ભાસ્કર ઇનડેપ્થઆ છે ગુજરાતના સૌથી ધનવાન ઉમેદવાર:ભાજપને વેચી હતી કમલમની જમીન, એક સમયે મહિને રૂ.100 કમાતા પટેલપુત્ર આજે છે 662 કરોડના માલિક

અમદાવાદ10 દિવસ પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે અને એમાં નવા નવા રંગો જોવા મળી રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે અને ફાઇનલ ચિત્ર પણ સ્પષ્ટ થઈ ચૂક્યું છે. ઉમેદવારી ફોર્મ ભરતી વખતે રજૂ કરેલા સોગંદનામામાં ઉમેદવારોની સંપત્તિ અને તેમની સામે ચાલી રહેલા કોર્ટ કેસની નવી નવી માહિતીઓ સામે આવી રહી છે. માત્ર એટલું જ નહીં, ભાજપના એક ઉમેદવાર તો ત્રણેય પક્ષોના 543 ઉમેદવારમાંથી સૌથી ધનાઢ્ય ઉમેદવાર છે. તો આજે વાત આ ઉમેદવાર એક સામાન્ય મજૂરમાંથી કેવી રીતે ધનાઢ્ય બન્યા એ અંગેની. આ સંઘર્ષમય સફર તેમણે દિવ્ય ભાસ્કર સાથેની એક્સક્લૂઝિવ વાતચીતમાં વર્ણવી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વતન એવા માણસામાં 10 વર્ષથી કોંગ્રેસના ઉમેદવાર ચૂંટાઈને આવે છે. આ સીટ પર કબજો કરવા માટે ભાજપે વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા જે. એસ. પટેલને મેદાનમાં ઉતાર્યા છે. જયંતી સોમાભાઈ પટેલે ઉમેદવારી ફોર્મ ભરતી વખતે રજૂ કરેલા એફિડેવિટમાં 662 કરોડની સંપત્તિ દર્શાવી છે. માત્ર ધોરણ 10 પાસ અને 64 વર્ષીય એવા જે. એસ.પટેલ વ્યવસાયે ખેડૂત અને બિલ્ડર છે. ભાજપના જે.એસ.પટેલ સામે કોંગ્રેસે બાબુસિંહ ઠાકોરને ચૂંટણીજંગમાં ઉતાર્યા છે.

વિધાનસભાના પૂર્વ અધ્યક્ષના ચૂંટણી ઇન્ચાર્જ તરીકે રાજકારણમાં એન્ટ્રી
માણસામાં જે.એસ.પટેલ તરીકે ઓળખાતા જયંતી પટેલે અત્યારસુધી સંગઠનમાં વિવિધ જવાબદારીઓ નિભાવી છે. તેમણે 1998માં દિવંગત પ્રોફેસર અને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ મંગળદાસ પટેલના ચૂંટણી ઇન્ચાર્જ તરીકે રાજકીય કરિયરનો પ્રારંભ કર્યો હતો. ત્યાર બાદ તેમણે લોકસભા ચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિવિધ સંગઠનાત્મક જવાબદારીઓ નિભાવી છે. તેમની એક અન્ય ઓળખાણ એ છે કે કોબા ખાતે આવેલા ભાજપના પ્રદેશ કાર્યાલયની જમીન પણ તેમણે પાર્ટીને વેચી હતી.

જિંદગીમાં અનેક ઉતારચઢાવ વચ્ચે કરોડો કમાયા
માણસાના આજોલ ગામના વતની જે.એસ.પટેલ અત્યારે તો ભલે 6 અબજની સંપત્તિના માલિક હોય, પણ તેમણે જિંદગીમાં ખૂબ સંઘર્ષ વેઠીને આ સ્થાને સ્વબળે પહોંચ્યા છે. ખેડૂતપુત્ર તરીકે ખેતરમાં મજૂરી કરવાથી લઈને મહિને રૂ.100 પગારમાં નામું લખવાના કામથી શરૂઆત કરીને અનેક ઉતારચઢાવો વચ્ચે સંપત્તિની સાથે સાથે સેવાનું પણ ભાથું બાંધ્યું છે. તેમની આજસુધીની રાજકીય, સામાજિક અને વ્યાવસાયિક સફર વાંચો તેમના જ શબ્દોમાં.

‘પહેલેથી જ ખેડૂતપુત્ર માટે મજૂરી જ લખી હતી’
‘એક વાત નક્કી છે કે સંઘર્ષ સિવાય કંઈ મળતું નથી. દૂરંદેશી અને આગળ વધવા માટે શું કરવું જોઇએ એ માટે તનતોડ મહેનત પણ કરી છે. 100 રૂપિયાના પગારથી શરૂઆત કરી છે. વ્હોટ્સએપ બનાવવાવાળા એ બધા મહાન મહારથીઓ છે, એ બધા પણ સંઘર્ષ કરીને વિઝન સાથે આગળ વધ્યા છે, પરંતુ અમારા માટે આવું નહોતું. અમારા માટે તો પહેલેથી જ ખેડૂતપુત્રો માટે મજૂરી જ લખી હતી. પછી અમદાવાદ ગયા અને કેટલાય ધંધા કર્યા પછી હું કન્સ્ટ્રક્શન લાઇનમાં આવ્યો.’

નામું લખવાની નોકરી છોડી ને નસીબ પલટાવવા લાગ્યું
‘સૌથી પહેલા તો હું નામું લખતો હતો. વર્ષ 1977-78માં સૌથી પહેલી નોકરી અમદાવાદના શ્રોફને ત્યાં નામું લખવાથી નોકરીની શરૂઆત કરી હતી. એના માટે મને 100 રૂપિયા પગાર મળતો હતો, જ્યાં મે પાંચ મહિના નોકરી કરી હતી. શ્રોફની નોકરી છોડ્યા પછી લોખંડનો ધંધો કર્યો. મિલોના ડિમોલિશન કર્યા. મિલોની મશીનરી વેચી, એના પછી કન્સ્ટ્રક્શન લાઈનમાં આવ્યો અને ઘણી સાઈટ કરી. હાલ હું રિયલ એસ્ટેટના ધંધામાં છું.’

એક સામાન્ય કાર્યકર તરીકે જ કર્યું છે કામ
‘બીજેપીમાં માત્ર કાર્યકર જ રહ્યો છું. મને જે પણ જવાબદારી પાર્ટી સોંપેલી એ પછી પ્રદેશ કારોબારીનાં કામો, જિલ્લા કારોબારીનાં કામો, તત્કાલીન મુખ્યમંત્રીના સદભાવના ઉપવાસ, પ્રોટોકોલ કામગીરી હોય, સંગઠનની કોઈપણ જવાબદારી હોય, એ તમામ સુપેરે નિભાવી છે. છેલ્લે... ગાંધીનગર મનપામાં વોર્ડ-3ની જવાબદારી સંભાળી છે.’

પટેલ પરિવારમાં કોણ કોણ છે?
‘કોઈપણ કામ માટે લક્ષ્ય હોવું જોઈએ. નરેન્દ્ર મોદીને જોઈએ આપણે ત્યારે એમ થાય છે કે એક ગરીબાઈમાંથી કેટલા લક્ષ્ય લઈને આગળ નીકળ્યા. તેમનું એક જ લક્ષ્ય હતું કે પ્રજાની સેવા કરવી અને તેમને સમર્પિત થવું. પછી એ ઘર છોડવાનું હોય કે રાષ્ટ્રને સમર્પિત થવાનું હોય, એ ભાવથી તેઓ આગળ ચાલ્યા. મારો પરિવાર મોટો છે. મારા પરિવારમાં 6 ભાઈ, 2 બહેન છીએ. મારામાં પણ એક સંઘર્ષ હતો. મને પણ એવું હતું કે 63 વર્ષ થયાં એટલે મને થયું કે મારે ધંધામાંથી નીકળી સમાજ, વિસ્તાર, રાજ્ય અને રાષ્ટ્રને સમર્પિત થવું જોઈએ એ ભાવ સાથે હું નીકળ્યો છું, એટલે મને શક્તિ આપજો. લોકો મારા પર વિશ્વાસ કરે. હું ખાતરી આપું છું કે 5 વર્ષ સમર્પિત થઈને કામ કરીશ.’

સ્કૂલ પણ બનાવી અને સર્વ જ્ઞાતિય સમૂહલગ્ન કરાવે છે
‘હું 25 વર્ષથી સમર્પિત રીતે સમાજનાં જ કામો કરું છું. લગભગ છેલ્લાં 22 વર્ષથી સમાજનો પ્રમુખ છું. એ સિવાય પણ ગ્રાઉન્ડ લેવલે માણસા ખાતે ગાયત્રી શક્તિપીઠ છે, દરરોજ લોકસેવાનાં કામો થાય છે, જ્યાં વર્ષે 450થી 500 લગ્ન દરેક જ્ઞાતિનાં થાય છે. જ્ઞાતિ બાધ નથી. આ ઉપરાંત દરરોજ 800થી 1000 માણસો ગાયત્રી શક્તિપીઠના રસોડામાં જમે છે. અમે એક સ્કૂલ બનાવી છે, જેમાં 850 બાળકો ભણી રહ્યાં છે. જ્યારે ડાકોરમાં પણ દર પૂનમે પગપાળા જતો એ રસ્તા પર પણ ધર્મશાળા બાંધવાનો મને લાભ મળ્યો છે. આ સિવાય ઘણી સંસ્થાઓ ઉમિયા માતા ઊંઝા સંસ્થાન, વિશ્વ ઉમિયા સંસ્થાન હોય કે સરદાર ધામ હોય, આ બધી સંસ્થામાં લોકસેવાનાં કાર્યો કરવા માટે મને ટ્રસ્ટી પણ બનાવ્યો છે તેમજ નવનિર્માણ બેંકમાં પણ હું લગભગ 22 વર્ષ સુધી ડિરેક્ટર હતો અને વાઈસ-ચેરમેન તરીકે બે વર્ષ અગાઉ હું સ્વૈચ્છિક નિવૃત્ત થયો.’

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ સફળતા હાંસલ કરી
‘મારા વિસ્તારમાં થતી ચૂંટણીઓની વાત કરું તો પ્રો. મંગળભાઈ જ્યારે પ્રથમ(1998)વાર ચૂંટાયા ત્યારે અને બીજી વખત(2002) ચૂંટાયા ત્યારે ચૂંટણી ઈન્ચાર્જ તરીકે, હમણાં લોકસભાની ચૂંટણીમાં શારદાબેન પટેલના માણસા લોકસભા ઈન્ચાર્જ તરીકે, ગયા વર્ષે ગયેલી તાલુકા ને જિલ્લાની ચૂંટણીમાં પણ ઈન્ચાર્જ તરીકે પાર્ટીએ મને જવાબદારી સોંપી હતી. એમાં મેં દરેક કાર્યકરો અને તમામ જ્ઞાતિના ભાઈઓને સાથે લઈ માણસામાં સારું પરિણામ લાવી શક્યા છીએ. બધાને મારા પર વિશ્વાસ છે. સમાજનાં કામો કર્યા છે અને ગામેગામ પણ સેવાકીય કામો દરેક જ્ઞાતિ માટે ફરજ અદા કર્યા છે. અઢારેઅઢાર આલમ તરીકે મેં નાગરિક તરીકેની મારી ફરજ અદા કરી છે.’

‘સરકારમાંથી મળનારા તમામ લાભ પ્રજાને અર્પણ કરીશ’
‘મારી ઉંમર 63 વર્ષ થઈ છે એટલે રાજકીય લાભ માટે નથી આવ્યો. જેટલાં કામ સરકારમાં થઈ શકે એટલાં બધાં કામ મારા વિસ્તાર માટે કરાવીશ. ચૂંટાયા બાદ સરકારમાંથી મને જે લાભ મળશે એ તમામ લાભ પ્રજાનાં કામમાં અર્પણ કરીશ. લોકને ઉપયોગી થાય એવા લાભ હું તેમને અર્પણ કરી દઈશ. 5 વર્ષ સુધી નરેન્દ્ર મોદી અને અમારા જ વિસ્તાર અમારા સપૂત, જેમણે મારા પર વિશ્વાસ મૂક્યો છે એવા અમિત શાહે મારા પર વિશ્વાસ મૂક્યો છે એને સાર્થક કરીશ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રને પણ એમ થાય કે માણસાની ચિંતા હવે કરવાની જરૂર નથી, કેમ કે 10-11 વર્ષથી અહીં કોંગ્રેસની સીટ આવી છે, એટલે પ્રજા ઈચ્છે છે કે અહીં કમળ ખીલવું જોઇએ. હું 5 વર્ષ ઘરે પણ નહીં જાવ અને પ્રજાનાં કામોને વાચા આપવામાં કોઈ કચાશ છોડીશ નહીં.’

કોરોના થતાં 11 દિવસ હોસ્પિટલમાં વિતાવ્યા
‘કોરોનાકાળ દરમિયાન ઓક્સિજન સિલિન્ડર, ઓક્સિજન પ્લાન્ટ ઊભા કર્યા હતા. ભાજપનાં બધાં કામોમાં સહયોગ આપ્યો છે. લોકોનાં ઘરે ઘરે રેશન કિટ પહોંચાડી છે. નાનામાં નાના બધા જ જ્ઞાતિના લોકોને ખ્યાલ છે કે હું ભેદભાવ વગર કાર્યો કરીશ. મને પણ કોરોના થયો હતો અને 11 દિવસ હોસ્પિટલમાં રહ્યો હતો. પ્રજામાં તાલુકા-જિલ્લા પંચાયતમાં અમારા ચૂંટાયેલા કાર્યકરો છે તેમણે પણ ચૂંટાયા પછી સરકારના માધ્યમથી જે કામ કર્યા છે એની પણ પ્રજાને ખબર છે. કોઈપણ જાતના ભેદભાવ વિના કાર્યો કરવાનાં છે અને હું એ રીતે જ કરીશ.’

જે.એસ. પટેલનું કમલમ પાસે આવેલું ફાર્મ હાઉસ.
જે.એસ. પટેલનું કમલમ પાસે આવેલું ફાર્મ હાઉસ.

‘કમલમ પાસે મારું ફાર્મ હાઉસ છે અને હું ત્યાં જ રહું છું’
‘કમલમની જમીન મેં ક્યારે અને કેટલામાં વેચી એ મને યાદ નથી, પણ મફતમાં જમીન નથી આપી. તેના રજિસ્ટર્ડ ડોક્યુમેન્ટ પણ છે. કોઈ બીજાના નામે પણ જમીન હોય તોપણ પાર્ટી કાર્યાલય બનાવવા માટે માગી પણ શકે. કમલમ પાસે મારું એક ફાર્મ હાઉસ આવેલું છે અને હું ત્યાં જ રહું છું.’

માણસા સીટ પર ચૌધરી અથવા તો પટેલ ઉમેદવારનો થાય છે વિજય
ગાંધીનગરની માણસા બેઠકના અત્યારસુધીનાં પરિણામોની વાત કરીએ તો એ બાબત સ્પષ્ટપણે સમજી શકાય છે કે અહીં પક્ષો ઉપરાંત સમાજ અને જાતિના આધારે ચૂંટણી લડવામાં આવે છે. અહીંથી ચૂંટાતા મોટા ભાગના ઉમેદવારો પટેલ અથવા તો ચૌધરી સમાજમાંથી આવે છે અને પક્ષો પણ તેમને જ ટિકિટ આપવાનુ પસંદ કરે છે. હાલ તો કોંગ્રેસના ગઢ તરીકે માણસા અકબંધ છે.

દીકરા પિયંક, પુત્ર વધુ, પૌત્ર-પૌત્રી અને પત્ની સાથે ગૃહ પ્રવેશ સમયે જે.એસ.પટેલ.
દીકરા પિયંક, પુત્ર વધુ, પૌત્ર-પૌત્રી અને પત્ની સાથે ગૃહ પ્રવેશ સમયે જે.એસ.પટેલ.
અન્ય સમાચારો પણ છે...