પ્રચારના અંતિમ દિવસે ઘમાસાણ
વડોદરા જિલ્લાના સાવલી વિધાનસભા બેઠકના કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોએ પ્રચારના અંતિમ દિવસે બાઈક રેલીઓ યોજી હતી. જેમાં શેરપુરા ગામે બંને પક્ષની રેલીઓ અમને-સામને આવી ગઈ હતી અને બે બાઈક પર બંને પક્ષના ઝંડા લગાડેલા હતા. બંને પક્ષના ઝંડાઓ અથડાતા બોલાચાલી શરૂ થઈ હતી અને જોતજોતામાં જ મારામારી શરૂ થઈ ગઈ હતી. બંને પક્ષના ઉમેદવારો દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો હતો તેમજ એકબીજા ઉપર ખુલ્લેઆમ જાહેરસભાઓમાં આક્ષેપબાજી પણ કરવામાં આવી રહી હતી, તેનાથી જણાતું હતું કે, ચૂંટણી દરમિયાન પરિસ્થિતિ બગડશે અને પ્રચારના અંતિમ દિવસે બંને પક્ષના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી. આ સમગ્ર મામલો ઉગ્ર બનતા સાવલી પોલીસ અને CRPFના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને લાઠીચાર્જ કરીને મામલો થાળે પાડ્યો હતો.
બળવાખોર નેતાઓને લઈ સી.આર.પાટીલનું નિવેદન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન થઈ ચૂક્યું છે તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતનો પ્રચાર પડઘમ શાંત થયો છે. બીજા તબક્કાની 93 બેઠકોના પ્રચારનો આજે છેલ્લો દિવસ હતો. આ તમામ બેઠકો પર આજે પાંચ વાગ્યા બાદ પ્રચાર પડઘમ શાંત થયા છે જે બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનું બળવાખોર નેતાને લઈ મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, "ભાજપનો કાર્યકર્તા સંવેદનશીલ છે, અમુક કાર્યકર્તાની ટિકિટ કપાઇ છે અને કાર્યકર્તાએ ટિકિટ માંગી હોય તો નારાજગી આવી હશે." તેમણે જણાવ્યું કે, "સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિરોધમાં ગયા અને જીત્યા તો પણ પક્ષમાં નથી લીધા અને આ લોકોનું અશિસ્ત ચલાવી લેવામાં નહીં આવે. તેમણે બળવાખોર નેતાઓને લઈ જણાવ્યું કે, તેવા લોકો પર તાત્કાલિક પગલાં લીધાં છે. આવા 4થી 5 લોકોએ ઉમેદવારી કરી છે અને એ લોકો જીતશે તો પણ પરત લઇશું નહીં અને અમારી પાર્ટી શિસ્તની બાબતમાં ચલાવી લે તેમ નથી એટલે સામે ગયેલા કોઈ પણને ફરીથી ભાજપ લઈશું નહીં."
કોંગ્રેસની જ્ઞાતિ કાર્ડ રમવાની તૈયારી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનની ઘડીઓ ગણાઈ રહી છે. એવામાં સમાચાર ચાલી રહ્યા છે કે ગુજરાત કોંગ્રેસ જ્ઞાતિનું કાર્ડ રમવા જઈ રહ્યું છે. કોંગ્રેસ દ્વારા નિર્ણય લેવાયો છે કે જો તેમની ગુજરાતમાં સરકાર બની તો OBC ચહેરો મુખ્યમંત્રી હશે. આ ઉપરાંત ગુજરાતમાં એક-બે નહીં ત્રણ નાયબ મુખ્યમંત્રી હશે. જે SC,ST અને અલ્પસંખ્યક સમુદાયમાંથી હશે. જેના પર કોંગ્રેસના નેતાઓનાં નિવેદનો આવી રહ્યાં છે. ભાજપ દ્વારા મુખ્યમંત્રીના ચહેરા તરીકે ભૂપેન્દ્ર પટેલને જાહેર કરાયા છે. ત્યારે આપ દ્વારા ઈસુદાન ગઢવીને મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરાયો છે. જ્યારે કોંગ્રેસ દ્વારા હજુ સુધી મુખ્યમંત્રી ચહેરો જાહેર કરવામાં આવ્યો નથી. એવામાં મીડિયામાં સમાચાર ચાલી રહ્યા છે કે, કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસના ચૂંટણીના ઓર્બ્ઝવર અશોક ગેહલોતે છેલ્લી ઘડીએ મોટી ચાલ ચાલી છે. મીડિયામાં ચાલી રહેલા આ સમાચારને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે સમર્થન આપ્યું છે. વડગામમાં યોજાયેલી જાહેરસભામાં સ્ટેજ પરથી જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, "આજે મેં ટીવીમાં જોયું, તેમાં ચાલતું હતું કે કોંગ્રેસના મુખ્યમંત્રી અને ત્રણ નાયબ મુખ્યમંત્રીને એવું, શું ખોટું છે એમાં? આ અમારો નાયબ મુખ્યમંત્રી બને એવો નહીં?, અમારે પેલો અનંત પટેલ આદિવાસી આખા ગુજરાતની પોલીસ અને ભાજપ સામે લડે છે, એવો કદાચ ગુજરાતનો આદિવાસી મુખ્યમંત્રી બનતો હોય તો ચમ પેટમાં તેલ રેડાય છે. છેલ્લે છેલ્લે મીડિયામાં જે કંઈ ચાલી રહ્યું છે એ ભગવાન સાચું કરે એવું દેખાઈ રહ્યું છે."
મતદાન અંગે ECનો જનતાને સંદેશ
ગુજરાત વિધાનસભા ફેઝ 2 અંગે EC પી.ભારતીએ લોકો માટે એક સંદેશો આપ્યો છે. જેમાં તે શહેરી મતદારોને ખાસ વોટ આપવા વિનંતી કરી રહી છે. આ સિવાય પણ તેમણે ચૂંટણી અને મતદાનલક્ષી કેટલીક બાબતોની જાણકારી જનતાને આપી છે. તેમણે કહ્યું, 'અમે ઘરે ઘરે જઈને બૂથ લેવલ ઓફિસર્સ દ્વારા વોટર ઇન્ફર્મેશન સ્લિપ્સની વહેંચણી કરી છે. તેમણે જનતાને વિનંતી કરતાં કહ્યું કે વોટર ઇન્ફર્મેશન સ્લિપ્સ માત્ર માહિતી માટે છે તેમાં માત્ર પૉલિંગ સ્ટેશનની ડિટેલ છે. તે આધાર નથી. વોટિંગ માટે આધાર કે ડ્રાઈવિંગ લાઈસન્સ જેવા ડોક્યુમેન્ટ જ લઈ જવાના રહેશે.' તેમણે આગળ કહ્યું કે, 'મતદાન મથકની અંદર મોબાઈલ લઈ જવાની સખ્ત મનાઈ છે. મોબાઈલ ફોનમાં આધારનો ફોટો પણ નહીં ચાલે કારણ કે મતદાન મથકની અંદર ફોન લઈ જવાની જ મનાઇ છે. તેથી મતદારોએ પોતાનાં આધારની હાર્ડકોપી સાથે રાખવી.'
'ધાર્મિક સ્થળોનો વિકાસ કોંગ્રેસ ન કરત': યોગી આદિત્યનાથ
પ્રચારના અંતિમ દિવસે ભાજપના સ્ટાર પ્રચારક યોગી આદિત્યનાથે ખંભાત ખાતે ભવ્ય જાહેરસભા સંબોધતા કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, " આજે અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર નિર્માણ થઈ રહ્યું છે, કાશીમાં કાશી વિશ્વનાથધામનું નિર્માણ થઈ ગયું છે, ઉજ્જૈનમાં મહાકાળના ભવ્ય મહાલોકનું નિર્માણ થઈ રહ્યું છે, ઉત્તરાખંડના કેદારપુરી અને બદ્રીનાથધામ નિર્માણ થઈ રહ્યાં છે. દ્વારિકાપુરીનો જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે. આસ્થાનું આ સમ્માન દરેક તરફ જોઈ શકાય છે, પણ આ કામ કોંગ્રેસ ન કરી શકત."
કોંગ્રેસી નેતાની જીભ લપસી...
સિદ્ધપુરના જૂના ટાવર પાસે કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના સમર્થનમાં સભા યોજાઈ હતી. જેમાં અહમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ પણ હાજર હતાં. જ્યાં ભાજપ છોડીને કોંગ્રેસમાં આવેલા જય નારાયણ વ્યાસની જીભ લપસી હતી. પહેલાં તેમણે કહ્યું કે, "કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યો.." જોકે, પોતાની ભુલ સુધારતાં તેમણે તરત કહ્યું કે, "ભાજપ છોડી કોંગ્રેસમાં આવ્યો." આ સભામાં બાબા સિદ્દીકીજી, મુંબઈના બાંદ્રાથી ધારાસભ્ય ઝીશાન સિદ્દીકીજી, મુમતાઝ બાનુ પટેલ અને ડો.જયનારાયણ વ્યાસ ઉપસ્થિતિ રહ્યાં હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.