ભાસ્કર એક્સક્લૂસિવAAPને જિતાડવા મેદાનમાં ઊતરી યુવા મહિલાઓ:નિમિષા ખુંટે કહ્યું, બોગસ વોટિંગ થાય છે એ રીબડા બેલ્ટ પર હું રહેવાની છું, જોવું છે કે શું કરે છે

અમદાવાદ4 મહિનો પહેલાલેખક: સારથી એમ.સાગર
  • કૉપી લિંક

ગુજરાતની ચૂંટણીમાં એકબીજાને પછાડવા તમામ પાર્ટીઓએ જોર લગાવી દીધું છે. ગુજરાતની આ વખતની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાઈ રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આ વખતે આમ આદમી પાર્ટી મેદાનમાં છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં આ વખતે સરકાર બનાવવાનો દાવો પણ કરી રહી છે. AAPએ તમામ સીટો પર ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે, જેમાં મોટા ભાગે યુવા ચહેરાઓને ઉતાર્યા છે. દિવ્ય ભાસ્કરે AAPની ત્રણ મહિલા ઉમેદવાર ગોંડલના નિમિષા ખુંટ, પાવી જેતપુરના રાધિકા રાઠવા અને માંડવીના સાયના ગામિત સાથે વાતચીત કરી હતી.

આમ આદમી પાર્ટીએ ગોંડલની સીટ પર નિમિષા ખુંટને મેદાનમાં ઉતાર્યાં છે. ગોંડલથી 22 કિમી દૂર શિવરાજ ગઢ ગામના વતની નિમિષાએ Bsc કેમિસ્ટ્રી સુધીનો અભ્યાસ કર્યો છે. નિમિષા ખુંટ ગઈ વખતે પણ ગોંડલ સીટ પરથી ચૂંટણી લડ્યાં હતાં અને હારી ગયાં હતાં. દિવ્ય ભાસ્કરે નિમિષા ખુંટ સાથે વાત કરી હતી, જેમાં તેણે સવાલોના બેધડક જવાબ આપ્યા હતા.

સવાલ: રાજકારણમાં રસ કેમ પડ્યો?
જવાબ: હું અણ્ણા આંદોલનમાં દિલ્હી હતી. ત્યારે 24 ફેબ્રુઆરી, 2013ના દિવસે મનીષ સિસોદિયાને મળી હતી. હું અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાથી ઘણી પ્રભાવિત હતી. એ પછી ગુજરાતમાં પહેલી મિટિંગ હતી ત્યારે પાર્ટીમાં જોડાઈ. સૌથી પહેલા સ્ટેટ કમિટીની સભ્ય બનાવી. વર્ષ 2016માં સૌરાષ્ટ્રના વાઇસ-પ્રેસિડેન્ટનું પદ મળ્યું ત્યારે સંગઠનનું કામ કરતી. મારી એક્ટિવિટી જોઈને જૂનાગઢ, પોરબંદર, સોમનાથ અને અમરેલી જિલ્લાની જવાબદારી સોંપીને સંગઠન મંત્રીની પોસ્ટ આપી. અત્યારે આખા ગુજરાતની સેક્રેટરી (રાજ્ય સચિવ)ની પોસ્ટ પર છું. 2017માં હું લડી હતી અને પાર્ટીએ આ વખતે બીજીવાર મારા પર ભરોસો કર્યો. કેજરીવાલનું કહેવું હતું કે પહેલું ઇલેક્શન લડીએ તો આમ આદમી પાર્ટીનો પાયો નખાઈ જાય. અત્યારે લોકોનો બહુ સારો રિસ્પોન્સ છે અને સારો સપોર્ટ પાર્ટીનો છે. મને પૂરો વિશ્વાસ છે કે હું મારી મહેનતમાં કોઈ કમી નહીં રાખું. ગોંડલની સીટ પર પરિવર્તન કરવાનો પૂરો પ્રયાસ કરીશ.

સવાલ: સેવા પહેલેથી કરો છો તો રાજકારણમાં જોડાવાનું કારણ શું?
જવાબ: પર્સનલ ઇન્કમથી એક લિમિટેશન આવી જાય. ઉદાહરણ તરીકે મને શિક્ષણમાં રસ છે તો એક વર્ષમાં હું 15-20 બાળકોને મદદ કરી શકું, પણ મનીષ સિસોદિયા શિક્ષણમંત્રી છે તો દિલ્હીની બધી સ્કૂલ સારી છે. ઓથોરિટી અને પાવર મળે તો વધારે સારી રીતે લોકોને હેલ્પ કરી શકાય. રાજકારણમાં આવવાનું આ જ કારણ છે.

સવાલ: પરિવારમાં કોણ છે અને શું કરે છે?
જવાબ: પરિવારમાં માતા-પિતા, ભાઈ-ભાભી અને ભત્રીજો છે. માતા સ્વાધ્યાય પરિવારમાં છે. એ ભગવદ ગીતામાં પારંગત છે. પપ્પા ફાર્માસિસ્ટ છે. ગોંડલમાં તેમનો મેડિકલ સ્ટોર છે. ભાઈ પ્લાસ્ટિકની વસ્તુઓ બનાવવાનો બિઝનેસ કરે છે. ભાભી ગૃહિણી છે. ભત્રીજો કોલેજમાં હતો.

સવાલ: તમે હજુ લગ્ન કેમ નથી કર્યાં?
જવાબ: આઈ એમ મેરિડ ટુ આમ આદમી પાર્ટી. મેં આમ આદમી પાર્ટી સાથે લગ્ન કર્યાં છે. હું સ્ટ્રૉન્ગલી માનું છું કે ફેમિલી અને પોલિટિકલ લાઈફ મિક્સ કરો તો થોડા ઈમોશનલ થાઓ અને બંને જગ્યાએ 100 ટકા ન આપી શકો.

સવાલ: એટલે ભવિષ્યમાં પણ લગ્નનું કોઈ પ્લાનિંગ નથી?
જવાબ: ભવિષ્યમાં એવું કોઈ મળશે તો વિચારીશું.

સવાલ: ગોંડલમાં દર ચૂંટણીમાં બોગસ વોટિંગના આરોપ લાગે છે, આ અંગે તમે શું કહો છો?
જવાબ: બહુ જ ક્લિયરલી કહું તો ગોંડલની પબ્લિક MLAને કોઈ દિવસ ચાહી જ નથી. બોગસ વૉટથી જ જીત્યા છે. રીબડા બેલ્ટનું બોગસ અને બાકી વિસ્તારમાં જે લોકો મરી ગયા હોય, જે દીકરીઓના બીજે લગ્ન થઈ ગયાં હોય, જે રાજકોટ કે બીજે રહેવા ગયા હોય અથવા જે મત ન નાખવા આવ્યા હોય. આ મેં સાંભળ્યું નથી. ગોંડલ નગરપાલિકા ઇલેક્શનમાં મે પોતે 3-4 ડમી લોકોને પાછા મોકલેલા છે. બૂથ પર કોઈ સક્ષમ વ્યક્તિ ન હોય તો 100 ટકા બૂથ કેપચરિંગ થાય છે. આ તો હું જાહેર મંચ પરથી બોલું છું. આ વખતે રીબડા બેલ્ટ પર હું રહેવાની છું. મારે જોવું છે કે શું કરે છે મારી સાથે.

ગોંડલના હાલના ધારાસભ્યના કાર્ય વિશે શું કહેશો?
જવાબ: ચાલુ ધારાસભ્ય છે, એ ધારાસભ્ય છે જ નહીં. તેમનું તો નામ છે. કામ તો તેમના હસબન્ડ અને છોકરો કરે છે. ગોંડલમાં એક ભયજનક પરિસ્થિતિ છે. લોકોને ચૂંટણી લડવાનો હક નથી. રીબડા બેલ્ટ પર લોકોને મત નાખવાનો હક નથી. લોકોને ખુલ્લા મનથી ધારાસભ્યને મળવાનો હક નથી. આ રિયાલિટી છે.

'મત નાખવાનો હક નથી' એટલે?
જવાબ: રીબડા બેલ્ટ પર સેન્સિટિવ બૂથ છે. 18થી 20 ગામડાં છે. ત્યાં આજની તારીખે પણ સરપંચ અથવા એક ગેંગ આવે છે, જે ઊભા રહે છે, તે બધાને દબાવે છે અથવા લોકોને એ કહે એ જ બટન દબાવવાનું અથવા તેમના આઈ કાર્ડ લઈને તેમને કહેવામાં આવે છે કે તમે લોકો જાઓ તમારા મત પડી ગયા છે. આ ફક્ત રીબડા બેલ્ટની વાત નથી. આજની તારીખે સિટીમાં પણ સાંજે 5.30 વાગ્યા પછી જ્યાં જ્યાં કોંગ્રેસ વીક હતી, બૂથ પર લોકો નહોતા ત્યાં બોગસ વોટિંગ થયું છે.

રાજકારણમાં આદર્શ કોણ છે? કેમ છે?
જવાબ: 2013માં રાજકારણમાં જોડાઈ એ પહેલાં એમાં રસ નહોતો, પણ ધીમે ધીમે ખબર પડી કે નોર્મલ વ્યક્તિ તરીકે તમારા કામ ન થાય. પાવર જોઈએ. સામાન્ય લોકો હેરાન થાય. ધક્કા ખાવા પડે. આપણા બની બેઠેલા નેતાઓ જવાબ ન આપે. ફોન ન ઉપાડે. એટલે મને લાગ્યું કે નેતા ગ્રાઉન્ડ લેવલના હોવા જોઈએ. એ નેતા હું કેમ ન થઈ શકું? મનીષ સિસોદિયા અને અરવિંદ કેજરીવાલ પાસેથી શીખવા મળ્યું એટલે પોલિટિકલ ગુરુ તેમને જ માનું છું.

પંજાબથી મિનિસ્ટર આવ્યા અને કોઈ હોટલમાં રહેવા ન મળ્યું એ શું ઘટના હતી?
જવાબ: એ ઘટના નથી. લોકોના મનમાં એક હાઉ ઊભો થઈ ગયો છે કે 'બેન, તમને મારી સાથે વાત કરતાં જોઈ જશે તો મને તકલીફ પડશે.' 'બેન, પંજાબના મિનિસ્ટર અહીં આવ્યા છે. તમે ફોટો નહીં પાડતાં. ખબર નહીં પાડવા દેતા કે તમે સર્કિટ હાઉસમાં આવ્યાં છો. તમે તમારી વ્યવસ્થા બીજે કરી લો, નહીં તો અમને ઉપરથી પ્રોબ્લેમ થશે.' એટલે મેં કહ્યું હતું કે આચારસંહિતા લાગી ગઈ છે. અમે પ્રચાર ક્યાં કરીએ છીએ? અમે તો મિટિંગ કરીએ છીએ. એક રૂમ આપો. એક રાત રોકાવાની વ્યવસ્થા કરી લઉં.' તો તે મને કહે છે કે 'બેન જુઓ ને પ્લીઝ, અમને ઉપરથી ફોન આવશે તો શું જવાબ આપીશું?' આ સિસ્ટમ છે કે તમને ફોન આવશે. એ એટલી ખરાબ સિસ્ટમ છે કે સરપંચો અને વેપારીઓ પણ ડરે છે. બધા કહે છે ફોન આવશે. કોનો ફોન આવશે? શું ફોન આવશે? ઘણાને અનુભવ થયા છે કે તમારે ખૂલીને નથી નીકળવાનું. છાનામાના રહેજો. જોઈ લઈશું. આવા ફોન મને આવ્યા નથી, મેં એ શબ્દો સાંભળ્યા નથી તો હું તમને ફ્રેન્કલી ન કહી શકું, પણ આવું લોકો પાસે સાંભળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રચાર માટે ટોળેટોળાં નીકળી પડે છે. કેમ ગોંડલમાં લોકો ડરે છે? કંઈક તો હશે ને? કેમ રીબડા બેલ્ટ પર બૂથ પર એક માણસ નથી બેસતો? એક ગામમાં એક માણસ તો હોય ને. ભલેને ગમે તે પાર્ટીમાંથી બેસે, પણ રીબડા બેલ્ટ પર એક માણસ નથી હોતો. એલાઉડ જ નથી.

કોના ફોન આવે છે એ ક્યારેય જાણવાનો પ્રયાસ કર્યો તમે?
જવાબ: આપણા રિલેટિવ હોય તેને વાયા વાયા કોઈ બીજેપીવાળા ફોન કરે કે તમારા બધાને સમજાવી દેજો. આમ ના કરે તેમ ના કરે. ઉદાહરણ આપું. બેડીમાં ગ્રામપંચાયતની ચૂંટણી હતી. એમાં પાર્ટી ના હોય, પણ અમારા સમર્થકોની એક પેનલ ઊભી કરવાની મને ઈચ્છા હતી. બહુ બધા છોકરાઓની મિટિંગ કરી, પણ એ છોકરાઓના પિતાને ફોન આવી જાય કે તેમને કહી દેજો આમ આદમી પાર્ટીમાં જોડાવાનું નથી. ફૉર્મ ના ભરે. કોણ ફોન કરે છે એ કઈ ખબર નથી. વર્ષ 2015માં રાષ્ટ્રીય ઝુંબેશ પાર્ટીના ફૉર્મ ભરાયાં હતાં. ત્યારે ટેકેદારોને ધમકી આપીને ટેકો પાછો ખેંચાવ્યો. 8થી 10 ફૉર્મ રદ થયાં. વર્ષ 2021 ફેબ્રુઆરીમાં ગોંડલ નગરપાલિકાની ચૂંટણી હતી. એ વ્યક્તિ બદનામ ન થાય એટલે નામ નહીં આપું. ત્યારે બે લોકોનાં ફૉર્મ ભરાવ્યાં હતાં. ગોંડલ નગરપાલિકાના બીજેપીના સદસ્યો તેમના ઘરે જઈને તેમની સાથે શું વાત કરી એ ખબર નથી, પણ તેમણે કહ્યું, હવે તમારે ફૉર્મ નથી ભરવાનું. તમારે લડવાનું નથી. તો આપનાં 2 ફૉર્મ ખેંચાઇ ગયાં. 2 દિવસ માટે બંનેના ફોન સ્વિચ ઓફ થઈ ગયા હતા અને તેઓ ગાયબ થઈ ગયા હતા. પછી મને જ્યારે મળ્યા ત્યારે મને કહ્યું કે અમને પ્રેશર હતું. આ બધું ચાલે જ છે.

ત્યાં સતત ભાજપ જીતે છે, જીતવા માટે તમે શું કરશો?
જવાબ: ડોર ટુ ડોર કેમ્પેન. એક-એક ઘરે જઈ અરવિંદ કેજરીવાલની ગેરંટી સમજાવી છે. લોકોએ સતત તેમને મોબાઈલમાં ફેસબુક તથા વ્હોટ્સેપમાં અને ટીવીમાં જોયા છે. તેમની સ્પીચ સાંભળી છે. અરવિંદ કેજરીવાલ આજસુધી જે કઈ બોલ્યા છે એ તેમણે દિલ્હી અને પંજાબમાં કરીને બતાવ્યું છે. હું ઘરે જઈને સમજવું છું કે હવે એક વખત ગોંડલની દીકરી પર વિશ્વાસ મૂકો. મારી પાછળ આપના ઈમાનદાર નેતાનું બેકિંગ છે. મારી પાર્ટીમાં આવેલા લોકો આંદોલન અને સેવા માટે જીવનમાં ઘણું બધું મૂકીને આવ્યા છે. આવું લોકોને હું સમજાવું છું. 68 ગામડાં ફરી છું. રોજ 5-6 કલાક ચાલીને ઘરે ઘરે જાઉં છું.

ત્યાં માહોલ એવો છે તો...
જવાબ: તો લોકો મત આપશે અને રીબડા બેલ્ટ પર અમે લોકોને સિક્યોરિટી આપીશું.

આમ આદમી પાર્ટીનાં બીજાં મહિલા ઉમેદવાર રાધિકા રાઠવાએ પાવી જેતપુરથી ઝંપલાવ્યું છે. રાધિકા રાઠવાએ થોડાક મહિના પહેલાં કોંગ્રેસમાંથી રાજીનામું આપી આપમાં જોડાયાં હતાં. રાધિકાના પિતા અમરસિંહ રાઠવા છોટાઉદેપુરથી સાંસદ હતા.

જવાબ: રાધિકાએ હોટલ અને ટૂરિઝમ મેનેજમેન્ટ કર્યું છે. તેઓ કહે છે, હાલ હું સોશિયલ વર્ક, મહિલા અને શિક્ષણ માટે કામ કરું છું. તેમનું સ્કૂલિંગ ભારતીય વિદ્યાભવન ખાતે થયું છે. બાદમાં કોલેજ રાજકોટની વિવેકાનંદ હોટલ એન્ડ ટૂરિઝમ મેનેજમેન્ટમાં પૂરું કર્યું છે. એ પછી એક વર્ષ ઓસ્ટ્રેલિયા ગયાં હતાં, જ્યાં એરપોર્ટ પર કામ કર્યું હતું. ત્યાંથી 2010માં પાછાં આવ્યાં હતાં.

સવાલ: પિતાના મૃત્યુ પછીનો સંઘર્ષ કેવો હતો?
જવાબ: પથ્થરમારામાં ઘાયલ થયા બાદ પિતાનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. અમને નાના-નાનીએ સાચવ્યાં હતાં. મારાં માતા પણ બીમાર રહેતાં હતાં. 20-25 વરસથી એ ચાલી નહોતાં શકતાં અને પથારીવશ હતાં. અમારું ઘડતર શિક્ષણ અને પાલન-પોષણ તેમણે જ કર્યું. પછી ધીરે ધીરે એજ્યુકેશન અને સેલ્ફ ડેવલપમેન્ટ મેં જાતે કર્યું. દુનિયામાં જાતે નીકળી અને આગળ આવી. મારી માતા તરફનો જે પરિવાર છે એ મને હિંમત આપતા હતા, કારણ કે મારા નાના-નાનીએ આઝાદીની લડાઈમાં ભાગ લીધો હતો. મારા માસી સ્ટ્રોંગ વુમન છે. તેમનાથી પણ હું ઇન્સ્પાયર થઈ. બહાર નીકળી તો દુનિયાએ પણ મને શીખવાડી દીધું કે કેવી રીતે જીવવું. અંદરથી પણ મને એક અવાજ આવે છે કે કશું છે, જે મને જીવનમાં આગળ વધવા પ્રેરે છે.

સવાલ: પરિવારમાં કોણ છે? શું કરે છે?
જવાબ: અમે ત્રણ ભાઈ-બહેનો છીએ. સૌથી મોટી હું. એ પછી બહેન તરાના અમરસિંહ રાઠવા અને નાનો ભાઈ અભયસિંહ અમરસિંહ રાઠવા. બહેન ફેશન-ડિઝાઇનિંગ ભણ્યા બાદ હાલમાં ફ્રીલાન્સ કામ કરે છે, જ્યારે ભાઈ અમેરિકામાં બેન્કિંગ જોબ કરે છે. ભાભી ફિઝિયોથેરાપિસ્ટ છે.

સવાલ: રાજકારણમાં ક્યારે અને કેમ જોડાયાં?
જવાબ: પહેલેથી પિતા સાથે ફરતી હતી અને લોકોને મળતી હતી. તેમની સાથે વાત કરતી. સોલ્યુશન લાવતી હતી. લોકો સાથે કનેક્શન સારું લાગતું હતું અને લાઈફમાં કશું કરવા જેવું છે એ ફીલિંગ આવતી હતી. શિક્ષણ અને જોબ પછી થયું કે મારે મારા સમાજ માટે કંઈ કરવું જોઈએ એટલે રાજકારણમાં શરૂઆત કરી.

સવાલ: કોંગ્રેસમાં જોડાવાનું અને છોડવાનું કારણ શું હતું?
જવાબ: મારા પિતા કોંગ્રેસથી જોડાયેલા હતા, એટલે હું જોડાયેલી હતી. જોડાયા પછી મહેનત કરી. મને કામ પણ આપ્યું, પણ લોકલ રાજનીતિ, વર્કિંગ સિસ્ટમ અને તેમની વિચારધારાથી હું કમ્ફર્ટેબલ નહોતી. લોકો માટે પણ કંઈ થતું નહોતું. હું સારી વ્યક્તિઓ સાથે કામ કરવા માગતી હતી, એટલે મેં તેમનાથી ડિસ્ટન્સ કરી લીધું અને 3 વર્ષ પહેલાં રાજીનામું આપી દીધું.

સવાલ: આપમાં જોડાવાનું કોઈ ખાસ કારણ?
જવાબ: આપએ લોકો માટે કામ કરે છે. દિલ્હી અને પંજાબમાં ઘણું પરિવર્તન આવ્યું છે. મારા સમાજના લોકોને પણ પરિવર્તન જોઈએ છે. ત્રીજો વિકલ્પ મળ્યો છે એ ભગવાનની દેન છે. આપને લાવીને અમારા જીવનનું પરિવર્તન કરવા માગીએ છીએ. પોતાના લોકો માટે પરિવર્તન કરવા માગીએ છીએ.

સવાલ: જીતવા માટે શું કરશો?
જવાબ: લોકો પાસે જઈએ છીએ. કામ અધૂરાં છે એ પૂરાં થશે એવી વાત કરીએ છીએ. લોકો પરિવર્તન માગે છે અને ત્રીજો વિકલ્પ છે તો બહુ સારું પરિવર્તન આવશે. લોકો ઉત્સાહમાં છે.

સવાલ: રાધિકા ગેસ એજન્સીવાળી ઘટના શું બની હતી?
જવાબ: થર્ડ પાર્ટી મને આમાં ઇનવોલ્વ કરવા માગતી હતી, કારણ કે એ એજન્સી મારા નામ પર જ છે, પણ લીઝમાં જે હતા એ ચલાવતા હતા. એ સમયે હું એમાં ઇનવોલ્વ નહોતી. ત્યાં એ જમીન પર કબજો કરવા માગે છે તો કોમોડિટી એક્ટમાં કોઈને પણ કોઈપણ સમયે ફસાવી શકાય છે, તો એ માટે જ કાવતરું કરવામાં આવ્યું હતું.

સુરત જિલ્લાની માંડવી બેઠક પર આમ આદમી પાર્ટીએ મહિલા ઉમેદવાર સાયનાબેન ગામીતને ટિકિટ ફાળવી છે. સાયનાબેન ગામીતને નાનાજી દેશમુખ ગૌરવ ગ્રામ સભાનો અવોર્ડ મળ્યો છે. સાયનાબેન મૂળ તાપી જિલ્લાનાં રહેવાસી છે. તેઓ Sy.BA સુધી ભણેલાં છે. તેમના પતિ આર્મીમાં લાંસ નાયક હતા. તેમની સાથે સાયનાબેન પણ બહાર રહ્યાં હતાં અને છેલ્લા છ વર્ષથી તેઓ ફરી ગામમાં સ્થાયી થયાં છે. તેમના પરિવારમાં 4 સભ્ય છે. આમ આદમી પાર્ટીએ તેમને માંડવી સુરત ખાતેથી ઉમેદવાર બનાવ્યા છે.

સવાલ: રાજકારણમાં જોડાવાનું કારણ શું?
જવાબ: લોકોની પરિસ્થિતિ જોઈ. અહીં ટ્રાઈબલ એરિયા છે. લોકોનું કોઈ સાંભળતું નથી. અમે સેવા કરવા માટે જોડાયા છીએ. રાજકારણમાં ઊતરવાનું મકસદ એ જ છે કે ગરીબ પ્રજા છે, તેમની સામે કોઈ જોતું નથી. અહી ભાવતાલ મળતા નથી. લોકોનાં ઘર તૂટેલાં છે. સરકાર કઈ ધ્યાન નથી આપતી.

સવાલ: AAP જ કેમ પસંદ કરી?
જવાબ: સામાન્ય લોકોનો એ પ્રશ્ન છે કે અમારા મોટા ભાગના લોકો ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા છે. તેમને દર 2 મહિને લાઇટ બિલ આવે છે. ગરીબ લોકોને ઘરસંસાર ઉપરાંત છોકરાઓને ભણાવવાના હોય. બધી જવાબદારી તેમના માથે હોય છે. આપ પાર્ટી શિક્ષણ અને બહેનોને દર મહિને 1000 રૂપિયા સન્માન રાશિ આપવાના છે. લોકોનું કહેવું છે કે લાઇટબિલ આવી જશે તોપણ આપને વોટ આપીશું, એટલે હું ઈમાનદારી જોઈને આપ સાથે જોડાઈ છું.

સવાલ: હાલના ધારાસભ્યનું કામ કેવું છે?
જવાબ: એ પાંચ વર્ષ પહેલાં આવેલા. હવે પાંચ વર્ષ થઈ ગયાં,એટલે ફરી આવ્યા છે, કઈ કામ નથી કર્યું.

સવાલ: માંડવીમાં જીતવા માટે શું કરશો?
જવાબ: AAPના કેજરીવાલ જ રોલમોડલ છે. લોકો સુધી પહોંચવાનું છે. અમે લોકો સુધી પહોંચી ચૂક્યા છીએ અને AAP જ જીતશે.

અન્ય સમાચારો પણ છે...