ભાસ્કર રિસર્ચતો બે સીટ પર જીતી શકે છે AAP:સુરતમાં મ્યુનિ. કોર્પોરેશનની પેટર્ન પ્રમાણે જ વિધાનસભામાં મત પડે તો AAPને કેટલી સીટ મળે? પરિણામ ભાજપની ઊંઘ હરામ કરી શકે છે

સુરત3 મહિનો પહેલાલેખક: પંકજ રામાણી/સુનીલ પાલડિયા

ગુજરાતમાં ચૂંટણીજંગનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. તમામ પાર્ટીઓએ મોટા ભાગના ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે. આ વખતે દેશભરના લોકો ગુજરાતની ચૂંટણી પર મીટ માંડીને બેઠા છે. બે વર્ષ બાદ યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ દેશના રાજકારણની દિશા બતાવનારાં રહેશે, કેમ કે ગુજરાતમાં ફક્ત ભાજપ અને કોંગ્રેસ જ નહીં, પણ હવે આમ આદમી પાર્ટીનું ભવિષ્ય પણ જોડાયેલું છે. આગામી લોકસભાની ચૂંટણીમાં મોદીનો સામનો રાહુલ ગાંધી કે કેજરીવાલમાંથી કોણ કરશે? આ સવાલનો જવાબ પણ મળી જશે.

ગુજરાત જ નહીં, દેશના લોકોને પણ આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ગુજરાતમાંથી ખરેખર કેટલી સીટ મળશે એ જાણવામાં ઉત્સુકતા છે. એમાં પણ ગુજરાતમાં AAPનો જ્યાં ઉદય થયો હતો એ સુરત શહેરમાં AAP કેવું પર્ફોર્મન્સ કરશે એની લઈને પણ અનેક ચર્ચાઓ થઈ રહી છે. આ ઉપરાંત પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાને ટિકિટ તેમજ ખુદ AAPના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા અને મહામંત્રી મનોજ સોરઠિયા મેદાનમાં ઊતર્યા છે ત્યારે AAP સુરતમાં કેટલી બેઠકો લઈ જશે એ સૌકોઈ જાણવા માગે છે.

ગુજરાતમાં AAPની તાકાતનો અંદાજો લગાવવો હોય તો ભૂતકાળમાં જવું પડે. વર્ષ 2021માં યોજાયેલી સુરત મહાનગરપાલિકમાં AAPએ 27 સીટ પર વિજય મેળવ્યો હતો, જેમાં કોંગ્રેસને એકપણ સીટ મળી નહોતી. AAPના નેતાઓ દાવો કરી રહ્યા છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં પણ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામનું પુનરાવર્તન થશે, જ્યારે ભાજપ આ વાતને નકારી રહ્યું છે. માની લઈએ કે જો આગામી વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર પ્રભુત્વવાળી સુરતની 6 સીટ પર કોર્પોરેશનની પેટર્ન પ્રમાણે જ મત પડે તો AAPને કેટલી સીટો મળે? અથવા ભાજપે કેટલી સીટો ગુમાવવી પડે?

આ અંગે દિવ્ય ભાસ્કરે મહાનગરપાલિકાના પરિણામનું સીટવાઇઝ તલસ્પર્સી એનાલિસિસ કર્યું છે.

કઈ રીતે કરી છે ગણતરી?

(1) જે મ્યુનિસિપલ વોર્ડ જે વિધાનસભામાં પડે છે એના વોટ એ વિધાનસભામાં ગણવામાં આવ્યા છે. આ ઉપરાંત જો કોઈ વોર્ડ બે વિધાનસભામાં આવતો હોય તો એ વોર્ડના 50-50 ટકા મતે બે વિધાનસભામાં વહેંચવામાં આવ્યા છે તેમજ જો કોઈ વોર્ડ ત્રણ વિધાનસભામાં પડતો હોય તો એ વોર્ડના 33.33 ટકા મત ત્રણ વિધાનસભા વચ્ચે વહેંચવામાં આવ્યા છે.

(2) મ્યુનિસિપલની ચૂંટણીમાં મતદારોને એક વોર્ડમાં કુલ ચાર ઉમેદવારની પેનલને વોટ આપવાના રહે છે, આથી વિધાનસભાની ગણતરી વખતે વોર્ડમાં પડેલા કુલ મતને ચાર વડે ભાગવામાં આવ્યા છે.

આ ગણતરી પ્રમાણે રિસર્ચ કરવામાં આવતાં સીટવાઇઝ આ પેટર્ન જોવા મળી રહી છે...

વરાછા સીટ
સૌરાષ્ટ્રના પાટીદારોનો ગઢ ગણાતા વરાછામાં આ વખતે ભાજપ-આપ વચ્ચે કાંટાની ટક્કર છે. અહીં AAPએ અહીં ગબ્બરના નામથી જાણીતા PAASના કન્વીનર અલ્પેશ કથીરિયાને મેદાનમાં ઉતાર્યા છે તો ભાજપે કુમાર કાનાણીને રિપીટ કર્યા છે. જ્યારે કોંગ્રેસે પ્રફુલ તોગડિયાને ટિકિટ આપી છે. ગઈ ચૂંટણીમાં પાટીદાર આંદોલનની અસર છતાં કોંગ્રેસના એ વખતના ઉમેદવાર ધીરુ ગજેરા સામે કુમાર કાનાણીનો 13 હજારથી વધુ મતથી વિજય થયો હતો.

વરાછામાં કોર્પોરેશનની પેટર્ન પ્રમાણે, મતની ગણતરી કરીએ તો અહીં AAPને 56,594 મત મળ્યા હતા, જ્યારે ભાજપને 28,810 મત મળ્યા હતા. આમ, ભાજપ કરતાં AAPને 27,784 વધુ મત મળ્યા હતા. વરાછા વિધાનસભામાં આખા વોર્ડ નંબર 4નો સમાવેશ થાય છે. આ ઉપરાંત વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 5નો અડધો ભાગ આવે છે.

વરાછાની આ રીતે કરવામાં આવી છે ગણતરી-
વરાછા વોર્ડમાં કુલ ત્રણ વોર્ડ નંબર 3, 4 અને 5નો સમાવેશ થાય છે, જેમાં વોર્ડ નંબર-3માં ભાજપની પેનલના ચારેય ઉમેદવારોને કુલ 78428 મત મળ્યા હતા, જેને ચાર વડે ભાગતા આ વોર્ડમાં ભાજપને સરેરાશ 19607 યુનિક મત મળ્યા હતા. હવે વોર્ડ નંબર-3નો બે વિધાનસભામાં સમાવેશ થાય છે, એટલે વરાછાના વોટની ગણતરી વખતે યુનિક વોટ 19,607ના બે ભાગ કરતાં આ વોર્ડમાં ભાજપને 9803 મતો મળ્યા ગણાય, જ્યારે વોર્ડ નંબર-4 ફક્ત વરાછામાં જ આવતો હોવાથી તેના તમામ વોટ વરાછા સીટમાં જ ગણવામાં આવ્યા છે. આ રીતે બંને પાર્ટીની બધા વોર્ડની ગણતરી કરવામાં આવી છે.

કતારગામ
સુરતની કતારગામ સીટ પર બે દિગ્ગજ નેતા આમને-સામને છે. ભાજપ દ્વારા મંત્રી વિનુ મોરડિયાને ફરી મેદાનમાં ઉતારાયા છે, જ્યારે સામે આમ આદમી પાર્ટીએ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાને ટિકિટ આપી છે. આ ઉપરાંત કોંગ્રેસે યુવા ચહેરો અને કોર્પોરેશની ચૂંટણી લડનાર પ્રજાપતિ સમાજના કલ્પેશ વરિયાને ટિકિટ આપી છે. ગઈ ચૂંટણીમાં કોંગ્રેસના જિજ્ઞેશ મેવાસા સામે ભાજપના વિનુ મોરડિયાનો 79 હજારના જંગી મતથી વિજય થયો હતો.

કતારગામમાં મ્યુનિસિપલની ચૂંટણી પ્રમાણે, મતદાન થાય તો AAP 42,762 મત લઈ જાય એમ છે, જ્યારે ભાજપને 56,480 મત મળે એમ છે. આમ AAP કરતાં અહીં ભાજપને 13,718 મત વધુ મળતા દેખાય છે. કતારગામમાં આખો વોર્ડ નંબર-7 આવે છે, જ્યારે વોર્ડ નંબર 6, 8 અને 12નો અમુક ભાગ આવે છે.

કરંજ
કરંજ સીટ પર પણ આ વખતે જોરદાર ફાઇટ છે. અહીં AAPના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાએ ભાજપના પ્રવીણ ઘોઘારીને પડકાર ફેંક્યો છે. જ્યારે કોંગ્રેસ તરફથી ઉમેદવાર ભારતી પટેલ મેદાનમાં છે. આ સીટ પર ગઈ વખતે પ્રવીણ ઘોઘારી કોંગ્રેસના ભાવેશ ભુંભળિયા સામે 35 હજારથી વધુની લીડથી જીત્યા હતા.

કોર્પોરેશનની ચૂંટણીના પરિણામ પર નજર કરીએ તો અહીંથી આમ આદમી પાર્ટીને 11,458 હજાર મત મળ્યા હતા, જ્યારે ભાજપના ખાતામાં 14,858 મત આવ્યા હતા. આમ, ભાજપને આપ કરતાં અહીં 3400 મત વધુ મળ્યા હતા. કરંજ વિધાનસભા વિસ્તારમાં વોર્ડ નંબર 14 અને 15ના અડધાથી વધુ ભાગનો સમાવેશ થાય છે.

સુરત ઉત્તર (સુરત નોર્થ)
સુરત ઉત્તર સીટ પર પણ પાટીદારોનો દબદબો છે. ભાજપે અહીં પણ ઉમેદવાર રિપીટ કરી સીટિંગ ધારાસભ્ય કાંતિ બલ્લરને ટિકિટ ફાળવી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ આ સીટ પર મહેન્દ્ર નાવડિયાને ઉતાર્યા છે. આ ઉપરાંત કોંગ્રેસ તરફથી અશોક પટેલ ચૂંટણી લડી રહ્યા છે. ગઈ ચૂંટણીમાં ભાજપના કાંતિ બલ્લરે કોંગ્રેસના દિનેશ કાછડિયાને 20 હજાર મતની લીડથી કરાવ્યા હતા.

મહાનગરપાલિકાના પરિણામ પર નજર કરીએ તો આપને અહીં 32,915 મત મળ્યા હતા, જ્યારે ભાજપે 53,825 મત કબજે કર્યા હતા. ભાજપને આપ કરતાં અહીં 20910 મત વધુ મળ્યા હતા. સુરત ઉત્તર વિધાનસભા સીટમાં વોર્ડ નંબર 5, 6, 8, 12 અને 13ના અમુક ભાગોનો સમાવેશ થાય છે.

કામરેજ
કામરેજ સીટ પર પણ આ ચૂંટણીમાં રસાકસી જામી છે. ભાજપે અહીં પ્રફુલ્લ પાનસેરિયાને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે આમ આદમી પાર્ટી તરફથી રામ ધડૂક મેદાનમાં છે. કોંગ્રેસે અહીંથી પાટીદાર ચહેરો નિલેશ કુંભાણીને ઉમેદવાર બનાવ્યા છે. ગઈ ચૂંટણીમાં ભાજપના વી ડી ઝાલાવડિયાએ કોંગ્રેસના અશોક ઝીરાવાલાને 28 હજાર મતની લીડથી હરાવ્યા હતા. રામ ધડૂક ગઈ ચૂંટણીમાં પણ આપ તરફથી અહીંથી જ ચૂંટણી લડ્યા હતા. જેમને નોટા કરતાં પણ ઓછા માત્ર 1454 મત મળ્યા હતા. નોટામાં 3413 મત પડ્યા હતા.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીનાં પરિણામ પર નજર કરીએ તો અહીં AAPને 111271 મત મળ્યા હતા, જ્યારે ભાજપને માત્ર 55048 મતથી સંતોષ માનવો પડ્યો હતો. ભાજપ અહીં AAPથી 56223 મતથી પાછળ રહી ગયુ હતું. કામરેજમાં મ્યુનિસિપાલિટીના વોર્ડ નંબર 2, 3, 16, 17નો અમુક ભાગ આવે છે. જ્યારે વોર્ડ નંબર 18 ત્રણ વિધાનસભામાં આવતો હોવાથી તેના ત્રીજા ભાગના વોટ ધ્યાનમાં લેવામાં આવ્યા છે.

ઓલપાડ
ઓલપાડમાં કોળી અને પાટીદાર વચ્ચે જંગ ખેલાશે. ભાજપે અહીં કોળી ઉમેદવાર મુકેશ પટેલને રિપીટ કર્યા છે, જ્યારે AAPએ PAASના કન્વીનર ધાર્મિક માલવિયાને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસ તરફથી સહકારી આગેવાન દર્શન નાયક ચૂંટણી લડી રહ્યા છે. ગઈ ચૂંટણીમાં ભાજપના મુકેશ પટેલનો કોંગ્રેસના યોગેન્દ્રસિંહ બાકરોલાને 61 હજાર મતની જંગી સરસાઈથી માત આપી હતી.

નોંધ- ઓલપાડ તાલુકા પંચાયત પર ભાજપનો કબજો છે, એટલે ઓલપાડમાં ભાજપની લીડ વધી શકે છે.
નોંધ- ઓલપાડ તાલુકા પંચાયત પર ભાજપનો કબજો છે, એટલે ઓલપાડમાં ભાજપની લીડ વધી શકે છે.

મ્યુનિસિપાલિટીના રિઝલ્ટ પર નજર કરીએ તો અહીંથી આપને 26,492 મત મળ્યા હતા, જ્યારે ભાજપને 26,536 મત મળ્યા હતા. આમ, અહીં ભાજપને આપ કરતાં માત્ર 44 મત વધુ હતા. ઓલપાડ વિધાનસભામાં મ્યુનિસિપાલિટીના વોર્ડ નંબર 1 અને 2ના અમુક ભાગનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઓલપાડ તાલુકા પંચાયતનો પણ ઓલપાડ વિધાનસભા સીટમાં સમાવેશ થાય છે, જ્યાં હાલ ભાજપનો કબજો છે.

ભાજપ પાસેથી બે સીટ ખૂંચવી શકે છે AAP
મ્યુનિસિપાલિટીની પેટર્ન પ્રમાણે મતદાન થયું તો વરાછા અને કામરેજ બેઠક ભાજપ પાસેથી AAP ખૂંચવી શકે છે, જ્યારે ઓલપાડ બેઠક પર કાંટાની ટક્કર થઈ શકે છે. આ ઉપરાંત બે બેઠક કતારગામ અને સુરત ઉત્તર (સુરત નોર્થ) બેઠક ભાજપ જાળવી શકે છે.

AAPનો દાવો- કોર્પોરેશનની પેટર્નથી વિધાનસભામાં મતદાશન થશે
આમ આદમી પાર્ટી દ્વારા હવે સૌથી વધુ એ જ પ્રયાસ હશે કે જે રીતે કોર્પોરેશનની પેટર્નમાં પાટીદારોએ ઉમેદવારને જોવા કરતાં પણ વધારે મહત્ત્વ આપના ચૂંટણીચિહ્ન ઝાડુને આપ્યું હતું. એવી જ રીતે એક આખો માહોલ ઊભો કરવો પડશે, જેથી મતદાર મત આમ આદમી પાર્ટીને જ આપે. જોકે આ વખતે સ્થિતિ થોડી એટલા માટે અલગ અને સરળ હશે કે જે ચહેરાઓ છે એ પણ જાણીતા હશે. જેથી લોકો સ્વાભાવિક રીતે જ મતદાન કરે ખરા એમાં કોઈ શંકા પણ નથી, કેમ કે જે પાસના કહેવાથી કોર્પોરેશનની અંદર જો આમ આદમી પાર્ટીને મત મળતા હોય તો આ જ વાત વિધાનસભામાં પણ લાગુ પડી શકે છે.

ભાજપનો દાવો- વિધાનસભાની ચૂંટણી અલગ ઈસ્યુ પર લડાતી હોય છે
કોર્પોરેશનની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીમાં અલગ અલગ ઈસ્યુ અને મુદ્દા પર મત પડતા હોય છે. હવે એ જોવાનું રહે છે કે કોર્પોરેશનની ચૂંટણી મુજબ આપની તરફેણમાં પરિણામ આવે છે કે ગઈ વિધાનસભા પ્રમાણે ભાજપની તરફેણમાં મત પડે છે. જોકે મુકાબલો રસાકસીભર્યો રહેશે એમાં કોઈ શંકા નથી.

તમામ 6 સીટો પર છેલ્લી કેટલિક ચૂંટણીમાં આ પ્રમાણે પરિણામ આવ્યા હતા....

અન્ય સમાચારો પણ છે...