ભાસ્કર એક્સક્લૂસિવઅરવિંદ કેજરીવાલનો EXCLUSIVE ઇન્ટરવ્યૂ:પહેલીવાર જાદુનું સિક્રેટ બતાવ્યું, આ 3 સવાલથી પરસેવે રેબઝેબ, મહિલા ઉમેદવારો વિશે પૂછતાં ઈસુદાનને ખો આપી છટક્યા

3 મહિનો પહેલા

આ ગુજરાત મોડલ નહીં, પણ ભાજપનું મોડલ છે, જેમાં જુઠ્ઠાણાં સિવાય કંઈ નથી. દિલ્હી મોડલમાં માત્ર ને માત્ર સચ્ચાઈ છે. આ શબ્દો છે છેલ્લા કેટલાય મહિનાથી દિલ્હી અને ગુજરાત વચ્ચે આંટાફેરા કરતા AAPના નેતા અને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલના. અમદાવાદની મુલાકાત સમયે દિવ્ય ભાસ્કરના એડિટર મનીષ મહેતા સાથે કરેલી એક્સક્લુસિવ વાતચીતમાં તેમણે AAPની આગામી રણનીતિથી લઈને કોંગ્રેસના ભવિષ્યની પણ આગાહી લીધી.

દિવ્ય ભાસ્કર: ગુજરાતમાં કેટલી સીટ મળશે?

અરવિંદ કેજરીવાલ: કોંગ્રેસની પાંચ કરતાં પણ ઓછી સીટ આવશે.

દિવ્ય ભાસ્કર: કોંગ્રેસની નહીં, આમ આદમી પાર્ટી કેટલી સીટ લાવશે એ કહો.

અરવિંદ કેજરીવાલ: ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે.

દિવ્ય ભાસ્કર: થોડા દિવસ પહેલાં એવું કહ્યું હતું કે સરકાર તો બનવા જઈ રહી છે, પણ થોડો ધક્કો મારી દો.

અરવિંદ કેજરીવાલ: હા, ગુજરાતની જનતા ધક્કો પણ મારી જ રહી છે.

દિવ્ય ભાસ્કર: ફ્રી, વેલ્યુ ફોર મની અને ફ્રીમાં મળે છે તો બમણું. તમારા મતે ગુજરાતીઓને આ ત્રણમાંથી શું વધુ પસંદ આવે.

અરવિંદ કેજરીવાલ: તમે આપેલાં ત્રણ ઓપ્શનની બહાર જઈને હું જવાબ આપીશ. આજે આમ આદમી રોજિંદા જીવનમાં પરેશાન છે. સૌથી મોટી સમસ્યા સામાન્ય નાગરિક માટે વધતી જતી મોંઘવારી અને બેરોજગારી જ છે. યુવાનો પરેશાન છે, કેમ કે રોજગારી મળતી નથી. સામાન્ય પરિવાર પરેશાન છે મોંઘવારીને કારણે. કોઈપણ પક્ષ આ મુદ્દે વાત જ નથી કરતો. પહેલીવાર આમ આદમી પાર્ટીના રૂપે એક પક્ષ આવ્યો છે, જે વાત કરે છે કે અમે તમને મોંઘવારીમાંથી રાહત આપીશું. 1 માર્ચ પછી તમારા ઘરે લાઈટનું બિલ પણ ઝીરો આવશે. જે રીતે દિલ્હીમાં ઝીરો આવે છે એ રીતે પંજાબમાં પણ ઝીરો આવે છે, એવી જ રીતે એક માર્ચ પછી ગુજરાતમાં પણ લાઈટ બિલ શૂન્ય આવશે. પહેલી પાર્ટી આવી છે, જે કહે છે કે તમારાં સંતાનોને રોજગારી આપીશું. જ્યાં સુધી રોજગારી નહીં મળે ત્યાં સુધી બેરોજગારી ભથ્થું પણ આપીશું. જેટલા પણ યુવકો હંગામી તરીકે નોકરી કરે છે તેમને કાયમી કરવાનો પણ નિર્ણય કરીશું. અમે ગેરંટી આપીએ છીએ કે અમે સત્તામાં આવીશું તો પેપર પણ નહીં જ ફૂટે. દિલ્હીમાં જે રીતે અમે શાનદાર શાળાઓ બનાવી છે એવી શાળાઓ ગુજરાતમાં પણ બનાવીશું. અમે એવી હોસ્પિટલો બનાવીશું, જ્યાં મફતમાં સારવાર થઈ શકશે. આ અમે દિલ્હીમાં પણ કરીને બતાવ્યું છે. આજે સામાન્ય નાગરિકને રોટી, કપડાં, મકાન, સંતાનોને સારું શિક્ષણ અને કોઈ બીમાર થાય તો સાવ નજીવા ખર્ચે સારવાર મળે એવી જ આશા હોય છે ને કમનસીબી એ છે કે આ વાત કોઈપણ પક્ષ કરતો નથી.

દિવ્ય ભાસ્કર: પણ તમે જે ફ્રીમાં આપવાની વાત કરો છો એના પર ગુજરાતીઓને વિશ્વાસ નથી થતો. તમે મફતમાં આપશો કઈ રીતે? તમે એવું પણ કહ્યું હતું કે તમારી પાસે ફ્રીમાં આપવાનો જાદુ છે. આ જાદુ છે શું?

અરવિંદ કેજરીવાલ: જનતાને અમારા પર એટલા માટે વિશ્વાસ છે, કેમ કે અમે દિલ્હીમાં મફતમાં વીજળી આપી, મફતમાં સારવાર થાય છે અને સારું શિક્ષણ પણ મળે જ છે. ગુજરાતીઓ પણ દિલ્હી પર નજર રાખે જ છે. તેમને ખબર છે કે કેજરીવાલે દિલ્હીમાં આ બધું કર્યું જ છે. પંજાબમાં પણ જે બોલ્યા એ કર્યું જ છે ને હું પણ ખોટું નથી જ બોલતો. અન્ય બે રાજ્યમાં આ કાર્ય કરીને જ આવ્યો છું. આ કોઈ રેવડી નથી, જેવું ત્યાં કર્યું છે એવું જ અમે ગુજરાતમાં પણ કરીશું જ. ને એ જાદુ માત્ર મને જ આવડે છે.

દિવ્ય ભાસ્કર: આ જાદુ તમે ઈન્કમટેક્સમાંથી શીખીને આવ્યા કે રાજકારણમાં આવીને શીખ્યા?

અરવિંદ કેજરીવાલ: મારી પાસે ઉપરવાળાનું વરદાન છે. 24 કલાક અને એ પણ ફ્રી વીજળી એ માત્ર મને જ આપતા આવડે છે. સારી શાળા, શાનદાર સ્કૂલ અને મફતમાં શિક્ષણ એ માત્ર મનીષ સિસોદિયાને આપતા આવડે છે. આખા દેશમાં છેલ્લાં 75 વર્ષમાં કોઈ એવો નેતા નથી આવ્યો, જેણે મનીષ સિસોદિયા જેવું શિક્ષણમાં કામ કર્યું હોય. તમને વિશ્વાસ નહીં થાય, પણ અમીરો પણ તેમનાં સંતાનોને પ્રાઈવેટ સ્કૂલમાંથી સરકારી શાળામાં ભણવા મૂકવા લાગ્યા છે. ગરીબો અને અમીરોનાં સંતાનો પણ એક જ બેંન્ચ પર બેસીને અભ્યાસ કરે છે. આપણા આઝાદીના ઘડવૈયાઓએ પણ જે આઝાદ ભારતનું સપનું જોયું હતું એ જ ભારત આ છે. આજે મનીષ સિસોદિયા માત્ર આમ આદમી પાર્ટી પાસે છે, બીજા કોઈની પાસે નથી.

દિવ્ય ભાસ્કર: મનીષ સિસોદિયાને તો જેલમાં પણ મોકલવાના હતા.

અરવિંદ કેજરીવાલ: આ લોકોનું ચાલે તો બધાને જેલમાં નાખી દે.

દિવ્ય ભાસ્કર: જેલમાં બંધ કરી દે તો પછી શું થાય?

અરવિંદ કેજરીવાલ: કંઈ નહીં, છૂટીને પાછા આવી જશે. અમે કંઈ ખોટું તો કર્યું નથી. આ લોકો રોજ ખોટા આરોપો મૂકીને અમારી પર કાદવ ફેંકે છે.

દિવ્ય ભાસ્કર: સુરત માટે ગોપાલ ઈટાલિયા, સૌરાષ્ટ્ર માટે ઈસુદાન ગઢવી, પણ ઉત્તર ગુજરાતનો ચહેરો કોણ?

ઈસુદાન ગઢવી: ગુજરાતના રાજકારણમાં અરવિંદ કેજરીવાલની ગેરંટીઓ ચાલે છે. ઝાડુ ચાલશે. તમારી વાત સાચી છે, સ્થાનિક લેવલે ચહેરો જોઈએ, પણ આમ આદમી પાર્ટીની એવી ક્રાંતિ આવી રહી છે કે આજે અરવિંદ કેજરીવાલને કારણે જ લાખો લોકોની જનમેદની રેલીઓમાં ઊમટે છે. આદિવાસી પટ્ટો હોય કે ઉત્તર ગુજરાત, દરેક સ્થળે અરવિંદ કેજરીવાલની ગેરંટીઓ ચાલે છે ને રહી વાત ઉત્તર ગુજરાતના ચહેરાની, તો થોડો સમય રાહ જુઓ, સારા ચહેરા હવે જોડાશે.

દિવ્ય ભાસ્કર: વિપુલ ચૌધરી સાથે તમારી વાતચીત ચાલતી હતી, એનું શું થયું?

ઈસુદાન ગઢવી: વિપુલભાઈ પણ આમ આદમી પાર્ટીની કામગીરીથી પ્રભાવિત થયા જ છે. જે પણ સારા લોકો પ્રજા માટે કંઈક કરવા માગે છે એ બધા જ આમ આદમી પાર્ટીમાં આગામી સમયમાં જોડાશે.

દિવ્ય ભાસ્કર: ભાજપ ગુજરાતમાં કયા ત્રણ મુદ્દામાં ફેલ છે?

આ સવાલનો જવાબ આપવાની જગ્યાએ અરવિંદ કેજરીવાલે વળતો સવાલ એવો કર્યો કે તમારા મતે ભાજપ ગુજરાતમાં કયા ત્રણ મુદ્દામાં સફળ છે, જેના પ્રત્યુત્તરરૂપે દિવ્ય ભાસ્કરના એડિટર મનીષ મહેતાએ પૂછ્યું, એનો અર્થ એવો થયો કે અરવિંદ કેજરીવાલના મતે એકપણ મુદ્દો એવો નથી અને દિલ્હી મોડલની સામે ગુજરાત મોડલ પણ વામણું સાબિત થાય છે. અરવિંદ કેજરીવાલે તો તરત જ ગુજરાત ભાજપને ચેલેન્જ કરીને કહ્યું, એક એવું કામ ભાજપના નેતાઓ બતાવે, જે તેમણે છેલ્લાં 27 વર્ષમાં ગુજરાતમાં કર્યું હોય ને બીજી વાત એ કે આ દિલ્હી મોડલ કે ગુજરાત મોડલની વાત જ નથી, ગુજરાતીઓ સ્વભાવે ભોળા છે. ગુજરાતી પ્રજા મહેનતુ છે, એટલે આ જે મોડલ છે. એ ગુજરાત મોડલ નહીં, પણ ભાજપનું મોડલ છે. એ લોકો કંઈ જ કામ નથી કરતા. માત્ર જુઠ્ઠાણાં ફેલાવીને પ્રચાર કરે છે. દિલ્હીના કેટલાક પત્રકારો અહીં આવ્યા હતા તો તેમણે પણ કહ્યું હતું કે ગુજરાતમાં તો રસ્તા બહુ જ ખરાબ છે. સરકારી શાળાઓની હાલત જર્જરિત છે. શિક્ષણ પણ કથળી રહ્યું છે ને સરકારી હોસ્પિટલોની હાલત પણ કફોડી છે. હું તમને દિલ્હી આવવાનું આમંત્રણ આપું છે ને કહું છું કે મને પણ જાણ કર્યા વગર તમે દિલ્હીની કોઈપણ શાળા કે હોસ્પિટલની મુલાકાત લઈને તમારી જાતે જ નક્કી કરો. ગુજરાત મોડલ એ ભાજપનું પોતાનું જુઠ્ઠાણાનું મોડલ છે, જ્યારે દિલ્હી મોડલ એ આમ આદમી પાર્ટીની સચ્ચાઈનું મોડલ છે.

દિવ્ય ભાસ્કર: બારડોલી ખાતે કેશ પકડાઈ હતી. એમાં આપના નેતાનો હાથ હોવાનો આક્ષેપ કરાયો હતો, તથ્ય શું છે?

અરવિંદ કેજરીવાલ: તમે પોતે જ વિચારો કે અમે કંઈ કરતા નથી તોપણ આ લોકો અમને પકડીને અંદર પૂરી દે છે. જો આ વાત સાચી હોત તો આજે હું તમારી સામે થોડો બેઠો હોત? આ લોકોએ મને પણ પકડીને જેલમાં નાખી દીધો હોત. આ લોકો તો કંઈપણ બોલતા ફરે છે.

દિવ્ય ભાસ્કર: ભાજપવાળા જેલમાં નાખી દેશે એવું વિક્ટિમ કાર્ડ કેમ રમો છો?

અરવિંદ કેજરીવાલ: ભાજપવાળા અમને જેલમાં નાખે જ છે. પશ્વિમ બંગાળના હવાલા ડીલરો પાસે ખોટું અમારા સત્યેન્દ્ર જૈનનું નામ લેવડાવીને ખોટો કેસ કરી દીધો. સત્યેન્દ્ર જૈન પણ ક્યારેય એ લોકોને મળ્યા નહોતા. કોર્ટમાં જામીન વખતે જજે પણ ત્રણવાર CBIને સવાલ કર્યા કે સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ એક પુરાવો તો તમે રજૂ કરો. તો ત્રીજા હિયરિંગ સમયે એવા આક્ષેપો કરાયા કે આ જજ સારા નથી, જજને બદલી દો. આવી રીતે દેશ ચાલશે? આવી રીતે દેશ આગળ વધશે?

દિવ્ય ભાસ્કરઃ તમે કહો છો કે આપની સરકાર બનશે તો ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો વોટ શેર કેટલો આવશે?

અરવિંદ કેજરીવાલઃ અત્યારે તમે વોટ શેર પર ના જાઓ, કારણ કે હાલમાં ભાજપનો વોટ શેર ઘટતો જાય છે ને આમ આદમી પાર્ટીનો વોટ શેર સતત વધતો જાય છે. થોડી રાહ જુઓ, કારણ કે ચૂંટણીના 20 દિવસ ખૂબ જ ક્રિટિકલ હોય છે.

દિવ્ય ભાસ્કરઃ એવું માનવામાં આવે છે કે આમ આદમી પાર્ટી જ્યાં જાય છે એનાથી કોંગ્રેસને નુકસાન થાય છે અને ભાજપને ફાયદો

અરવિંદ કેજરીવાલઃ બંનેને નુકસાન થાય છે. 2013માં ચૂંટણી થઈ ત્યારે 70માંથી 32 સીટ આવી હતી. આ વખતે 70માંથી માત્ર ત્રણ સીટ જ આવી છે. તમે કહી રહ્યા છો કે ભાજપને નુકસાન નથી થયું. તો દિલ્હીમાંથી ભાજપ અને કોંગ્રેસ બંને ખતમ થઈ ગઈ છે. એક સવાલ પૂછું છું કે આજે ગુજરાતનો યુવા ભાજપ અને કોંગ્રેસને વોટ કેમ આપે? જો એ આમ આદમી પાર્ટીને વોટ આપે તો તેની વીજળી ફ્રી થઈ જાય છે. તેમનાં બાળકોને શિક્ષણ અને રોજગારી મળશે તો એ આમ આદમી પાર્ટીને મત આપશે. ભાજપ અને કોંગ્રેસને મત આપવાથી તો તેમને કંઈ નહી મળે. તો સીધી વાત છે કે દરેક લોકો પોતપોતાના માટે વિચારે.

દિવ્ય ભાસ્કરઃ તમારી સરખામણી મોદી સાથે થાય છે. તમે નરેન્દ્ર મોદીની સ્ટાઇલથી કામ કરી રહ્યા છો એવી વાત છે, તમે શું માનો છો?

અરવિંદ કેજરીવાલઃ અરે લોકો પ્રધાનમંત્રી સાથે મારી તુલના કરી રહ્યા છે તો આ મારા માટે ખૂબ મોટી વાત છે. આ ખુશીની વાત છે મારા માટે.

મહિલાઓને ટિકિટ ઓછી આપી હોવાનો સવાલ સાંભળ્યા બાદ કેજરીવાલના હાવભાવ
મહિલાઓને ટિકિટ ઓછી આપી હોવાનો સવાલ સાંભળ્યા બાદ કેજરીવાલના હાવભાવ

દિવ્ય ભાસ્કરઃ આપ પાર્ટીએ મહિલાઓને ખૂબ ઓછી ટિકિટ આપી છે.

આ સવાલ કાને પડતાં જ અરવિંદ કેજરીવાલ પણ જાણે અજાણ હોય એમ ગુજરાત આપનો સીએમનો ચહેરો એવા ઈસુદાન ગઢવીની સામે જોઈને તેમને આ સવાલ પૂછે છે. અરવિંદ કેજરીવાલના આ હાવભાવ બતાવે છે કે કદાચ તેમને આ વાતની જાણ નથી. કેજરીવાલે પણ જેના પર આશ્ચર્ય વ્યક્ત કર્યું તેવા અમારા સવાલનો ઈસુદાને એક લીટીમાં જવાબ આપતાં એવું કહ્યું કે આમ આદમી પાર્ટીએ સર્વેના આધારે ઉમેદવારોને ટિકિટ આપી છે.

દિવ્ય ભાસ્કરઃ આમ આદમી પાર્ટીનું ફોકસ સુરતમાં વધારે છે?

અરવિંદ કેજરીવાલઃ સમગ્ર ગુજરાતમાં અમારું ફોકસ વધારે છે.

દિવ્ય ભાસ્કરઃ કોઈકે એવું કહ્યું છે કે સુરતમાં આપનું ફોકસ વધારે છે.

અરવિંદ કેજરીવાલઃ સુરતમાં ફોકસ કરવાથી ગુજરાતમાં નહીં જીતી શકીએ. અમારે તો ગુજરાતમાં સરકાર બનાવવાની છે.

દિવ્ય ભાસ્કરઃ ચલણી નોટો પર લક્ષ્મીજી અને ગણેશજી અંગે કોન્ટ્રોવર્શિયલ સ્ટેટમેન્ટ હતું એ વિશે શું કહેશો?

અરવિંદ કેજરીવાલઃ એમાં ભાજપને શું તકલીફ પડી રહી છે? જે દિવસે મેં કહ્યું એ દિવસે સમગ્ર ભારતના લોકોમાં ખુશી હતી. ભાજપે એટલો વિરોધ કર્યો કે ચલણી નોટોમાં લક્ષ્મીજી અને ગણેશજીનો ફોટો ન હોવો જોઈએ એવું કેમ?

દિવ્ય ભાસ્કરઃ આપના ત્રણ મોટા ચહેરાને કેટલો સપોર્ટ મળી રહ્યો છે?

અરવિંદ કેજરીવાલઃ સમગ્ર પાર્ટીને સપોર્ટ મળી રહ્યો છે. ઈસુભાઈ પણ જીતશે અને બધા જ જીતશે.

અન્ય સમાચારો પણ છે...