ભાસ્કર એક્સક્લૂસિવમોરબી દુર્ઘટના વખતે મોદીએ ફોન કરીને શું કહ્યું હતું?:અમૃતિયા બોલ્યા- મચ્છુ હોનારત વખતે પણ મોદી રાહતકાર્ય માટે આવેલા, હું અને તેઓ ભેગા બેસી રોટલો-ગોળ ખાતા

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: સારથી એમ.સાગર

કાનો એટલે કે કાંતિ અમૃતિયા. મોરબીમાં બનેલી ઝૂલતા પુલની કરુણાંતિકા બાદથી આ નામ મોરબી સહિત સમગ્ર ગુજરાતમાં ફેમસ થઈ ગયું છે. બચાવકાર્યના તેમના વીડિયો ખૂબ વાઇરલ થયા હતા. ગઈ ચૂંટણીમાં મોરબી વિધાનસભાની બેઠક પર પાટીદાર આંદોલન અને અન્ય કારણોસર ભાજપે 25 વરસથી તેમના કબજામાં રહેલી બેઠક ગુમાવી હતી અને કોંગ્રસના બ્રિજેશ મેરજા જીત્યા હતા, પરંતુ અઢી વર્ષ બાદ જ કોંગ્રંસમાંથી રાજીનામું આપીને, એ પણ ભાજપમાં જોડાઈ જતાં મોરબી બેઠક ફરી ભાજપના ફાળે આવી હતી. બધું સમુંસૂતરું ચાલતું હતું ત્યારે ચૂંટણીની ઠીક પહેલા અચાનક જ બનેલી મોરબીની ઘટનાએ ફરી ચર્ચા જગાવી હતી કે ભાજપનું શું થશે? પરંતુ ચૂંટણીનાં સમીકરણો બેસાડવામાં માહેર ભારતીય જનતા પાર્ટીએ ઝૂલતા પુલની ઘટનાનો ચહેરો બનેલા કાંતિ અમૃતિયાને જ ટિકિટ ફાળવી છે.

આ ઘટનાક્રમ વચ્ચે લોકમુખે પણ કાંતિ અમૃતિયાએ બચાવકાર્ય કર્યાનો ફાયદો મળ્યો હોવાની ચર્ચા થઈ રહી છે. દિવ્ય ભાસ્કરે ખુદ કાંતિ અમૃતિયા પાસેથી આ અંગે જાણવાનો પ્રયત્ન કર્યો હતો. ઉપરાંત વડાપ્રધાન મોદીએ ઝૂલતો પુલ પડવાની ઘટનાના દિવસે કાંતિ અમૃતિયા સાથે શી વાત કરી એ પણ જાણ્યું હતું. મોરબી ઉપરાંત મચ્છુ હોનારત વખતે પણ કાંતિભાઈ સેવા કરવા માટે સક્રિય હતા.

મોરબીની ઘટના તમને ક્યારે ખબર પડી અને કેટલી વારમાં તમે ત્યાં પહોંચી ગયા?
એ વખતે હું રાંદલમાં એક કાર્યક્રમમાં હતો. 15-20 મિનિટમાં પોણાસાત વાગ્યે ખબર પડી તો હું ત્યાં પહોંચી ગયો. વીડિયો મૂકી દીધો અને કલેકટરને ફોન કર્યો. ત્યાં પુલ તૂટેલો હતો ને ગંદું પાણી હતું. મે એક વીડિયો મૂક્યો કે જેને તરતા આવડતું હોય એ બધા આવી જાય. ટ્યૂબ લઈને પણ આવી જાય. પછી અહી 100-150 જેટલા માણસો આવી ગયા હતા. નદીમાં ગટરનું પાણી હતું, જેમાં બધા બચાવવા પડ્યા. મે તો 2 ટકા જ કામ કર્યું હતું, બાકી 98 ટકા કામ છોકરાઓએ કર્યું છે.

ઝૂલતા પુલ નીચેની સ્થિતિ શી હતી?
હું ગયો ત્યારે પંદર જણા જ આવ્યા હતા, બાકીના બધા (નદીની) અંદર જ હતા. બીજા બધા નદીના કિનારે હતા.

ત્યાં તમે કેટલો સમય રોકાયા અને કેટલા લોકોને બચાવ્યા?
હું ચાર કલાક પાણીમાં રોકાયો હતો. લગભગ 160 લોકોને જીવતા કાઢ્યા હતા, 60 જેટલી બોડી કાઢી હતી. એ પછી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈનો ફોન આવ્યો એટલે બધાં સાધનો આવી ગયાં.

વડાપ્રધાન સાથે શી વાત થઈ હતી?
પીએમ મને કાંતિલાલ કહે છે. મને પૂછ્યું કે પોઝિશન શું છે? શું જરૂરિયાત છે? મેં કહ્યું અત્યારે અમે તત્કાલિક પહોંચી ગયા છીએ. માણસોને બચાવવાનું કામ ચાલે છે. અહીથી નગરપાલિકાની વસ્તુ આવી ગઈ છે. બોટ, માણસ ઉપરાંત જરૂરિયાતનાં સાધનોની તમે વ્યવસ્થા કરો. દોઢેક મિનિટ વાત થઈ હતી. કલાકમાં તો આખા જિલ્લામાંથી નોખાં નોખાં સાધનો એટલાં આવી ગયા કે એની વાત જવા દો.

ઘટના વિશે તેમણે શું પૂછ્યું હતું?
તેમને ખબર જ પડી ગઈ હતી, એટલે પૂછ્યું કે કેટલા માણસો હશે. મે કહ્યું કે 350- 400 જેટલા માણસ છે.

તમે બચાવકાર્ય કર્યું એટલે તમને ટિકિટ આપવામાં આવી છે?
ના. ના. ના. એવો વિષય જ નથી. બચાવકાર્ય તો હું કાયમથી કરું છું. 1979માં હોનારત થઈ ત્યારે પણ હોનારતમાં કામ કર્યું હતું. એ પછી ભૂકંપમાં પણ કામ કર્યું હતું. હું સેવાભાવી માણસ છું. મને વિસ્તારમાં પણ બધા કાનાભાઈ કહે છે અને પાર્ટીમાં મારી ઇમેજ છે.

ગમગીન માહોલમાં પ્રચાર કેવી રીતે કરશો?
કાનાભાઈ બહાર નીકળ્યા એટલે બધોય સમાજ ભેગો ચાલવાનો છે.

તો પ્રચાર કરવાની જરૂર નહીં પડે?
મને તકલીફ નથી મોરબીમાં.

મચ્છુ હોનારત થઈ ત્યારે પણ તમે પહોંચી ગયા હતા?
પહોંચ્યો નહોતો. ત્યારે તો ગામડે જ રહેતા હતા. ત્યારે હું જેતપર હતો. ત્યાંથી અમે દરરોજ જીપ લઈને મોરબી આવતા ત્યારે અમે. એ વખતે અમે સંઘના કેમ્પમાંથી 500-700 સ્વયંસેવક ગયા હતા. નરેન્દ્રભાઇ અમારા આગેવાન હતા. બધું હેન્ડલિંગ કરતા. ડેડબોડી ઉપાડતા. કચરો સાફ કરતા. ભેંસો મરી ગઈ હતી એમને પણ ઉપાડીને સળગાવતા. દોઢેક મહિનો જેટલું અમે ત્યાં રહ્યા હતા. એ દરમિયાન જેતપરથી મોરબી રોજ અપડાઉન કરતા. ઉપરાંત રોટલા અને ઘી ગોળ લઈને બધા ભેગા બેસીને ખાતા.

ત્યારથી વડાપ્રધાનને ઓળખો છો કે એ પહેલાંથી?
હોનારત થઈ ત્યારથી જ ઓળખું છું. ત્યારે હું સ્વયંસેવક હતો. એ પ્રદેશ લેવલના હતા. હું ગામનો હતો. મારી 17 વર્ષની ઉંમર હતી. તેમની 28 વર્ષની ઉંમર હતી. હોનારતમાં અમારો પરિચય થયો એ પછી તો સાવ નજીક જ થઈ ગયા.

ટિકિટ મળ્યા બાદ લોકો સાથે વાત થઈ?
હું જ્યાં જઉં ત્યાં 2000થી 5000 માણસો સાથે વાત થાય. મારી સભામાં પણ 500 માણસો આવી જાય છે. મારી એક સીટ માટે જ નહીં, વાંકાનેર સહિત બીજી સીટ પર પણ પ્રચાર માટે જઉં છું.

લોકો માટે શું કરશો?
લોકોને જે જરૂર હોય એ બધું કરીશું.

હાલમાં શી સમસ્યા છે?
અત્યારે સમસ્યા છે. 100 ટકા છે. મૂળ તો મોરબીમાં ઉદ્યોગ ઝાઝા છે. ઉદ્યોગના વિષયમાં સમસ્યા હોય અને બીજા ત્યાં જાડા રસ્તા બનાવવાના. સમસ્યાઓ છે, પણ એનો હલ અમે કરી દઈશું. અને તમે વિચાર્યું નહિ હોય એવું રિઝલ્ટ આવશે.

તમારું ભણતર શું છે?
હું દસમામાં ફેઇલ હતો. સાબરમતી જેલમાં ગયો ત્યારે દસમું પાસ કર્યું. 11-12 બીએનું ફોર્મ ભર્યું ત્યાં તો હું છૂટી ગયો હતો. પૈસા ન લેવામાં મને આજીવન કેદ થઈ હતી. એ ઘટના મોરબીમાં કોઈને પણ પૂછશો તો કહેશે. એમાં મને ખોટો ફસાવ્યો હતો. સાબરમતી (જેલ)માં ભણ્યા એટલે કેટલા હોશિયાર હોઈએ?

તમને સભામાં કેવો પ્રતિસાદ મળે છે?
(એનો જવાબ તેમના મિત્ર અને ઉદ્યોગપતિ કેજી કુંડારિયાએ આપતાં કહ્યું હતું કે કાનાભાઈ 5000થી વધુ મતથી જીતે છે. કાનાભાઈનો મિત્ર છું એટલે હું આ અતિશયોક્તિ નથી કરતો. હું તો ઉદ્યોગપતિ છું .બિનરાજકીય માણસ છું. દરેક લોકો એવું કહે છે કે કાનાભાઈ તમને ટિકિટ મળે એની અમે રાહ જોતા હતા. કેટલાયે તો માનતાઓ રાખી છે કે ટિકિટ મળી છે તો દર્શન કરવા જાવું પડશે. માતાજીનો માંડવો રાખ્યો છે, તમારે આવવું પડશે. માણસોની આ ચાહના છે, કેમ કે કાનાભાઈનું વ્યક્તિત્વ પારદર્શી છે. એ કોઈને ખોટી સલાહ નથી આપતા. કોઈને ખોટું નથી બોલતા. ગમે તે માણસ સવારે 7 વાગ્યે આવે કે રાત્રે 12 વાગ્યે આવે, એ કાનાભાઈને મળી શકે છે. તેમનું કામ કાનાભાઈ કરી દે છે, આ મૂળ તેમનું જમાપાસું છે.

લોકો એવું કહેતા હતા કે ઝૂલતા પુલની ઘટના વખતે તમે ફોટો પડાવ્યો અને વીડિયો બનાવ્યો.
ના. ના. હું સાડાચાર કલાક ત્યાં પાણીમાં રહ્યો હતો. મારો એવો સ્વભાવ પણ નથી. મને કોઈ ફોટો છપાવવાનો શોખ નથી. હું તો ટીવીમાં પણ નથી આવતો. જે છે એ દિલમાં છે.

તમને બધા કાનો કહીને સંબોધે છે, એવું એક સભામાં તમે કહ્યું એ વિશે જણાવશો?
મારું લાડકું નામ કાનો છે, એટલે બધા કાનાભાઈ કહે છે. કાના આ કર નાખ... જે એવું કહે છે.

હવે તો મને સિનિયર ગણો એવું કેમ કહ્યું ?
હું ધારાસભ્ય થયો ત્યારે પહેલી અને બીજી ટર્મમાં સૌથી નાનો હતો. એટલે બધા બેઠા હોય ત્યારે હું દોડીને બધું લઈ આવું. વિધાનસભામાં સૌથી નાનો હું એટલે લાડકો ગણાવું ને.

કાંતિ અમૃતિયા તેમના પરિવાર સાથે
કાંતિ અમૃતિયા તેમના પરિવાર સાથે

કોણ છે કાંતિ અમૃતિયા?
કાંતિલાલ શિવલાલ અમૃતિયાનો જન્મ 8 માર્ચ 1962ના રોજ મોરબી જિલ્લાના જેતપરમાં એક મધ્યમવર્ગીય પટેલ સમુદાયના પરિવારમાં થયો હતો. કાંતિભાઈના પરિવારમાં તેમનાં પત્ની જ્યોત્સ્નાબેન, એક પુત્રી અને પુત્ર પ્રથમ છે. પ્રથમ તેમના પારિવારિક ઉદ્યોગ સાથે જ જોડાયેલા છે. ચાર ભાઈ છે અને તેમનો પરિવાર પણ છે. કાન્તિભાઈએ મોરબીની વીસી ટેક્નિકલ હાઈસ્કૂલમાંથી શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. એક યુવાન તરીકે તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, એક વિદ્યાર્થી સંગઠનમાં જોડાયા અને ભ્રષ્ટાચારવિરોધી નવનિર્માણ ચળવળમાં સામેલ થયા હતા. સંસ્થામાં પૂર્ણ સમયના સભ્ય તરીકે કામ કર્યા પછી તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.

તેમના અને તેમનાં પત્ની જ્યોત્સ્નાબેનના નામે 14 જેટલી કંપનીઓ નોંધાયેલી છે. પોતે 2007માં બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી એફવાયબીએ સુધી ભણેલા છે. તેઓ કહે છે કે અમારે 30 ગ્રુપ 30 જેટલા ઉદ્યોગ સાથે સંકળાયેલાં છે. તેઓ સાત ટર્મથી ચૂંટણી લડે છે.

અન્ય સમાચારો પણ છે...