મા નંબરના મુદ્દામાં ભાજપ અને બૂટલેગરોની સાઠગાંઠ હોવાનો આક્ષેપ કર્યો છે.

ભાજપના MLAનું અભી બોલા અભી ફોક
વડોદરા જિલ્લાની વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પહેલાં મીડિયા સમક્ષ કહ્યું, આ વખતે મારી ચૂંટણી લડવાની ઇચ્છા ઓછી છે, હું પત્નીને ચૂંટણી લડાવીશ. જોકે ત્યાર બાદ તેમણે નિવેદન ફેરવી તોળતાં કહ્યું, મારી પત્ની બાજુમાં ઊભી હતી, તેને સારું લાગે એટલે હું તો મજાક કરતો હતો.

ગોપાલ ઈટાલિયા કતાર ગામથી ચૂંટણી લડશે
આમ આદમી પાર્ટીએ કુલ 159 ઉમેદવાર જાહેર કરી દીધા છે, તેમાં આજે પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા ક્યાંથી ચૂંટણી લડશે એની જાહેરાત કેજરીવાલે ટ્વીટ કરીને કરી છે. ગોપાલ ઈટાલિયા સુરતની કતારગામ બેઠક પરથી તેમજ મનોજ સોરઠિયા કરંજ બેઠક પરથી ચૂંટણી લડશે.

કેજરીવાલ જાદુના નામે ભ્રમ ફેલાવે છે: પીયૂષ ગોયલ
વડોદરામાં પીયૂષ ગોયલ દ્વારા મીડિયાને સંબોધન કરવામાં આવ્યું હતું ત્યારે તેમણે અરવિંદ કેજરીવાલ, કોંગ્રેસ પર ચાબખા માર્યા હતા. ઉપરાંત તેમણે કેજરીવાલને જાદુગર પણ કહ્યા હતા અને કહ્યું હતું કે કેજરીવાલ જાદુગર છે, જેઓ ભ્રમ ઊભો કરે છે, લોકો એમાં ભ્રમમાં ભરાઈ જશે નહીં. ઉપરાંત તેમણે મોહનસિંહ રાઠવાની ભાજપમાં એન્ટ્રીને લઈને પણ વાત કરી હતી. વડોદરા એક એવી નગરી છે, જે સાંસ્કૃતિક નગરી અને શિક્ષણ નગરી છે. ગુજરાત ભાજપને ઐતિહાસિક વિજય આપવા માગે છે. આ ગુજરાત એક-એક ગુજરાતીના લોહી પરસેવાથી બન્યું છે.

કુંવરજી બાવળિયાએ પ્રચાર શરૂ કરી દીધો
રાજકોટ જિલ્લાની જસદણ વીંછિયા વિધાનસભા બેઠક પર ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કરતાં પૂર્વે જ પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ પ્રચાર શરૂ કરી દીધો છે. કુંવરજીભાઇ બાવળિયાએ જસદણ અને વીંછિયા વિસ્તારના અલગ અલગ આગેવાનો સાથે ઓટલા બેઠક શરૂ કરી દીધી છે. જસદણ વીંછિયા બેઠક પરથી ભાજપ કુંવરજીભાઇ બાવળિયાને આ બેઠક પરથી રિપીટ કરી ફરી ચૂંટણી લડાવશે એવા પ્રબળ સંકેતો મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કુંવરજીભાઇ બાવળિયા પાછલી 2017ની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી વિજેતા બની પક્ષપલટો કરી ભાજપમાં પ્રવેશ કરી ફરી ભાજપમાંથી પેટાચૂંટણીમાં વિજેતા બન્યા હતા. જોકે આ વખતે ત્રિપાંખિયા જંગ વચ્ચે કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલને ઉમેદવાર જાહેર કરતાં આ વખતની ચૂંટણી રસાકસી ભરી જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...