ગ્રાઉન્ડ રિપોર્ટઆ કાકાએ ટિકિટનું 'સેટિંગ' પાડ્યું:કૉંગ્રેસની અંદરની વાત લીક, જસદણમાં લોઢે લોઢું ટકરાય એવી સ્થિતિ, બહેન ભાજપ પર બગડ્યાં

જસદણ19 દિવસ પહેલાલેખક: કમલ પરમાર

વર્ષોથી જસદણ બેઠક કોંગ્રેસનો ગઢ છે, પણ ૨૦૧૮માં ભાજપે કુંવરજીભાઈ બાવળિયાનો પક્ષ પલટો કરાવીને આ ગઢમાં ગાબડું પાડ્યું છે. ૧૯૯૫થી ૨૦૧૭ સુધી અહીં કુંવરજીભાઈ વિજેતા બનતા આવ્યા છે. ૨૦૦૯થી ૨૦૧૪ સુધી કુંવરજીભાઈ સાંસદ હતા એટલે ૨૦૧૨ની ચૂંટણીમાં ભોળાભાઇ ગોહેલને કોંગ્રેસમાંથી ટિકિટ મળી હતી અને ભોળાભાઈ જીત્યા હતા. ૨૦૧૪માં કુંવરજી બાવળિયા કોંગ્રેસમાંથી લોકસભાની ચૂંટણીમાં હાર્યા એ પછી તેમને કોંગ્રેસે ફરી ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં જસદણ બેઠક પરથી ઉતર્યા હતા ને તેમણે પરંપરાગત બેઠક પરથી વિજય મેળવ્યો હતો.

૨૦૧૮માં કુંવરજી બાવળીયાએ કોંગ્રેસ છોડીને ભાજપનો ભગવો ખેસ પહેર્યો. ૨૦૧૮માં પેટા ચૂંટણી થઈ એમાંય ભાજપમાંથી ઉભા રહેલાં કુંવરજીભાઈ જીત્યા. તેમને મંત્રીપદ પણ મળ્યું. ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે કુંવરજીભાઈને રીપીટ કર્યા છે, તો કોંગ્રેસે તેમના જ ચેલા ભોળાભાઈ ગોહેલને ચૂંટણીજંગમાં ઉતાર્યા છે. ગેમ ઓફ ગુજરાતમાં રાજકીય ગુરૂ-શિષ્યની આ બેટલ પર સૌની નજર છે. જોકે, જનતાનો મિજાજ અકળ છે.

જસદણ બેઠક પર મતદારોનું ગણિત

જસદણ વિધાનસભા બેઠક પર કોળીસમાજના મતદારોનું પ્રભુત્વ રહ્યું છે. અહીં ૭૦થી ૭૨ હજાર કોળી મતદારો છે. લેઉવા પાટીદાર મતદારો ૪૨ હજાર છે. ૧૦ હજાર કરતાં વધુ કડવા પટેલ મતદારો છે. ભરવાડ અને રબારી સમાજના મતદારોની સંખ્યા ૧૨ હજાર જેટલી છે. આ બેઠક પર અંદાજે ૩૫ ટકા કોળી મતદારો, ૨૦ ટકા લેઉવા પટેલ, ૭ ટકા કડવા પટેલ મતદારો ઉપરાંત ૧૦ ટકા દલિત, ૭ ટકા લઘુમતી, ૮ ટકા ક્ષત્રિય સમાજના મતદારો નિર્ણાયક અસર કરી શકે છે.

જસદણ બેઠકનો રાજકીય ઇતિહાસ
જસદણ બેઠકનો રાજકીય ઇતિહાસ ઘણો જ રસપ્રદ રહ્યો છે. અત્યાર સુધીના ઇતિહાસમાં એક જ વખત કોંગ્રેસની ટિકિટ પર કાઠી દરબાર સમાજના નેતા શિવરાજ ખાચર અહીંથી ચૂંટણી જીત્યા હતા. રસપ્રદ બાબત એ છે કે બેઠક પર કાઠી દરબાર મતદારો ફક્ત ૭ હજાર જેટલા જ છે. ૧૯૮૫ની ચૂંટણીમાં કુંવરજી બાવળિયા જનતા દળમાંથી ચૂંટણી લડ્યા હતા, પણ કોંગ્રેસના ભીખાભાઈ સામે કુંવરજીભાઈનો પરાજય થયો હતો. જનતાદળ અને કોંગ્રેસનું વિલિનીકરણ થતા કુંવરજી કૉંગ્રેસમાં જોડાયા હતા ને જીતતા રહ્યા હતા. કુંવરજીભાઈ ભાજપમાં જોડાતા આ બેઠક પર છેલ્લી ચૂંટણીમાં કેસરિયો લહેરાયો હતો.