ELECTION રાઉન્ડ અપ:સત્તાવિહોણી કોંગ્રેસને ફંડના પણ ફાંફાં?, ભાજપના ઉમેદવારની ઝોળી મતદારોએ ભરી દીધી, જુઓ 6 સૌથી મોટા ચૂંટણી સમાચાર

25 દિવસ પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગતિવિધિઓ પણ તેજ થઈ રહી છે.સત્તાનાં સંગ્રામમાં તમામ પક્ષોના આગેવાનોએ ગુજરાતમાં ધામા નાખ્યા છે.એક બીજા પર આરોપ પ્રત્યારોપનો દૌર ચાલી રહ્યો છે.રોજ રોજ સભાઓ થઈ રહી છે.ઉમેદવારોના નામોની જાહેરાતો થઈ રહી છે. કોઈ નેતા નામ જાહેર થતાં ખુશ છે તો કોઈ નેતા રોષે ભરાયા છે. ત્યારે દિવસભરની તામામ રાજકીય અપડેટ માટે દિવ્ય ભાસ્કર લઈને આવ્યુ છે ઈલેક્શન રાઉન્ડ અપ ન્યુઝ બુલેટિન.જેમાં દિવસભરની તમામ મહત્વની રાજકીય ખબરોનો ચિતાર મળશે સંક્ષિપ્તમાં. બુલેટિન જોવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો

કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાની જાહેરાત વખતે નેતાઓની ગેરહાજરી
કોંગ્રેસ દ્વારા વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાના તમામ ઉમેદવારો જાહેર કરી દેવાયા છે. ત્યારે 21 મુદ્દાનું અગાઉ ભાજપ સરકાર પર આરોપનામું જાહેર કર્યું હતું. હવે આજે અમદાવાદ કોંગ્રેસ ભવન ખાતેથી ‘જનઘોષણા પત્ર 2022 બનશે જનતાની સરકાર' નામથી મેનિફેસ્ટો જાહેર કર્યો છે. આ મેનિફેસ્ટોમાં અગાઉ રાહુલ ગાંધીએ ગુજરાત માટે કરેલાં 8 વચનને સ્થાન આપવામાં આવ્યું છે, જેમાં ખેડૂતાનાં દેવાં માફ કરવાં, રૂ. 500માં ગેસ-સિલિન્ડર આપવા, લોકોને 300 યુનિટ સુધી વીજળી ફ્રી આપવી સહિતના 8 વાયદા કરવામાં આવ્યા છે. આ દરમિયાન વિપક્ષના નેતા સુખરામ રાઠવાની સૂચક ગેરહાજરી જોવા મળી છે. સ્ટેજ પર ધારાસભ્યમાંથી માત્ર શૈલેષ પરમાર જ જોવા મળ્યા. ઇમરાન ખેડાવાલા આવ્યા ખરા, પણ સ્ટેજ પર સ્થાન ના મળ્યું. કોંગ્રેસના સીટિંગ ધારાસભ્ય હિમતસિંહ પટેલ પણ ગેરહાજર રહ્યા છે.

ભાજપે વધુ 6 ઉમેદવારો જાહેર કર્યા, ડેમેજ કંટ્રોલ પણ શરૂ
ભાજપે આજે વધુ છ ઉમેદવાર જાહેર કર્યા છે, જેમાં ખંભાળિયાથી મુળુ બેરા, કુતિયાણાથી ઢેલીબેન ઓડેદરા, ધોરાજીથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ મહેન્દ્ર પાડલિયા, ભાવનગર પૂર્વથી સેજલ પંડ્યા, દેડિયાપાડાથી હિતેષ વસાવા, ચોર્યાસીથી સંદીપ દેસાઈને ટિકિટ આપવામાં આવી છે. આમાં ભાવનગર પૂર્વમાંથી વિભાવરીબેન દવે અને ચોર્યાસી બેઠક પરથી ઝંખના પટેલની ટિકિટ કાપવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા વડોદરા શહેર-જિલ્લાની બે બેઠકોને બાદ કરતા તમામ ઉમેદવારો જાહેર કરતા વાઘોડિયા, કરજણ અને પાદરા બેઠક ઉપર ભડકો થયો છે. આ ત્રણેય બેઠકના વર્તમાન ધારાસભ્ય અને બે પૂર્વ ધારાસભ્યોએ અપક્ષ અથવા અન્ય પાર્ટીના બેનર હેઠળ ચૂંટણી લડવા માટે રણશિંગુ ફૂંકી દીધું છે, ત્યારે ભાજપ દ્વારા વર્તમાન અને બે પૂર્વ ધારાસભ્યો બળવો કરી ચૂંટણી લડે ન તે માટે ડેમેજ કંટ્રોલની શરૂઆત કરી દીધી છે, ત્યારે વાઘોડિયા, કરજણ અને પાદરા બેઠકના હોદ્દેદારો-કાર્યકરોની મુલાકાતે આવેલા રાજ્યના ગૃહમંત્રીએ કરજણમાં બળવાખોર પર નિશાન સાંધતા જણાવ્યું હતું કે, 15 નવેમ્બકરથી 8 ડિસેમ્બર તારીખ સુધી વિસ્તારમાં ફરીને પાર્ટી તોડનારા લોકોને શોધી શોધીને તેમનો હિસાબ કરવાનું ચૂકતા નહીં

'કોંગ્રેસના જ કેટલાક લોકો મારો વિરોધ કરે છે'
કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારનો અનેક જગ્યાએ વિરોધ જોવા મળી રહ્યો છે. તેમના જ વિરોધીઓ દ્વારા સોશિયલ મીડિયામાં શૈલેષ પરમારના અનેક વીડિયો વાઈરલ કરવામાં આવી રહ્યા છે. ત્યારે એક સભામાં શૈલેષ પરમારે વિરોધ કરનારને જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે હું સીધો દેખાવું છું, પણ સીધો નથી, 8 તારીખે વિરોધ કરવાવાળાઓને કરારો જવાબ આપીશ.તાજેતરમાં એક જાહેર સભામાં શૈલેષ પરમારે જણાવ્યું હતું કે હું ચાર ટર્મથી ધારાસભ્ય છું. લોકોની વચ્ચે રહેનાર ધારાસભ્ય છું, જેથી કોંગ્રેસ પક્ષના જ કેટલાક લોકો મારો વિરોધ કરી રહ્યા છે, જે મને જ નહીં, પરંતુ કોંગ્રેસને પણ નુકસાન કરશે. આગામી ચૂંટણીમાં પક્ષને નુકસાન થવાની શક્યતા વધુ છે.

39 કલાકમાં જ કેસરીસિંહનો યુટર્ન
ખેડા જિલ્લાની માતર બેઠક પરથી ભાજપે સીટિંગ MLA કેસરીસિંહ સોલંકીની બાદબાકી કરી છે અને નવા ઉમેદવાર કલ્પેશભાઈ પરમારને મેદાનમાં ઉતાર્યા છે. એવામાં સીટિંગ ધારાસભ્ય નારાજ થયા હતા અને તેમણે એકાએક ભાજપ પક્ષ સાથેનો છેડો ફાડી કેજરીવાલની આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. જોકે હજુ આ ઘટનાને માંડ 39 કલાક વીત્યા છે, ત્યાં કેસરીસિંહે પાછો યુટર્ન મારી દીધો છે અને પુનઃ ભાજપ પક્ષ સાથે હોવાનો સંકેત પોતાના ફેસબુક પેજ મારફત આપ્યો છે.

કેતન ઈનામદારે ઝોળી ફેલાવી

વડોદરા જિલ્લાની સાવલી બેઠક પર ભાજપના ઉમેદવાર કેતન ઇનામદારે જનસભાને સંબોધિત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે આ વખતે 75 હજાર મતની લીડથી જીતીશ. સાથે ફોર્મ ભરવા માટે જનતા પાસેથી દાન માંગ્યું હતું. જેમાં લોકોએ તેમની ઝોળી છલકાવી દીધી હતી.સાવલીમાં શિવ પાર્ટી પ્લોટ ખાતે આયોજીત ભાજપ વિજય વિશ્વાસ સંમેલનમાં કેતન ઇનામદારે કહ્યું હતું કે પહેલા હું કહેતો હતો કે આ વખતે 50 હજાર મતથી જીતીશ. પરંતુ હવે કહું છું કે 75 હજાર મતથી જીતીશ. ગત વખત કરતા દોઢ ગણી લીડ આ વખતે રહેશે.

કોંગ્રેસ સત્તામાં નથી, તેની અસર તેની તિજોરી પર પડી
રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી કોંગ્રેસ સત્તામાં નથી, તેની અસર તેની તિજોરી પર પડી છે. કોંગ્રેસની તિજોરી તળિયા ઝાટક થઈ ગઈ છે. જેને પગલે વિધાનસભા ચૂંટણી લડતાં ઉમેદવારે ચૂંટણી લડવા મિત્રો કે પછી શુભેચ્છકોની મદદ લેવી પડે તેવી સ્થિતિ છે. વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી કોઈ પણ રાજકીય પક્ષ અને ઉમેદવાર માટે ખર્ચ મહત્વનો ભાગ ભજવતો હોય છે. તેમાં પણ કોંગ્રેસ ગુજરાતમાં 27 વર્ષથી વનવાસમાં છે. જેના કારણે ચૂંટણી સમયે પક્ષ અને અને ઉમેદવારના ચૂંટણી ખર્ચ માટે મુસીબતોનો સામનો કરવો પડે છે. અન્ય સત્તાધારી મજબૂત રાજકીય પાર્ટી ની સામે ટકી નથી શકતી તેવો કોંગ્રેસના કાર્યકર્તાઓનો આક્રોશ છે.

અન્ય સમાચારો પણ છે...