ELECTION રાઉન્ડ અપ:મેવાણીની સભામાં કનૈયા કુમારે મોદી-શાહને ઘેર્યા, વિપુલ ચૌધરીની અંગદ સાથે સરખામણી, જુઓ ચૂંટણીના 6 સૌથી મોટા સમાચાર

2 મહિનો પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગતિવિધિઓ પણ તેજ થઈ રહી છે.સત્તાનાં સંગ્રામમાં તમામ પક્ષોના આગેવાનોએ ગુજરાતમાં ધામા નાખ્યા છે.એક બીજા પર આરોપ પ્રત્યારોપનો દૌર ચાલી રહ્યો છે.રોજ રોજ સભાઓ થઈ રહી છે.ઉમેદવારોના નામોની જાહેરાતો થઈ રહી છે. કોઈ નેતા નામ જાહેર થતાં ખુશ છે તો કોઈ નેતા રોષે ભરાયા છે. ત્યારે દિવસભરની તામામ રાજકીય અપડેટ માટે દિવ્ય ભાસ્કર લઈને આવ્યુ છે ઈલેક્શન રાઉન્ડ અપ ન્યુઝ બુલેટિન.જેમાં દિવસભરની તમામ મહત્વની રાજકીય ખબરોનો ચિતાર મળશે સંક્ષિપ્તમાં. બુલેટિન જોવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો

મેવાણીની સભામાં કનૈયા કુમારે મોદી-શાહને ઘેર્યા

ગુજરાત ઈલેકશનમાં કૉંગ્રેસના સ્ટાર પ્રચારક કનૈયાકુમારે આજે બનાસકાંઠાના વડગામમાં કૉંગ્રેસના ઉમેદવાર જિગ્નેશ મેવાણી માટે સભાન સંબોધી હતી. અહીં કનૈયા કુમારે ભાજપના પરિવારવાદને લઈ આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, પ્રધાનમંત્રી પરિવારવાદનો વિરોધ કરે છે અને તેના જ ગૃહમંત્રી પોતાના દીકરાને BCCIના સેક્રેટરી બનાવે છે.

કોંગ્રેસના ઉમેદવારોમાં ગજબની વેરાયટી
કોંગ્રેસના અમદાવાદની અમરાઈવાડી બેઠકના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલ(ધમભાઈ) લેમ્બોર્ગિની કારમાં ફોર્મ ભર્યું હતું. તેમની કાર મામલતદાર ઓફિસ બહાર ઉભા રહેતા જ લોકોના જોવા માટે ટોળા વળ્યાં હતા. તો ઠક્કરબાપાનગર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વિજય બ્રહ્મભટ્ટ ઊંટગાડીમાં બેસીને ફોર્મ ભરવા માટે કલેક્ટર ઓફિસ ખાતે પહોંચ્યા હતા. દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, આજે મોંઘવારીએ માઝા મૂકી છે. પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ વધ્યા છે, ત્યારે હવે મારે ચૂંટણી ફોર્મ ભરવા માટે પણ ઊંટગાડી લઈને આવવું પડે છે.તો બીજી બાજુ દરિયાપુરથી કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખ સાયકલ પર ઉમેગવારી કરવા પહોંચ્યા

વિક્રમ માડમે ઈસુદાનના દિલ ખોલી વખાણ કર્યા
વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે તમામ પક્ષના નેતાઓ પોતાની સરકાર બનાવવા માટે ગામડે ગામડે ફરીને પ્રચારમાં લાગી ગયા છે. રાજકીય ગરમાગરમીમાં એકબીજા પક્ષ પર આક્ષેપ કરવા તે કંઈ નવી વાત નથી. જોકે રાજકારણમાં કોઈ કોઈનું કાયમી દુશ્મન નથી, એવાં દૃશ્યો ખંભાળિયા બેઠક પરથી સામે આવ્યાં છે. કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમે એક જાહેર સભામાં આમ આદમી પાર્ટીના પોતાના હરીફ ઉમેદવાર ઈસુદાન ગઢવીના પેટ ભરીને વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે 'ભાજપે ઈસુદાન પર ખોટા આક્ષેપો કર્યા છે, ગઢવીનો દીકરો કર્યારેય કોઈ બહેન-દીકરીની આબરૂ લૂંટવા ન જાય.' મહત્ત્વનું છે કે સમગ્ર ગુજરાતમાં અને ખાસ સૌરાષ્ટ્રમાં આહીરો ગઢવીઓને ભાણેજ કહે છે. વિક્રમ માડમે ઈસુદાનનાં વખાણ કરતાં લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે 'મામા-ભાણેજ'ની આ ગજબની રાજનીતિ છે'

'કોંગ્રેસને શરમ આવશે કે આટલા જ મત મળ્યા'
રાજ્ય સહિત મહેસાણા જિલ્લામાં વિધાનસભા ચૂંટણીનો જંગ જામ્યો છે. ત્યારે ગઈકાલે સાંજે વીસનગર વિધાનસભા સીટ પર ભાજપના ઉમેદવાર અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પોતાના કાર્યાલયના ઉદઘાટન બાદ કોંગ્રેસ પર પ્રહાર કરંતા જણાવ્યું હતું કે વીસનગરમાં કોંગ્રેસ 1985થી જીતી જ નથી અને ભવિષ્યમાં પણ જીતશે નહીં. લીડની વાત તો જવા દો, કોંગ્રેસને શરમ આવશે કે આટલા જ મત મળ્યા.

રાજકીય પક્ષો માટે ચૌધરી સમાજનું શક્તિ પ્રદર્શન
ગાંધીનગર જિલ્લાના ચરાડા ગામે સ્વ. માનસિંહ ચૌધરીની જન્મ જયંતિનો ઉત્સવ ઉજવાયો હતો. અર્બુદા સેનાએ આ કાર્યક્રમમાં પોતાની આગામી રાજકીય રણનિતી જાહેર કરવાની વિચારણાં છેલ્લી ઘડીએ બદલી નાખી આખાયે આ કાર્યક્રમને સામાજિક કાર્યક્રમમાં ફેરવી દીધો હતો. કાર્યક્રમ દરમિયાન મંચ પર જ માથાકુટ જોવા મળી હતી. જોકે, ચૌધરી સમાજ ઈચ્છે છે કે વિપુલ ચૌધરી ચૂંટણી લડે પણ અંતિમ નિર્ણય વિપુલ ચૌધરી જ લેશે તેમ આગેવાનો કહે છે.

રમેશ ટીલાળાનું ખોડલધામના ટ્રસ્ટી પદેથી રાજીનામું
લેઉવા પટેલ સમાજના એકતાના પ્રતિક સમાન ખોડલધામમાં રાજકારણને પ્રવેશ આપવામાં આવશે નહીં તેવો નિયમ ટ્રસ્ટીઓ અને ચેરમેને બનાવ્યો છે. ત્યારે ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળાને ભાજપે રાજકોટ દક્ષિણ બેઠક પરથી ટિકિટ આપી છે. આથી નિયમ મુજબ રમેશ ટીલાળાએ ખોડલધામ ટ્રસ્ટમાંથી ટ્રસ્ટી પદેથી રાજીનામું આપી દીધું છે. રાજકારણમાં પ્રવેશ કરતા જ રમેશ ટીલાળાએ પોતાનું ટ્રસ્ટી પદેથી ખોડલધામમાંથી રાજીનામું આપ્યું છે.

'પીવાનું પાણી નહીં તો મત નહીં'
વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પ્રજા પાસે મત માગવા રાજકીય નેતાઓ દોડી રહ્યા છે. પરંતુ ચૂંટણી સમયે જ પ્રજા પોતાની સમસ્યાઓનો ઉકેલ ન આવતો હોય તો વિરોધ કરે એ સ્વાભાવિક છે. પરંતુ રાજકોટના મોટામવા વિસ્તારની 25 સોસાયટીના લોકો આજે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ચૂંટણી બહિષ્કારનો નિર્ણય કર્યો છે. મોટી સંખ્યામાં મહિલાઓ સાથે પુરૂષો પણ એકઠા થયા હતા. લોકોએ ‘પીવાનું પાણી નહીં તો મત નહીં, રાજકીય પક્ષોએ આવવું નહીં’ના બેનર સાથે સુત્રોચ્ચાર કર્યા હતા. આ 25 સોસાયટીમાં 20 હજાર મતદારો છે. પરંતુ છેલ્લા ચાર વર્ષથી પ્રાથમિક સુવિધા ન મળતા લોકોએ નાછૂટકે રસ્તા પર ઉતરી આવવું પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...