ભાસ્કર રિસર્ચરાજ્યના મુખ્યમંત્રી કેટલું ભણેલા હોવા જોઇએ?:ગુજરાતના પહેલા જ મુખ્યમંત્રી ડૉક્ટર હતા અને મહારાજા સયાજીરાવના અંગત તબીબ હતા, 5 મુખ્યમંત્રી LLB અને 10 BA/MA હતા

3 મહિનો પહેલાલેખક: જયેશ અધ્યારુ
  • કૉપી લિંક

પોતાનું સંતાન વધુમાં વધુ અને શ્રેષ્ઠ શિક્ષણ મેળવે તે દરેક માતા-પિતાની ઝંખના હોય છે. આ માટે તેઓ ગજા બહારનો ખર્ચ કરતાં પણ અચકાતાં નથી. જ્યારે ચૂંટણીમાં ઊભેલો એક ઉમેદવાર પોતાના મતવિસ્તારનું અને પસંદગી પામે તો આખા રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યો હોય, ત્યારે તેની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઇએ? જ્ઞાતિ, જાતિ, ધર્મ, કોમ, વોટબેંક, મતવિસ્તાર, સીમાંકન, મુદ્દાઓ વગેરેમાં વહેંચાયેલી ચૂંટણીમાં ઊભા રહેતા ઉમેદવાર કેટલું ભણેલા હોય છે? ચૂંટણી લડતો એક ઉમેદવાર જ્યારે પોતાનું ઉમેદવારી પત્ર દાખલ કરવા જાય છે ત્યારે તેને પોતાની તમામ માહિતી આપતી એક એફિડેવિટ ફાઇલ કરવાની રહે છે. આ સોગંદનામામાં ઉમેદવારે પોતાની તમામ અંગત વિગતો, સંપત્તિ, તેની સામે થયેલા ક્રિમિનલ કેસ વગેરે જાહેર કરવાના રહે છે. જો તેમાં ખોટી કે વિસંગત માહિતી હોવાનું માલૂમ પડે તો તેની ઉમેદવારી રદ થઈ શકે છે. આ વિગતોમાં એક અગત્યની માહિતી છે, જે તે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત. તેના ખાનામાં ઉમેદવાર કેટલું અને ક્યાં ભણેલા છે તેની વિગત ઉમેરવાની રહે છે. ત્યારે એક વિચાર એવો આવે કે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યાર પછી આપણને મળેલા કુલ 17 મુખ્યમંત્રીઓ ભણતરના મુદ્દે કેટલા માર્ક્સ મેળવે છે? આવો ગુજરાતના સૌથી પહેલા મુખ્યમંત્રી ડૉ. જીવરાજ મહેતાથી શરૂ કરીને વન બાય વન બધા જ મુખ્યમંત્રીઓનું એજ્યુકેશન ક્વોલિફિકેશન તપાસીએ.

ડૉ. જીવરાજ મહેતા
ઈ.સ. 1887ના રોજ અમરેલી ખાતે જન્મેલા જીવરાજભાઈ કુશળ તબીબ અને સંનિષ્ઠ રાજકારણી હતા. કારમી ગરીબીમાં જન્મેલા જીવરાજભાઈ કિશોરાવસ્થામાં અમરેલીના સિવિલ સર્જન ડૉ. એદલજી દાદાચાનજી જેવા પારસી તબીબની નિ:સ્વાર્થ સેવાથી ભારે પ્રભાવિત થયા હતા અને એમણે પણ તબીબ થવાનો નિર્ધાર કરેલો. ફી-માફી, શિષ્યવૃત્તિ મેળવી અને વ્યક્તિગત રાહે ભણાવવાની કામગીરી કરી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું. 1903માં મેટ્રિકની પરીક્ષા પસાર કરી. તબીબ બનવાનું સ્વપ્ન પરિપૂર્ણ કરવા તેમણે મુંબઈની ગ્રાન્ટ મેડિકલ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. ગુણવત્તા, શિષ્યવૃત્તિ અને જ્ઞાતિના છાત્રાલયમાં રહી ‘લાયસન્સિયેટ ઈન મેડિસિન ઍન્ડ સર્જરી (L. M. & S.)’ની પરીક્ષા વિશેષ યોગ્યતા સાથે ઉત્તીર્ણ કરી. આ પરીક્ષામાં અસાધારણ બુદ્ધિપ્રતિભા દાખવતાં તેઓ વિશેષ માનના અધિકારી બન્યા. આ કૉલેજના સો વર્ષના ઇતિહાસમાં તેઓ એકમાત્ર એવી વ્યક્તિ હતા, જેમણે કુલ ઇનામોમાંથી 94% ઇનામો મેળવ્યાં હતાં.

1920માં ટીબીની સારવાર માટે તેઓ સ્વિત્ઝર્લેન્ડ ગયેલા, ત્યાં તેમની મુલાકાત વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ સાથે થયેલી. સયાજીરાવે તેમની વડોદરા રાજ્યની તબીબી સેવામાં નિમણૂક કરી અને 3 વર્ષ સુધી તેમણે મહારાજાને અંગત તબીબ તરીકે સેવાઓ આપી. 1924માં તેઓ વડોદરાની સ્ટેટ જનરલ હૉસ્પિટલના મુખ્ય તબીબી અધિકારી (ચીફ મેડિકલ ઑફિસર) નિમાયા. આ જ વર્ષે હંસાબહેન મહેતા સાથે તેઓ લગ્નગ્રંથિથી જોડાયા. 1925માં મુંબઈની શેઠ ગોરધનદાસ સુંદરદાસ મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલના વડા અને પ્રખ્યાત કિંગ એડ્વર્ડ મેમૉરિયલ (K. E. M.) હૉસ્પિટલના ડીન નિમાયા. આ સંસ્થાઓમાં લગાતાર 17 વર્ષ સુધી સેવાઓ આપી હતી.

ઈ.સ. 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના પછી તેઓ નવા રાજ્ય ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી તરીકે વરણી પામ્યા. અલબત્ત, ગુજરાત કોંગ્રેસના આંતરિક મતભેદોને કારણે તેમને 1963માં રાજીનામું આપવું પડેલું.

બળવંતરાય મહેતા
ઈ.સ. 1899માં ભાવનગર સ્ટેટમાં રેલવેની નોકરી કરતા ગોપાળજી મહેતાને ત્યાં જન્મેલા બળવંતરાય ભાવનગરની જ આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં ભણ્યા હતા. 1916માં મૅટ્રિક થયા બાદ 1920માં મુંબઈ યુનિવર્સિટીની બી. એ.ની પરીક્ષા પાસ કરી; પરંતુ એ જ અરસામાં ગાંધીજીએ અસહકારની ચળવળ શરૂ કરી. તેની ઊંડી અસર બળવંતરાય મહેતા પર થઈ અને તેમણે ડિગ્રી લીધી નહિ. ત્યારબાદ તેઓ અમદાવાદની ગાંધીજીપ્રેરિત ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા અને ‘અર્થશાસ્ત્રવિશારદ’ થયા. ગાંધીજીના પ્રભાવ હેઠળ તેમણે અહિંસા, અસહકાર અને સાદું જીવન અપનાવ્યું હતું. શિષ્ટ ગુજરાતી સાહિત્યથી લઇને વિશ્વસાહિત્યના વાચક એવા બળવંતરાય ભારતના ઇતિહાસ અને પુરાતત્ત્વ વિદ્યામાં ઊંડો રસ ધરાવતા હતા.

ભાવનગર રેલવે સંઘની 1920માં સ્થાપના સાથે તેમણે જાહેર જીવનમાં ઝંપલાવ્યું. તેમણે સ્ત્રીઓનો ઉત્કર્ષ, હરિજન-કલ્યાણ અને કુદરતી આપત્તિ દરમિયાન રાહતનાં કાર્યોને વિશેષ મહત્ત્વ આપ્યું. ઠક્કરબાપાની પ્રેરણાથી તેમણે 1927માં ભાવનગરમાં હરિજન આશ્રમ સ્થાપ્યો. મીઠાના સત્યાગ્રહથી લઇને ‘હિંદ છોડો’ સુધીની લડતોમાં સક્રિય ભાગ ભજવનારા અને કુલ મળીને સાત વર્ષ જેલવાસ ભોગવનારા બળવંતરાયે મેડમ ક્યુરીના જીવનચરિત્રનો ગુજરાતી અનુવાદ પણ કરેલો. 1948માં સૌરાષ્ટ્ર રાજ્યના નાયબ મુખ્યમંત્રી બનનારા બળવંતરાય 1952 અને 1957માં લોકસભામાં પણ ચૂંટાયા હતા. સપ્ટેમ્બર 1963માં તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.

હિતેન્દ્ર દેસાઈ
1965થી 1971 દરમિયાન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બનનારા હિતેન્દ્ર કનૈયાલાલ દેસાઈ સુરતના જમીનદારને ત્યાં જન્મેલા. બાળપણમાં ક્રિકેટના ભારે શોખીન હિતેન્દ્રભાઈએ 193૦માં માત્ર સોળ વર્ષની વયે સત્યાગ્રહમાં ભાગ લઈ કારાવાસ વેઠ્યો હતો. અર્થશાસ્ત્રના વિષયમાં સુવર્ણચંદ્રક મેળવી બી.એ. ઑનર્સની પદવી પ્રાપ્ત કરી તથા એલએલ.બી.નો અભ્યાસ પૂરો કર્યો. ‘હિંદ છોડો’ આંદોલનમાં ભાગ લઇને કારાવાસ ભોગવનારા હિતેન્દ્રભાઈએ 1943માં સુરતથી વકીલાત શરૂ કરી. સાથોસાથ તેઓ સુરત મ્યુનિસિપાલિટીના વહીવટમાં પણ સક્રિય બનેલા. 1957માં હિતેન્દ્રભાઈએ વકીલાત છોડી અને માંગરોળ મતક્ષેત્રમાંથી મુંબઈની વિધાનસભા માટે ચૂંટાયા અને મુંબઈ રાજ્યના શિક્ષણમંત્રી બન્યા. ગુજરાત રાજ્યની સ્થાપના થતા ડૉ. જીવરાજ મહેતાની સરકારમાં કેબિનેટ મંત્રી બન્યા. 1965માં તત્કાલીન મુખ્યમંત્રી બળવંતરાય મહેતાનું આકસ્મિક અવસાન થતાં હિતેન્દ્રભાઈની મુખ્યમંત્રી તરીકે વરણી કરવામાં આવી.

ઘનશ્યામ ઓઝા
ઈ.સ. 1911માં ઉમરાળા ખાતે જન્મેલા ઘનશ્યામભાઈ છોટાલાલ ઓઝાએ પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ વઢવાણ કૅમ્પ, સુરેન્દ્રનગર ખાતે લીધું હતું. ઇતિહાસ, અર્થશાસ્ત્ર સાથે બી.એ. સુધીનું શિક્ષણ ભાવનગરની શામળદાસ કૉલેજમાં લીધું. કૉલેજકાળ દરમિયાન વિદ્યાર્થી પ્રતિનિધિ સમિતિના પ્રમુખ હતા. એલએલ.બી.નો અભ્યાસ મુંબઈમાં કર્યો. મીઠાના કાયદાના સત્યાગ્રહમાં સક્રિય ભાગ લેનારા ઘનશ્યામ ઓઝાએ વઢવાણ કૅમ્પમાં પિતા સાથે રહીને વકીલાત શરૂ કરી હતી. ભાવનગર રાજ્યમાં જવાબદાર તંત્રના પ્રધાનમંડળમાં તે ગૃહ ખાતાના પ્રધાન હતા. 1948માં સૌરાષ્ટ્ર રાજ્યની રચના થતાં ઉછરંગરાય ઢેબરના મંત્રીમંડળમાં તેમણે શિક્ષણ અને મજૂર ખાતાં સંભાળ્યાં હતાં. ભારતની લોકસભામાં પ્રથમ સુરેન્દ્રનગરના અને પછી રાજકોટના પ્રતિનિધિ તરીકે અનુક્રમે 1957 અને 1971માં ચૂંટાયા હતા. ઇન્દિરા ગાંધીના કહેવાથી 1972માં તેમણે ગુજરાત રાજ્યનું મુખ્યમંત્રીપદ સ્વીકાર્યું હતું અને દહેગામની વિધાનસભાની બેઠક પરથી ચૂંટાયા હતા.

ચીમનભાઈ પટેલ
ગુજરાતના રાજકીય ઇતિહાસમાં જેમને કુશળ રાજનીતિજ્ઞનું છોગું આપી શકાય તેવા ચીમનભાઈ જીવાભાઈ પટેલ 1929માં સંખેડા (છોટા ઉદેપુર) ખાતે જન્મ્યા હતા. ખેડૂત પરિવારના ફરજંદ એવા ચીમનભાઈએ ચિખોદરામાં પ્રાથમિક શિક્ષણ, કોસિન્દ્રા તથા વડોદરામાં માધ્યમિક શિક્ષણ લીધું હતું. તેમણે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરામાંથી 1951માં અર્થશાસ્ત્ર અને વસ્તીશાસ્ત્ર સાથે ગ્રેજ્યુએટ અને 1953માં પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. આ જ યુનિવર્સિટીમાં લેક્ચરર તરીકે કાર્ય કરનારા ચીમનભાઈ સ્ટુડન્ટ પોલિટિક્સમાં ખાસ્સા સક્રિય રહ્યા હતા. 1967માં સંખેડા મતવિસ્તારમાંથી વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. જુલાઈ, 1973ના રોજ તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.

બાબુભાઈ જશભાઈ પટેલ
નડિયાદ અને વડતાલમાં અનુક્રમે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લેનારા બાબુભાઈ જશભાઈ પટેલનો જન્મ 1911માં નડિયાદ ખાતે જ થયો હતો. ઉચ્ચશિક્ષણ વડોદરાની કૉલેજ, પુણેની ફર્ગ્યુસન અને મુંબઈની વિલ્સન કૉલેજમાં લીધું. અભ્યાસકાળ દરમિયાન હડતાળો પાડવી, સેવાદળમાં તાલીમ લેવી વગેરેમાં સક્રિય રહેતા. 1930માં વિલ્સન કૉલેજના ‘યુગાન્તર’ સાપ્તાહિકના ‘મૅનેજર’ તરીકે કામ કર્યું. 1930 અને 1932માં સવિનય કાનૂનભંગની લડતમાં બે કટકે તેમણે લગભગ અઢી વર્ષનો કારાવાસ પણ ભોગવ્યો હતો. ઘરે ખાદી કાંતીને પહેરનારા બાબુભાઈ 1958થી 1961 દરમિયાન સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગરના કુલપતિ રહ્યા હતા. મુંબઈ રાજ્યમાં સફળતાપૂર્વક કાર્ય કરનારા બાબુભાઈ પટેલ 1967માં નડિયાદથી ચૂંટાયા અને તત્કાલીન મુખ્યમંત્રી હિતેન્દ્રભાઈ દેસાઈના મંત્રીમંડળમાં મંત્રી પણ બન્યા. ઇન્દિરા ગાંધી પ્રેરિત કટોકટી વખતે સર્જાયેલા મતભેદોને કારણે તેમણે કોંગ્રેસ છોડ્યું અને જૂન, 1975માં ગુજરાતની પ્રથમ બિનકાગ્રેસી જનતા મોરચાની સરકારની રચના કરી અને તેના મુખ્યમંત્રી બન્યા.

માધવસિંહ સોલંકી
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના પિલુદર ગામે અત્યંત સાધારણ પરિવારમાં 1927માં જન્મેલા માધવસિંહ ફૂલસિંહ સોલંકીએ તમામ પ્રતિકૂળ સંજોગો છતાં ઉચ્ચ અભ્યાસ મેળવ્યો. પોતાની ધગશ અને ખંતથી તેમણે ઇકોનોમિક્સ અને પોલિટિકલ સાયન્સમાં સ્નાતકની પદવી મેળવી. એટલું જ નહીં, તેમણે LLB કરીને કાયદાની સનદ પણ મેળવી હતી. તેમણે પત્રકારત્વથી કારકિર્દી શરૂ કરી, થોડા સમય માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રકાશન અધિકારી રહ્યા, લૉ કોલેજમાં લેક્ચરર બન્યા અને હાઇકોર્ટમાં વકીલાત પણ કરી. આટલી વૈવિધ્યપૂર્ણ કારકિર્દીમાં તેમણે રાજકારણનો વધુ એક રંગ ઉમેર્યો. 1957માં બોરસદથી ચૂંટાઈને મુંબઈ રાજ્યની વિધાનસભામાં પ્રવેશ્યા. 1962થી લગભગ સતત તેઓ ગુજરાત રાજકારણમાં કોઈ ને કોઈ બંધારણીય હોદ્દે રહ્યા. તેઓ એક, બે નહીં, બલકે ચાર વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. ડિસેમ્બર 1976થી એપ્રિલ 1977, ફરી જૂન 1980થી ડિસેમ્બર 1984 સુધી અને ત્રીજીવાર માર્ચ, 1985માં તેઓ ત્રીજી વાર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા. ચોથીવાર ઑક્ટોબર 1989માં તેઓ માત્ર ત્રણ મહિના માટે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.

અમરસિંહ ચૌધરી
ચૌધરી આદિવાસી એવા અમરસિંહ 1941માં વ્યારાના ડોલવણ ખાતે જન્મ્યા હતા. ખેડૂત પિતાના આ પુત્રે વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાંથી BE સિવિલનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ સુરત જિલ્લા પંચાયતમાં જુનિયર ઇજનેર તરીકે જોડાયા હતા. 1971માં તેમણે નોકરી છોડી સક્રિય રાજકારણમાં ઝંપલાવ્યું. એક જ વર્ષમાં તેઓ વ્યારાથી ધારાસભ્ય બન્યા. 1985માં અનામત વિરોધી આંદોલનમાં માધવસિંહ સોલંકીની સરકાર જતાં અમરસિંહ ચૌધરી મુખ્યમંત્રી બન્યા અને 1989 સુધી આ પદ પર રહ્યા.

છબીલદાસ મહેતા
છબીલદાસ મહેતાનો જન્મ 1925માં મહુવા ખાતે થયેલો. 1942માં ભારત છોડો આંદોલનમાં ભાગ લેવા માટે તેમણે હાઇસ્કૂલનો અભ્યાસ છોડી દીધો હતો. શરૂઆતથી જ કર્મશીલનો મિજાજ ધરાવતા છબીલદાસભાઈ સૌપ્રથમ મહુવા મ્યુનિસિપાલિટીના પ્રેસિડન્ટ બન્યા હતા. ત્યારબાદ મુંબઈ રાજ્યની વિધાનસભામાં સભ્ય પણ બન્યા હતા. ગુજરાતને અલાયદા રાજ્યનો દરજ્જો અપાવવા માટેની મહાગુજરાત ચળવળમાં તેમણે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. 1962માં તેઓ સ્વતંત્ર ગુજરાતમાં પહેલીવાર મહુવાથી ચૂંટાયા. આ બેઠક તેમણે છેક 1980 સુધી જાળવી રાખેલી. તેમણે પ્રજા સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ, જનતા પાર્ટી, જનતા દળ અને ત્યારબાદ ફરીથી તેઓ કોંગ્રેસ સાથે જોડાયા હતા. 1994માં ચીમનભાઈ પટેલના આકસ્મિક અવસાન પછી તેમણે મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળેલો.

કેશુભાઈ પટેલ
1928માં રાજકોટ ખાતે ખેડૂત પરિવારમાં જન્મેલા કેશુભાઈ સવદાસભાઈ પટેલ વિદ્યાર્થીકાળમાં કૂવા ગાળવાનાં તેમજ છૂટક મજૂરીનાં કામ કરતા. 15 વર્ષની કિશોરાવસ્થામાં રાજકોટની આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં અભ્યાસ કરતા કેશુભાઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સિદ્ધાંતોથી અને કાર્યપદ્ધતિથી પ્રભાવિત થયા અને તેના સભ્ય બન્યા. 1948માં RSSના નાથુરામ ગોડસે દ્વારા ગાંધીજીની હત્યા પછી તત્કાલીન ભારત સરકારે RSS પર પ્રતિબંધ મૂક્યો. ત્યારે દેશના ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ હતા. આ પ્રતિબંધ સામે દેશવ્યાપી વિરોધ ફાટી નીકળ્યો. તેના ભાગરૂપે રાજકોટમાં સરઘસ કાઢવા બદલ કેશુભાઈ પટેલની ધરપકડ થઈ અને તેમને છ માસની જેલની સજા થઈ. ત્યાંથી તેમનો અભ્યાસ અટક્યો, તે પછી ક્યારેય તેઓ સ્કૂલ-કોલેજનાં પગથિયાં ચડી શક્યાં નહીં.

1969થી 1974 દરમિયાન તેઓ ગુજરાત પ્રદેશ ઉપ-પ્રમુખ તેમજ પ્રમુખના હોદ્દા પર કાર્યરત રહ્યા. 1975માં બાબુભાઈ જશભાઈ પટેલની સરકાર આવી ત્યારે કેશુભાઈ પણ ચૂંટાઈને ગાંધીનગર પહોંચ્યા અને સિંચાઈ તથા કૃષિવિભાગના મંત્રી બન્યા. 14 માર્ચ 1995ના રોજ 121 બેઠકોની જંગી બહુમતી સાથે રાજ્યમાં પ્રથમ વખત ભાજપની સરકાર આવી અને કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા. પરંતુ એ જ વર્ષે શંકરસિંહ વાઘેલાએ બળવો કર્યો અને કેશુભાઈએ રાજીનામું આપવું પડ્યું. એ પછી ગુજરાતમાં બબ્બે વખત સત્તાપરિવર્તન થયાં અને 117 સીટની જીત સાથે 1998માં કેશુભાઈ પટેલ ફરીવાર મુખ્યમંત્રી બન્યા. પરંતુ 2001ના કાળમુખા ધરતીકંપમાં કેશુભાઈ પટેલ સરકારની નબળી કાર્યવાહીની ફરિયાદોને પગલે તેમને આ પદ છોડવું પડ્યું અને નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. પાંચ-પાંચ વખત વિધાનસભામાં ચૂંટાનારા કેશુભાઈએ બબ્બે ચૂંટણીમાં અનુક્રમે 121 અને 117 સીટો મેળવી હોવા છતાં એકેય વાર તેઓ પોતાનો કાર્યકાળ પૂરો ન કરી શક્યા.

સુરેશ મહેતા
1936માં કચ્છના માંડવી ખાતે જન્મેલા સુરેશચંદ્ર રૂપશંકર મહેતાએ BA અને ત્યારબાદ LLBનો અભ્યાસ કર્યો હતો. શંકરસિંહ વાઘેલા જ્યારે બળવો કરીને કોંગ્રેસના ટેકાથી મુખ્યમંત્રી બન્યા, ત્યારે ભાજપમાં વધુ તડાં પડતાં અટકાવવા માટે ભાજપના વરિષ્ઠ નેતા અટલ બિહારી વાજપેયી ગુજરાત દોડી આવ્યા હતા. સમાધાનની ફોર્મ્યૂલાના ભાગરૂપે તટસ્થ એવા સુરેશ મહેતા મુખ્યમંત્રી બન્યા હતા. અલબત્ત, તેમણે 1995થી 1996માં એક વર્ષ કરતાં પણ ઓછા સમય માટે મુખ્યમંત્રી પદ ભોગવ્યું હતું.

શંકરસિંહ વાઘેલા
‘બાપુ’ના હુલામણા નામે ઓળખાતા શંકરસિંહ લક્ષ્મણસિંહ વાઘેલા 1940માં ગાંધીનગર પાસેના વાસન ખાતે જન્મ્યા હતા. ખેડૂત પરિવારમાં જન્મેલા આ બળવાખોર નેતાએ પ્રાથમિક શિક્ષણ વાસનમાં અને માધ્યમિક શિક્ષણ રાંધેજામાં લીધું હતું. 1962માં જી. એલ. એસ. આર્ટ્સ કૉલેજ, અમદાવાદમાંથી અર્થશાસ્ત્ર અને ગુજરાતી વિષય સાથે સ્નાતકની અને એમ. એન. કૉલેજ, વિસનગરમાંથી અર્થશાસ્ત્ર અને ઇતિહાસ વિષય સાથે અનુસ્નાતક પદવી મેળવી. 1958થી એન.સી.સી. કૅડેટ તરીકે જોડાયા અને સિનિયર અન્ડર ઑફિસર બન્યા. 1962માં ચીનના આક્રમણ પછી ઍડવાન્સ લીડરશિપ કોર્સ કરી કૂલુ-મનાલી ખાતે અઘરી તાલીમ લઈ વૉરન્ટ-ઑફિસર ક્લાસ-1ની શ્રેણીમાં ભરતી થયા. ત્યાર બાદ તેમણે વિસનગર, ઊંઝા, સિદ્ધપુર, પાટણ વગેરે સ્થળોએ આ અંગેની તાલીમ આપી. 1977માં કપડવંજના સાંસદ રહેલા શંકરસિંહ ત્યારે સૌથી નાની વયના સાંસદ બનેલા. 1984માં રાજ્યસભામાં તેમણે સૌથી વધુ મતોથી જીત મેળવેલી. ભાજપમાંથી 1989માં ગાંધીનગરથી અને 1991માં ગોધરાથી તથા 1999માં કૉંગ્રેસના ઉમેદવાર તરીકે કપડવંજમાંથી લોકસભામાં ચૂંટાયા હતા. 1996માં પક્ષમાં બળવો કરીને ‘રાષ્ટ્રીય જનતા પક્ષ’ની સ્થાપના કરી અને કોંગ્રેસના ટેકાથી 23 ઑક્ટોબર 1996ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. પાછળથી પરાજય મળતા તેમનો પક્ષ કોંગ્રેસમાં વિલીન થયો.

દિલીપ પરીખ
મુંબૈયા ગુજરાતી એવા દિલીપ પરીખ 1937માં મુંબઈ ખાતે જન્મ્યા હતા. તેમણે ગુજરાત યુનિવર્સિટીની બી.એ. (અર્થશાસ્ત્ર) તથા એલએલ.બી.ની પદવીઓ મેળવી હતી. અનેક વેપારી સંસ્થાઓના પ્રમુખ તથા સભ્ય રહેલા દિલીપ પરીખ આઠમી અને નવમી વિધાનસભામાં ચૂંટાયા હતા. તેઓ કેશુભાઈ પટેલ સરકારમાં અને શંકરસિંહ વાઘેલાની બળવાખોર સરકાર એમ બંનેમાં ઉદ્યોગપ્રધાન બન્યા હતા. 1997માં જ્યારે કોંગ્રેસે ટેકો પાછો ખેંચી લેતાં શંકરસિંહ વાઘેલાની સરકાર ગઈ, ત્યારપછી દિલીપ પરીખને મુખ્યમંત્રી બનાવાયા હતા.

નરેન્દ્ર મોદી
આઝાદ ભારતમાં જન્મ્યા હોય તેવા ગુજરાતના સૌપ્રથમ મુખ્યમંત્રી એવા નરેન્દ્ર મોદીનો જન્મ 1950માં વડનગર ખાતે થયેલો. વડનગરની બી. એન. હાઈસ્કૂલમાં અભ્યાસ કરીને તેઓ રાજ્યશાસ્ત્ર વિષયમાં દિલ્હી યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા હતા. 1983માં તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી અનુસ્નાતકની પદવી મેળવી હતી. 1965માં પંદર વર્ષની વયે તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા અને 1972માં તેના પૂર્ણ સમયના પ્રચારક બન્યા. 1995ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 121 બેઠકો સાથે બે-તૃતીયાંશ બહુમતી મળી એમાં તેમની ચૂંટણી વ્યૂહરચનાની ખૂબ જ મહત્ત્વની ભૂમિકા હતી. ધરતીકંપમાં નબળી કામગીરીના આક્ષેપો પછી કેશુભાઈ પટેલને મુખ્યમંત્રી પદ છોડવું પડ્યું ત્યારબાદ 7મી ઓક્ટોબર, 2001ના રોજ નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રીપદે શપથ ગ્રહણ કર્યા. ત્યારપછીથી સતત તેઓ ગુજરાતના મુખ્યમંત્રી પદે અને 2014થી દેશના વડાપ્રધાન પદે રહ્યા છે.

આનંદીબેન પટેલ
આનંદીબેન પટેલ મહેસાણાના વિજાપુર તાલુકાના ખરોડ ગામે 1941માં જન્મ્યાં હતાં. તેમણે MSc સુધીનો અભ્યાસ કર્યો અને સુવર્ણચંદ્રક મેળવ્યો. ત્યાર પછી MEdની પદવી પ્રાપ્ત કરી. 1968થી અમદાવાદની મોહિનાબા કન્યા વિદ્યાલયમાં ગણિત-વિજ્ઞાનનાં શિક્ષિકા અને પછીથી એ જ શાળામાં 1988થી આચાર્યા તરીકે કામગીરી બજાવી. 1986થી તેઓ સક્રિય રાજકારણમાં પ્રવેશ્યાં. 1994થી 1998 સુધી તેઓ ભારત સરકારની રાજ્યસભાનાં સભ્ય હતાં. 1998માં તેમણે રાજ્યસભાનું સભ્યપદ છોડી રાજ્ય-સરકારમાં જોડાવાનું પસંદ કર્યું અને તરત તેઓ કેશુભાઈ પટેલના મંત્રીમંડળમાં શિક્ષણમંત્રી બન્યાં હતાં. 1998માં માંડલ વિધાનસભા મતવિસ્તાર, પછીથી બે વાર પાટણ વિધાનસભા મતવિસ્તાર અને છેલ્લે 2012માં ઘાટલોડિયા મતવિસ્તારમાંથી તેઓ જે તે બેઠકના વિજેતા ઉમેદવાર ઘોષિત થયાં હતાં. ગુજરાત રાજ્યનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકેની જવાબદારીઓ તેમણે મે, 2014થી ઑગસ્ટ, 2016 સુધી સંભાળી. નિવૃત્તિવયને કારણે તેમણે આ હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું.

વિજય રૂપાણી
1956માં બર્મા (અત્યારના મ્યાનમાર)ના રંગૂનમાં જન્મેલા વિજય રૂપાણીનો પરિવાર સાઠના દાયકામાં રાજકોટ આવીને વસ્યો હતો. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી LLBનો અભ્યાસ કર્યો છે. ABVP, RSS અને ત્યારબાદ BJPમાં જોડાયેલા રૂપાણી પહેલીવાર 1987માં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જીતીને કોર્પોરેટર બન્યા હતા. 1996-1997 દરમિયાન રાજકોટના મેયર અને 2006-2012 દરમિયાન રાજ્યસભાના સભ્ય રહ્યા હતા. 2014માં રાજકોટ (પશ્ચિમ)ની બેઠક પરથી તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને આનંદીબેન પટેલની સરકારમાં મંત્રી બન્યા હતા. 2016માં આનંદીબેનના રાજીનામા પછી તેઓ ગુજરાતના 16મા મુખ્યમંત્રી બન્યા હતા. 2017ની ચૂંટણીમાં પણ જંગી બહુમતી મળતાં તેઓ ફરીવાર મુખ્યમંત્રી બન્યા હતા. ગયા વર્ષે તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું.

ભૂપેન્દ્ર પટેલ
1962માં અમદાવાદમાં જન્મેલા ભૂપેન્દ્ર પટેલ વ્યવસાયે બિલ્ડર અને ઘાટલોડિયાના ધારાસભ્ય તથા ગુજરાતના 17મા તથા વર્તમાન મુખ્યમંત્રી છે. સિવિલ એન્જિનિયરિંગના અભ્યાસ દરમિયાન જ તેઓ RSSમાં જોડાયા હતા. 2017ની ચૂંટણીમાં તેમણે ઘાટલોડિયા મતવિસ્તારથી વિધાનસભાની ચૂંટણી લડી હતી, જેમાં તેઓ 1.17 લાખ મતોની જંગી સરસાઈથી જીત્યા હતા.

અન્ય સમાચારો પણ છે...