Editor's View, ગુજરાતમાં ભાજપને મોટો ડર:મોદી-શાહ પ્રચારની પેટર્ન બદલવા મજબૂર, ભરીસભામાં કેજરીવાલને ફોલો કરતાં દેખાયા

10 દિવસ પહેલા

નમસ્કાર...

ભાજપમાં પ્રચારની એક પેટર્ન હતી કે મોદી જાય તો શાહ આવે, એ પેટર્ન હવે થોડી બદલાઈ જાય છે. ભાજપના શબ્દોમાં જ કહીએ તો બંને સ્ટારપ્રચારકો હવે ખરા અર્થમાં કાર્પેટ બોમ્બિંગ કરી રહ્યા છે.

બીજી બાજુ, કોંગ્રેસના સ્ટારપ્રચારકોમાંથી મોટા ભાગનાએ હજી ગુજરાતમાં ખાતું પણ નથી ખોલાવ્યું. આવતા મંગળવારે તો પહેલા તબક્કાના પ્રચાર માટેનો સમય પણ પૂરો થઈ જશે. કોંગ્રેસના જે ઉમેદવારો લડે છે એ તેમના પોતાના જોરે પ્રચારમાં લાગી ગયા છે. તેમના સ્ટારપ્રચારકો આવીને કંઈ કમાલ કરી જશે એવો તેમને હવે ભરોસો નથી. સ્ટારપ્રચારકમાં જેમનું નામ નથી એવા કોંગ્રેસના ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી મનીષ તિવારીએ આવીને પ્રેસ-કોન્ફરન્સ કરીને ભાજપની કેન્દ્ર તથા ગુજરાત સરકારની નીતિઓને ટીકા કરી નાખી. એક તરફ તેમની પ્રેસ-કોન્ફરન્સ ચાલુ હતી તો બીજી બાજુ કોંગ્રેસના અમદાવાદના એક ઉમેદવાર ખુલ્લી જીપમાં પ્રચાર કરવા નીકળ્યા હતા અને તેમની જીપ બગડી. જીપમાં બેઠેલા સાથીઓએ ધક્કા મારીને જીપને ચલાવવી પડી..

આટલું ઓછું હોય એમ વીરમગામથી લડી રહેલા હાર્દિક પટેલે કોંગ્રેસમાં વધુ એક ભંગાણ પાડ્યું. અનામત આંદોલન પછી કોંગ્રેસમાં જોડાયેલા કેટલાક કાર્યકરો હાર્દિક સાથે જોડાવાની વાત આવી છે. લાગે છે કે હવે હાર્દિકને ભાજપની સ્ટાઇલ ફાવી ગઈ છે. અરે, એ જ કોંગ્રેસને તોડવાની…

જોકે તડજોડની રાજનીતિ તો છેલ્લાં કેટલાંય વર્ષોથી ગુજરાતમાં એક પાર્ટી બહુ ઠંડા કલેજે કરી રહી છે. શરદ પવારની પાર્ટી એનસીપીનું કોંગ્રેસ સાથે 3 સીટ પર “અંડરસ્ટેન્ડિંગ” હતું. એના ભાગરૂપે પંચમહાલની દેવગઢ બારિયા સીટ પરના તેના ઉમેદવારે છેલ્લી ઘડીએ ફોર્મ પાછું ખેંચી લીધું, એટલે અહીં એવો ઘાટ થયો કે એનસીપીનો પણ ઉમેદવાર નથી અને કોંગ્રેસના પણ નથી. એનસીપીના જ નેતાઓએ હવે પૈસા લઇને ભાજપ સાથે સોદો કરી લીધા હોવાનો આક્ષેપ કર્યો છે. જો એવું હોય તો આમાં તો વકરો એટલો નફો બીજું શું?

મોદીએ ભાવનગરમાં આજે એક નવી વાત કરી. તેમણે કહ્યું 'હું શાળામાં ભણતો હતો ત્યારે ભાવનગર કયા ખૂણામાં આવ્યું એની ખબર ન હતી. એ સમયે શાળામાં એક નાટકમાં મને કૃષ્ણકુમારસિંહજીનો રોલ કરવા પસંદ કર્યો હતો.'

ભારત આઝાદ બન્યો પછી કૃષ્ણકુમારસિંહજી પહેલા રાજા હતા, જેમણે રિપબ્લિક ઓફ ઇન્ડિયામાં પોતાનું રજવાડું વિલીન કરવાની જાહેરાત કરી હતી. એ સંદર્ભમાં મોદીએ એવું પણ કહ્યું કે મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને મજબૂત કરી હતી.

બાય ધ વે, થોડા સમય પહેલાં ભાવનગરમાં પ્રચારમાં આવેલા કેજરીવાલે કૃષ્ણકુમારસિંહજીને ભારતરત્ન આપવાની માગણી કરી હતી. હવે મોદીજીએ બુધવારે જે કહ્યું એના પરથી લાગે છે કે ભાવગરના પ્રજા વત્સલ અને અત્યંત લોકપ્રિય રાજાને મરણોપરાંત ભારતરત્ન મળે તો નવાઇ નહિ.

આવા જ ઇન્ટરેસ્ટિંગ વીડિયો એનાલિસિસ માટે જોતા રહો દિવ્ય ભાસ્કર એપ અને વાંચો ગેમ ઓફ ગુજરાત.

આવતીકાલે ફરી મળીએ

ધન્યવાદ