ELECTION રાઉન્ડઅપ:ભરીસભામાંથી મોદીએ ભાજપ-કૉંગ્રેસ વચ્ચેનો ફરક બતાવ્યો, અમિત શાહે કેજરીવાલને 'ડાહ્યા માણસ' કેમ કહ્યાં? જુઓ ચૂંટણીના 6 સૌથી મોટા સમાચાર

7 દિવસ પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગતિવિધિઓ પણ તેજ થઈ રહી છે.સત્તાનાં સંગ્રામમાં તમામ પક્ષોના આગેવાનોએ ગુજરાતમાં ધામા નાખ્યા છે.એક બીજા પર આરોપ પ્રત્યારોપનો દૌર ચાલી રહ્યો છે.રોજ રોજ સભાઓ થઈ રહી છે.ઉમેદવારોના નામોની જાહેરાતો થઈ ગઈ છે. કોઈ નેતા નામ જાહેર થતાં ખુશ છે તો કોઈ નેતા રોષે ભરાયા છે. ત્યારે દિવસભરની તામામ રાજકીય અપડેટ માટે દિવ્ય ભાસ્કર લઈને આવ્યુ છે ઈલેક્શન રાઉન્ડ અપ ન્યુઝ બુલેટિન.જેમાં દિવસભરની તમામ મહત્વની રાજકીય ખબરોનો ચિતાર મળશે સંક્ષિપ્તમાં. બુલેટિન જોવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો

PM મોદી પ્રચારનાં મેદાનમાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસના અંતરાલ બાદ ફરી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. આજે મોદીની ગુજરાતમાં ચાર સભા સંબોધી. જેમાં મહેસામા,દાહોદ, વડોદરા અને ભાવનગરમાં સભા સંબોધી.દાહોદમાં વડાપ્રધાને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસે 60 વર્ષ રાજ કર્યું પણ આદિવાસીને રાષ્ટ્રપતિ ન બનાવ્યા. પંચાયતથી પાર્લામેન્ટ સુધી સરકાર હતી પણ તમારી ચિંતા ન કરી. રાહુલ ગાંધીનું નામ લીધા વગર પ્રહાર કરતા કહ્યું કે, એકભાઇ પદ માટે પદયાત્રા કરી રહ્યા છે અને આદિવાસીઓની વાત કરે છે, હું તેમને પૂછીશ કે જ્યારે ભાજપે આદિવાસી બહેનને રાષ્ટ્રપતિ બનાવ્યા ત્યારે ક્યાં હતા? તેમણે મોઢુ તો ન બતાવ્યું પણ ઉપરથી એમને હરાવવા માટે પેતરા કર્યા, આ કોંગ્રસની માનસિકતા છે. કોંગ્રેસ જીતે તો એ લોકો મોઢું જ ન બતાવે, અમે હંમેશા તમારી સાથે ઊભા છીએ.

અમિત શાહે કેજરીવાલને 'ડાહ્યા' માણસ ગણાવ્યા
આજે જસદણ ખાતે ગૃહમંત્રી અમિત શાહ પણ જસદણ ખાતે ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયાના પ્રચાર-પ્રસાર અર્થે સભા ગજાવી હતી.જ્યાં તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, 'જે કોંગ્રસ 27 વર્ષથી સત્તામાં જ નથી તેનું ક્યું કામ બોલે છે!' આ ઉપરાંત રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા અંગે કટાક્ષ કરતા કહ્યું હતું કે,'રાહુલ બાબા ગુજરાતના ઘા પર મીઠુ ભભરાવવા નીકળ્યા છો?' એટલું જ નહીં કેજરીવાલ પર પણ પ્રહારો કરતા કહ્યુ કે કેજરીવાલે મેધા પાટકરને દિલ્લીમાં ટિકિટ આપી હતી પણ ડાહ્યા માણસ છે એટલે સમજણ પડે કે સંબંધો જેવા હોય એવા અત્યારે ગુજરાતમાં ના લવાયા. નોંધનીય છે કે આજે જસદણ કોંગ્રેસ અને AAPનાં કેટલાક હોદ્દેદારો ભાજપમાં જોડાયા હતા અને અમિત શાહનાં હાથે ભગવો ખેસ ધારણ કર્યો હતો.

મેવાણીનાં વળતા પ્રહાર
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો રંગ જામ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને AAPના નેતાઓ રેલીઓ અને સભાઓ ગજવી રહ્યા છે. આજે બનાસકાંઠાના થરામાં કોંગ્રેસની સભા હતી. જેમાં જીગ્નેશ મેવાણીએ કોંગ્રેસે 70 વર્ષમાં શું કર્યું તેનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, નર્મદા ડેમના પાયાની પહેલી ઈંટ કોંગ્રેસ પાર્ટીએ મૂકી હતી. મોદી સાહેબ વડનગરની જે સ્કૂલમાં તમે ભણ્યા તે કોંગ્રેસે બનાવી હતી. આપણા ગામની પાણીની ટાંકી કોંગ્રેસે બનાવી, તાલુકાનો રોડ-રસ્તો કોંગ્રેસે બનાવ્યો, તાલુકાની કચેરી ગુજરાતના 33 જિલ્લાની પંચાયતોના મકાનો, GEBની ઓફિસ, સરકારી કચેરીઓ, કલેક્ટર કચેરીઓ આ તમામે તમામ કોંગ્રેસ પાર્ટીએ બનાવી હતી અને આપણને પૂછે છે 70 વર્ષમાં કોંગ્રેસે શું કર્યું.

શંકર ચૌધરીએ બળાપો કાઢ્યો
થરાદ વિધાનસભા બેઠક પર ભાજરના કાર્યકર્તાઓને વિરોધીઓ ધમકાવતા હોવાનો બળાપો શંકર ચૌધરીએ જાહેર મંચ પરથી ઠાલવ્યો હતો. જેનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ચૌધરી વિરોધીઓને ચેતવણી આપતા રહે છે કે, 'કામ કરતાં કરતાં મારા કોઇ કાર્યકર્તાને, પ્રજાને કોઇ રંજાડવાનો પ્રયત્ન કરશે તો એ મારા કાર્યકર્તા સામે નહીં મારી સાથે દુશ્મનાવટ કરી છે એવું માનજો. તમે કાર્યકર્તાને એકલો ના ગણો એમની સાથે હું છું. આ 'બી' પાવર સાથે કાર્યકર્તાઓને કહું છું કે તમને કોઇ મુશ્કેલી પડશે તો અડધી રાત્રે માથુ આપવાવાળો માણસ છું.'

PMની સભા પહેલા ટી-શર્ટ માટે પડાપડી
મહેસાણામાં વડાપ્રધાનના આગમન પહેલાં ભાજપની ટોપી અને ટીશર્ટ માટે માથાકૂટ થયાનાં દૃશ્યો સામે આવ્યાં છે. ભાજપના કાર્યકર્તાઓએ સભા ગ્રાઉન્ડ પર જ ટોપી અને ટીશર્ટનો ઢગલો કરી દેતાં લોકોની ધીરજ ખૂટતાં તેમણે પડાપડી કરી હતી. કેટલાક લોકો હાથમાં આવેલી ટીશર્ટને ખેંચતાણ કરતા જોવા મળ્યા હતા.મહેસાણાના એરોડ્રામ ગ્રાઉન્ડ પર આજે નરેન્દ્ર મોદી સભા ગજવવાના છે, ત્યારે વડાપ્રધાનને સાંભળવા લોકો વહેલી સવારથી જ આવવા લાગ્યા છે. આ વચ્ચે ભાજપના કાર્યકર્તાઓએ ટોપી અને ટીશર્ટનો ઢગલો કરી દીધો હતો, જેમાં વહેલા તે પહેલાંની જેમ સમર્થકોએ ટોપી, ટીશર્ટની લૂંટ ચલાવી હતી. એક ટીશર્ટ માટે ક્યાંક ચાર-ચાર તો ક્યાંક પાંચ-પાંચ લોકોએ ખેંચતાણ કરી હતી. પોલીસની હાજરીમાં લોકોનાં ટોળેટોળાં સામાન્ય ટોપીઓ લેવા પડાપડી કરતાં ભાજપના સ્થાનિક કાર્યકરોએ આવી મામલો શાંત પાડ્યો હતો.

'સીટનો સોદો 8 થી 10 કરોડમાં થયો'
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને NCP વચ્ચે ત્રણ બેઠક પર ગઠબંધન થયું હતું. જોકે, દેવગઢ બારિયાની બેઠક પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો હતો. તે ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું હતું. દેવગઢ બારિયા બેઠક પર ભાજપ સાથે એનસીપીએ ગોઠવણ કરી હોવાનો આક્ષેપ આજે એનસીપીના નેતા વિજય યાદવે કર્યો છે.યાદવે એનસીપીના ગુજરાતના પ્રમુખ જયંત પટેલ ઉર્ફે બોસ્કી પર આક્ષેપ કર્યો છે કે, દેવગઢ બારિયાની બેઠક પર 8થી 10 કરોડ રૂપિયામાં સોદો થયો છે. જેમાં ગોપસિંગ લવાર નામના ઉમેદવારની એનસીપી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. ગોપસિંગ ભાજપના ઉમેદવાર બચુ ખાવડનો ખાસ માણસ હતો અને એનસીપીએ તેને ઉમેદવાર તરીકે ત્યાં જાહેર કર્યો. બાદમાં 21મીએ બપોરે ગોપસિંગ દ્વારા ફોર્મ પાછું ખેંચી લેવામાં આવ્યું હતું, આ સમગ્ર ગોઠવણ હતી.

અન્ય સમાચારો પણ છે...