ભાસ્કર ઇન્ટરવ્યૂહાર્દિક ભાજપમાં કેમ ગયો?:પહેલીવાર કથીરિયાએ મોટો ધડાકો કર્યો, 'AAPમાં જોડાતાં હવે હું એ કામ નહીં કરી શકું', 'ગબ્બરે' ખુલ્લા મને કરી વાત

2 દિવસ પહેલાલેખક: હર્ષ પટેલ

ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકમાં ઘણી એવી બેઠકો છે, જ્યાં આ વખતે બે કે તેથી વધુ પક્ષો વચ્ચે રાજકીય મુકાબલો ખૂબ રસપ્રદ બન્યો છે. એમાંથી એક બેઠક એટલે સુરતની વરાછા વિધાનસભા બેઠક. આ બેઠક પર ભાજપના તરફથી કુમાર કાનાણી, આમ આદમી તરફથી અલ્પેશ કથીરિયા, જ્યારે કોંગ્રેસ તરફથી પ્રફુલ તોગડિયા ઉમેદવાર છે. વર્ષ 2012 અને 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં વરાછાથી ભાજપના ઉમેદવાર કુમાર કાનાણી જીતી ગયા હતા. ગત વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર આંદોલનની લહેર હોવા છતાં પણ ભાજપના કુમાર કાનાણી જીતી ગયા અને રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી પણ બન્યા, પરંતુ આ વખતે કનાણીને મજબૂત ટક્કર આપી રહ્યા છે પાટીદાર અનામત આંદોલનથી ચર્ચામાં આવેલા અલ્પેશ કથીરિયા. ત્યારે દિવ્ય ભાસ્કરે રાજકારણમાં આવવાનું કારણ, વરાછા બેઠક જીતવાની રણનીતિ અને રાજકીય પડકારો અંગે અલ્પેશ કથીરિયાને સવાલો કર્યા.

દિવ્ય ભાસ્કર- PAASના અલ્પેશ અને AAPના અલ્પેશમાં શું ફરક આવ્યો?
અલ્પેશ કથીરિયા- પાટીદાર આંદોલન સમયે સમાજની જવાબદારી હતી, સામાજિક ભાર હતો, સમાજના પ્રશ્નો હતા. આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ એ પ્રશ્નો તો છે જ. આ ઉપરાંત હવે તો દરેક સમાજની જવાબદારી ઊભી થઈ છે.

દિવ્ય ભાસ્કર- પાટીદાર આંદોલન સમયે તમે, હાર્દિક પટેલ, રેશ્મા પટેલ, વરુણ પટેલ એકસાથે રહીને લડ્યા, આંદોલન બાદ બધા નેતાઓ અલગ-અલગ પક્ષોમાં કેમ થઈ ગયા?
અલ્પેશ કથીરિયા-દરેક વ્યક્તિની રાજકીય વિચારધારા અલગ હોય છે. તમામ લોકોને પોતાને અનુકૂળ સમીકરણ અલગ હોય છે, એટલે બધાએ પોતપોતાની લાગણી મુજબ જે-તે પક્ષમાં ગયા છે.

દિવ્ય ભાસ્કર- પાટીદાર આંદોલન અને આમ આદમી પાર્ટીની વિચારધારામાં શું ફરક છે? અને બન્ને વચ્ચે સંતુલન કેવી રીતે જાળવો છો?
અલ્પેશ કથીરિયા- આંદોલનમાં ઘણાં કામો એવાં હોય, જે સરકાર સામે કરવાનાં હોય છે. ક્યારેક કાયદાને અનુસરીને થતાં હોય, ક્યારેક કામ કાયદાની બહાર જઈને પણ કરવાં પડે. જ્યારે કોઈ રાજકીય પક્ષમાં જોડાઓ છો ત્યારે પક્ષના નીતિ-નિયમો અનુસરવા પડે. પક્ષની શિસ્તમાં રહીને પ્રોટોકોલ જાળવવા પડે. પ્રદેશની ટીમ અને હાઇકમાન સાથે સંપર્કમાં રહીને કામ કરવું પડે. આંદોલનકારી અને રાજનેતામાં ઘણો ફરક આવી જાય.

દિવ્ય ભાસ્કર- પાટીદાર આંદોલન સમયના નેતા અને કાર્યકર્તાઓ વચ્ચે હાલમાં કોઈ સંપર્ક છે?

અલ્પેશ કથીરિયા- દરેક લોકો સંપર્ક કરી રહ્યા છે અને આજે પણ અમારા માટે કાર્યકર્તાનો સહયોગ ખૂબ મહત્ત્વનો છે, જેમણે પાટીદાર આંદોલન સમયે ખૂબ મહેનત કરી હતી અને આજે પણ ખૂબ પરિશ્રમ કરી રહ્યા છે. લોકોમાં પરિવર્તનની જે જંખના છે તેના માટે કાર્યકર્તાઓ એક સૈનિક તરીકે કામ કરી રહ્યા છીએ.

દિવ્ય ભાસ્કર- હાર્દિક પટેલને ભાજપમાં કેમ જોડાવવું પડ્યું?
અલ્પેશ કથીરિયા- મને લાગે છે કે ભાજપ સામ, દામ, દંડ, ભેદની નીતિને અનુસરીને કામ કરતો હોય છે. હાર્દિક પટેલના કિસ્સામાં પણ આવું કાંઈ થયું હશે, જેનાથી તેમને ભાજપમાં જવું પડ્યું હશે.

દિવ્ય ભાસ્કર- અત્યારે તમારા પર કેટલા પોલીસ કેસ છે?, સૌથી મોટો આરોપ કયો છે?

અલ્પેશ કથીરિયા- મારા પર સૌથી મોટા બે આરોપ રાજદ્રોહના છે. એક અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં અને બીજો સુરત ક્રાઈમ બ્રાંચમાં. બીજા 12થી પણ વધારે કેસ નોંધાયેલા છે.

દિવ્ય ભાસ્કર- હાલ ચૂંટણીના સમયમાં તમારા દૈનિક કાર્યક્રમ શું હોય છે?
અલ્પેશ કથીરિયા- હાલ તો ધંધો, વ્યવસાય અને પરિવાર માટે જરા પણ સમય નથી કાઢી શકતો. સવારે છ વાગ્યાથી જ ચૂંટણી માટેનું કામ શરૂ થઈ જાય છે. કાર્યકર્તાઓ સાથે બેઠક કરી રણનીતિ બનાવવી, ડોર ટુ ડોર કેમ્પેન કરવું, જાહેરસભા કરવી. રાત્રે 12 વાગ્યા સુધી સતત વ્યસ્ત રહું છું.

દિવ્ય ભાસ્કર- જાહેર જીવનમાં ક્યારેક નિરાશ થઈ ગયા હોવ એવું બન્યું છે?
અલ્પેશ કથીરિયા- પાટીદાર આંદોલન સમયે જ્યારે તમારા સાથી મીડિયામાં આવીને એલફેલ બોલે, ત્યારે લાગતું કે આટલું કર્યા બાદ પણ બધું વ્યવસ્થિત નથી થઈ રહ્યું. એટલે થોડી તો નિરાશા આવે.

દિવ્ય ભાસ્કર- રાજકીય જીવનમાં તમે પોતાને કયા સર્વોચ્ચ સ્થાને જોવા માગો છો?

અલ્પેશ કથીરિયા- હું તો મારી જાતને જનતાની વચ્ચે જ જોવા માગું છું. જનતા મને જે પદે બેસાડવાનું નક્કી કરશે ત્યાં પહોંચીશ. વ્યક્તિગત રીતે મેં ક્યારેય કોઈ પદની અપેક્ષા રાખી નથી.

દિવ્ય ભાસ્કર- સુરતમાં 16 બેઠક છે, આમ આદમી પાર્ટીને કેટલી મળશે?
અલ્પેશ કથીરિયા- 10 દિવસ પહેલાં અમે 7થી 8 બેઠક પર આગળ હતા, કાર્યકર્તાઓની મહેનતથી હમણાં અમે 10 બેઠક મેળવવામાં સફળ રહીએ એવું લાગે છે. સમયની સાથે જનતાનું સમર્થન વધશે તો બેઠકો પણ વધી શકે છે.

દિવ્ય ભાસ્કર- ભાજપના કુમાર કાનાણી જેવા નેતા સામે કઈ રણનીતિથી લડો છે?
અલ્પેશ કથીરિયા- એક આપનો દીકરો છે, બીજો કમાઉ દીકરો છે. કોરોનાકાળમાં હું જનતાની વચ્ચે રહ્યો, તેઓ AC કેબિનમાં બેસી રહ્યા. એક વ્યક્તિ ઈમાનદાર છે, સામે બેઈમાનદારોની આખી ફોજ છે. આ મુદ્દે હવે જનતા નક્કી કરશે.

અન્ય સમાચારો પણ છે...