ભાસ્કર ઇન્ટરવ્યૂપરિવારના ચક્રવ્યૂહમાં પ્રભાતસિંહ:''પુત્રવધૂના સંસ્કાર ખોટા છે, મારી સામે પ્રચાર ન કરવો પડે એટલે ચોથી પત્ની નાસી ગઈ'' જાણો ચારેય પત્ની અને સંતાનો વિશે

હાલોલ3 દિવસ પહેલાલેખક: જીતુ પંડ્યા

રાજકારણના અનેક રંગ હોય છે. કોઈ ફિલ્મની જેમ એમાં જેમ જેમ ઊંડા ઊતરતા જાઓ એમ એમ એક બાદ એક પરતો ઊઘડતી જાય અને કેરેક્ટરના ગ્રે શેડ્સ પણ સામે આવવા લાગે. ગુજરાતમાં હાલ રાજકીય માહોલ ગરમાયો છે. આ વખતે તો પરિવારો જ એકબીજાની સામે તલવાર તાણીને મેદાનમાં આવી ગયા છે, જેમાં અંકલેશ્વરના બે ભાઈઓ વચ્ચેનો ચૂંટણીજંગ હોય કે જામનગરમાં રીવાબા અને નયનાબા વચ્ચેનું શીતયુદ્ધ હોય કે પછી પ્રભાતસિંહ ચૌહાણનો પરિવાર. એમાં પણ પ્રભાતસિંહ ચૌહાણની વાત કરીએ તો તેમની જિંદગી તો ફિલ્મ-એક્ટર કબીર બેદી સાથે મળતી આવે છે. કબીર બેદીએ ચાર-ચાર લગ્ન કર્યાં છે અને ઢળતી ઉંમરે દીકરીથી પણ નાની ઉંમરની પરવીન દુસાંજ સાથે લગ્ન કર્યા હતા. તો બીજી તરફ પ્રભાતસિંહ ચૌહાણે પણ ચાર-ચારવાર ચોરીના ચાર ફેરા ફર્યા છે.

પ્રભાતસિંહની જિંદગી એક જબરદસ્ત ફેમિલી ડ્રામા વેબસિરિઝ બને એવી છે, જેમાં પ્રેમ અને પોલિટિક્સથી ભરપૂર છે. એક જ પરિવારના સભ્યો એકબીજાને રાજકીય રીતે પછાડી દેવા માટેના દાવપેચ પણ રમે છે. તો આજે વાત કરવાની છે પ્રભાતસિંહ ચૌહાણની. દિવ્ય ભાસ્કરે પ્રભાતસિંહ ચૌહાણ સાથે એક્સક્લૂસિવ વાતચીત કરી હતી, જેમાં પૂત્રવધૂ અને પત્ની સાથે ટિકિટ મામલે થયેલા વિવાદથી લઈ ચૂંટણીમાં દારૂની રેલમછેલ તેમજ દારૂ પી પીને દીકરાના થયેલા મોત અંગે વાતો કરી હતી. આજે પહેલી જ વાર દિવ્ય ભાસ્કર પ્રભાતસિંહની ચાર પત્ની અને તેમનાં સંતાનો અંગે જણાવી રહ્યું છે. પહેલા પત્ની રૂપાલીબેનથી ત્રણ દીકરા, જ્યારે બીજાં પત્ની લીલાબેનથી એક પુત્રી અને ત્રીજાં પત્ની રમીલાબેનથી એક દીકરો અને એક દીકરી, જ્યારે ચોથા પત્ની રંગેશ્વરીથી એક દીકરો છે. પાંચ દીકરાઓ અને બે દીકરી એમ સાત સંતાનો છે.

5 વર્ષ બાદ આ કારણે ફરી શરૂ થયો પરિવારમાં કકળાટ
ભાજપે પ્રભાતસિંહ ચૌહાણને ટિકિટ ન આપતાં તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. ત્યાર બાદ ભાજપે પ્રભાતસિંહના પુત્રવધૂ અને કાલોલના સીટિંગ ધારાસભ્ય એવા સુમન ચૌહાણની પણ ભાજપે ટિકિટ કાપી ફતેસિંહ ચૌહાણને ટિકિટ આપી હતી. ત્યાર બાદ ભાજપના ઉમેદવારનો પ્રચાર કરવા માટે પુત્રવધૂ સુમન ચૌહાણ અને ચોથી પત્ની રંગેશ્વરી પણ મેદાનમાં ઊતરી હતી, જેને પગલે પરિવારનો સમગ્ર વિખવાદ સામે આવ્યો હતો.

‘પી પીને કિડની ખરાબ થઈ ગઈ છે, તે 6 મહિના જ જીવવાનો છે’
પુત્રવધૂએ કહ્યું હતું કે પરિવારના નથી થયા તો સમાજના અને પ્રજાના શું થશે, એવું કહ્યું છે આ અંગે આપ શું કહેશો? જેના જવાબમાં પ્રભાતસિંહે કહ્યું, તેને ભણતર કે જ્ઞાન નથી. કોઈ વહુ એવી હોય? દુનિયામાં જે સસરાની વિરુદ્ધ બોલે? તેના સંસ્કાર ખોટા છે. મેં કહેવડાવ્યું કે આ તારી વાત બરાબર નથી, કારણ કે પ્રવીણ મારો દીકરો હતો. સી.કે. રાઉલજીએ ત્યારે શરત કરેલી કે કાલોલમાં પ્રવીણને ટિકિટ આપવાના હોય તો જ હું ભાજપમાં આવું. તે લોકોએ હા પાડેલી, પણ ચૂંટણી આવી ત્યારે પ્રવીણને ટિકિટ આપતા હતા. ત્યારે મેં એનો વિરોધ કરેલો કે તેને આ ખોટી ટિકિટ આપો છો, પી પીને તેની કિડની ખરાબ થઈ ગઈ છે અને તે છ મહિના જ જીવવાનો છે અને 6 મહિના પછી જ ચૂંટણી આવશે.

‘વહુ મારી સામે ગમે તેમ બોલે, એટલે મેં તેમના છોકરાને કીધું’
‘અમિત શાહને બધાએ કહ્યું હતું કે આવું જ થવાનું હોય તો તેમનાં પત્ની સુમનને આપોને ટિકિટ, પ્રભાતસિંહ જ જિતાડશે. મેં 84 મીટિંગ કરી તાલુકામાં અને તેને જિતાડી હતી, તેનું તો કોઈ રાજકારણ હતું જ નહીં. એ વહુ મારી વિરુદ્ધ ગમે તેમ બોલે એટલે મેં તેમના છોકરાઓને કીધું કે આ બધું વાજબી નથી એટલે એ બધા ખસી ગયા છે. હું જ જીતવાનો છું એમા કોઈ બેમત નથી’

‘મોદી વડાપ્રધાન બન્યા ને મોંઘવારીએ માજા મૂકી’
ભાજપે ટિકિટ ન આપતા કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાનું કારણ શું? જે અંગે તેમણે જણાવ્યું, 2009થી હું લોકસભામાં ચૂંટાયો અને 2014થી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા. ત્યાર પછીથી જોઈએ... મોંઘવારીએ માજા મૂકી છે, બીજી બાજુ બેકારી, ત્રીજી બાજુ અસુરક્ષા, બળાત્કાર અને ખૂન થાય છે. આ સિવાય ભ્રષ્ટાચાર પણ ખૂબ વધ્યો છે. ડબલ એન્જિન સરકાર અને હું કહું છું ડબલ ભ્રષ્ટાચાર ચાલે છે. તાલુકા કચેરીઓથી લઈ તમામ જગ્યાએ પૈસા વિના કામ થતું નથી. કૃષિ બિલ જુઓ, ફરી પંજાબના ખેડૂતો આંદોલન કરવાના છે. આ બધું જોયા પછી લાગ્યું કે આમેય 81મું વર્ષ ચાલે છે. પબ્લિક બિચારી ક્યાં જાય કામ માટે? મારી ઓફિસ ચાલે છે ગોધરામાં અને ઘરે આવે તેનું પણ કામ થાય છે.

‘તેમનો દીકરો બૂટલેગર છે...બૂટલેગર છે’
આ વખતે ભાજપે તમારાં પત્ની કે પુત્રવધૂને પણ ટિકિટ કેમ આપી નથી? જે અંગે તેમણે કહ્યું, પાર્ટીના બધા લોકો નિરીક્ષકો પાસે ગયા ત્યારે બધાએ એમ કહ્યું કે તેમનો દીકરો બૂટલેગર છે...બૂટલેગર છે. એટલે તેમને ટિકિટ ન આપી. તેનેય ટિકિટ ન આપી અને મનેય ન આપે તો મારું તો રાજકારણ પૂરું થઈ જાય. મારે નાછૂટકે કોંગ્રેસમાં જઈ લોકોની જવાબદારી નિભાવવાની છે. નોન કરપ્ટ અને નિર્વ્યસની છું. કોઈપણ મારી સામે આંગળી ન ચીંધી શકે. હું કૃષ્ણ પ્રણામી છું(કંઠી પકડીને કહ્યું). 13 હજાર માઇલ પદયાત્રા કર્યા પછી સંતના આશીર્વાદથી રાજકારણમાં આવ્યો છું. હું સમાજથી લઈ તાલુકા, જિલ્લા, ધારાસભા, લોકસભા સહિત 37મી ચૂંટણી છે, હું એકપણ ચૂંટણી હાર્યો નથી.

‘કોઈપણ પાર્ટી હોય, ચૂંટણીમાં દારૂ વેચે જ છે’
તમે સંસદસભ્ય હતા ત્યારે કહ્યું હતું કે દારૂ વિના ચૂંટણી ન જીતાય, એ અંગે શું કહેશો? જે અંગે પ્રભાતસિંહે કહ્યું, આજેય કહું છું કોઈપણ પાર્ટી હોય, ચૂંટણીમાં દારૂ વેચે જ છે. દારૂ મેં નજરે નથી જોયો. હું કૃષ્ણ પ્રણામી છું. 100 ગામ બાળો એટલું પાપ લાગે છે. મને ટિકિટ મળી જાય પછી હું ક્યારેય ઓફિસ જતો નથી. મેં હજુ સુધી મારી ગાડી કે બુલેટમાં કોઈ પાર્ટીનું પેટ્રોલ-ડીઝલ પૂર્યું નથી અને નહીં પૂરું. દારૂ મારો વિષય જ નથી.

‘હાથી અપની ચાલ ચલત હૈ, કુત્તા ભસે તો ભસને દો’
પંચમહાલમાં તમારું રાજકીય કદ ઘટે એમાં કોનો હાથ છે? જે અંગે તેમણે કહ્યું, જે-તે વખતના ભાજપ વખતના લોકો આ કામ કરે છે, પરંતુ તેમનું કંઈ આવવાનું નથી. હાથી અપની ચાલ ચલત હૈ, કુત્તા ભસે તો ભસને દો. જેને જે બોલવું હોય એ બોલે. બાકી પ્રભાતસિંહ લીડથી જીતેલો છે એ યાદ રાખજો. પાંચ વર્ષ સુધી એવું કામ કરીશ કે કોઈ એમ નહીં કહી શકે કે અમારું આ કામ નથી થયું, કારણ કે હું તો પંચાયતના સભ્યમાંથી તાલુકા, જિલ્લા, ધારાસભ્ય, મંત્રી અને સંસદ સુધી પહોંચેલો છું. ઘણી મંડળીઓનો પ્રમુખ રહી ચૂક્યો છું. હું અનુભવી છું, કોઈ દિવસ પાછો પડવાનો નથી.

‘તું કોનાં કપડાં પહેરીને ફરે છે?’
તમે કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યા છો ત્યારે ભાજપના ફતેસિંહ ચૌહાણનો સામનો કેવી રીતે કરશો? આ વાતનો જવાબ આપતાં પ્રભાતસિંહે કહ્યું, ફતેસિંહ ચૌહાણ પર કેટલા કેસ થયા છે, મારે કહેવા નથી. જો સજા થઈ હોત તો તેનું ફોર્મ જ રદ થાય. હું તેના વિરુદ્ધ બોલવાનો નથી, એ મારી વિરુદ્ધ બોલે છે. ભાજપનાં કપડાં પહેરીને ફરે છે એવું કહે છે, તું કોનાં કપડાં પહેરીને ફરે છે? મેં તો કોઈના પૈસા લીધા નથી. મારી પાસે 10 વીઘા જમીન છે અને પેન્શન આવે છે. મારે શું કામ બીજાનાં કપડાં પહેરવાં પડે?

‘જો મને પકડી શકો તો મારે ટિકિટ નથી જોઈતી’
75 વર્ષે તો સંન્યાસનો સમય હોય તો 81 વર્ષે પણ ચૂંટણી લડવા અંગે પ્રભાતસિંહે જવાબ આપ્યો કે મારું શરીર જોતાં 81 વર્ષ લાગે છે? કોઈ વ્યસન નથી કે કોઈ કરપ્શન નથી. આજે પણ દરરોજ 10 કિલો અનાજ મોરને નાખું છું. મારે ત્યાં 200 મોર છે. 13 વર્ષથી ઉંમરથી નાખું છું. હું આજે પણ દોડું છું, જો મને પકડી શકો તો મારે ટિકિટ નથી જોઈતી.

‘કોઈ પાર્ટી મને કાઢી નહીં શકે’
81 વર્ષની ઉંમરે હવે નવયુવાનને તક આપવા અંગે તેમણે કહ્યું, આપી છે, ભાજપે આપી છે. મારા બ્લડના ગુણ સેવાના છે. જીવીશ ત્યાં સુધી સેવા કરીશ. કોઈ પાર્ટી મને કાઢી નહીં શકે. હું 80માંથી કોંગ્રેસમાં ચૂંટાયો હતો, નરેન્દ્રભાઈ મને લઈ ગયા પણ આ તો મારી સંસ્થા છે. તમને કોંગ્રેસે ટિકિટ ન આપી હોત તો અપક્ષમાંથી ચૂંટણી લડ્યા હોત? જેના જવાબમાં તેમણે કહ્યું- ના, હું અપક્ષમાંથી ના લડું. ના કેમ આપે?

શંકરસિંહ સાથે કેવા છે સંબંધો?
એક સમયના હરીફ શંકરસિંહ વાઘેલા સાથેના સંબંધો અંગે તેમણે કહ્યું, હું પગે લાગવા ગયો તો મારા હાથ પકડી લીધા, કારણ કે તેમના કરતા એક વર્ષ મારી ઉંમર વધારે છે.

ભાજપે જેઠા ભરવાડને ટિકિટ કેમ આપી એનું પ્રભાતસિંહે રહસ્ય ખોલ્યું
ભૂતકાળમાં જેઠા ભરવાડ સામે આક્ષેપો કરેલા એ અંગે પ્રભાતસિંહે આગળ કહ્યું, જેઠા ભરવાડ સામે ઘણા ગુના નોંધાયેલા છે. પેપર વાંચો કેટલા ગુના છે? આપણે એની સાઈડ શું કામ જવાનું. જે કરે તે ભોગવે, હું કરું તો હું ભોગવું. એક નક્કી કરેલું એક હોદ્દો હોય તો બીજો હોદ્દો નહીં આપવાનો. તેમની પાસે 12 હોદ્દા છે છતાં તેમને ટિકિટ આપી કારણ? તેમણે ભાજપને ખરીદી લીધો છે.

પત્ની સાથેના વિખવાદમાં પ્રભાતસિંહે બધાં રહસ્યો ખોલી દીધાં
મારા પરિવારમાં મારા પાંચ કાકા અને છઠ્ઠા મારા પિતા છે. એ બધા એમ આખો પરિવાર મારી સાથે છે. જે તમે વાત કરો છો ધારાસભ્ય(સુમન ચૌહાણ)ની એ બેસી ગયા ઘરમાં. મેં કહ્યું, તમને શોભે છે આ? તમને ટિકિટ અપાવી મેં, તમને જિતાડ્યા હતા, તમે મારી સામે થશો તો શું થશે? બિચારી શું કરે, ઘરે બેસી ગયાં. મારાં પત્ની મારી સાથે જ છે, પરંતુ મારો છોકરો ગાંધીનગર ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે અને તેમનું ટ્યૂશન ચાલે છે. એ હોય ભાજપમાં અને હું હોય કોંગ્રેસમાં, મારી વિરુદ્ધ કામ ન કરી શકે ચોખ્ખી જ વાત છે એટલે શું કરે, નાસી ગયા ત્યાં. જુઠ્ઠું નહીં બોલવાનું, એકવાર જુઠ્ઠું બોલો તો 100 વખત આડું આવે એટલે સાચી વાત જ કહી દેવાની.

‘પહેલાં જે ભાજપ હતો એ નથી રહ્યો, આ બિકાઉ ભાજપ છે’
ભાજપ નીતિ-નિયમો અને સિદ્ધાંતોની વાતો કરે છે એ કેટલા અંશે વાજબી છે? જેના જવાબમાં પ્રભાતસિંહે જણાવ્યું, એ બધું ખોટું છે. નીતિ-નિયમોની વાતો કરે એટલું જ છે. પહેલાં જે ભાજપ હતો એ નથી રહ્યો, આ બિકાઉ ભાજપ છે.

‘2024માં દેશમાં ભાજપ નહીં હોય’
ભાજપ તમારી સામે પડકાર છે તો આ વખતે કેટલા મતથી જીતશો? જે અંગે પ્રભાતસિંહ બોલ્યા, 25000 મતની લીડથી જીતીશ, હવે ભાજપના વળતા પાણી છે. 2024માં ભાજપ નહીં હોય દેશમાં, કારણ કે બધી વાતની હવે હદ થઈ ગઈ છે. લોટ પર જીએસટી? પૈસા તો ગામડાંના લોકોના ગજવામાંથી જાય છેને. આ તેલના ભાવ તો જુઓ. 3000 રૂપિયાનો ડબ્બો થઈ ગયો છે. મારી પાસે ઘણા મુદ્દા છે. હું લીડથી જીતીશ.

‘ભાજપની સરકારે એક ડેમ બનાવ્યો હોય તો બતાવો’
કાલોલમાં કયાં કામો બાકી છે? જે અંગે તેમણે કહ્યું, મોટામાં મોટું લક્ષ્ય બાકી છે. ગોમા ડેમ. અમારી કોંગ્રેસની સરકારે પંચમહાલ જિલ્લામાં 27 ડેમ બનાવ્યા છે. ભાજપની સરકારે 1 ડેમ બનાવ્યો હોય તો બતાવો. આપણો નર્મદા ડેમ છે, ત્યાં બોર્ડ મારેલું છે, એનું નેહરુએ ખાત મુહૂર્ત કરેલું છે. બનાવ્યો છે કોંગ્રેસે અને જશ એમાંય લે છે. ગોમા ડેમ તો બજેટમાં લાવ્યો હતો, એ ડેમ કેમ પૂરો કરતા નથી? 64 પંચાયતોને પાણી મળવાનું હતું, પણ ન બનાવ્યો, માત્ર વાતો જ કરી છે.

‘દરેક સીટ પર બળવો થવા લાગ્યો, એટલે ભાજપ સમજ્યો કે સીટો ઘટશે’
વડોદરામાં 76 વર્ષના યોગેશ પટેલને ટિકિટ આપવા અંગે પ્રભાતસિંહે કહ્યું, એ સીટ પર બીજો કોઈ જીતે એવો ઉમેદવાર નહોતો અને આ ભાઈ અપક્ષ ઉમેદવાર ઊભા રહેવાના હતા અને જીતી જવાના છે એમ પાર્ટી સમજી ગઈ એટલે ટિકિટ આપી. તમને 81 વર્ષે ટિકિટ આપવામાં ભાજપને શો વાંધો હતો?
એ વખતે તેમણે નક્કી જ કરેલું કે 75 વર્ષથી ઉપરનાને ટિકિટ ન આપવી. પછી દરેક સીટ પર બળવો થવા લાગ્યો એટલે પાર્ટી સમજી કે આ સીટો ઘટશે એટલે પછી ટિકિટ આપી.

દીકરા પૃથ્વી સાથે રંગેશ્વરી અને પ્રભાતસિંહ ચૌહાણ.
દીકરા પૃથ્વી સાથે રંગેશ્વરી અને પ્રભાતસિંહ ચૌહાણ.

2017માં પણ ટિકિટ માટે પરિવારમાં થયું હતું મહાભારત
ભાજપ માટે કલોલ બેઠક કાયમ કકળાટ ભરી રહે છે. 2017માં ભાજપે પ્રભાતસિંહનાં પત્નીને બદલે પુત્રવધૂને ટિકિટ આપતાં આખો મામલો પડકારાયો હતો. પ્રભાતસિંહનાં પત્ની રંગેશ્વરી ચૌહાણ ઘોઘંબા તાલુકા પંચાયતનાં પ્રમુખ હતાં, જ્યારે પુત્રવધૂ સુમનબેન ચૌહાણ પંચમહાલ જિલ્લા પંચાયતમાં સભ્ય હતાં. ગોધરાના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે પત્ની રંગેશ્વરી માટે ટિકિટ માગી હતી, પણ ભાજપના નેતાઓએ ધારાસભ્ય અરવિંદ રાઠોડની ટિકિટ કાપીને પ્રભાતસિંહનાં પુત્રવધૂ સુમન ચૌહાણને આપી હતી, જેમાં સુમન ચૌહાણની જીત થઈ હતી. આ બેઠક પર જ્ઞાતિવાદી રાજકારણ હાવી રહ્યું છે.

પ્રભાતસિંહનાં પત્ની કરતાં પુત્રવધૂ છે 15 વર્ષ મોટાં
પ્રભાતસિંહ ચૌહાણનાં પત્ની કોણ ને પુત્રવધૂ કોણ એ અંગે ઘણા લોકોને અનેક સવાલો થાય છે. એનું કારણ પ્રભાતસિંહનાં પત્ની યુવા છે, જ્યારે તેમનાં પુત્રવધૂ સુમન ચૌહાણ પ્રૌઢા છે. રંગેશ્વરી વસાવા સાથે પ્રભાતસિંહનાં ચોથાં લગ્ન છે, જે પતિથી 41 વર્ષ નાનાં છે. પ્રભાતસિંહ ચૌહાણની વય હાલમાં 81 વર્ષ છે, જ્યારે રંગેશ્વરી ચૌહાણની વય માત્ર 40 વર્ષ છે, જ્યારે બીજી તરફ તેમનાં પુત્રવધૂ સુમનબેનની વય 55 વર્ષની છે. આમ, પુત્રવધૂ પોતાનાં સાસુ કરતાં 15 વર્ષ મોટી છે.

પત્ની રંગેશ્વરી સાથે પ્રભાતસિંહ ચૌહાણ.
પત્ની રંગેશ્વરી સાથે પ્રભાતસિંહ ચૌહાણ.

ચોથા પત્ની રંગેશ્વરી ચૌહાણ સત્તાવાર રીતે પોતાનું નામ રંગેશ્વરી વસાવા જ લખાવે છે. પુત્રવધૂ સુમનબેનને ટિકિટ આપતાં પ્રભાતસિંહના કુટુંબમાં મહાભારત શરૂ થયું હતું અને તેમની પત્ની રંગેશ્વરીબેન છંછેડાયાં હતાં. જોકે પ્રભાતસિંહે બાદમાં તેમનો પુત્ર પ્રવીણસિંહ ચૌહાણ (સુમનબેનના પતિ) બૂટલેગર છે એ સંદર્ભનો પત્ર તેમના લેટરપેડ પર લખીને અમિત શાહને પાઠવ્યો હતો. અંતે સાસુવહુ વચ્ચે સમાધાન થઇ ગયું હતું. વહુ સુમનબેન ફોર્મ ભરવા ગયાં ત્યારે તમામે ઉપસ્થિત રહી આશિષ પણ પાઠવ્યા હતા. પક્ષપ્રમુખની સભા યોજાઈ હતી, એમાં સ્ટેજ પર પ્રભાતસિંહ ચૌહાણ, તેમના ચોથી પત્ની રંગેશ્વરી ચૌહાણ, બૂટલેગર પુત્ર પ્રવીણસિંહ અન તેમનો પૌત્ર સ્ટેજ પર એકસાથે જોવા મળ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે પ્રભાતસિંહના દીકરા પ્રવીણ રાઠોડનું થોડા સમય પહેલાં જ મૃત્યુ થઈ ગયું છે.

પ્રભાતસિંહ ચૌહાણનાં પત્ની રંગેશ્વરી દેવી ભાજપમાં છે, જ્યારે તેમના પતિ પ્રભાતસિંહ ચૌહાણ ભાજપ છોડીને હવે કૉંગ્રેસમાં જોડાયા છે. તેમણે કાલોલ બેઠક પરથી કૉંગ્રેસે તેમને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે અને તેમણે ઉમેદવાર ફોર્મ પણ ભર્યું છે.

દીકરા પૃથ્વી સાથે પ્રભાતસિંહની ચોથી પત્ની રંગેશ્વરી.
દીકરા પૃથ્વી સાથે પ્રભાતસિંહની ચોથી પત્ની રંગેશ્વરી.

કોણ છે પ્રભાતસિંહ ચૌહાણ
81 વર્ષીય પ્રભાતસિંહ ચૌહાણનો જન્મ 15 જૂન, 1941ના રોજ ગોધરાના મહેલોલમાં થયો હતો. તેમણે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત મેહલોલ ગામના સરપંચ તરીકે કરી હતી. બાદમાં તેઓ તાલુકા અને જિલ્લા પંચાયતમાં વિવિધ પદો પર ચૂંટાયા હતા. પ્રભાતસિંહે પ્રથમ બે વિધાનસભા ચૂંટણી 1980 અને 1985માં કાલોલ બેઠક પરથી કૉંગ્રેસની ટિકિટ પરથી લડી હતી અને બંને વખત તેઓ ચૂંટાયા હતા. 1990માં કૉંગ્રેસે ટિકિટ ન આપતાં તેઓ ભાજપમાં જોડાયા અને ભાજપ તરફથી 1995, 1998 અને 2002માં ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા. ભાજપે તેમને 2007માં પણ ટિકિટ આપી હતી, જોકે તેઓ કૉંગ્રેસના સી. કે. રાઉલજી સામે હારી ગયા હતા. એ જ સમયે તેમના પુત્ર પ્રવીણસિંહ કાલોલથી અપક્ષના ઉમેદવાર તરીકે ઊભા રહ્યા હતા અને હાર્યા હતા.

આ મંત્રાલયો સંભાળી ચૂક્યા છે પ્રભાતસિંહ
ધારાસભ્ય તરીકેના કાર્યકાળ દરમિયાન પ્રભાતસિંહ ગુજરાત સરકારમાં પર્યાવરણ, આદિવાસી વિકાસ અને યાત્રાધામ વિકાસ મંત્રાલય સંભાળી ચૂક્યા છે.
બાદમાં તેઓ પંચમહાલ લોકસભા બેઠક પરથી 2009 અને 2014માં ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. જોકે 2019માં ભાજપે લોકસભાની ટિકિટ ન આપતાં તેઓ નારાજ થયા હતા.

ડાબેથી 15 વર્ષ નાની ઉંમરનાં સાસુ રંગેશ્વરી સાથે પ્રભાતસિંહના પુત્રવધૂ સુમન ચૌહાણ.
ડાબેથી 15 વર્ષ નાની ઉંમરનાં સાસુ રંગેશ્વરી સાથે પ્રભાતસિંહના પુત્રવધૂ સુમન ચૌહાણ.

કાલોલ વિધાનસભામાં સાસુ-વહુનો જાદુ ચાલશે કે પ્રભાતસિંહનો?
કાલોલ વિધાનસભાના 2012નાં પરિણામમાં ભાજપના અરવિંદસિંહ રાઠોડ અને કોંગ્રેસના રાજેન્દ્રસિંહ જાદવ વચ્ચે સીધો જંગ થયો હતો, જેમાં ભાજપના ઉમેદવાર અરવિંદસિંહ રાઠોડ વિજેતા બન્યા હતા. 2017માં ભાજપના ઉમેદવાર સુમન ચૌહાણ અને કોંગ્રેસમાંથી પ્રદ્યુમ્નસિંહ ચૌહાણ વચ્ચે સીધો જંગ ખેલાયો હતો, જેમાં સુમન ચૌહાણ ભાજપમાંથી ભારે બહુમતીથી વિજેતા બન્યા હતા. અહીં જોવા જઈએ તો ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ ધરાવતી બેઠક છે. ત્યારે આ વખતની ચૂંટણીમાં ભાજપમાંથી ફતેસિંહ ચૌહાણની પસંદગી કરી સુમન ચૌહાણને પડતા મૂકવામાં આવ્યા છે, જ્યારે ભાજપના ઉમેદવાર સામે ભાજપમાંથી અલવિદા કરી કોંગ્રેસમાં જોડાયેલા પ્રભાતસિંહ ચૌહાણને કાલોલ વિધાનસભા બેઠક પર ટિકિટ આપવામાં આવી છે, જ્યારે આમ આદમી પાર્ટીમાંથી દિનેશ બારિયાએ ઝંપલાવ્યું છે. ઉલ્લેખનીય છે કે ભાજપના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણને બહુમતીથી વિજયી બનાવવા માટે પ્રભાતસિંહ ચૌહાણનાં પત્ની અને પુત્રવધૂ મેદાને પડ્યાં છે.

(ઇનપુટઃ રાજુ સોલંકી, ગોધરા)

અન્ય સમાચારો પણ છે...