રાજનીતિમાં સમયનું ચક્ર ક્યારે ફરી જાય એ અંગે કહેવું મુશ્કેલ છે. ઘડિયાળનો કાંટો ફરી ફરીને 12 પર આવતો જ રહે છે અને જ્યારે એ ફરે છે ત્યારે સઘળું બદલાઈ જાય છે. ગુજરાતની રાજનીતિમાં ફરીવાર એક આવો જ સંયોગ જોવા મળ્યો છે. હાલ રાજ્યભરમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીનો માહોલ જામી ચૂક્યો છે. કોંગ્રેસ, ભાજપ અને આપ દ્વારા એક બાદ એક ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં આવી રહ્યાં છે, જેમાંથી ઘણા ઉમેદવારો એવા છે, જેમનાં વિવિધ પ્રકારનાં કનેક્શન અને એકદમ થ્રિલ આપે એવા કિસ્સાઓ પણ સામે આવે છે. આજે 31 વર્ષ પહેલાં બે યુવા નેતા વચ્ચે ખેલાયેલા એક એવા જ ચૂંટણીજંગની કરવા જઈ રહ્યા છીએ. હવે ફરી આ બન્ને ઉમેદવાર સામસામે ટકરાયા છે, જેમાં 31 વર્ષ પહેલાં હારેલા ઉમેદવારે આ વખતે હારનો બદલો લેવાની તૈયારી કરી લીધી છે.
ચીમનભાઈની સરકાર હતી ને ખેલાયો હતો શ્વાસ અદ્ધર કરતો ખેલ
વર્ષ 1991. રાજ્યમાં ચીમનભાઈ પટેલની સરકાર હતી. આ સમયે જ બે વિદ્યાર્થી નેતા વચ્ચે ખરાખરીનો ચૂંટણીજંગ થયો હતો અને આ ચૂંટણીજંગની ખૂબ ચર્ચાઓ થઈ હતી, પરંતુ 2022માં ફરી એ ચૂંટણીની યાદ અપાવી દીધી છે. ગુજરાત યુનિવર્સિટીની સેનેટની વિદ્યાર્થી પાંખની ચૂંટણી પણ કોઈ ચૂંટણીથી કમ ન હતી. એ ચૂંટણીમાં પણ રાજકીય પક્ષો રસ લેતા હતા અને ભારે રસાકસી થતી હતી. 31 વર્ષ પહેલાં ગુજરાત યુનિવર્સિટીની સેનેટ સભ્યની ચૂંટણીમાં સામસામે ટકરાનારા બંને વિદ્યાર્થી નેતા હવે અમદાવાદની વેજલપુર વિધાનસભા બેઠક પરથી ફરી એકવાર સામસામે ચૂંટણી લડવાના છે.
કલ્પેશ પટેલે એ ચૂંટણીમાં અમિત ઠાકરને આપી હતી પછડાટ
ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓથી માંડીને શિક્ષકોની બેઠકો પણ હોય છે. આ બેઠકો પર જે-તે કેટેગરીના ઉમેદવારો વચ્ચે ચૂંટણી લડાતી હોય છે. 1991માં એલ.જે. કોમર્સ કોલેજના પ્રથમ વર્ષમાં ભણતા વિદ્યાર્થી અમિત ઠાકર તથા સહજાનંદ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા કલ્પેશ પટેલ( ભોલાભાઇ) યુ.જી. કોમર્સ( અન્ડર ગ્રેજ્યુએટ ) બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. ત્યારે અમિત ઠાકર ભાજપની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) અને અનિલ શાહ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા (NSUI) અને અપક્ષ તરીકે કલ્પેશ પટેલ( ભોલાભાઇ )વચ્ચે જંગ ખેલાયો હતો, જેમાં કલ્પેશ પટેલનો અમિત ઠાકર સામે વિજય થયો હતો. આજે કલ્પેશ પટેલ અને અમિત ઠાકર વેજલપુર બેઠકના ઉમેદવારો છે. કલ્પેશ પટેલ આમ આદમી પાર્ટીમાંથી અને અમિત ઠાકર ભાજપમાંથી ચૂંટણી લડવાના છે. આમ, બંને વિદ્યાર્થી નેતા અને મિત્રો ફરી એકવાર ચૂંટણીજંગમાં આમનેસામને આવ્યા છે, જેથી ફરી વખત આ બેઠકની ચૂંટણી રસપ્રદ અને રસાકસીભરી બની રહેવાની શક્યતા છે.
‘આ વખતે અમિત ઠાકરને જનતા અને પક્ષના મુદ્દા હરાવશે’
એ ચૂંટણી શું હતી અને ક્યારે યોજાઈ હતી? જેના જવાબમાં વેજલપુર વિધાનસભા મતવિસ્તારના આમ આદમી પાર્ટીના ઉમેદવાર કલ્પેશ પટેલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે યુવાનો મારી સાથે હતા. બહુમતીથી મેં અમિત ઠાકરને હરાવ્યા હતા. લગભગ 1400થી 1500 મતમાંથી મને 1300 મત મળ્યા હતા. વિધાનસભાની ચૂંટણી પક્ષના મુદ્દા પર લડાતી હોય છે. આમ આદમી પાર્ટી દિલ્હીમાં અને પંજાબમાં કામ કરી ચૂકી છે. તેના પર પ્રજાને ભરોસો છે. એના આધારે જ રિઝલ્ટ મળે છે. અમિત ઠાકરને જનતા અને પક્ષના મુદ્દા હરાવશે, હું તો એક સેનાપતિ છું. આપની સ્ટ્રેટેજી વીજળી, શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગારી, બેરોજગારી ભથ્થું આપવા સહિતના ઘણા મુદ્દા છે.
‘પાર્ટીએ સર્વે કરીને કહ્યું, તમારે લડવું પડશે’
કોંગ્રેસ છોડવા અંગે કલ્પેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે હું 2007માં કોંગ્રેસમાંથી એલિસબ્રિજની ચૂંટણી લડ્યો હતો. 2012 અને 2017માં વેજલપુર વિધાનસભા મતવિસ્તારમાંથી ટિકિટ માગી હતી, પરંતુ કોંગ્રેસની સ્ટ્રેટેજીને કારણે મને ટિકિટ આપવામાં આવી ન હતી. તેથી કાર્યકરો નારાજ હતા. આમ આદમી પાર્ટી આવી. જેથી નિર્ણય કર્યો કે આમ આદમી પાર્ટીનું કામ કરીશું. પહેલાં સક્રિય નહોતા, પરંતુ બે વખત ટિકિટ ન મળવાને કારણે કાર્યકરો નારાજ હતા. જેથી બધા કાર્યકરો ઇચ્છતા હતા કે આપણે આમ આદમી પાર્ટીમાં કામ કરીએ. નવી પાર્ટી છે. પ્રજા પરિવર્તન ઇચ્છે છે. તેમણે દિલ્હી-પંજાબમાં કામ કર્યું છે. અહીં પણ સારું કામ કરશે. આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ પાર્ટીએ સર્વે કરીને કહ્યું કે તમારે લડવું પડશે. પહેલાં હું સંગઠનમાં કામ કરતો હતો. મેં 7-8 મહિના પહેલાં જ કોંગ્રેસ છોડી દીધી હતી.
કલ્પેશ પટેલ આ સ્ટ્રેટેજીથી અમિત ઠાકરને હરાવવા તૈયાર
કઈ સ્ટ્રેટેજીથી અમિત ઠાકર સામે ચૂંટણી લડશો? એ અંગે તેમણે આગળ કહ્યું કે કેજરીવાલે લોઅર ક્લાસ, મિડલ ક્લાસને રાહત આપી છે. તે રેવડી નથી. ભારતના બંધારણમાં લખ્યું છે કે જે પણ રાજ્ય હોય, તેની ફરજ છે કે તેમણે પ્રજાને વીજળી, પાણી, સ્વાસ્થ્ય, શિક્ષણ ફ્રી પૂરાં પાડવા જોઈએ તે કોઈ રેવડી નથી. બેકારી ભથ્થું કે અન્ય બાબતો સરકારમાં આવતી નથી, પરંતુ જે વિદ્યાર્થી બેકાર છે તો તેને તથા સામાજિક સહાય તરીકે મહિલાઓને ભથ્થું આપવાનું કહે છે. ભાજપે બધું ખાનગીકરણ કર્યું છે, તેમાં ભ્રષ્ટાચાર થાય છે. આપની સરકારમાં ભ્રષ્ટાચાર થતો નથી, જેથી જે રકમ બચે છે એની વહેંચણી થાય છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે ચાલુ સરકાર 25 હજાર કરોડ જાહેરાતો પાછળ ખર્ચે છે. એ પ્રજાના ટેક્સના નાણાં છે. એની સામે કેજરીવાલ પબ્લિકને રાહત આપે છે. એની પાછળ તેઓ 8500 કરોડ ખર્ચો કરે છે, પરંતુ ભ્રષ્ટાચાર ન થતો હોવાથી એ રૂપિયા બચે છે. એનાથી આ ખર્ચ મેનેજ થાય છે. આમ આદમી પાર્ટી આવી છે, લોકો પરિવર્તન ચાહે છે અને પરિવર્તન જરૂરી છે.
‘એ ચૂંટણીમાં ઉમેદવારના ચીમનભાઈ સાથે પારિવારિક સંબંધો હતા’
સેનેટની ચૂંટણીમાં તમે હાર્યા હતા, હવે જીતવા માટે તમે શું કરશો? જેના જવાબમાં વેજલપુર વિધાનસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર અમિત ઠાકરે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે એ ઇલેકશન મને આજે પણ યાદ આવે છે. 32 વર્ષ પહેલાંની વાત છે. અમે લોકો ABVP દ્વારા કેમ્પસ પ્રભાવ કાર્યક્રમને લઇને ચાલતા હતા. 1978માં નવનિર્માણ આંદોલ પછી ચૂંટણી નહિ લડવી તેવો ઠરાવ કર્યો હતો. 1991માં ફરી કેમ્પસમાં જવું જોઇએ તેવો વિચાર આવ્યો. ચૂંટણી પહેલાં સંગઠને નક્કી કર્યું કે લડવાનું છે. એ સમયે ચીમનભાઈ પટેલની મહાભ્રષ્ટ સરકાર હતી. આ ઉમેદવારના ચીમનભાઈ પટેલના પારિવારિક સંબંધો હતા. આખી સરકાર સામે હતી. ખૂબ પૈસા હતા. એ સૌકોઈ જાણે છે.
‘ધન-સત્તા હોવા છતાં પરસેવા છૂટી જાય એ રીતે દોડવું પડ્યું હતું’
તેમને ચૂંટણી વિશે બહુ ખબર ના હતી કે ચૂંટણી કેવી રીતે લડાય પણ તેમના માટે લડનારા બધા વિદ્યાર્થી નેતા હતા, જે સરકારના બધા યુવા પાંખના નેતા હતા. મતદારો પણ તેમના બનાવેલા હતા. સેનેટની ચૂંટણીમાં મતદારો પહેલા જ બનાવવાના હોય છે. અમે ઉપસ્થિતિ બતાવવા લડતા હતા. તે લોકોને બનેલી વ્યવસ્થામાંથી વોટિંગ કરાવવાનું હતું. તે ચૂંટણી એવી નથી હોતી કે વોટરને સમજાવવા જવાના હોય. તે પ્રિ ડિસાઇડર વોટર જ હોય. એટલે ધન અને સરકાર સામે 20 વર્ષના એક યુવાનની ઇલેકશનમાં ઉપસ્થિતિ ઇલેક્શનમાં અને એ ઇલેક્શનમાં ધન અને સત્તા હોવા છતાં પરસેવા છૂટી જાય તે રીતે દોડવું પડ્યું હતું. મને એ વિષયનો એટલો ફાયદો થયો કે તે ઇલેક્શનની અંદર રિઝલ્ટ પહેલેથી નક્કી હતું. પરંતુ અંદર પડવું તે એક ચેલેન્જ હતી. જે અમે સ્વીકારી હતી.
‘હું એ ઇલેકશનને ક્યારેય ના ભૂલું’
ભાજપમાં તે વખતે અનેક ચૂંટણીઓમાં ખાલી નામ નોંધાવવા માટે જ લડતાં હતા. 32 વર્ષ પહેલાંની વાત છે તેના ઠીક બે વર્ષ પછી એક ચૂંટણી થઈ તેમાં હું લો ફેકલ્ટીમાંથી લડ્યો હતો અને જીત્યો. મને એ વાતનું ગૌરવ છે, હું ગુજરાતનો ABVPનો પ્રથમ સેનેટ મેમ્બર બન્યો હતો અને પ્રચંડ બહુમતીથી વિજયી થયો હતો. યુવાનીના સમયમાં આ બધી વસ્તુઓ અલગ પ્રકારની પ્રેરણા આપતી હોય છે અને તે વખતની ચૂંટણીમાં જે પ્રેરણા મળી, તેણે મને રાજનીતિમાં આજે પણ સતત લડતાં રહેવું અને લડતાં લડતાં જ પરિણામ મળે છે તે શીખવ્યું હતું. આ પ્રકારની પ્રેરણાથી મારી અંદર બીજો માણસ પેદા કર્યો. હું એ ઇલેકશનને ક્યારેય ના ભૂલું. જેણે મારા જીવનમાં બહુ ઘડતર કર્યું છે. મને એક દ્દષ્ટિકોણ આપ્યો તે મારા માટે ઇલેકશન બહુ યાદગાર બની રહ્યું છે.
‘તેમને પણ બીક હશે કે...’
કલ્પેશ પટેલને હરાવવા માટે તમે શું કરશો? એવા સવાલના જવાબમાં અમિત ઠાકરે જણાવ્યું કે, એ જે પાર્ટીમાંથી આવે છે તે પાર્ટી ઇલેકશન ટુરિઝમ પર છે. ગુજરાતની વિચારધારાથી દૂરના લોકો છે. હવે તેમની પાસે જે ધનવાળી ચૂંટણી હતી, તે જનતાનું ધન હવે મારી પાસે છે. લોકોના કામ, ગરીબો માટે કામ કરતી પાર્ટી ભાજપનો હું ઉમેદવાર છું એટલે હવે આખો વિષય બદલાઇ જશે. તેમને પણ તે વાતની બીક હશે કે તેમને જીવનમાં કદાચ જે મજા આપી હતી, તે મજા હવે બાકીના જીવનમાં રિવર્સ ગિયર પડશે. મને એવું લાગે છે કે, કદાચ એ આ વસ્તુથી ખૂબ જ ખુશ નહીં હોય.
‘અમે વિચારશત્રુ છીએ, વ્યક્તિગત શત્રુ નથી’
અમે વિચારશત્રુ છીએ, વ્યક્તિગત શત્રુ નથી. ચૂંટણી ફ્રેન્ડલી છે. હમણાં મોરબીની હોનારતના એક બિનરાજકીય કાર્યક્રમાં અમે મળી ગયા હતા. ત્યારે તે સામેથી આવીને મને ભેટ્યાં હતા. ત્યારે તેમણે સામેથી કીધું હતું કે આપણે ફ્રેન્ડલી લડીશું. જો કે ત્યારે ટિકિટ ડિકલેર થઈ ના હતી. મારો તથા તેનો પણ સ્વભાવ રાયવલીવાળો નથી. વિચારધારાને લઇને તે પણ મક્કમ હશે અને હું પણ મક્કમ છું. આજે 32 વર્ષના વહાણાં વાઇ ગયા, આજે જનતા તેને પસંદ કરે છે. ભાજપની વિચારધારા,વિકાસની વિચારધારા છે. તેની સાથે જનતા જોડાઈ ગઈ છે. ચૂંટણીઓ તો જીવનમાં આવતી રહેતી હોય છે પણ વિચારધારા આખી જીંદગી રહેતી હોય છે.
‘અમારું કમિટમેન્ટ પ્રાણ રહેશે ત્યાં સુધીનું છે’
શું તમારું નામ જાહેર થયું ત્યારે તમને આ વાત યાદ આવી હતી? જેના જવાબમાં કહ્યું કે, અમે લોકો આ બધી વસ્તુ વિચારતાં હોતા નથી. અમારી નજર લક્ષ્ય પર હોય છે. કદાચ આ 10-20 દિવસનો મુદ્દો હશે, જીંદગી તો જે જનતાને, ગરીબોને, વિકાસને, ભારત માતાને સમર્પિત કરી છે તે તો આખી જીંદગી પડી છે. ચૂંટણી 10-15 દહાડાની છે. અમારું કમિટમેન્ટ આજીવન રહેશે. પ્રાણ રહેશે ત્યાં સુધીનું છે. ચૂંટણી તે કમિટમેન્ટમાં નવી તાકાતમાં ઉમેરો કરવા માટે હોય છે. મને લાગે છે કે આ વાત બહુ મહત્વની નથી. આગામી દિવસોની અંદર રિઝલ્ટો આવી જશે. આખી વાત બદલાઇ જશે અને મજા આવશે.
‘તેમની વિચારધારા એ તકવાદી વિચારધારા છે’
તેમણે એમ પણ કહ્યું કે, જનતા હરાવશે. કાર્યકર્તાઓ હરાવશે. આઇ ડોન્ટ થીંક કે ગુજરાતમાં તેમના માટે કોઇ સ્પેસ છે. તેમની વિચારધારા એ તકવાદી વિચારધારા છે. તે લોકો જૂઠના સહારે સત્તામાં આવ્યા છે. તેમણે ખોટી પાર્ટી પસંદ કરી છે. મારે કોઇ ગાઇડન્સ આપવું નથી, મિત્ર છે. પરંતુ જે પાર્ટીમાં છે તે પાર્ટીને જનતા પસંદ કરતી નથી, કારણ કે અન્ના સાથે જેણે દ્રોહ કર્યો હોય, જનતાને જૂઠ્ઠાં વાયદા કર્યા છે. દેશને આર્થિક રીતે પાયમાલ કરવાની તેમણે દિશા પકડી છે. જે લોકો આ દેશની અંદર આર્મ્ડ ફોર્સનો વિરોધ કરી આંતકવાદીઓને સપોર્ટ કરતાં હોય. જે લોકો શાહીનબાગને સપોર્ટ કરતા હોય. જે લોકો સર્જીકલ સ્ટ્રાઇકના પુરાવા માંગતા હોય, જે લોકોમાં દિલ્હીની અંદર જઘન્ય હત્યાકાંડ થતાં હોય તેના કાર્યકર્તા, કોર્પોરેટર હોય. વેજલપુર બહુ સેન્સેટીવ કોન્સ્ટીટ્યુન્સી છે. આ પ્રકારની લોકોની હત્યાઓ કરનારી અને દંગાઓ ફેલાવનારી પાર્ટી છે. વેજલપુરની જનતાએ મોદી સાહેબની સરકારમાં શાંતિના દર્શન કર્યા હોય, જે પાર્ટીની સત્તા હોય તેનાથી ગુંડાઓ ડરતાં હોય, શાંતિની ગેરંટી હોય તો કોઇપણ સામાન્યજન એ ભાજપને જ પસંદ કરે. દંગાપ્રિય પાર્ટીને ગુજરાતમાં કોઈ સ્થાન નથી.
અમિત ઠાકર ભાજપના તેજ તર્રાર યુવા નેતા છે. તેઓ ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ તેમજ મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે ચૂક્યા છે. તેમજ ભાજપના યુવા ચહેરામાં મહત્વના વ્યક્તિ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.