ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગતિવિધિઓ પણ તેજ થઈ રહી છે.સત્તાનાં સંગ્રામમાં તમામ પક્ષોના આગેવાનોએ ગુજરાતમાં ધામા નાખ્યા છે.એક બીજા પર આરોપ પ્રત્યારોપનો દૌર ચાલી રહ્યો છે.રોજ રોજ સભાઓ થઈ રહી છે.ઉમેદવારોના નામોની જાહેરાતો થઈ રહી છે. કોઈ નેતા નામ જાહેર થતાં ખુશ છે તો કોઈ નેતા રોષે ભરાયા છે. ત્યારે દિવસભરની તામામ રાજકીય અપડેટ માટે દિવ્ય ભાસ્કર લઈને આવ્યુ છે ઈલેક્શન રાઉન્ડ અપ ન્યુઝ બુલેટિન.જેમાં દિવસભરની તમામ મહત્વની રાજકીય ખબરોનો ચિતાર મળશે સંક્ષિપ્તમાં. બુલેટિન જોવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો
કોંગ્રેસની પાંચમી યાદીમાં 6 ઉમેદવારોનાં નામ જાહેર
કોંગ્રેસે પ્રથમ તબક્કાનું કોંકડું ઉકેલી લીધું છે. પાંચમી યાદીમાં 6 ઉમેદવારોના નામ પર મહોર વાગી છે.બળવાખોર મનહર પટેલ બોટાદથી ટિકિટ લઈને જ જંપ્યા છે. મનહર પટેલની ટિકિટ કપાતા નારાજ હતા. આજે અશોક ગહેલોત સાથે બેઠક બાદ રમેશ મેરની જગ્યા પર મનહર પટેલને ટિકિટ આપવામાં આવી છે. તો ધ્રાંગધ્રાંથી છત્તરસિંહ ગુંજારિયા, મોરબીથી જયંતિ પટેલ, રાજકોટ પશ્ચિમથી મનસુખ કાલરિયા, જામનગર ગ્રામ્યથી જીવન કુંભારવડિયા અને ગારિયાધારથી દિવ્યેશ ચાવડાને ટિકિટ આપવામાં આવી છે
300 કરોડનું કૌભાંડ પકડ્યું તો પાર્ટીએ મારૂ રાજીનામું માગ્યું હતું
વડોદરા જિલ્લાના વાઘોડિયાના ભાજપના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. હવે મધુ શ્રીવાસ્તવ અપક્ષ ચૂંટણી લડી શકે છે. મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, મારી ટિકિટ કપાતા મારા કાર્યકરો રોષે ભરાયા હતા. જેથી હું ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું. બે દિવસમાં કાર્યકરો અને કમિટી નક્કી કરે તે પ્રમાણે હું નિર્ણય કરીશ. કાર્યકરો કહેશે તો હું અપક્ષ ચૂંટણી લડીશ. હું આજે ભાજપને રામ રામ કહું છું. વધુમાં તેઓઓ જણાવ્યું હતું કે, મને ત્રણ વર્ષ માટે એગ્રોનો ચેરમેન બનાવ્યો હતો. બે વર્ષ કોરોનામાં ગયા, છેલ્લુ એક વર્ષ બાકી હતું. એક વર્ષમાં મેં 300 રૂપિયાનું કૌભાંડ પકડ્યું હતું. જેમાં મેનેજર આસિસ્ટન્ટ મેનેજર અને એમ.ડી.ને સસ્પેન્ડ કર્યાં હતા. મેં ગાંધીનગર એગ્રોની ઓફિસમાં જઈને 300 કરોડ રૂપિયાનું કૌભાંડ ઝડપ્યું હતું. તે સમયે પણ મને બોલાવીને પાર્ટીએ જબરદસ્તી રાજીનામું માંગ્યુ હતું.
નીતિન પટેલનો રમૂજી અંદાજ
આજે કડી કમળ સર્કલ પાસે ભારતીય જનતા પાર્ટીનું ચૂંટણી લક્ષી મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યાલય ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલના વરદ હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. જ્યાં જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નીતિન પટેલે પોતાની આગવી શૈલીમાં સભાને સંબોધી હતી. તેમણે જણાવ્યું હતું કે, સારું કામ કરીએ એ કોઈ જોતું નથી પણ ગાયે ભેટુ માર્યું એ આખી દુનિયાએ જોયું. પણ તે સમયે મારા હાથમાં રહેલો તિરંગો મે પડવા ન દીધો અને તે મારા હાથમાં ફરક્તો રહ્યો હતો.
ઈસુદાન ગઢવી જામ ખંભાળિયાથી ચૂંટણી લડશે
આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ચહેરા ઈસુદાન ગઢવી જામ ખંભાળિયાથી ચૂંટણી લડશે .દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલે ટ્વીટ કરી આ વાતની જાહેરાત કરી, ઈસુદાન જામખંભાળિયાથી ચૂંટણી લડવાના હોવાથી હવે ત્રિપાંખિયો જંગ જામશે. આ સિવાય આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારની 15મી યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં આપ દ્વારા વધુ બે નવા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે એક બેઠક પર ઉમેદવાર બદલવામાં આવ્યો છે. આપ દ્વારા સિદ્ધપુર, માતર અને ઉધના બેઠક પર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં સિદ્ધપુર બેઠક પર મહેન્દ્ર રાજપૂતનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે માતર બેઠક પરથી મહિપતસિંહ ચૌહાણની ટિકિટ કાપી નાખવામાં આવી હતી. પરંતુ કેસરીસિંહે પાર્ટી છોડી દેતા હવે માતરમાં મહિપતસિંહ ચૌહાણની જગ્યાએ લાલજી પરમારને ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત ઉધના બેઠક પરથી મહેન્દ્ર પાટીલને ટિકિટ આપવામાં આવી છે.
ઉમેદવારની જાહેરાત પહેલાં જ સિટિંગ MLAનો પ્રચાર
શનિવારે કલોલના કોંગ્રેસના સિટિંગ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે મતદારોને રીઝવવા માટે સભા યોજી હતી. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું નામ લીધા વિના કહ્યું હતું કે, 'ચાણક્યને દિલ્હીથી વિમાનમાં આવતા ચાર કલાક લાગશે પણ માટે અંબિકાથી આવતાં 4 મિનિટ જ લાગશે' તેમ કહીને પોતાને મત આપવા સમર્થન માંગ્યું હતું. ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મોટાભાગનાં નામ જાહેર થઇ ગયાં છે. જોકે, કેટલાંક નામો માટે હજુ મનોમંથન ચાલી રહ્યું છે. ત્યારે ગાંધીનગર જિલ્લાની કલોલ બેઠક પર કોંગ્રેસ ઉમેદવારની જાહેરાત કરે તે પહેલાં જ સિટિંગ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે સભા ગજવીને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.
વસાવા પરિવારમાં બધું બરાબર નથી
ગુજરાતના રાજકારણમાં ભાગ્યે જ કોઈ એવું હશે જે છોટુભાઈ વસાવાને નહીં ઓળખતું હોય. કોઈ પણ સિમ્બોલ પર જીતી શકતાં 7 વખત ઝઘડિયાની બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા આદિવાસી નેતા છોટુભાઈ વસાવાએ આ વખતે ચૂંટણી લડવાની ના પાડી બધાને ચોંકાવ્યા છે. પાંચ દિવસ પહેલાં જ છોટુ વસાવાએ કહ્યું હતું કે હું જીવીશ ત્યાં સુધી ચૂંટણી લડીશ. હજુ પણ હું 100 કિમી ચાલી શકું એટલો ફિટ છું. આમ ચૂંટણી લડવાની વાત કરનારા છોટુભાઈ અચાનક મેદાનમાંથી કેમ ખસી ગયા તેની પાછળ નિષ્ણાતો અનેક કારણો ગણાવી રહ્યા છે. ઝઘડિયાના સિટિંગ ધારાસભ્ય છોટુભાઈને ફરી ચૂંટણી લડવી હતી, પણ આ સીટ મોટા દીકરા મહેશ વસાવાને પણ જોઈતી હતી. બીટીપી પાર્ટીના અધ્યક્ષ હોવાના નાતે મહેશ વસાવાએ પિતાના બદલે ઝઘડિયા સીટ પર પોતાનું નામ પણ જાહેર કરી દીધું હતું.
ગામમાં કોઈ રાજકીય પક્ષોએ પ્રવેશ કરવો નહીં
જૂનાગઢના માળિયા તાલુકાના જંગર ગામ નજીક ચાર ડેમ હોવા છતાં ગામમાં 22 વર્ષથી પાણીની સમસ્યા છે. જેને લઇને ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કર્યો છે. ગામમાં કોઈ રાજકીય પક્ષોએ પ્રવેશ કરવો નહીં. તેવાં લખાણો દીવાલો પર ઠાલવીને આક્રોશ ઠાલવ્યો છે.છેલ્લાં 22 વર્ષથી જંગર ગામલોકો સિંચાઈ પાણી માટે કેનાલની માંગણી કરતા આવ્યા છે, પરંતુ આટલાં વર્ષો વીતવા છતાં જંગરની જમીન બંજર જ છે. જે કારણે જંગલ ગામના લોકોએ સામૂહિક મતદાન કરવાનો બહિષ્કાર કર્યો છે. ગામની અંદર 3000 વીઘાથી વધુ વાવેતર માટેની જમીન આવેલી છે, પરંતુ સિંચાઈ પાણી અને કેનાલ ન બનાવતા રવી પાક પણ લઈ શકાતો નથી. જેથી ગ્રામજનો રોષે ભરાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.