ELECTION રાઉન્ડ અપ:હવે ત્રણ દિવસ PM મોદીના, આપના ઉમેદવારને એવી ઓફર મળી કે વિશ્વાસ જ ના થયો, જુઓ દિવસના 7 સૌથી મોટા સમાચાર

21 દિવસ પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગતિવિધિઓ પણ તેજ થઈ રહી છે.સત્તાનાં સંગ્રામમાં તમામ પક્ષોના આગેવાનોએ ગુજરાતમાં ધામા નાખ્યા છે.એક બીજા પર આરોપ પ્રત્યારોપનો દૌર ચાલી રહ્યો છે.રોજ રોજ સભાઓ થઈ રહી છે.ઉમેદવારોના નામોની જાહેરાતો થઈ ગઈ છે. કોઈ નેતા નામ જાહેર થતાં ખુશ છે તો કોઈ નેતા રોષે ભરાયા છે. ત્યારે દિવસભરની તામામ રાજકીય અપડેટ માટે દિવ્ય ભાસ્કર લઈને આવ્યુ છે ઈલેક્શન રાઉન્ડ અપ ન્યુઝ બુલેટિન.જેમાં દિવસભરની તમામ મહત્વની રાજકીય ખબરોનો ચિતાર મળશે સંક્ષિપ્તમાં. બુલેટિન જોવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો

PM મોદી 3 દિવસ ગુજરાતમાં
વલસાડના વાપીમાં પીએમ મોદીના રોડ શોને લઈ તડમારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે સાંજે પીએમ મોદી દમણ એરપોર્ટ પર આવી પહોંચશે. અહીંથી વાપી સુધી રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. વાપી ખાતે મતદારો અને ભાજપના કાર્યકરોને ઉભા રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. વાપીમાં રોડ શો પૂર્ણ કર્યા બાદ વલસાડ પહોંચશે. અહીં વલસાડ તાલુકાના જૂજવા ખાતે 50 હજારથી વધુ કાર્યકરો અને મતદારોને સંબોધન કરશે. તમામ તૈયારીઓને જિલ્લા ભાજપ દ્વારા આખરી ઓપ આપવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. સર્કિટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કરવાના હોવાથી સર્કિટ હાઉસ ખાતે પણ વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.

ગુજરાતના રાજકારણમાં શ્રદ્ધા મર્ડર કેસની એન્ટ્રી
26 વર્ષની શ્રદ્ધા વાલ્કરની ઘાતકી હત્યા અને તેનો હત્યારો આફતાબ અત્યારે દેશભરમાં ચર્ચામાં છે અને ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે આફતાબના નામની એન્ટ્રી ગુજરાતની ચૂંટણીમાં પણ થઈ છે. ભાજપના ચૂંટણી પ્રચારમાં હિન્દુ અને હિન્દુત્વની વાત ના આવે તો જ નવાઈ. અત્યારે સુધીમાં ગુજરાતના ચૂંટણી પ્રચારમાં હિન્દુત્વની વાત આવી નહતી પરંતુ હવે ભાજપના નેતા અને આસામના મુખ્યમંત્રી હિમંત બિશ્વા સર્માએ ગુજરાતની ચૂંટણી ટાણે લવ-જેહાદનો મુદ્દો છેડી દીધો છે. હિમંત બિસ્વાએ કચ્છમાં એક રેલીમાં કહ્યું કે, જો દેશમાં મજબૂત નેતા નહીં હોય તો દરેક શહેરમાં આફતાબ પેદા થશે અને આપણે આપણા સમાજનું રક્ષણ કરી શકીશું નહીં.

આ ઉમેદવારે તો CM જ બદલી નાંખ્યા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવાના પ્રયાસો દરેક પક્ષ-અપક્ષ દ્વારા જોરશોરથી ચાલી રહ્યા છે. ઉમેદવારો દ્વારા પ્રચાર પ્રસાર અને જાહેર સભાઓ દ્વારા જન સમર્થન મેળવવા ચૂંટણી જંગમાં મેદાને ઉતરી પડ્યા છે. ત્યારે કચ્છ જિલ્લાની છ બેઠક પૈકી અબડાસા બેઠકના ભાજપ ઉમેદવાર પ્રદ્યુમ્નસિંહ જાડેજા નખત્રાણા ખાતે યોજાયેલી ચૂંટણી સભા દરમિયાન ગરમ થઈ ગયા હતા અને મીડિયાને ધમકીના સુરમાં કેસ ઠોકી દેવાની ચેતવણી આપત નજરે ચડ્યા હતા. આ ઉપરાંત તેમણે ગુજરાતના મુખ્યમંત્રી સી.આર. પાટીલને ગણાવ્યા હતા. ચાલુ ધારાસભ્ય જાડેજાએ સરતચુકમાં વિવેક ચૂકયાની લાગણી હાલ લોકોમાં ચર્ચાઇ રહી છે.

ઓફર એવી કે આપના ઉમેદવારને વિશ્વાસ જ ના થયો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે. ત્યારે એક પક્ષમાંથી બીજા પક્ષમાં નેતાઓની કૂદાકુદ થઈ રહી છે. તો ઉમેદવારોને શામ, દામ, દંડ અને ભેદની નીતિથી પોતાની તરફેણમાં લાવવાના પણ પ્રયાસો થઈ રહ્યા છે. સુરત પૂર્વના આપના ઉમેદવારે તો ફોર્મ પરત ખેંચી લીધું છે. ત્યારે ઉધના બેઠકના ઉમેદવારને પણ એક ફોન કોઈ અજાણ્યાએ કર્યો હતો, જેમાં ભાજપને સપોર્ટ કરે તો રાજ્યસભા સાંસદ બનાવવાની પણ ઓફર કરવામાં આવી હતી. ત્યારે ઉમેદવારે આ ઓફરને નકારતાં હસતાં હસતાં કહ્યું કે સવાર સવારમાં કોઈ મળ્યું નથી કે શું..

ચૂંટણી પહેલાં જ અશ્વિન કોટવાલે રોફ બતાવ્યો
ખેડબ્રહ્મા બેઠક પરથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાઈ ગયા છે અને ભાજપે તેમને ખેડબ્રહ્માની ટિકિટ પણ આપી દીધી છે. તેઓ વિજયનગર તાલુકામાં જોરાવરનગર ગામે પ્રચાર દરમિયાન સ્થાનિકના પ્રજાલક્ષી કે વિકાસનાં કોઈ કામો ગામમાં કેમ થયાં નથી એવો પ્રશ્ન પૂછતાં કોટવાલ અકળાયા હતા. પ્રશ્ન પૂછનાર મતદારને કોટવાલે કહ્યું હતું, હું તેમને જવાબ આપવા બંધાયેલો નથી. વોટ આપવો હોય તો આપો, નહીં તો કંઈ નહીં.

મહુવામાં ઉમેદવાર ચાલુ સભાએ સુઈ ગયા
ભાવનગરના મહુવામાં ભાજપના ઉમેદવાર શિવાભાઈ ગોહિલનો વીડિયો વાઇરલ થયો છે. મહુઆમાં એક કાર્યક્રમમાં ભાષણ ચાલી રહ્યું હતું ત્યારે ભાજપના આ નેતાજી ઝોકું ખાઈ રહ્યા હતા. કાર્યક્રમમાં તેમનું નામ લેતાં જ તેમની નિંદ્રા તૂટી હતી.આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના ઉપ-મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...