ભાસ્કર ઇન્ટરવ્યૂબાવળિયાને માખણ પસંદ છે:બાબુભાઈ બોલ્યા, 35 વર્ષ જૂની મિત્રતા, "કોંગ્રેસમાં હતા ત્યારથી તેમને સાથ આપ્યો, આજે પણ તેનું પીઠબળ બની ઊભો છું"

જસદણ15 દિવસ પહેલાલેખક: કમલ પરમાર

કોંગ્રેસનો ગઢ અને માત્ર ચહેરાના દમ પર ચૂંટાતી જસદણ વિધાનસભા બેઠક વ્યક્તિ આધારિત ચૂંટણી લડાય છે. જ્યાં પક્ષ કોઈપણ હોય પરંતુ, વ્યક્તિ આધારિત ઉમેદવાર ચૂંટાય આવે છે. પરંતુ, છેલ્લી ત્રણ ટર્મથી સતત વિજેતા બનતા કુંવરજી બાવળિયા છે. જેમણે કોંગ્રેસમાંથી ચાર વખત ધારાસભ્ય પદે ચૂંટણી લડીને જીત મેળવી હતી તો પક્ષ પલ્ટો કર્યા બાદ ભાજપ સરકારમાં તેઓ પાણી પુરવઠા મંત્રી પણ રહી ચૂક્યા હતા. કુંવરજી બાવળિયાને આ ચૂંટણીમાં ભાજપે જસદણ બેઠક માટે ચૂંટણી મેદાને ઉતાર્યા છે. જસદણ વિધાનસભા બેઠક પર કોળી અને પાટીદાર સમાજ સૌથી વધુ પ્રભુત્વ ધરાવે છે ત્યારે દિવ્ય ભાસ્કરની ટીમે એમના ત્રણ દાયકા જૂના મિત્ર સાથે ખાસ વાતચીત કરી હતી.

દિવ્ય ભાસ્કરઃ કુંવરજી બાવળિયા સાથે કેવી રીતે મુલાકાત થઈ હતી?
બાબુભાઈ ભવાનીઃ 30થી 35 વર્ષ પહેલાંની આ વાત છે. જ્યારે કુંવરજીભાઈ ST બોર્ડમાં ડિરેક્ટર હતા. એ સમયે કુંવરજીભાઈ બાવળીયા અમારી ઓફિસની સામેની જે જગ્યા છે એ જોવા આવ્યાં હતા. આ દરમિયાન મારો તેમની સાથે પરિચય થયો અને બસ ત્યારથી તેમની સાથેનો આ નાતો છે.

દિવ્ય ભાસ્કરઃ કુંવરજી સાથેનો કોઈ યાદગાર પ્રસંગ ખરો?
બાબુભાઈ ભવાનીઃ આમ તો કુંવરજીભાઈ સાથેના અનેક પ્રસંગો યાદ છે પરંતુ હું બસ એટલું કહીશ કે, કુંવરજીભાઈનું વ્યક્તિત્વ રાજકીયની સાથે સાથે સામાજિક અને વ્યવહારિક છે.

દિવ્ય ભાસ્કરઃ લોકોમાં એવી છાપ છે કે કુંવરજીભાઈ નાનામાં નાના લોકોનું કામ કરે છે આપને શું લાગે છે?
બાબુભાઈ ભવાનીઃ મારે તેમની સાથે 35 વર્ષનો જૂનો સંબંધો છે. એમાં મને ક્યારેય એવું યાદ નથી કે એમણે કોઈની સાથે કોઈપણ બાબતે ઝઘડો કર્યો હોય કે બોલવામાં ક્યારેય વધારે પડતું બોલી ગયાં હોય. એમણે જસદણના તમામ ગામડામાં કામ કર્યાં છે. કદાય કોઈવાર કોઈ કંઈ બોલી ગયું હશે તો પણ એમનું ગેરવર્તન કયારેય નથી જોવા મળ્યું.

દિવ્ય ભાસ્કરઃ કુંવરજીભાઈને કેવું ભોજન વધારે પસંદ છે?
બાબુભાઈ ભવાનીઃ કુંવરજીભાઈને પહેલેથી જ સાદું ભોજન ખૂબ જ પ્રિય છે. એ જ્યારે મંત્રી હતા અને હાલમાં ધારાસભ્ય છે તો પણ તેમણે ક્વાટર્સમાં VIP ભોજન માટે ડિમાન્ડ નથી કરી, એમને તો સાદું જ ભોજન વધુ પ્રિય છે.

દિવ્ય ભાસ્કરઃ સાદા ભોજનમાં કુંવરજીભાઈને શું વધુ ભાવે છે?
બાબુભાઈ ભવાનીઃ કુંવરજીભાઈને આમ તો ઘણાં બધા શાકભાજી પસંદ છે પણ તેમાંથી ગુવારનું શાક અતિ પ્રિય છે. એકવાર તેઓ અહીં આવ્યાં હતા ત્યારે મેં આપણે ગુજરાતીમાં ઘરડો ગુવાર કહી તેનું શાક બનાવીને ખવડાવ્યું હતું.

દિવ્ય ભાસ્કરઃ કુંવરજીભાઈ રાજકારણમાં કેવી રીતે આવ્યાં અને તેમના શરૂઆતના કેવા દિવસો હતા?
બાબુભાઈ ભવાનીઃ કુંવરજી બાવળિયા અહીં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા, શિક્ષકની ફરજ સાથે સાથે રાજકીય રીતે આગળ આવ્યાં. પહેલી વાર તેઓ સરપંચ પદે ચૂંટાયા અને સફળતા મળી, ત્યારબાદ તેઓ ધારાસભ્ય બન્યા અને પછી તેમને ખૂબ સફળતા મળી.

દિવ્ય ભાસ્કરઃ જ્યારે કુંવરજીભાઈ સાથે બેઠા હોવ ત્યારે શું વાતો થતી હોય છે?
બાબુભાઈ ભવાનીઃ અમે જ્યારે પણ બધા બેઠા હોઈએ ત્યારે તેઓ સતત અહીંના લોકોને સુવિધાઓ પહોંચાડી શકાય તે માટે વિકાસના કામોની જ વાતો કરતાં હોય છે.

દિવ્ય ભાસ્કરઃ કુંવરજીભાઈ બાવળિયાના એવા કયા કામો છે કે તેમને પાંચ વખત ધારાસભ્ય બનાવ્યાં?
બાબુભાઈ ભવાનીઃ આ પાછળ તેમનું સરળ વ્યક્તિત્વ જ જવાબદાર છે. કારણ કે નાનામાં નાનો માણસ પણ કુંવરજીને હાથ ઉંચો કરે એટલે તરત જ તેમની ગાડી ઉભી રાખીને નીચે ઉતરીને તેમની સાથે વાત કરવાની તેમની જે ટેવ છે ને એ લોકોને વધારે ગમે છે. અને એના જ કારણે તેઓ પાંચ વખત ધારાસભ્ય બન્યાં હોય તેવું હું આજે મારા અનુભવો ઉપરથી કહી શકું છું .

દિવ્ય ભાસ્કરઃ કુંવરજીભાઈને કેવા પ્રકારના કપડાં પહેરવાનું વધુ પસંદ છે?
બાબુભાઈ ભવાનીઃ હું મારા અનુભવ વિશે કહું તો, એ પહેલી વાર ચૂંટણી લડ્યાં અને વિધાનસભામાંએ જીત્યાં ત્યારથી મને કોઈ જ ફેરફાર તેમનામાં લાગતો નથી. જે જગ્યાએ થી હું કપડાં ખરીદું છું એજ જગ્યાએથી એ પણ ખરીદે છે. એ કોઈ વીઆઈપી દુકાને કપડાં ખરીદવા નથી જતાં.

દિવ્ય ભાસ્કરઃ કુંવરજી ભાઈ મોંઘામાં મોંઘા કેટલા સુધીના કપડાં ખરીદે છે?
બાબુભાઈ ભવાનીઃ એમને તો 1 હજાર કે 1100 રૂપિયા તો બસ. એ પણ અત્યારે ખરીદતાં થયા છે. બાકી તો એ 300 થી 400 રૂપિયાની જોડી ખરીદતાં હતા. અમેનાં કપડાં માટે કાપડ પણ હું આટકોટથી મોકલાવતો હતો અને તેના પૈસા પણ તેઓ પરાણે આપતાં હતા. કોઈ દિવસ એવું નથી બન્યું કે તેમણે મને પૈસા ન આપ્યાં હોય.

દિવ્ય ભાસ્કરઃ કુંવરજીભાઈને કયાં સ્થળ પર જવાનું વધું પસંદ છે?
બાબુભાઈ ભવાનીઃ એમને ક્યારેય એવું કંઈ જ નથી કે આ જગ્યાએ જવું કે પેલી જ્ગ્યાએ એમના માટે તો બધી જ જગ્યાએ જવું એક સમાન જ છે.

દિવ્ય ભાસ્કરઃ તમારા બન્નેની મિત્રતા વિશે શું કહેશો ?
બાબુભાઈ ભવાનીઃ અમારી મિત્રતાને બે વર્ષ વિત્યા એટલે તેમને થોડોક ખ્યાલ આવી ગયો કે આ માણસ સારો અને સરળ સ્વભાવનો છે. અમારી મિત્રતાને આજે 35 વર્ષ જેટલો સમય વિત્યો છે પણ ક્યારેય મતભેદો નથી થયાં.

દિવ્ય ભાસ્કરઃ જસદણમાં તેમની ફેવરિટ હોટલ કઈ છે?
બાબુભાઈ ભવાનીઃ તેમની ફેવરિય હોય જસદણમાં નહીં પણ આટકોટમાં આવેલી તાજ હોટલ છે અને આ હોટલમાં અમે અનેક વખત સાથે ભોજન લીધું છે. અહીં પણ તેઓ સાદું જ ભોજન લેવાનું વધુ પસંદ કરે છે. એમાંય તેમને માખણ તો અતિ પ્રિય છે.

દિવ્ય ભાસ્કરઃ જ્યારે કુંવરજી ભાઈ તમારા ઘરે આવે ત્યારે કેવી વાતો કરતા હોય છે ?
બાબુભાઈ ભવાનીઃ ત્યારે તો એ એકદમ મૂડમાં હોય છે. પહેલાં તોએ અવાર નવાર અહીં આવતાં હતા પણ હવે એ તેમની વ્યસ્તતાના કારણે કેટલીક વખત જ આવી શકે છે.

દિવ્ય ભાસ્કરઃ બાવળિયા તમારાં ઘરે ભોજન માટે આવે તો કેવી ડિમાન્ડ કરતાં ?
બાબુભાઈ ભવાનીઃ ના એ અમારા ઘરે અનેક વખત આવી ગયાં છે પણ ક્યારેય સામેથી ડિમાન્ડ નથી કરી. કદાચ જો એમને એ વસ્તુ ન ભાવતી હોય ને તો પણ એ કોઈને કહ્યાં વગર જમી લે છે. જો કે, મિત્ર હોવાના કારણે એમને શું ભાવે છે અને શું નહીં એની બરોબર ખબર છે. એ ટલે તેમની ભાવતી જ વસ્તુ બનાવીએ છીએ.

દિવ્ય ભાસ્કરઃ કુંવરજીભાઈને રિપિટ કર્યા છે ત્યારે એક મિત્ર તરીકે શું શુભેચ્છા આપશો ?
બાબુભાઈ ભવાનીઃ બસ એટલી જ શુભેચ્છા આપું છું કે, અત્યાર સુધીમાં જે લીડ નથી આવી તેના કરતાં વધુ લીડથી તેઓ ચૂંટાય અને તેમણે કોંગ્રેસમાં 25 વર્ષમાં જે કામ નથી કર્યાં એ કામ તેમણે ભાજપના 3 વર્ષમાં રહીને કર્યાં છે. ત્યારે આવનારા પાંચ વર્ષ તેમના માટે સારા જાય અને અશક્ય વસ્તુને શક્ય કરી દે.