ભાસ્કર ઇન્ટરવ્યૂમળો ગુજરાતના સૌથી કમનસીબ ત્રણ ઉમેદવારને:પિતા આજીવન સરપંચ રહ્યા, પણ દીકરો છ-છ ચૂંટણી હારી ગયો, ભાજપના નેતાનાં પત્ની જીત્યાં, પણ પતિ ચારવાર હાર્યા

મોરબી13 દિવસ પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
ડાબેથી જયંતી પટેલ, જીતુ સોમાણી અને તેમના પત્ની જ્યોત્સના સોમાણી તથા કાંતિ અમૃતિયા.

જિંદગીમાં રિજેક્ટ થવું, પણ ડિજેક્ટ ન થવું એવું એક પ્રેરાણાત્મક વનલાઇનર છે. ગુજરાતથી લઈ વિશ્વભરની રાજનીતિમાં કેટલાય એવા ચહેરા છે, જે અનેકવાર ચૂંટણી હારી ચૂક્યા છે, પરંતુ કમબેક કરીને ઉચ્ચ સ્થાને પહોંચ્યા છે. આ યાદીમાં અમેરિકાના પૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકનથી લઈને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર સહિતના નેતાઓનાં નામ લઈ શકાય, પરંતુ આ નેતાઓએ ક્યારેય હાર માની નથી. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વારંવાર હારવા છતાં ચૂંટણી જંગમાં ઊતર્યા છે.

2022માં 15 વર્ષ જૂનો બદલો લેશે?
બોલિવૂડ ફિલ્મ ‘હાઉસફુલ’માં અક્ષય કુમારનું પાત્ર જ સતત પછડાટ ખાતું હોય અને હાંસીનું પાત્ર બનતું હોય છે. માત્ર એટલું જ નહીં, એમાં એક સોંગ છે હી સચ અ લૂઝર, હી સચ અ લૂઝર... ભાજપ-કોંગ્રેસના ત્રણ ઉમેદવાર પર આ સોંગ તો એકદમ ફિટ બેસે છે. આ ઉમેદવાર એટલે તાજેતરમાં ઝૂલતો પુલ તૂટવાથી દેશભરમાં ચર્ચામાં આવેલા મોરબી સીટના જયંતીભાઈ જેરાજભાઈ પટેલ. યોગાનુયોગ જયંતીભાઈ જેની સામે ચાર વખત વિધાનસભા ચૂંટણી હાર્યા છે તેની સામે જ ફરી ચૂંટણી લડી રહ્યા છે. જયંતી પટેલ અને કાંતિ અમૃતિયા વચ્ચે છેલ્લે 2007માં ચૂંટણીજંગ ખેલાયો હતો. એમાં જયંતી પટેલનો પરાજય થયો હતો. આમ તેઓ ચાર-ચાર હારનો બદલો લેવા ફરી ચૂંટણીના રણસંગ્રામમાં ઊતર્યા છે.

32 વર્ષથી વિધાનસભામાં જવા પ્રયાસ, પણ નસીબ આડેનું પાંદડું ખસતું નથી
જયંતીભાઈ પટેલ એક, બે, કે ત્રણ નહીં, પણ છ-છવાર ચૂંટણી હારી ચૂક્યા છે. એમાં પણ પાંચવાર તો તેમનો સતત પરાજય થયો છે અને હવે છઠ્ઠીવાર મોરબીમાં નસીબ અજમાવી રહ્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે તેમના પિતા જેરાજભાઈ પટેલ બરવાળા ગામના તો આજીવન સરપંચ રહ્યા છે, પરંતુ તેમના દીકરા 32 વર્ષથી વિધાનસભામાં જવા માટે પ્રયાસો કરે છે, હજુ નસીબે તેમનો સાથ આપ્યો નથી. આ અંગે દિવ્ય ભાસ્કરે જયંતીભાઈ પટેલ સાથે વાતચીત કરી હતી.

પૂર્વ મુખ્યમંત્રી સામે લડ્યા પહેલી ચૂંટણી, પિતા હતા આજીવન સરપંચ
રાજકારણમાં પ્રવેશ અંગે જયંતીભાઈએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે રાજકારણમાં અમારા લોહીમાં છે. મારા પિતા બરવાળા ગામના આજીવન સરપંચ હતા. કોલેજકાળમાં પણ જીએસ હતો અને 1986-87માં મોરબી તાલુકા પંચાયતમાં સભ્ય તરીકે ચૂંટાયો અને ત્યારથી રાજકીય કારકિર્દી શરૂ થઈ છે. ત્યાર બાદ પહેલીવાર 1990માં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી બાબભાઈ જશભાઈ પટેલ સામે વિધાનસભા ચૂંટણી લડવાની તક મળી હતી. સતત ચૂંટણીઓ હારવા અંગે તેઓ આગળ કહે છે કે લોકોનું જનસમર્થન સમયાંતરે બદલાતા રહે, હાર-જીત ચૂંટણીમાં તો સ્વભાવિક છે. 2020ની પેટાચૂંટણી જુઓ... આખું સરકારી તંત્ર અને સરકાર દ્વારા તંત્રનો દુરુપયોગ કરીને સામાન્ય મતથી ચૂંટણી જીતતો હતો, પણ સામાન્ય મતોથી ચૂંટણી હાર્યા. લોક ચુકાદાથી ચૂંટણી હાર્યા ન હતા.

‘પક્ષપલટો કર્યો એ મતદારો સાથે દ્રોહ હતો’
2017માં પાટીદાર આંદોલન સમયે તમારી જગ્યા બ્રિજેશ મેરજાને ટિકિટ આપી હતી, એ અંગે શું કહેશો? જેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે પાર્ટી જે નિર્ણય કરતી હોય એ પ્રમાણે બ્રિજેશભાઈ આવ્યા હતા અને અમે તેમને ચૂંટાવ્યા હતા, પરંતુ મતદારો અને કાર્યકરોના કમનસીબે તેમણે જે પક્ષપલટો કર્યો તે કાર્યકરો અને મતદારોનો દ્રોહ હતો.

‘અમૃતિયાએ લોકોના મૃત્યુ વચ્ચે પ્રસિદ્ધિ માટે વીડિયો શૂટિંગ કર્યું’
જ્યારે મચ્છુના ઝૂલતા પુલની દુર્ઘટના થતાં કાંતિ અમૃતિયા બચાવ કામગીરી માટે પાણીમાં કૂદ્યા, એનાથી તેમને ફાયદો થશે? જે અંગે તેમણે કહ્યું હતું કે આ દુર્ઘટનાના સમગ્ર દેશમાં ગંભીર પ્રત્યાઘાતો પડ્યા છે. આ દુર્ઘટના સમયે હું નેશનલ હાઇવે પર હતો અને મને સમાચાર મળતાં જ 20 મિનિટમાં હું અને કાર્યકરો પહોંચી ગયા હતા. એ સમયે સેવાભાવી સંસ્થાઓએ હાહાકાર વચ્ચે તરવૈયાઓએ બધાના જીવ બચાવ્યા, પણ કમનસીબે નદીના સામા કાંઠે કાંતિ અમૃતિયાએ લોકોના હાહાકાર અને લોકોના મૃત્યુ વચ્ચે પ્રસિદ્ધિ માટે વીડિયો શૂટિંગ કર્યું એની ગંભીર નોંધ મોરબીની પ્રજાએ લીધી છે.

‘મારી સામે કોઈ આંગળી ન ચીંધી શકે’
તમને ક્યારેય ભાજપે પક્ષમાં જોડાવા ઓફર કરી છે? જે અંગે નખશીખ કોંગ્રેસી હોય એ રીતે જવાબ આપતાં કહ્યું, ક્યારેય નહીં. આજીવન અમે કોંગ્રેસમાં છીએ. મારી સામે કોઈ આંગળી પણ ન ચીંધી શકે કે પક્ષાંતર માટે મારી સાથે વાત કરી શકે. કોંગ્રેસમાંથી તેમના હરીફ દાવેદાર અંગે તેમણે જણાવ્યું હતું કે લોકશાહી ઢબે અમે દાવેદારો પાસે અરજી માગી હતી અને 13 લોકોએ ચૂંટણી લડવા તૈયારી બતાવી હતી, પરંતુ પાર્ટીએ મારી વફાદારી અને જિલ્લા કોંગ્રેસપ્રમુખ તરીકે હું પેટાચૂંટણી બાદ સક્રિય રહ્યો, તેથી પાર્ટીએ મને તક આપી.

‘ચૂંટણી મેનેજમેન્ટમાં ક્યાંક ખામી રહે છે અને પરાજય થાય છે’
તમે જે ચૂંટણી લડ્યા એમાં નજીવા મતે હારો છો તો ક્યાં કચાશ રહે છે? જે અંગે તેઓ કહે છે કે સ્વાભાવિક રીતે ચૂંટણી મેનેજમેન્ટમાં ક્યાંક ખામી રહી ગઈ. નાનીમોટી ભૂલમાં ચૂંટણી ગુમાવી છે. મને એક આનંદ છે કે મોરબી-માળિયાના લોકોએ મને સતત પ્રેમ આપ્યો છે. શું આ એક તમારી કમનસીબી છે?જેના જવાબમાં કહ્યું હતું કે હા, રાજતિલક લખ્યું હોય તો થાય. એવું કહી શકાય.’

‘ધારાસભ્યપદનો પગાર ગરીબ માણસો પાછળ ખર્ચ કરીશ’
લોકો કોંગ્રેસને શું કામ મત આપે? એ સવાલના જવાબમાં તેમણે કહ્યું, મોરબી-માળિયા વિધાનસભાના તમામ મતદારોને અમારા ચૂંટણીપ્રચાર દરમિયાન 27 વર્ષથી ભાજપનું શાસન અને પાંચ-પાંચ ટર્મ કાંતિ અમૃતિયાને તક આપી છે તો મને એકવાર તક આપો. મેં સકલ્પ કર્યો છે કે ધારાસભ્ય દનો પગાર ગરીબ માણસો પાછળ ખર્ચ કરવાનો છું.

પાતળી સરસાઈ અને ઝૂલતો પુલ
મોરબી માળિયા વિધાનસભા બેઠક વર્ષોથી ભાજપનો ગઢ રહી હતી. 2017માં અનામત આંદોલનની અસર તેમજ એન્ટી-ઇન્કમ્બન્સી વચ્ચે ભાજપા ઉમેદવાર 5000 કરતાં પણ ઓછી સરસાઇથી હાર્યા હતા. જોકે દિવાળી પહેલાં આ સીટ ભાજપ પોતાની સીટ નક્કી જ માની રહ્યું હતું, પણ ઝૂલતા પુલની દુર્ઘટનાએ ચિત્ર બદલી નાખ્યું છે.

ઝૂલતા પુલની દુર્ઘટનાનો રોષ ભાગ ભજવે તો નવાઈ નહીં
મોરબી ઝૂલતા પુલ તૂટવાની દુર્ઘટનામાં 135 લોકોનાં મોત થયાં છે અને આ ઘટનામાં હજુ પોલીસે અને સરકાર દ્વારા આરોપીઓ પર કાર્યવાહી ન થઈ હોવાના આક્ષેપ થયા છે. જોકે સમયસર પગલાં લેવામાં આવ્યાં નથી, જેનાં કારણે ક્યાંક આંતરિક વિરોધ છે, ઉમેદવારોમાં આ દુર્ઘટનાની અસરો મતદાન પર થાય એવો છૂપો ડર છે.

કોણ છે કમનસીબ ઉદ્યોગપતિ જયંતી પટેલ?
જયંતીભાઈ પટેલનો જન્મ 16-08-1956ના રોજ મોરબી જિલ્લાના બરવાળા ગામે થયો હતો. હાલ મોરબીના એક નામી ઉદ્યોગપતિ તરીકેની છાપ ધરાવે છે. તેઓ છેલ્લાં 35 વર્ષથી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા છે. તેમણે બીકોમ, એમકોમ અને LLBનો અભ્યાસ કર્યો છે. તેઓ ખેતી અને ધંધા સાથે જોડાયેલા છે. કારકિર્દીના શરૂઆતના દિવસોમાં તેઓ મોરબી કોમર્સ કોલેજમાં વિદ્યાર્થી સંઘના જીએસ તરીકે ચૂંટાયા હતા. ત્યાર બાદ તેઓ મોરબી તાલુકા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયા. 1987 અને 1988 મોરબી તાલુકા પંચાયતની કારોબારી મંડળના અધ્યક્ષ તરીકે બે વર્ષ સુધી સેવા આપી હતી. 1986માં મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ માટે કોંગ્રેસ પક્ષની ટિકિટ પણ મેળવી હતી. આ ઉપરાંત મોરબી ટાઉન કોંગ્રેસના મહામંત્રી તરીકે પાંચ વર્ષ સુધી સેવા આપી છે. અત્યારસુધી જયંતી પટેલ 6 વખત મોરબી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી ચૂક્યા છે, જેમાં એક વખત અપક્ષ અને પાંચ વખત કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડી છે.

ભાજપના આ ઉમેદવાર 27 વર્ષથી MLA બનવાની રાહમાં
જયંતીભાઈ પટેલ સિવાય અન્ય બે કમનસીબ ઉમેદવાર પણ આ ચૂંટણીજંગમાં ઊતર્યા છે, જેમાં સૌથી પહેલા વાત ભીખુસિંહ પરમારની. ભીખુસિંહ અત્યારસુધીમાં ચારવાર વિધાનસભા ચૂંટણી લડી ચૂક્યા છે અને તમામમાં હારનો સામનો કરવો પડ્યો છે. તેઓ પહેલીવાર 1995માં મોડાસા સીટ પરથી અપક્ષ ચૂંટણી લડ્યા હતા, ભાજપ તથા બસપા બાદ 13,041 મત મેળવીને ત્રીજા નંબરે રહ્યા હતા. જ્યારે 2002માં તેઓ ફરી અપક્ષ ચૂંટણી લડ્યા અને 17,596 મત સાથે ત્રીજા ક્રમે રહ્યા હતા. 2007માં તેમણે બસપામાંથી ચૂંટણીજંગમાં ઊતર્યા, પરંતુ તેમને માત્ર 7,696 મત જ મળ્યા. 2017માં મોડાસા સીટ પરથી ભાજપે ટિકિટ અને 1640 મતથી વિજય દૂર રહી ગયો. આ વખતે ભાજપે ફરી તેમને ટિકિટ આપી છે.

પત્ની MLA બની ગયા, પણ આ નેતા ચાર-ચારવાર ચૂકી ગયા
જ્યારે ભાજપના બીજા ઉમેદવાર એવા જિતુ સોમાણીનું નામ પણ કમનસીબ ઉમેદવારની યાદીમાં આવે છે. ચાર-ચારવાર વિધાનસભા ચૂંટણી હારવા છતાં ભાજપે વાંકાનેર સીટ પરથી જિતુ સોમાણીને ટિકિટ આપી છે. જિતુ સોમાણી 1995માં કોંગ્રેસના ખુર્શીદ પીરજાદા સામે અપક્ષ ચૂંટણી લડ્યા અને 1,383 મતથી હારી ગયા. ત્યાર બાદ 2002માં તેમનાં પત્ની જ્યોત્સ્ના સોમાણીને ટિકિટ આપી અને તેઓ ચૂંટણી જીતી ગયાં, પરંતુ 2007માં જ્યોત્સ્ના સોમાણીની હાર થઈ, જેથી 2012 અને 2017માં જિતુ સોમાણી ચૂંટણી લડ્યા, પરંતુ બન્ને ચૂંટણીમાં તેમનો પરાજય થયો. હવે ફરી તેમને ભાજપમાંથી ટિકિટ મળી છે.

અન્ય સમાચારો પણ છે...