ભાસ્કર એક્સક્લૂસિવકોંગ્રેસનાં મહિલા નેતાની ફિલ્મી લવસ્ટોરી:અમી રાવતે કહ્યું, 'કોલેજમાં નરેન્દ્રને દિલ આપી બેઠી, ભાગીને લગ્ન કર્યા, અમેરિકા ફરવા ગયા ને પુત્રને જન્મ આપ્યો'

વડોદરા2 મહિનો પહેલાલેખક: જીતુ પંડ્યા

'રોજેરોજ કોલેજમાં મળતાં હોવાનો કારણે અમારો પરિચય પ્રેમમાં ક્યારે પરિણમ્યો એની મને ખબર નથી. દિવસો પસાર થઈ રહ્યા હતા. હું અને નરેન્દ્ર પ્રેમમાં ગળાડૂબ થઈ ગયાં. અમે બંને પ્રેમમાં દૂર નીકળી ગયાં કે અમને ભગવાન પણ છૂટાં પાડી ન શકે. મેં મનોમન નક્કી કરી લીધું હતું કે હવે નરેન્દ્ર મારો પ્રથમ અને છેલ્લો પ્રેમ હશે. લગ્ન કરીશ તો નરેન્દ્ર સાથે જ કરીશ. ભલે પછી ગમે તે મુશ્કેલીનો સામનો કરવો પડે. અમારા વચ્ચે દસ વર્ષ પ્રેમ ચાલ્યો,' આ શબ્દો છે અમીબેન રાવતના.

કોણ છે અમી રાવત?
ગુજરાતમાં હાલ ચૂંટણીનો માહોલ તેની ચરમસીમાએ છે. ઉમેદવારો એકબીજાને પછાડવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ચૂંટણી મેદાનમાં મહિલા ઉમેદવારો પણ પૂરી તાકાતથી જીતવા માટે ફાઈટ આપી રહ્યા છે. જેમાં કોંગ્રેસે આ વખતે વડોદરા સયાજીગંજ બેઠક પર મહિલા ઉમેદવાર અમીબેન રાવત પર ભરોસો વ્યક્ત કર્યો છે. દિવ્ય ભાસ્કરે જ્યારે અમીબેન રાવત સાથે વાતચીત કરી તો તેમના જીવનની અલગ કહાની જાણવા મળી હતી. અમી રાવત પરિવાર જ નહીં સમાજ સાથે લડીને પ્રેમલગ્ન કર્યાં હતાં. તો આવો સાંભળીએ તેમના જ શબ્દોમાં તેમની પ્રેમકહાની....

કોલેજમાં નરેન્દ્રથી ઈમ્પ્રેસ થઈ ગઈ અને...
અમીબેન રાવતે જણાવ્યું હતું કે મારો જન્મ વૈષ્ણવ પરિવારમાં થયો છે. મારી માતાનું નામ રંજનબહેન અને પિતાનું નામ મધુસૂદન વૈષ્ણવ છે. ધોરણ-12 પાસ કર્યાં બાદ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની પોલિટેક્નિક કોલેજમાં સિવિલ એન્જિનિયરમાં એડમિશન લીધું હતું. મને બિલ્ડર બનવાની ઇચ્છા હતી, પરંતુ ક્યારેક આપણી ઇચ્છા મુજબનું થતું નથી. મેં સ્વપ્નમાં વિચાર્યું નહોતું કે હું પોલિટિશિયન બનીશ, પરંતુ કોલેજકાળ દરમિયાન થતી ચૂંટણીમાં નરેન્દ્ર રાવત જીએસના ઉમેદવાર હતા. તેમનો એગ્રેસિવ પ્રચાર અને તેઓ પ્રત્યે કોલેજમાં વિદ્યાર્થીઓનો પ્રેમ જોઈ હું ઇમ્પ્રેસ થઈ ગઈ હતી અને તેમના પરિચયમાં આવી હતી.

માતા-પિતાએ લગ્ન માટે છોકરો જોવાનું શરૂ કર્યું
અમીબહેને જણાવ્યું, લગ્નની ઉંમર થઈ જાય એટલે સ્વાભાવિક છે કે માતા-પિતાને સંતાનનાં લગ્નની ચિંતા શરૂ થઈ જાય અને એમાં પણ દીકરીની લગ્નની ઉંમર થાય એટલે વધારે ચિંતા થાય એ સ્વાભાવિક છે. ઘરમાં મારાં લગ્ન માટેની વાતો શરૂ થઈ ગઈ હતી, પરંતુ હું બહુ ધ્યાન આપતી ન હતી, પરંતુ માતા-પિતા દ્વારા મારા લાયક જ્ઞાતિના છોકરા બતાવવાનું શરૂ કર્યું હતું. માતા-પિતાને દુઃખ ન થાય એ માટે હું પણ તેઓ બતાવે એ છોકરાઓ જોતી હતી અને છોકરો બતાવ્યા બાદ કોઈ ને કોઈ બહાનું બતાવી છોકરો નાપસંદ કરી દેતી હતી, પરંતુ માતા-પિતાને લાંબા સમય સુધી મારાં લગ્નને લઈ દુઃખી કરવા મને પસંદ નહોતું.

જ્યારે નરેન્દ્ર સાથે પ્રેમની વાત માતા-પિતાને કહી
તેમણે આગળ ઉમેર્યું, માતા-પિતાનો સારો મૂડ જોતાં મેં મારા અને નરેન્દ્ર વચ્ચેના પ્રેમ-સંબંધની વાત કરી, સાથે તેમ પણ જણાવ્યું કે તમે મારાં લગ્નની ચિંતા ન કરશો. મેં મારા બોયફ્રેન્ડ નરેન્દ્ર સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે. સ્વાભાવિક છે કે મેં મારા પિતાને નરેન્દ્ર સાથેના પ્રેમ-સંબંધની વાત કરતાં તેઓ મારા પર ગુસ્સે થઇ ગયા હતા અને જ્ઞાતિબાધનું કારણ ધરી મને જ્ઞાતિના યુવાન સાથે લગ્ન કરવા માટે ફરજ પાડવામાં આવી હતી, પરંતુ હું નરેન્દ્ર સાથે લગ્ન કરવા મક્કમ હતી. ગમે તે મુશ્કેલીનો સામનો કરવો પડે, પણ હું નરેન્દ્ર સાથે જ લગ્ન કરવા મક્કમ હતી અને આજે પણ હું મારું ધાર્યું કામ પાર પાડવા મક્કમ જ હોઉં છું.

ઘરનું વાતાવરણ બગડી ગયું
પરિવારમાં મારાં લગ્નને લઈ વાતાવરણ બગડી ગયું હતું. મારા પરિવારનો નરેન્દ્ર સાથે લગ્ન કરવા વિરોધ કરતા હતા અને હું નરેન્દ્ર સાથે જ લગ્ન કરવા માટે મક્કમ હતી. કોલેજમાં જીએસની ચૂંટણી યોજાઈ રહી હતી. અમારા પ્રેમપ્રકરણની નરેન્દ્રના જીએસ બનવા પર કોઈ અસર ન પડે એ માટે 8 ડિસેમ્બર-1995 સુધી રાહ જોઈ. 8 ડિસેમ્બર-1995ના દિવસે નરેન્દ્ર જીએસ બની ગયા હતા. તેઓ જીએસ બની ગયા બાદ અમે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ ક્યારે અને કેવી રીતે કરીશું એ નક્કી ન હતું.

ભાગીને નરેન્દ્ર સાથે લગ્ન કર્યાં
મારાં લગ્નને લઈ રોજ પરિવારમાં ખટરાગ થતો હતો. મારા માટે એકમાત્ર રસ્તો નરેન્દ્ર સાથે લગ્ન કરવાનો હતો. નરેન્દ્ર રાવત જીએસ બની ગયા પછી યુવા નેતા તરીકે વડોદરામાં તેમનું નામ ગુંજતું થઈ ગયું હતું, પંરતુ મારા માટે દિવસો પસાર કરવા મુશ્કેલ થઈ ગયા હતા. હું તા. 11 ડિસેમ્બર-1995ના રોજ પરિવાર પાસે કોઈપણ અપેક્ષા વગર આખરે મેં પહેરેલાં કપડાંએ ઘર છોડી દીધું અને નરેન્દ્ર પાસે આવી ગઇ. જે દિવસે નરેન્દ્રના ઘરે આવી ત્યારે નરેન્દ્ર પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા હતા. તેમને ખબર પડી કે હું તેમના ઘરે કાયમ માટે આવી ગઈ છું તો તેઓ દોડતા ઘરે આવી પહોંચ્યા હતા અને અમે તા. 12 ડિસેમ્બર-1995માં પ્રભુતામાં પગલાં પાડ્યાં હતાં.

આજે બંનેના પરિવારો ખુશ છે
લગ્નના સમાચાર મારા ઘરે પહોંચી ગયા. દિવસો પસાર થવા સાથે પરિવારનો પણ ગુસ્સો હળવો થઈ ગયો હતો અને લગ્નના એક જ સપ્તાહમાં મારા પરિવારે અમને સન્માનપૂર્વક સ્વીકારી લીધાં હતાં. આજે મારું લગ્નજીવન જોઇને મારો પરિવાર ખુશ છે, સાથે નરેન્દ્રનો પરિવાર પણ ખુશ છે. આજે મારાં માતા-પિતા અને પરિવારજનોને મેં નરેન્દ્ર સાથે લગ્ન કરવાના લીધેલા નિર્ણયથી ખુશ છે. આજે હું વિધાનસભા ચૂંટણી લડી રહી છું. ત્યારે મારાં માતા-પિતા અને પરિવારના તમામ સભ્યો ખૂબ ખુશ છે. મારા ચૂંટણીકામમાં પણ તેઓ યોગદાન આપી રહ્યાં છે.

અમેરિકામાં ફરવા ગયાં અને પુત્રનો જન્મ થયો
અમીબહેન રાવતે વધુમાં જણાવ્યું હતું કે નરેન્દ્ર રાવત સાથેનાં 27 વર્ષના લગ્નજીવનમાં એક પુત્ર આર્યન છે. તેનો જન્મ અમેરિકામાં થયો હતો. અમે 2007માં અમેરિકામાં વિઝિટર વિઝા લઈને ફરવા ગયાં હતાં, જ્યાં તેનો જન્મ થયો છે. હાલ તે ધોરણ-10માં અભ્યાસ કરે છે. તેનો અમેરિકામાં જન્મ થયો હોવાથી અમેરિકા અને ભારત બંનેનું નાગરિકત્વ ધરાવે છે. મને રસોઇ બનાવવાનો બહુ શોખ છે. સપ્તાહમાં એક વખત હું કોઈ નવી આઇટમ બનાવું છું. રાજકારણની સાથે સાથે મારા પરિવારને પણ સમય આપું છું. શક્ય એટલું પરિવાર અને રાજકારણમાં બેલેન્સ કરવાનો પ્રયાસ કરું છું.

સવારે પૂજા-પાઠ કરી પતિ-પુત્ર માટે જાતે નાસ્તો બનાવે છે
ટેક્નોક્રેટ અમીબહેન રાવતની દિનચર્યાની વાત કરવામાં આવે તો તેઓ રાત્રે ગમે એટલાં મોડાં સૂઈ જાય, પરંતુ તેઓ સૂર્યોદય થતાં પહેલાં ઊઠી જાય છે અને ઘરનો પ્રથમ કચરો કાઢે છે. ત્યાર બાદ તેઓ પાઠ-પૂજા કરે છે. ત્યાર પછી પોતાના પતિ નરેન્દ્ર અને પુત્ર આયર્ન માટે ચા-કોફી અને નાસ્તો તૈયાર કરી દે છે. પતિ અને પુત્ર સાથે ચા-નાસ્તો કર્યા બાદ પતિ સાથે કમાટીબાગમાં મોર્નિંગ વોક કરવા જાય છે. સવારે જે કોઈ મળે અને પોતાના વિસ્તારની પ્રાથમિક સુવિધાઓ અંગે ફરિયાદ કરે તો શક્ય એટલો ત્વરિત નિકાલ કરવાનો પ્રયાસ કરે છે અથવા જરૂર જણાય તો કોર્પોરેશનની સભામાં પ્રશ્ન ઉઠાવે છે અને પ્રશ્નનું નિરાકરણ લાવે છે.

સપ્તાહમાં એક-બે વાર પતિ સાથે લોંગ ડ્રાઈવ પર જાય છે
તેમની દિનચર્યામાં ઉમેરો કરીએ તો તેઓ ઘરે પરત ફર્યાં બાદ પુત્રની સ્કૂલ જવાની તૈયારી કરે છે. એ બાદ તેમના ઘરે ફરિયાદો લઈને આવતા લોકોના પ્રશ્નો સાંભળે છે. તેમને સંગીતનો પણ ભારે શોખ છે. સપ્તાહમાં એક-બે વખત તેઓ પતિ સાથે લોંગ ડ્રાઇવ નીકળે છે અને વર્ષોજૂનાં ગીતો સાંભળે છે. તેમને ચોક્કસ કોઈ કારનો શોખ નથી, પરંતુ લકઝુરિયસ કારમાં ફરવાનો શોખ ધરાવે છે. ઘરેણાં સંગ્રહ કરવાનો શોખ છે, પરંતુ પહેરવાનો શોખ નહિવત્ છે.

પતિ-પત્ની વચ્ચે મતભેદ થાય છે?
આ અંગે અમીબેન રાવતે કહ્યું કે પરિવાર છે જો નોકઝોક ના થાય તો એ પછી આભાસી જિંદગી જીવતા હોય એવું લાગે. અમે અમુક વસ્તુઓ પર ખૂબ મોટા ડિસ્ક્શન કરીએ છીએ. સામેવાળાને એવું લાગે કે હમણાં આ બંને ઝઘડી પડશે પણ અંતે ખૂબ ચર્ચા પછી અમે એક નિર્ણય પર પહોંચીએ છીએ અને પછી કામ કરીએ છીએ. અમારી ક્યારેય થોટ પ્રોસેસ અલગ હોય. કોઈ ઈશ્યૂ પર હું જે વિચારતી હોય એમાં મારા હસબન્ડના વિચાર અલગ હોય, પણ અંતે એક નિર્ણય લઈએ છીએ. અમે બંને આંદોલનકારી નેતા છીએ. ઈશ્યૂ બેઝ પોલિટિક્સમાં માનીએ છીએ. મને પ્રમોટ કરવામાં મારા હસબન્ડ ગૌરવ અનુભવ છે. મારા કરિયરમાં મારાથી વધારે ધગશથી એ મને પ્રમોટ કરે છે. આજની તારીખે પણ મારે કોઈની પાસે સલાહ લેવી હોય તો હું મારા હસબન્ડ પાસેથી જ લવ છું. તેઓ સંગઠનમાં તમામ પોસ્ટ પર કામ કરી ચૂક્યા છે. એમને જોઈને પ્રેરણા લઈને જ હું રાજકારણમાં આવી છું.

સિવિલ એન્જિનિયર છે અમીબેન રાવત
વડોદરાના છાણી રોડ, સંતોક ચેમ્બર્સ ખાતે રહેતાં અમીબહેન રાવતે (અમી દેસાઈ) મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પોલિટેક્નિક કોલેજમાં સિવિલ એન્જિનિયરીંગનો અભ્યાસ કર્યો છે. તેઓ 2014-15માં વડોદરા શહેર મહિલા કોંગ્રેસનાં પ્રમુખ તરીકે રહી ચૂક્યાં છે. એ બાદ તેઓ 2015માં કોર્પોરેશનમાં કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવ્યાં હતાં. એ બાદ 2021માં કાઉન્સિલર તરીકે ચૂંટાઇ આવ્યાં હતાં. વડોદરામાં એકમાત્ર તેઓ પોતાની પેનલ સાથે કોર્પોરેશનમાં ચૂંટાઇ આવ્યાં હતાં અને પક્ષે તેમને વિપક્ષી નેતા બનાવ્યા છે. વિપક્ષી નેતાની સફળ ભૂમિકાને ધ્યાનમાં લઇ પક્ષ દ્વારા તેમને સયાજીગંજ બેઠક પર ઉમેદવાર તરીકે ઉતાર્યાં છે. આ અંગે તેમણે કહ્યું હતું કે મેં રાજકારણમાં આવવાનો ક્યારેય વિચાર નહોતો કર્યો. પણ જે રીતે જિંદગી મને લઈ ગઈ એ રીતે આગળ વધી છું. ડેવલપમેન્ટ સેક્ટરમાં એન્જિનિયર થઈને બિલ્ડર થવાનું સપનું હતું.

નવા કલેક્ટર આવે એટલે અમીબેનને ચોક્કસ યાદ કરે
પર્યાવરણવિદ્ તરીકે જાણીતાં અમીબહેન રાવતને વડોદરા જિલ્લામાં કોઈપણ નવા મ્યુનિસિપલ કમિશનર આવે કે જિલ્લા કલેક્ટર આવે, તેમને ચોક્કસ યાદ કરે છે અને તેમની પાસેથી વડોદરાના સ્લમ વિસ્તાર, સોલિડ વેસ્ટ અંગેની ચર્ચા કરે છે અને માહિતી મેળવે છે. એ સમયે તેઓ બરોડા સિટિઝન ઓફ કાઉન્સિલમાં કામ કરતાં હતાં.

ભાજપનો ગઢ છે સયાજીગંજ સીટ
સયાજીગઢ સીટ આમ તો ભાજપનો ગઢ છે. જોકે આ વખતે ભાજપે દિગ્ગજ નેતા જીતેન્દ્ર સુખડિયાની ટિકિટ કાપી કેયૂર રોકડિયાને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે આમ આદમી પાર્ટી તરફથી સ્વેજલ વ્યાસ ચૂંટણી લડી રહ્યા છે. હવે જોવાનું રહે છે કે ભાજપના કેયૂર રોકડિયા કોંગ્રેસના અમીબેન રાવત અને આપના સ્વેજલ વ્યાસમાંથી કોણ મેદાન મારે છે.

અન્ય સમાચારો પણ છે...