મહાત્મા ગાંધી, સરદાર પટેલ, વીર સાવરકર, મેધા પાટકર, રાવણ -આવાં બધાંનું ચૂંટણીમાં શું કામ? આમ તો આ બધાં ગુજરાતની ચૂંટણી બહારનાં પાત્રો છે, પણ તેમના નામે ભાષણો શરૂ થયાં છે. પ્રચારમાં આવાં નામો ન આવે તો ગરમાવો ન આવે. આખા ગુજરાતમાં ચારેબાજુ હવે રેલી અને સભાઓ શરૂ થઈ ગઈ છે. પ્રચારમાં કલ્પવૃક્ષ, બાવળ, ખડ, જાદુગર, બુલડોઝર અને સ્પીડબ્રેકર, આવાં બધાં નામ કે પ્રતીકો પણ સાંભળવા મળ્યાં.
મધ્યપ્રદેશના મામા, એટલે કે શિવરાજ સિંહ ચૌહાણ અને બીજા બરોડાના મામા, એટલે કે ભાજપ છોડીને અપક્ષ લડનારા દિનુ મામા શુક્રવારે જોરદાર ચર્ચામાં રહ્યા. મધ્યપ્રદેશા મામાએ મોદીજીને કલ્પવૃક્ષ કહ્યા. જે માગો એ મળશે એવું કહ્યું. કેજરીવાલને તો ગાંડા બાવળ તરીકે ઓળખાવ્યા અને રાહુલ બાબાને તો ખડ ગણાવ્યા. બધી ફસલ સાફ કરી નાખે એવું કહ્યું. તો બીજા દિનુ મામાએ આજે અપક્ષ તરીકે જંગી રેલી કરી અને ભાજપ છોડીને પાછા પોતાના અસલી અપક્ષ મિજાજમાં આવી ગયા.
ઉત્તરપ્રદેશ કેડરના એક આઇએએસ અધિકારી અમદાવાદની અસારવા અને બાપુનગર બેઠકના ઓબ્ઝર્વર તરીકે આવ્યા. આ ભાઈએ તો બોલિવૂડના કોઈ હીરોની જેમ ગાડી પર પાટિયું લગાવીને સીન સપાટા કર્યા અને ફોટો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો. ચૂંટણીપ્રક્રિયા પર નજર રાખવા ઇલેક્શન કમિશને તેમને મોકલ્યા હતા, પણ આ ભાઈ ખુદ પંચની નજરમાં આવી ગયા. કામ શરૂ કરે એ પહેલાં જ તેમને ચૂંટણી કામગીરીમાંથી હટાવી દેવાયા.
ચૂંટણીપંચે ભાજપમાંથી બળવો કરીને વાઘોડિયાના અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરનારા મધુ શ્રીવાસ્તવ સામે કાર્યવાહી શરૂ કરી છે. મધુભાઈએ જોશમાં આવીને ગોળી મારી દેવાની વાત કરી હતી, લાગે છે કે મિસ ફાયર થયું. સ્ટાર પ્રચારકોએ ગુજરાતમાં ઠેર-ઠેર પ્રચાર શરૂ કરી દીધો છે, પણ હજી નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીના પ્રચાર બાકી છે. જી-20ના સંમેલનમાંથી વડાપ્રધાન હવે આવી ગયા છે. બીજી બાજુ, રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાંથી ગુજરાતમાં કોંગ્રેસને જોડવા માટે આવશે. અમરેલીના એક જ મેદાનમાં અને એક જ ડોમમાં બંનેની વારાફરતી રેલી યોજાશે. જોઈએ એમાં કોણ કોના પર કેવા પ્રહાર કરે છે.
રાજકોટના એક યુવકે તો ભાવુક થઈને કરણ-અર્જુનની માતાની જેમ કહ્યું, મેરે રાહુલ ગાંધી આયેંગે, જરૂર આયેંગે. કોંગ્રેસીઓ કાગડોળે રાહ જોઈ રહ્યા છે કે રાહુલ બાબા આવશે તો કંઈક જોમ ચઢશે. અંદરની વાત કહું ? કોંગ્રેસ કરતાં ભાજપના નેતાઓ રાહુલ ગાંધીની વધુ રાહ જુએ છે. પ્રચારમાં ભાજપને રાહુલની કમી લાગે છે. કેમ ખબર છે? એકાદ ફૂલટોસ મળી જાય અને સિક્સર મારવા મળે તો બેડો પાર અને ચૂંટણી તરી જવાય એટલે. આવા જ ઇન્ટરેસ્ટિંગ વીડિયો એનાલિસિસ માટે જોતા રહો દિવ્ય ભાસ્કર એપ અને વાંચો ગેમ ઓફ ગુજરાત 2022. આવતીકાલે ફરી મળીએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.