આંદોલનકારીમાંથી રાજનેતા બનેલા હાર્દિક પટેલે વિરમગામથી ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભરી દીધું છે. ફોર્મ ભરતાં પહેલાં જ હાર્દિક પટેલે ગોઠવેલી વ્યવસ્થા અઠંગ રાજકારણી જેવી હતી. હાર્દિક પટેલે વિરમગામમાં જંગી સભાનું આયોજન કર્યું હતું, જેમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારથી હજારોની સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા. હાર્દિક પટેલને સમર્થન આપવા માટે ભાજપના રાજ્યસભા સાંસદ મહેન્દ્ર મુંજપરા, પ્રદીપસિંહ વાઘેલા, વજુભાઈ ડોડિયા, અલ્પેશ ઠાકોર, તેજશ્રીબેન પટેલ તેમજ સાધુ-સંતો પણ હાજર રહ્યા હતા. સભા સ્થળે ભવ્ય સ્ટેજ, મંડપ બાંધીને હાર્દિક પટેલે શક્તિપ્રદર્શન કર્યું હતું.
માત્ર 28 વર્ષના યુવાન તરીકેની ઓળખ આપનાર હાર્દિક પટેલે પોતાના હાવભાવથી લઈને વિરમગામમાં ભવ્ય રોડ શો કરી એક અઠંગ રાજકારણી હોવાના પુરાવા આપ્યા. હાર્દિક પટેલે આસપાસનાં ગામડાંમાંથી આવેલા કેટલાક લોકોને ભાજપનો ખેસ પહેરાવી પક્ષમાં સ્વાગત કરી પક્ષ પ્રત્યેનો સમર્પણભાવ વ્યક્ત કર્યો હતો
હું વિરમગામનો છકડો- હાર્દિક પટેલ
હાર્દિક પટેલે પોતાના ભાષણ દરમિયાન ચૂંટણીપ્રચાર સમયે બનેલી એક ઘટનાનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, 'એક 80 વર્ષના દાદા મને મળ્યા અને તેમણે મારી સરખામણી છકડા સાથે કરી, કારણ કે છકડાને જેમ વાળવો હોય એમ વળે એવી રીતે હું પણ લોકો જે તરફ કામ બતાવશે એ તરફ વળી જઈશ.' તેમણે પણ કહ્યું હતું કે 'વિરમગામથી જ્યારે હું ચૂંટણી જીતીશ ત્યારે હું એકલો ધારાસભ્ય નહીં બનું, પણ વિરમગામના 3 લાખ લોકો ધારાસભ્ય બનશે.'
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.