ભાસ્કર ઇનડેપ્થDySPની નોકરી ઠુકરાવી બન્યા મહંત:11 વર્ષના છોકરાએ નરેન્દ્ર મોદીની આંગળી પકડીને બની ગયા શંભુપ્રસાદ ટુંડિયા, જાણો પરિવારમાં કોણ છે અને શું કરે છે

ગઢડા2 મહિનો પહેલાલેખક: નિર્મલ દવે

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે 1 ડિસેમ્બરે પહેલા તબક્કાનું મતદાન યોજાવા જઈ રહ્યું છે. હવે ચૂંટણી ક્લાઇમેક્સ સુધી આવી ગઈ છે. એક મહિનાથી રાજકારણના રંગે રંગાયેલા ગુજરાતમાં અનેક રાજકીય ઉતાર-ચઢાવ આવી રહ્યા છે. આ ચૂંટણીમાં ભાજપે બે સંતને પણ મેદાનમાં ઉતાર્યા છે, જેમાં જંબુસર બેઠક પરથી ડી.કે. સ્વામી અને ગઢડા સીટ પરથી શંભુપ્રસાદ ટુંડિયાનો સમાવેશ થાય છે. આ બન્ને સંતોમાંથી શભુપ્રસાદ ટુંડિયા રાજકારણના જૂના ખેલાડી છે. 15 વર્ષથી ચૂંટણીજંગમાં ઊતરતા આવેલા શંભુપ્રસાદ અંગે ભાગ્યે જ કોઈ જાણે છે. તો આજે વાત સંત સવૈયાનાથ(ઝાંઝરકા)ની જગ્યાના ગાદીપતિની.

બોટાદ જિલ્લાની ગઢડા(SC) સીટ પર ભાજપના શંભુપ્રસાદ ટુંડિયા અને કોંગ્રેસના જગદીશ ચાવડા વચ્ચે મુખ્ય જંગ છે. શંભુપ્રસાદ ટુંડિયા આ પહેલાં 2007માં દસાડા સીટ પરથી ચૂંટણી લડીને વિધાનસભામાં પહોંચ્યા હતા, પરંતુ 2012માં સીમાંકન થતાં તેમને ટિકિટ આપવામાં આવી નહોતી. ત્યાર બાદ 2014માં શંભુપ્રસાદને ટુંડિયાને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા, પરંતુ 2020માં તેમનો કાર્યકાળ પૂરો થઈ જતાં તેમને રિપીટ કરવામાં આવ્યા નહોતા. એને લઈ તેમના સમર્થકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. આ વખતે પાર્ટીએ તેમનામાં વિશ્વાસ મૂકી ગઢડાનો ગઢ કબજે કરવા મેદાનમાં ઉતાર્યા છે.

કેમ લાગે છે નામ પાછળ ‘નાથ’?
સંત સવૈયાનાથ ધંધૂકા તાલુકાના ઝાંઝરકા ગામના હતા તેમના બાપદાદાનું ગામ ટુંડાલ(મહેસાણા) છે. તેમનો જન્મ 1807માં ઝાંઝરકા મુકામે વણકર સુરા ભગતને ત્યાં થયો હતો. તેમની માતાનું નામ ગરવીબહેન હતું. તેનું પોતાનું મૂળ નામ સવો અને ટુંડિયા અટક હતી. તેઓ વણાટકામ કરતા હતા. ત્યાર બાદ તેમની તુલસીનાથ મહારાજ સાથે મુલાકાત થઈ અને તેમને સંત બનાવ્યા તથા બન્યા સંત સવૈયાનાથ. ઝાંઝરકા ખાતે હાલ તેમનું મંદિર છે. સવૈયાનાથ રાધા કૃષ્ણની સેવા કરતા હતા એટલે તેઓ વૈષ્ણવ સંપ્રદાયના હતા. જોકે ઝાંઝરકાધામ નાથ સંપ્રદાયની જગ્યા હોવાથી નાથ સંપ્રદાયને અનુસરે છે, એટલે તો સંતની પાછળ નાથ લાગે છે.

ડાબેથી શંભુપ્રસાદના દીકરા યોગી રાજ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી અમિત શાહ અને શંભુપ્રસાદ ટુંડિયા.
ડાબેથી શંભુપ્રસાદના દીકરા યોગી રાજ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી અમિત શાહ અને શંભુપ્રસાદ ટુંડિયા.

શંભુપ્રસાદનો સંત સવૈયાનાથ સાથે આ છે સંબંધ
વંશ પરંપરામાં સંત સવૈયાનાથ તેમના દીકરા સંત પાલા નાથ, તેમના દીકરા સંત ઉગમશી નાથ, તેમના દીકરા સંત ગોવિંદ નાથ, તેમના દીકરા સંત ભાણનાથ, તેમના દીકરા સંત મૂળદાસ, તેમના દીકરા સંત બળદેવ નાથ અને તેમના દીકરા તથા હાલના મહંત શંભુપ્રસાદ ટુંડિયા તથા તેમના દીકરા લઘુ મહંત યોગી નાથ, આમ કુલ નવ પેઢીનો ઇતિહાસ છે. એમાં શંભુપ્રસાદ 8મી પેઢીના બિંદુ પરંપરામાં સીધી લીટીના વારસદાર છે.

દિવ્ય ભાસ્કરે શંભુપ્રસાદ ટુંડિયા સાથે એક્સક્લૂસિવ વાતચીત કરી હતી, એમાં તેમણે સંત પરંપરાથી લઈ અભ્યાસ અને RSSથી લઈ નરેન્દ્ર મોદી સાથેના સંબંધો અંગે જણાવ્યું હતું.

વિરમગામના પ્રચારક મોદી સાથેની એ મુલાકાત
મારો જન્મ 14 નવેમ્બર, 1970 અને દેવદિવાળીને દિવસે ઝાંઝરકામાં થયો હતો. હું 8-10 વર્ષનો હતો એ સમયે નરેન્દ્ર મોદી વિરમગામના પ્રચારક તરીકે જવાબદારી સંભાળતા હતા અને તેઓ ઝાંઝરકાધામ ખાતે વારંવાર આવતા હતા. એ સમયે મારા પિતા બળદેવદાસજી પૂછતાં કે રાજકારણીઓ અહીં શું કામ આવે છે? એ સમયે નરેન્દ્રભાઈ મને ખભે ધબ્બો મારીને કહેતા કે અમે તમારા માટે નહીં, આ છોકરા માટે આવીએ છીએ. ત્યાર બાદ 11 વર્ષની ઉંમરે હું તેમની(નરેન્દ્ર મોદી) આંગળી પકડી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખામાં પહેલીવાર ગયો. ત્યારથી આજ સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક તરીકે કામ કરું છું અને તેના ભાગરૂપે જ ભારતીય જનતા પાર્ટીના ફલક પર મને કામ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.

આ કારણે ઠુકરાવી DySPની નોકરી
મેં પ્રાથમિક શાળાનું શિક્ષણ ધોરણ એકથી પાંચ સુધી મેં ઝાંઝરકામાં લીધું છે. જ્યારે સેકન્ડરી અને હાયર સેકન્ડરીનું શિક્ષણ શ્રી ડી.એ. વિદ્યામંદિર, ધંધૂકામાંથી લીધેલું છે. ત્યાર પછી ગુજરાત યુનિવર્સિટીમાં BA સુધીનો અભ્યાસ કર્યો છે. ગ્રેજ્યુએશન કર્યા બાદ મેં GPSCની પરીક્ષા પાસ કરી હતી અને DySPનો કોલ લેટર પણ મળી ગયો હતો, પરંતુ મારા ગુરુની આજ્ઞાથી મેં નોકરી સ્વીકારી નહીં. ત્યાર બાદ 1991માં મારા લગ્ન થયા.

વડાપ્રધાન મોદી સાથે શંભુપ્રસાદ.
વડાપ્રધાન મોદી સાથે શંભુપ્રસાદ.

2007માં મોદી મેળામાં આવ્યા ને ટિકિટ નક્કી થઈ ગઈ
5 મે, 2000ના રોજ મારા પિતા બળદેવદાસજી બાપુનું નિધન થતાં હું 30 વર્ષે ઝાંઝરકાધામનો મહંત બન્યો. વર્ષ 2007માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દિવાળીના અન્નકૂટના દિવસે મેળામાં આવ્યા હતા, ત્યારે ટિકિટ અંગે વાતચીત કરી હતી. ત્યાર બાદ 2007ની વિધાનસભા ચૂંટણીમાં દસાડાથી ટિકિટ આપવામાં આવી. રાજકારણમાં પ્રવેશ્યા બાદ દીકરા યોગીરાજને લઘુ મહંત જાહેર કર્યા અને હાલ એ જગ્યા સંભાળે છે અને સેવા કરે છે. જ્યાં હું ન જઈ શકું ત્યાં યોગી રાજ જઈ શકે અને ખેતી સંભાળે છે.

‘સનાતન ધર્મ જે છે, એ શાશ્વત અને સર્વશ્રેષ્ઠ છે, દલિતો ધર્મપરિવર્તન ન કરે’
આપ એક દલિત સમુદાયમાંથી આવો છો, તો અભ્યાસકાળ દરમિયાન આપને કોઈ ખરાબ અનુભવ થયો? જેના જવાબમાં શંભુપ્રસાદ ટુંડિયાએ જણાવ્યું હતું કે મને ક્યારેય એવો કોઈ ખરાબ અનુભવ થયો નથી. સ્કૂલ અને ગ્રેજ્યુએશન દરમિયાન પણ સારા અનુભવ રહ્યા છે, એવા કોઈ કડવા અનુભવો થયા હોય એવું મને યાદ નથી. જ્યારે દલિત પરિવારના ધર્મપરિવર્તન અંગે તેમણે કહ્યું, જે દલિત પરિવારો કેટલીક બાબતોને કારણે ધર્મપરિવર્તન કરે છે તેમને મારી વિનંતિ છે કે તેમણે ધર્મપરિવર્તન ના કરવું જોઈએ અને અહીં જે ભારતીય પરંપરાના આપણા ધર્મો છે એની અંદર રહી પોતાનું જીવન વ્યતીત કરવું જોઈએ. સનાતન ધર્મ જે છે એ શાશ્વત અને સર્વશ્રેષ્ઠ છે એવું મારું કહેવું છે.

આ ઘટનાઓએ શંભુપ્રસાદને કરી દીધા દુઃખી?
જ્યારે થાનગઢ અને ઉનાકાંડ જેવી ઘટનાઓ અંગે શંભુપ્રસાદે કહ્યું હતું કે થાનગઢ હોય કે ઉના, આ બધી ઘટનાઓ હૃદયદ્રાવક છે. માનવીય અભિગમની દૃષ્ટિએ જોવા જઈએ તો કોઈપણ માણસની સાથે આવો દુર્વ્યવહાર ના થવો જોઈએ. એ બાબતને હું સ્વીકારું છું, પણ જ્યારે સમાજની અંતિમ પંક્તિમાં બેઠેલા માણસની સાથે આ પ્રકારનો દુર્વ્યવહાર થાય ત્યારે હૃદય ખિન્ન થાય છે અને ખૂબ દુઃખી હૃદયથી મારે આ વાતને વખોડવી પડે, મારે આ વાતના સંદર્ભે કહેવું પડે કે સમગ્ર હિંદુ સમાજે જાગીને સમરસ માહોલ તૈયાર થાય એ પ્રકારનું ભારત અમે કલ્પી રહ્યા છીએ, સ્વર્ણિમ ભારત અને પહેલાં સોને કી ચીડિયા ગણાતું ભારત હતું, એ ભારત ત્યારે જ સંભવ બનશે જ્યારે બધા સમાજોએ એકસાથે આવી ભારતના અસ્તિત્વ માટે બધા કામે લાગશે.

મેવાણી અંગે શું કહ્યું શંભુપ્રસાદે?
જિજ્ઞેશ મેવાણી પોતાને દલિત સમાજનો રાષ્ટ્રીય ચહેરો ગણાવી રહ્યા છે એ અંગે તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રીય ચહેરો બનવું એ તો જનતા નક્કી કરતી હોય છે, વ્યક્તિએ નક્કી કરવાનું હોતું નથી. 2007માં દસાડા વિધાનસભા બેઠક પરથી આપ ચૂંટણી લડ્યા અને હવે ગઢડા પરથી આ બન્ને ચૂંટણીમાં શું ફેર છે? જેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે મને કોઈ ફેક લાગતો નથી. એ વખતે પણ ચૂંટણી સામાન્યતઃ જનરલ એસેમ્બ્લી ઇલેક્શનમાં હું લડ્યો છું અને અત્યારે પણ જનરલ એસેમ્બ્લી ઇલેક્શનમાં લડી રહ્યો છું. એમાં મને કોઈ ફેર નથી લાગતો અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ એક નિમિત્ત છે કે બધા ભારત માતાની જય બોલી કામે લાગે એટલે બાકી બધા વિષયો ક્લિયર થઈ જાય.

ઝાંઝરકાધામ શું છે?
‘સંત સવૈયાનાથ સમાધિ સ્થાન ઝાંઝરકા ધામ એ ખૂબ જૂનું પુરાતન સ્થાન છે. એ સ્થાનની અંદર મારા જેવા અનેક સંતો અગાઉ થઈ ગયા અને બધા સંતોની શ્રૃંખલા ખૂબ મોટી છે. સંતો દ્વારા સમાજ સેવાના, રાષ્ટ્ર સેવાના અને ધર્મ રક્ષાનાં અનેક કાર્યો ધબધબે છે. સામાજિક દૃષ્ટિએ, ધાર્મિક દૃષ્ટિએ અને રાજનૈતિક દૃષ્ટિએ આ સ્થાન જે છે, એનું મહત્ત્વ ખૂબ વિશેષ છે. એના પરંપરાગત રીતે મહંતોએ પોતાના જીવનના સંદેશાઓ દ્વારા, વર્તન દ્વારા અને આચરણ દ્વારા સમાજને ખૂબ સારા સંદેશાઓ આપ્યા છે અને સેવાના ભેખધારી બની સમાજ સેવા પણ કરી છે’

ધાર્મિક સ્થાનો માટે શું કરશે શંભુપ્રસાદ?
‘નિકાલ લાવવા માટે સરકારમાં રજૂઆત કરીશું અને નિકાલ સત્વર આવે, હું એક ધાર્મિક ગાદીમાંથી આવું છું. ત્યારે ધાર્મિક સ્થાનોને પવિત્ર યાત્રાધામમાં સમાવેશ કરવા એ મારું પરમ કર્તવ્ય છે અને મેં કરેલું છે. જ્યાં-જ્યાં રાજનૈતિક દૃષ્ટિએ મેં ભૂમિકા ભજવી છે ત્યાં આ રાજ્યના તમામેતમામ લગભગ પવિત્ર યાત્રાધામોના વિકાસ માટે સરકારના યોગદાનની તજવીજ કરાવેલી છે, એ અહીં પણ હું કરાવીશ અને સાથે-સાથે રિવરફ્ર્ન્ટના પ્રશ્નમાં મને નથી લાગતું કે કંઈ બાકી છે, પણ એ છતાંય અહીંના આગેવાનો સાથે એ બાબતે ચર્ચા કરી જે કરવું ઘટતું હશે એ કરીશું આપણે’

શંભુપ્રસાદનો દીકરો યોગી રાજ ટુંડિયા.
શંભુપ્રસાદનો દીકરો યોગી રાજ ટુંડિયા.

પરિવારમાં કોણ કોણ છે?
શંભુપ્રસાદના પરિવારની વાત કરીએ તો તેમનાં પત્ની અમિષાબેન છે, જ્યારે એક દીકરી જાહન્વી(29 વર્ષ) અને દીકરો યોગી રાજ(26 વર્ષ) છે. દીકરી જાહન્વીના લગ્ન થઈ ગયા છે, જ્યારે યોગીરાજ હાલ સંત સવૈયાનાથ ધામની ગાદી સંભાળી રહ્યા છે.

ગઢડામાં આ ઉમેદવારો વચ્ચે ત્રિપાંખિયો જંગ
ગઢડા બેઠક પરના ત્રણેય પાર્ટીઓના ઉમેદવારની સંપત્તિની વાત કરવામાં આવે તો, ભાજપના શંભુપ્રસાદ ટુંડિયાની કુલ સંપત્તિ 5.5 કરોડ રૂપિયા છે. જ્યારે તેની સામે એ જ બેઠક પર આપના ઉમેદવાર રમેશ પરમાર બીજા સ્થાને છે. જેમની કુલ સંપત્તિ 2.45 કરોડ રૂપિયા છે, જ્યારે કોંગ્રેસ પાર્ટીના જગદીશ મોતી ચાવડા 30 લાખની સંપત્તિ સાથે ત્રીજું સ્થાન ધરાવે છે.

અન્ય સમાચારો પણ છે...