ભાસ્કર ઇન્ટરવ્યૂબાવળિયાનો બેબાક અંદાજ જુઓ:શિષ્ય અંગે પહેલીવાર ખુલીને બોલ્યા, દિલ્હીના ચશ્માથી કેમ કાળું દેખાય એનો પણ ફોડ પાડ્યો

જસદણ17 દિવસ પહેલાલેખક: કમલ પરમાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 150 પ્લસનો ટાર્ગેટ જીતવા ભાજપે ક્યાંક નો રિપીટ તો ક્યાંક બેઠકોને સુરક્ષિત રાખવા ઉમેદવારોને રિપીટ કર્યા છે. જસદણ વિધાનસભા કે જે વર્ષોથી કોંગ્રેસનો ગઢ છે પણ 2018માં કુંવરજીભાઈ બાવળિયાએ પક્ષપલટો કરાવીને આ ગઢમાં ગાબડું પાડ્યું. 1995થી જસદણ બેઠક પર બાવળિયા વિજેતા બનતા આવ્યા છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પણ કુંવરજીભાઈએ પરંપરાગત બેઠક પર જીત મેળવી હતી. આ વખતની ચૂંટણીામાં પણ ભાજપ ઉમેદવાર કુંવરજીભાઈ ચૂંટણી મેદાને ઉતર્યા છે ત્યારે સરકારમાં મંત્રી રહી ચૂકેલા કુંવરજીભાઈ પોતાના જ ચેલા ભોળાભાઈ ગોહિલ સામે ચૂંટણી જંગ લડશે. ત્યારે દિવ્ય ભાસ્કરે કુંવરજી બાવળિયા સાથે તેમની રણનીતિ, કરેલા કાર્યો અને પ્રજાના કયા કાર્યોને પ્રાથમિક્તા, તેમજ ગુરુ શિષ્યની ટક્કરના વિવાદ મુદ્દે સવાલ કર્યા હતા.

દિવ્ય ભાસ્કરઃ હાલ જસદણમાં કઈ રીતે પ્રચાર કરી રહ્યાં છો ?
કુંવરજી બાવળિયાઃ ભાજપે અહીંની વિધાનસભા બેઠક માટે આદેશ કર્યો છે. એટલે ઉમેદવારી નોંધાવીને છેલ્લા 4 દિવસથી વિવિધ ગામડાઓમાં આગેવાનો સાથે મુલાકાત કરીને પ્રચાર કરી રહ્યાં છે. છેલ્લા ઘણા વર્ષોથી આ વિસ્તારના લોકોની સાથે રહીને જે વિશ્વાસ મેળવ્યો છે એના જ કારણે આજે તમામ ગામનાં લોકો મને આવકારી રહ્યાં છે.

દિવ્ય ભાસ્કરઃ તમારા મત વિસ્તારમાં કયા કયા વિકાસનાં કામો કર્યા છે ?
કુંવરજી બાવળિયાઃ આ વિસ્તારમાં સિંચાઈની વાત હોય કે કનેસરા ડેમની વાત હોય કે પાનીયા ડેમની વાત હોય એની સાથે સૌની યોજના જોડીને વિસ્તારને આવરી લીધો હતો. જ્યારે બાકી રહેલા વિસ્તારના સમાવેશની વાત હોય. અહીં પાયાના શિક્ષણની વાત હોય આ તમામ કામગીરી કરી છે. અહીં 18 જેટલી માધ્યમિક શાળાઓ પણ કાર્યરત થઈ છે. આ સાથે જ હું જ્યારે સરકારમાં હતો ત્યારે 15મી જૂનથી વિજ્ઞાન પ્રવાહની કોલેજ પણ શરૂ કરાવી હતી. શિક્ષણ મેળવવામાં અહીંના દીકરાં, દીકરીઓને મુશ્કેલી ન પડે તે માટે પાયાની કામગીરી કરવાનો પ્રયત્ન કર્યો. આ સાથે જ 8 કરોડના ખર્ચે જસદણમાં સ્પોર્ટ્સ સંકુલ બને તે માટેની ગ્રાન્ટ મંજૂર કરાવી છે.

દિવ્ય ભાસ્કરઃ ભાજપમાં હોય કે કોંગ્રેસમાં જનતા તમને જ પસંદ કરે છે એનું શું કારણ?
કુંવરજી બાવળિયાઃ જાહેર જીવનમાં આવ્યો ત્યારથી પાયાના લોકો સાથે જોડાયેલો છું. છેવાડાના માનવીને કયા પ્રકારની જરૂરીયાત છે, જેવી કે દવાઓ, રેશનીંગ કાર્ડ કે શિક્ષણની કોઈપણ સમસ્યા હોય અમે અમારી ટીમ સાથે મળીને લોકો સુધી સુવિધા પહોંચાડી છે. જ્ઞાતિ જાતિ જોયા વગર અમે દરેક લોકોના કામ કર્યા છે. અને તેમના સુખ દુઃખના સાથી બનીને તેમની પડખે ઉભા રહ્યાં છે. એ રીતે આ વિસ્તારની જનતાએ અમારા પર ભરોસો અને વિશ્વાસ રાખ્યો છે.

દિવ્ય ભાસ્કરઃ ભાજપમાં છો ત્યારે વધુ કામ કર્યા કે કોંગ્રેસમાં હતા ત્યારે ?
કુંવરજી બાવળિયાઃ કોંગ્રેસમાં હતો ત્યારે પણ પાયાના કામ કરતો હતો આજે ભાજપમાં છું ત્યારે પણ લોકોના કામ કરૂં જ છું. પહેલાં યોજનાકીય કામો સરળતાથી નહોતા થતાં પણ હવે સરળતાથી થઈ જાય છે. આજે છેવાડાના લોકો સુધી પાયાની સુવિધા ઉભી કરી છે.

દિવ્ય ભાસ્કરઃ ગુરુ અને શિષ્ય સામે સીધો જ જંગ છે શું કહેશો ?
કુંવરજી બાવળિયાઃ આ તો લોકશાહી છે અહીં ગુરુ અને શિષ્યનો કોઈ સવાલ જ નથી. અમારા તમામ કાર્યકરો અને આગેવાનોની મદદથી તમામ લોકોનું કામ કરી રહ્યાં છે. માત્ર ચૂંટણી પુરતો જ નહીં પણ તમામ કામો માટે પણ હર હંમેશ તેમની સાથે ઉભો રહું છું. લોકોશાહીમાં તો જે લોકો કામ કરે તેને જ પસંદ કરે છે.

દિવ્ય ભાસ્કરઃ ગુરુ અને શિષ્ય વિશે કહેવાય છે કે શિષ્ય હંમેશા ચડિયાતા હોય છે ત્યારે જસદણના જંગ વિશે શું કહેશો ?
કુંવરજી બાવળિયાઃ આની પહેલાં પણ જસદણમાં અનેક શિષ્યોએ મારી સાથે ટકરાવ લીધો હતો પણ શિષ્યોને પણ એમને એમની રીતે રસ્તો મળી ગયો છે.

દિવ્ય ભાસ્કરઃ ફરીથી સત્તા મળશે તો કયા કામોને પ્રાથમિકતા આપશો ?
કુંવરજી બાવળિયાઃ આવનારા દિવસોમાં રાજ્યમાં ફરીવાર ભાજપની સરકાર આવશે એ નક્કી છે, લોકોએ પણ આ વખતે મક્કમતા સાથે વિચારી લીધું છે કે, ભાજપના ઉમેદવાર કુંવરિયા બાવળિયાને જંગી બહુમતથી જીતાડવા છે. અને લોકોનો જે વિશ્વાસ છે એના ઉપર હું ખરો ઉતરીશ. આ સાથે અહીં ઉદ્યોગોનો વિકાસ થાય એ માટે જીઆઈડીસી પણ બનાવવા પ્રયાસ કરીશ. વિધાર્થીઓની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અહીં જ સેન્ટર બનાવીશું. આવનારા દિવસોમાં હેન્ડીક્રાફ્ટ માટે કન્વેન્શન હોલ બને જેમાં બહારથી ઉદ્યોગકારો આવીને રોકાણ કરી શકે. આ સાથે જ આવનારા દિવસોમાં બાકી કામો પૂર્ણ કરવાની યોજના છે.

દિવ્ય ભાસ્કરઃ આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે દિલ્હીનું મોડલ ગુજરાતમાં લાગું કરીશું ?
કુંવરજી બાવળિયાઃ એ મિત્રોએ અહીં આવીને જોઈ જવું જોઈએ કે અમે આ મોડલ અપનાવાના નથી. અહીંયા શિક્ષણની સુવિધા પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ત્યાનું મોડલ અપનાવવા જઈએ તો અહીંની સરકારી શાળાના બાળકો ખાનગી શાળામાં જતા રહે. કદાચ એ મિત્રોએ દિલ્હીના ચશ્મા પહેર્યાં છે એટલે જ તેમને કંઈક ગ્રીન કે કાળું દેખાતું હશે. બાકી અહીંયા શિક્ષણની સુવિધા સારી જ છે. અહીં આમ આદમી પાર્ટીની કોઈ જરૂર નથી. અહીં તેમની સાથે બે કે પાંચ કાર્યકરો હશે પણ એની કોઈ ખાસ અસર રહેશે નહીં.