ભાસ્કર રિસર્ચઓવૈસીએ ગુજરાતમાં કેમ ઝુકાવ્યું?:વિધાનસભાના ઇતિહાસમાં 11 જ મુસ્લિમ મંત્રી બન્યા, 10ને મત્સ્યોદ્યોગ ખાતું અપાયું, ભાજપે 1 જ મુસ્લિમને ટિકિટ આપી છે

એક મહિનો પહેલાલેખક: જયેશ અધ્યારુ
  • કૉપી લિંક

‘છેલ્લાં આઠ વર્ષમાં દેશમાં મેજોરિટેરિયન પોલિટિક્સ અને હિંદુત્વ એટલું બધું હાવી થઈ ગયું છે કે તમામ રાજનીતિક સ્તરે મુસ્લિમો લગભગ અદૃશ્ય થઈ ગયા છે. BJPનું જોઈને અન્ય પક્ષો પણ આ જ પ્રકારની રાજનીતિ કરવામાં લાગી પડ્યા છે. આ જ કારણ છે કે પોતાને સેક્યુલર કહેવડાવતી પાર્ટીઓ પણ મુસ્લિમોના વિકાસ, સશક્તીકરણ અને ન્યાય માટે હરફ સુધ્ધાં ઉચ્ચારતી નથી. આ પાર્ટીઓ માત્ર ને માત્ર બહુમતી વોટ્સ પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. તમે જ્યારે સર્વસમાવિષ્ટ રાજનીતિની વાત કરતા હો ત્યારે એમાં મુસ્લિમોનો સમાવેશ શા માટે ન થાય? મુસ્લિમોને રાજકીય વર્તુળોમાં સાવ હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા છે અને એટલે જ તેમના પક્ષે સક્રિય થવું પડ્યું છે.’

આ શબ્દો છે તાજેતરમાં ચૂંટણીના પ્રચાર અર્થે આવેલા હૈદરાબાદના લોકસભા સાંસદ અસદ્દુદ્દીન ઓવૈસીના. ઓવૈસી ‘ઓલ ઈન્ડિયા મેજલિસ-એ-ઈત્તેહાદ-ઉલ-મુસ્લિમીન’ (AIMIM) પાર્ટીના નેશનલ પ્રેસિડન્ટ છે. એટલું જ નહીં, વધુ મહત્ત્વની વાત એ છે કે હવે તેઓ ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં પણ ઝંપલાવી રહ્યા છે. તાજેતરમાં તેમણે અમદાવાદના મિર્ઝાપુર વિસ્તારમાં એક જાહેરસભા પણ યોજી હતી. અલબત્ત, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ કેટલી સીટો પર પોતાના ઉમેદવારો ઊભા રાખશે એ વિશે મગનું નામ મરી નથી પાડી રહ્યા, પરંતુ 10 ટકા મુસ્લિમ વસતિ ધરાવતા ગુજરાતમાં એટલિસ્ટ 18 સીટ પર મુસ્લિમ મતદારોનો પ્રભાવ છે. થોડા દિવસ પહેલાં જ ઓવૈસીએ એક અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં એવું પણ કહેલું કે માત્ર મુસ્લિમો જ નહીં, પરંતુ દલિતો-આદિવાસીઓ અને તમામ વંચિત-શોષિત વર્ગના લોકો માટે તેમની પાર્ટી લડશે. વર્ષોથી ‘ભાજપની B ટીમ’નું મહેણું સાંભળતા ઓવૈસી અને તેમની પાર્ટી કોંગ્રેસના મતોમાં ભંગાણ પડાવવા માટે જ અલગ અલગ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં ઝંપલાવતી હોવાના આક્ષેપો થતા રહ્યા છે. માત્ર ગુજરાતમાં જ નહીં, બલકે દેશના સંખ્યાબંધ રાજ્યોમાં મુસ્લિમો કોંગ્રેસના મતદારો રહ્યા છે. રાજકીય પંડિતોની ગણતરી પ્રમાણે ઓવૈસી અને તેમની પાર્ટીનું કામ કોંગ્રેસને મળતાં લઘુમતી વોટોમાં ભંગાણ પડાવીને સરવાળે ભાજપને ફાયદો કરાવવાનું જ છે.

ઓવૈસીએ ગુજરાત મુલાકાત દરમિયાન એક આંકડો એવો પણ ટાંક્યો કે કોઈ મુસ્લિમ સાંસદ ગુજરાતમાંથી લોકસભામાં ગયું હોય એવું છેલ્લે 1984માં બન્યું હતું. ઓવૈસી કોંગ્રેસના સદગત સાંસદ અહમદ પટેલની વાત કરી રહ્યા હતા, જેમણે ભરૂચ લોકસભા સીટ પરથી 1977, 1980 અને 1984માં જીત મેળવી હતી. ભાજપનો પ્રભાવ વધતાં 1990ની લોકસભા ચૂંટણીમાં તેઓ ભાજપના ઉમેદવાર સામે હારી ગયા હતા. ઓવૈસીની રાજનીતિ સાથે આપણે સહમત હોઇએ કે ન હોઇએ, પરંતુ એટલું તો જરૂર સ્વીકારવું પડે કે 58.47 લાખની વસતિ હોવા છતાં ગુજરાતની વિધાનસભામાં મુસ્લિમ ઉમેદવારોનું પ્રમાણ ઉત્તરોત્તર નોંધપાત્ર રીતે ઘટતું ગયું છે.

ગુજરાતની ચૂંટણીઓમાં મુસ્લિમ ઉમેદવારો
જ્યારે અસદુદ્દીન ઓવૈસી એવા આક્ષેપ સાથે ગુજરાતમાં પ્રવેશે કે દેશની જેમ ગુજરાતના રાજકારણમાં પણ મુસ્લિમોને તદ્દન હાંસિયામાં ધકેલી દેવાયા છે, ત્યારે આ વાતને આંકડાકીય આધાર છે કે કેમ એ તપાસવું અનિવાર્ય બની જાય છે. પાછલા ચાર દાયકામાં થયેલી રાજકીય હલચલોને થોડીવાર માટે બાજુ પર મૂકીએ અને 1980થી 2017 સુધી યોજાયેલી વિધાનસભા ચૂંટણીઓ પર નજર કરીએ તો આંકડા બહુ રસપ્રદ અને કંઇક અંશે નિરાશાનજક ચિત્ર રજૂ કરે છે. ગુજરાત વિધાનસભાની કુલ સીટો 182 છે. જો વસતિના પ્રમાણમાં મૂલવીએ તો લગભગ 10 ટકા વસતિની સાપેક્ષે વિધાનસભામાં સહેજે 9-10 ધારાસભ્ય હોવા જોઈએ (અલબત્ત, તેમાં 143 જનરલ સીટ પર લડેલા ઉમેદવારોની જ ગણતરી થાય, કેમ કે બાકીની 39 સીટ SC અને ST માટે અનામત છે). એની સામે છેલ્લા ચાર દાયકામાં શી સ્થિતિ રહી છે?

દરેક સીટ પર ભાજપ, કોંગ્રેસને બાદ કરતાં નાની-મોટી પાર્ટીઓના અને ખાસ કરીને અપક્ષ ઉમેદવારોની સંખ્યા સારીએવી હોય છે, પરંતુ મોટા ભાગના આવા ઉમેદવારોને મળેલા મતોની સંખ્યા ત્રણ આંકડાને વટાવતી નથી અને પરિણામ ડિપોઝિટ જપ્ત થવા પર આવીને ઊભું રહી જાય છે, એટલે જ ગુજરાતના રાજકારણના બેઉ બળિયા ભાજપ અને કોંગ્રેસે આ છેલ્લા ચાર દાયકામાં કેટલા મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી અને તેમાંથી કેટલા ઉમેદવાર જીતીને ગાંધીનગરના વિઠ્ઠલભાઈ પટેલ ભવનમાં બેઠા એના પર નજર ફેરવીએ.

નોંધઃ અહીં માત્ર ભાજપ-કોંગ્રેસ જેવા મુખ્ય પક્ષોએ ટિકિટ આપીને લડાવેલા અને પરિણામો પર અસર કરી શકે તેવા મુસ્લિમ ઉમેદવારોને જ ધ્યાને લીધા છે.
નોંધઃ અહીં માત્ર ભાજપ-કોંગ્રેસ જેવા મુખ્ય પક્ષોએ ટિકિટ આપીને લડાવેલા અને પરિણામો પર અસર કરી શકે તેવા મુસ્લિમ ઉમેદવારોને જ ધ્યાને લીધા છે.

1980ની ચૂંટણીમાં સૌથી વધુ 17 મુસ્લિમ ઉમેદવારને ટિકિટ મળી હતી અને તેમાંથી 12 ઉમેદવાર જીત્યા હતા. ત્યાર પછીની 1985ની ચૂંટણીમાં પ્રમુખ પક્ષોએ 11 મુસ્લિમ ઉમેદવારને લડાવ્યા હતા, જેમાંથી 8 જીત્યા હતા. પાંચ વર્ષ બાદ 1990માં ચૂંટણી આવી ત્યારે મુખ્ય પક્ષોમાંથી 11 મુસ્લિમ કેન્ડિડેટ ચૂંટણી લડ્યા હતા, જેમાંથી માત્ર બે જ ઉમેદવાર વિજયી બન્યા હતા. ત્યાર બાદ ગુજરાતમાં મુસ્લિમ પ્રતિનિધિત્વ માટે સૌથી તળિયાની ચૂંટણી 1995ની આવી. તેમાં માત્ર એક જ ઉમેદવાર જીતીને વિધાનસભામાં ગયા હતા. તે ઉમેદવાર હતા જમાલપુરથી લડેલા ઉસ્માનગની દેવડીવાલા. રસપ્રદ રીતે તેઓ અપક્ષ ચૂંટણી લડેલા. 1998ની ચૂંટણીમાં 9 મુસ્લિમ ઉમેદવારને ટિકિટ મળેલી, જેમાંથી 5 જીત્યા હતા. ગુજરાતના રાજકારણમાં નરેન્દ્ર મોદીનો ઉદય થયો અને નવા મિલેનિયમમાં ભાજપ સજ્જડ રીતે સત્તારૂઢ થયું, ત્યાર પછી એટલે કે 2002ની ચૂંટણીમાં 5 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ મળેલી, જેમાંથી 3 જીત્યા હતા. 2007માં લડેલા 6માંથી સૌથી વધુ 5 ઉમેદવાર જીત્યા હતા. ગુજરાતમાં નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રી તરીકેની છેલ્લી ચૂંટણી એટલે કે 2012ની ચૂંટણીમાં 5 ઉમેદવારમાંથી 2 જીત્યા હતા. નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા ત્યાર પછીની એટલે કે ગુજરાતમાં તેમની ગેરહાજરીવાળી પહેલી 2017ની ચૂંટણીમાં કુલ 4 ઉમેદવાર (તમામ કોંગ્રેસ તરફથી) ચૂંટણી લડ્યા હતા, જેમાંથી 3 ઉમેદવારને જીત મળી હતી. યાને કે છેલ્લા ચાર દાયકામાં માત્ર 41 મુસ્લિમ ઉમેદવાર જ જીતીને ધારાસભ્યપદ પામ્યા છે.

ગુજરાતના ઇતિહાસમાં ભાજપે માત્ર 1 જ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી છે
લોકશાહીનું મહાપર્વ ગણાતી ચૂંટણીઓ દેખીતી રીતે જ એક યુદ્ધ છે અને એમાં ઊતરતો દરેક ઉમેદવાર જીતવાની નેમ સાથે જ ઝંપલાવતો હોય છે. તેમને લડાવતા રાજકીય પક્ષો પણ જે-તે વિસ્તારનાં અનેક ‘સમીકરણો’ની ગણતરીઓ કરીને જ અને કેન્ડિડેટની જીતવાની ક્ષમતા ચકાસીને ઉમેદવારોને ટિકિટો ફાળવતા હોય છે. કારણ જે હોય તે, પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું મૂળ ધરાવતી ભારતીય જનતા પાર્ટીએ 1980થી 2017 સુધીમાં માત્ર એક જ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી છે. 1998માં ભરૂચ જિલ્લાની વાગરા વિધાનસભા સીટ પરથી કેશુભાઈ પટેલે અબ્દુલગની કુરેશીને ટિકિટ આપીને લડાવ્યા હતા, પરંતુ તેમની કોંગ્રેસના ઇકબાલ ઇબ્રાહિમ પટેલ સામે 26,439 વોટથી કારમી હાર થઈ હતી. ત્યાર પહેલાં કે પછી ભાજપે કોઈ મુસ્લિમ ઉમેદવારને લડાવ્યા નથી. બીજા શબ્દોમાં કહીએ તો ભાજપના બેનર હેઠળ ચૂંટણી લડ્યે કોઈપણ મુસ્લિમ ઉમેદવારને 24 વર્ષ થઈ ગયાં!

2022ની ચૂંટણી
આ લખાઈ રહ્યું છે ત્યારે 9 નવેમ્બરના રોજ આમ આદમી પાર્ટીએ 182માંથી 149 ઉમેદવારની યાદી બહાર પાડી છે, જેમાં એકમાત્ર મુસ્લિમ ઉમેદવાર દરિયાપુરથી તાજ કુરેશી છે. કોંગ્રેસે 43 ઉમેદવારની યાદી બહાર પાડી છે, જેમાંથી એકેય મુસ્લિમ ઉમેદવાર નથી. ભાજપે હજુ પોતાનાં પત્તાં ખોલ્યાં નથી. પરંતુ તેની યાદી બહાર પડવાની ઘડીઓ ગણાઈ રહી છે, પરંતુ ભૂતકાળનો રેકોર્ડ જોતાં તેમાં પણ મુસ્લિમ ઉમેદવારો હોવાની શક્યતા નહિવત્ છે. ખુદ મુસ્લિમોને રાજકારણમાં સ્થાન અપાવવા માટે લડી રહેલા અસદુદ્દીન ઓવૈસીએ આ લખાય છે ત્યાં સુધીમાં પાંચ ઉમેદવાર જાહેર કર્યા છે. તેમાં જમાલપુર-ખાડિયાથી AIMIMના પ્રદેશ અધ્યક્ષ સાબિર કાબલીવાલા, દાણીલીમડાની આરક્ષિત સીટ પરથી દલિત નેતા કૌશિકા પરમાર, સુરત પૂર્વથી વસીમ કુરેશી, બાપુનગરથી શાહનવાઝખાન પઠાણ અને લિંબાયતથી અબ્દુલ બશીર શેખનો સમાવેશ થાય છે.

મંત્રીમંડળમાં મુસ્લિમ પ્રતિનિધિત્વ
ગુજરાત રાજ્યની સ્થાપના પછી 1962માં પહેલી ચૂંટણી થઈ, ત્યાર પછીની તમામ વિધાનસભાઓમાં પણ મુસ્લિમ મંત્રીઓની હાજરી માત્ર નામની જ રહી છે, જે નીચેનાં બે ગ્રાફિક્સમાં તબક્કાવાર જોઈ શકાય છે. અત્યારસુધીમાં કુલ 11 મુસ્લિમ ધારાસભ્યને જ મંત્રી કે નાયબમંત્રી બનવાનો મોકો સાંપડ્યો છે. રસપ્રદ વાત એ છે કે આ 11 મુસ્લિમ મંત્રીને 10 વખત મત્સ્યોદ્યોગ ખાતું જ પકડાવી દેવાયું હતું!

ઓવૈસીની પાર્ટીની ગુજરાતમાં શાનદાર શરૂઆત
અસદુદ્દીન ઓવૈસીની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં પૂરા જોરશોરથી ઝંપલાવવાની હિંમત થઈ એનું એક કારણ તેની પાર્ટીને 2021માં ગુજરાતની સ્થાનિક ચૂંટણીઓમાં મળેલી સફળતા છે. ગોધરા, મોડાસા અને ભરૂચમાં ઓવૈસીએ પોતાના 25 ઉમેદવારો ઊભા રાખ્યા હતા, જેમાંથી 17 જીતી ગયા હતા. અરવલ્લી જિલ્લાના મોડાસાની મ્યુનિસિપાલિટીમાં AIMIMના 12માંથી 9 ઉમેદવાર જીતી ગયા હતા. 36 સભ્યની આ મ્યુનિસિપાલિટીમાં ભાજપે 19 સીટ જીતીને સત્તા જાળવી રાખી હતી, પરંતુ ઓવૈસીની પાર્ટીએ કોંગ્રેસ કરતાં એક સીટ વધારે જીતીને તેને ત્રીજા નંબરે ધકેલી દીધી હતી.

44 સભ્યની પંચમહાલ જિલ્લાની ગોધરા મ્યુનિસિપાલિટીમાં પાર્ટી 8 સીટ પરથી લડી હતી, જેમાંથી તેણે 7 સીટ જીતી લીધી હતી. અહીં પણ ભાજપ 18 સીટ સાથે પ્રથમ નંબરે રહ્યું હતું, જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર એક જ સીટ આવી હતી. બાકીની 18 સીટ પર અપક્ષ ઉમેદવારો વિજેતા સાબિત થયા હતા.

ભરૂચ મ્યુનિસિપાલિટીમાં ઓવૈસીએ લડાવેલા ચારમાંથી એક ઉમેદવારની જીત થઈ હતી. ચૂંટણીઓ પહેલાં ઓવૈસીએ મોડાસા અને ગોધરામાં રેલીઓ પણ કરેલી. એ પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં AIMIMએ 21 સીટો પર પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા હતા, જેમાંથી 7 જીતી ગયા હતા. AIMIMની પેનલ જમાલપુર અને મક્તમપુરાની બધી જ સીટો જીતી ગયેલી. રસપ્રદ વાત એ છે કે આ તમામ સીટો તેણે કોંગ્રેસ પાસેથી આંચકી હતી. એવું મનાય છે કે AIMIM ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં 40-45 સીટ પર લડશે.

અસદુદ્દીન ઓવૈસી હાંસિયામાં ધકેલાયેલી લઘુમતી કોમને ફરી મુખ્યધારાના રાજકારણમાં લાવી શકશે કે પછી તે ‘ભાજપની B ટીમ’ તરીકે હરીફોના વોટ તોડવાનું જ કામ કરશે એ તો આ વખતની ચૂંટણીનાં પરિણામો પરથી એક મહિનાની અંદર સ્પષ્ટ થઈ જ જશે.

અન્ય સમાચારો પણ છે...